દુઆ પછી મામલો અલ્લાહના હવાલે

0
82

“નૂહ (અ.સ.)એ તરત જ અરજ કરી, “હે મારા રબ ! હું તારી પનાહ માગું છું, તેનાથી કે તે વસ્તુ તારી પાસે માગું જેનું મને જ્ઞાન નથી. જો તેં મને માફ ન કર્યો અને દયા ન ફરમાવી તો હું બરબાદ થઈ જઈશ.” (સૂરઃ હૂદ, આયત-૪૭)
હઝરત નૂહ અ.સ.ની કોમ પર જ્યારે અઝાબનો સમય આવી ગયો તો એ મોકા પર હઝરત નૂહ અ.સ.એ અલ્લાહથી દુઆ કરી કે હે મારા રબ, તેં વાયદો કર્યો હતો કે તું મને અને મારા ઘરવાળાઓને અઝાબથી બચાવી લઈશ, તો મારા પુત્રને આ અઝાબથી સુરક્ષિત રાખ. આના પર અલ્લાહે હઝરત નૂહ અ.સ.ને ચેતવ્યા કે હે નૂહ (અ.સ.), એ તમારા ઘરવાળાઓમાંથી નથી. એટલે કે જેણે તમારા નિમંત્રણને કબૂલ નથી કર્યું, અને પોતાના કુફ્ર તથા હઠાગ્રહ પર અડગ રહ્યો, તેનાથી તમારો કોઈ સંબંધ-સગપણ બાકી નથી રહ્યો. આથી એક નબીને આ વાત નથી શોભતી કે તે કોઈ એવી વ્યક્તિ માટે નજાત (મુુક્તિ) માટે દુઆ માગે જેના વિનાશ (મૃત્યુ)નો ફેસલો અલ્લાહ કરી ચૂક્યો હોય અને જેણે અલ્લાહ તરફથી મળેલ મહેતલથી લાભ ઉઠાવ્યો ન હોય.
હઝરત નૂહ અ.સ.ની દુઆના જવાબમાં અલ્લાહે જ્યારે તેમને ચેતવ્યા તો તેમને અહેસાસ થયો કે દીકરાના મામલામાં તેમનાથી શું ભૂલ થઈ ગઈ. આ અહેસાસ થતાં જ તુરત જ તેમણે અલ્લાહ સમક્ષ આજિજી અને શર્મિંદગી વ્યક્ત કરી અને એ આજિજી તથા શર્મિંદગી શબ્દોમાં ઢળીને દુઆના રૂપમાં તેમના મુખેથી સરી પડી, જેનું વર્ણન ઉપર નોંધેલી આયતમાં કરવામાં આવ્યું છે.
હઝરત નૂહ અ.સ.એ કહ્યું કે હે મારા રબ, હું તારી પનાહ (શરણ) માગું છું કે હું એવી કોઈ વસ્તુની માગ કરૂં કે જેના વિષે હું નથી જાણતો. હઝરત નૂહ અ.સ.ના આ વાક્યમાં અલ્લાહના સાચા બંદાનું આ ચરિત્ર બતાવવામાં આવ્યું છે કે તેને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ આ અંદાજાે થઈ જાય છે કે તેનાથી આ ભૂલ એટલા માટે થઈ કે તે અલ્લાહની પનાહ-શરણની બહાર નીકળી ગયો, અને પોતાના નફ્‌સની વાતમાં આવી ગયો, આથી તેણે તરત જ અલ્લાહની પનાહ-શરણની તરફ પલટવું જાેઈએ. સાથે જ પોતાના અલ્પ-જ્ઞાનની અભિવ્યક્તિ પણ છે કે પોતાના નફ્સની વાત માનીને એક એવી વાત કહી જેના વિષે જ્ઞાન ન હતું. આમાં આ વાતનો પણ એકરાર છે કે અલ્લાહ જ દરેક વસ્તુ વિષે ખરેખરૂં કે સાચું જ્ઞાન ધરાવે છે. પછી જ્યારે પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો તો અલ્લાહની શરણમાં આવવા માટે પોતાની ભૂલ પર મગફિરત અને દયાની દુઆ પણ માગી, અર્થાત્‌ અલ્લાહ જ મનુષ્યને ભૂલોથી સુરક્ષિત રાખી શકે છે, અને જો ભૂલ થઈ જાય તો માફી આપી શકે છે. તો અલ્લાહથી જ આ માગવામાં આવે કે તેની મગફિરત ફરમાવે અને તેની સાથે દયાનો મામલો કરે. અલ્લાહની મગફિરત અને તેની દયા જ બરબાદી અને નુકસાનથી બચાવી શકે છે.
હઝરત નૂહ અ.સ. અને અલ્લાહની વચ્ચે આ ગુફતેગૂમાં જે દુઆ તથા દુઆનો જવાબ પણ છે, ઈમાનવાળાઓ માટે કેટલાય વિચારણીય બિંદુ મૌજૂદ છે. સૌથી પહેલી વાત તો આ જ છે કે મનુષ્ય પોતાના ઘરવાળાઓ માટે સ્વાભાવિક રીતે જ કેટલીય લાગણીઓ ધરાવે છે, પરંતુ એ લાગણીઓ ઈમાન પર પ્રભુત્વ ધરાવે એવું ન હોવું જોઈએ. મનુષ્યે પોતાની પત્ની અને બાળકો માટે ‘હિદાયત’ની દુઆ કરવી જોઈએ. તેમને ગુમરાહી (પથભ્રષ્ટતા)માંથી કાઢવા માટે ચિંતિત હોય, પરંતુ જ્યારે તેમના જીવનની મહેતલ પૂરી થઈ જાય, અલ્લાહની સુન્નત મુજબ તેમના માટે હિદાયત (સન્માર્ગ)નો દરવાજો બંધ થઈ જાય તો પછી સમગ્ર મામલો અલ્લાહને હવાલે કરી દેવામાં આવે. અલ્લાહને આ વાત પસંદ નથી કે તેના અવજ્ઞાકારી અને અપકાર કરનારા લોકો માટે ‘નજાત’ (મુક્તિ)ની દુઆ માગવામાં આવે. મનુષ્ય પોતાની પત્ની અને બાળકો અંગે ખૂબ જ ભાવુક કે લાગણીશીલ હોય છે. પરંતુ અલ્લાહની નજરમાં સંબંધ-સગપણ (રિશ્તાઓ)ની બુનિયાદ ફક્ત આ નથી કે કોઈની સાથે તમારો લોહીનો કે લાગણીનો સંબંધ (સગપણ, રિશ્તો) છે, બલ્કે આના સિવાય એક અન્ય મહત્ત્વની વસ્તુ ઈમાન છે. જો ઈમાન ન હોય તો એક માણસ તમારૂં લોહી હોવા છતાં તમારા ઘરનો ભાગ નથી રહેતો, બલ્કે તે તમારાથી અલગ થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here