જહન્નમને ખ્વાહિશોથી ઢાંકી દેવામાં આવી છે

0
44

યૂસુફ (અ.સ.)એ કહ્યું : “હે મારા રબ ! હું તે કામ કરૂં જે આ લોકો મારી પાસે કરાવવા માગે છે તેની સરખામણીમાં કેદ મને મંજૂર છે અને જો તેં તેમની ચાલોને મારાથી દૂર ન કરી તો હું તેમની જાળમાં ફસાઈ જઈશ અને અજ્ઞાનીઓમાં સામેલ થઈ જઈશ. તેના રબે તેની દુઆ કબૂલ કરી અને તે સ્ત્રીઓની ચાલો તેનાથી દૂર કરી દીધી. નિઃશંક તે જ છે જે બધું જ સાંભળે અને બધું જ જાણે છે.” (સૂરઃ યૂસુફ, આયતો-૩૩,૩૪)

પૈગમ્બર મુહમ્મદ સ.અ.વ.ની એક હદીસ છે કે : “જહન્નમને ખ્વાહિશોથી ઢાંકી દેવામાં આવી, અને જન્નતને અપ્રિય વસ્તુઓથી ઢાંકી દેવામાં આવી છે.” અર્થાત્‌ જન્નતની તરફ લઈ જનારો માર્ગ એવી વસ્તુઓથી ભરેલો છે કે જે મોટાભાગે માનવીના ‘નફ્‌સ’ પર ભારે હોય છે, અથવા માનવીના ‘નફ્‌સ’ને પસંદ નથી હોતી. જ્યારે કે જહન્નમના રસ્તા પર એવી વસ્તુઓ વિખરાયેલી હોય છે કે જેમની તરફ ‘નફ્‌સ’ ઝડપથી આકર્ષિત થાય છે. આટલા જ માટે માનવીને જન્નતના માર્ગે ચાલવા માટે સ્વયં પોતાના ‘નફ્‌સ’થી પણ સંઘર્ષ કરવો પડે છે, લડવું પડે છે, અને આ લડાઈ સૌથી વધુ મુશ્કેલ છે. જે વાતને સમજે છે તે જાણે છે કે તેને પોતાના ‘નફ્‌સ’ પર કાબૂ રાખવા કે તેનાથી લડવાની શક્તિ મેળવવા માટે પોતાના રબથી પોતાનો સંબંધ (રિશ્તો) વધુ ને વધુ મજબૂત રાખવાનો રહેશે અને માનવીનો પોતાના રબથી સંબંધ (રિશ્તો) એટલો જ વધુ મજબૂત થાય છે જેટલો તે તેને યાદ રાખે છે, તેનાથી દુઆ માગે છે, અને તેની સામે પોતાના કપાળ (માથા)ને ઝુકાવે છે.

પોતાના ‘નફ્‌સ’ સાથે ભારે સંઘર્ધ અને તેને કાબૂમાં રાખવા માટે અલ્લાહની પનાહ (શરણ)માં પોતાને પૂરી રીતે આપી દેવાનું ઉમદા ઉદાહરણ કુર્આનમાં હઝરત યૂસુફ અ.સ.નું છે. હઝરત યૂસુફ અ.સ.નો ઉછેર મિસ્ર (ઇજિપ્ત)ના રાજ્યમાં એક મોટા હોદ્દા પર બિરાજમાન વ્યક્તિના ઘરમાં થયો હતો, પરંતુ એ જ ઘર હઝરત યૂસુફ અ.સ. માટે પરીક્ષાની જગ્યા પણ બનનાર હતું. જ્યારે તેની માલકણે પોતાના સૌંદર્ય અને શક્તિ દ્વારા હઝરત યૂસુફ અ.સ.ને પોતાની જાળમાં ફસાવવાનું ઇચ્છયું. તેણે જ્યારે પોતાની તમામ કોશિશ કરી લીધી, અને આ જાેયું કે હઝરત યૂસુફ અ.સ. કોઈ પણ રીતે તેની ખ્વાહિશ (ઇચ્છા) પૂરી કરવા તૈયાર નથી તો તેણે ધમકી આપી કે તે તેમને કારાવાસમાં નંખાવી દેશે. કુર્આને આ દૃશ્યને પોતાની આયતોમાં સુરક્ષિત કરીને રાખ્યો છે, જેને દરેક વ્યક્તિએ વારંવાર જાેવી જાેઈએ કે એક તરફ એ વસ્તુનું નિમંત્રણ છે કે જે માનવ-નફ્‌સ માટે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે, અર્થાત્‌ કોઈ ખ્વાહિશ, અને બીજી બાજુ એ વસ્તુની ધમકી છે કે જેનાથી માનવી સૌથી વધુ ઘભરાય છે, અર્થાત્‌ અનિશ્ચિત સમયનો કારાવાસ. આવામાં કેવી રીતે ચરિત્રનું દૃષ્ટાંત સ્થાપિત કરવામાં આવે ? હઝરત યૂસુફ અ.સ.એ આ તમામ ઘટનાક્રમ જાેયા પછી અને નિમંત્રણ તથા ધમકીના વિકલ્પોની વચ્ચે પોતાના રબને પોકાર્યો. આ પ્રસંગે હઝરત યૂસુફ અ.સ.નું પોતાના રબને પોકારવો આ વાતની સાક્ષી છે કે હઝરત યૂસુફ અ.સ. પોતાના મનમાં બૂરાઈનું કોઈ વલણ ધરાવતા ન હતા. બૂરાઈની તરફ જવાનું કોઈ વલણ ધરાવતા ન હતા. બૂરાઈની તરફ નહીં જવાનો ઇરાદો પોતાના મનમાં કરી ચૂક્યા હતા. પોતાના આ જ ઇરાદામાં વધુ દૃઢતા લાવવા માટે તેમણે પોતાના રબને પોકાર્યો અને કહ્યુંઃ “હે મારા રબ ! મને કારાવાસ મંજૂર છે, આના બદલે કે હું એ કાર્ય કરૂં કે જે આ લોકો મારાથી કરાવવા ચાહે છે.” પોતાના રબની સામે પોતાના હૃદયની સ્થિતિ વર્ણવતાં હઝરત યૂસુફ અ.સ.એ પોતાના ઇરાદાની પણ અભિવ્યક્તિ કરી દીધી અને આના પછી પોતાના રબની સમક્ષ પોતાને સુપરદ કરી દીધો કે હે મારા રબ, મેં પોતાની કોશિશ કરી લીધી, પરંતુ તું જાણે છે કે માણસ કમજાેર છે, હું મારો મામલો તારા હવાલે કરૂં છું, તું જ આમની યુક્તિઓ (કે પ્રપંચો) અને જાલો-ષડ્‌યંત્રોથી મારી રક્ષા ફરમાવ. મને કમજાેર પડવા ન દેજે, મને મારા નફ્‌સના હવાલે ન કરતો.

કોઈ બંદો જ્યારે આ સ્તરે આવીને પોતાના ચારિત્ર્યની બુલંદી (ઉચ્ચતા) તથા પવિત્રતા અને દૃઢતાનું ઉદાહરણ સ્થાપિત કરે તો પછી અલ્લાહ પોતાના એ બંદાને કોઈ પણ સ્થિતિમાં એકલો નથી છોડતો. આથી હઝરત યૂસુફ અ.સ.ને પણ અલ્લાહે એકલા નથી છોડયા. દરેક પ્રકારની યુક્તિ (પ્રપંચ) અને ફરેબથી હઝરત યૂસુફ અ.સ.ને સુરક્ષિત રાખ્યા અને એક શાનદાર ભવિષ્ય હઝરત યૂસુફ અ.સ.ને અલ્લાહે એનાયત કર્યો.

દુનિયામાં જે લોકો પણ હક્ક-સત્યના માર્ગને પસંદ કરે છે. તેમના માટે ઘરથી લઈને બજાર સુધી અને તેમની સામાજિક તથા રાજકીય જીવનમાં કેટલાય પ્રકારની પરીક્ષાઓથી તેમનો સામનો થાય છે. જન્નતના માર્ગ પર ચાલનારાઓને દરેક પગલા પર એવી વસ્તુઓ મળે છે કે જે ‘નફ્‌સ’ને ભારે (મુશ્કેલ) લાગે છે, અને બીજી બાજુ ‘નફ્‌સ’ એવી વસ્તુઓ જાેઈ રહ્યો છે, જેમાં આકર્ષણ છે, લિજ્જત છે, પરંતુ એ વસ્તુઓ તેને જહન્નમનું બળતણ બનાવી દે છે. આ કશ્મકશના પ્રસંગે મો’મિનને પોતાના હૃદયની સ્થિતિ જાેવી જાેઈએ કે એ પોતાના રબની તરફ ઝૂકેલ છે, અલ્લાહને પોકારી રહ્યો છે કે પછી લિજ્જતો અને વિલાસિતાપૂર્ણ વસ્તુઓ તરફ આકર્ષિત થઈ રહ્યો છે. હઝરત યૂસુફ અ.સ.ની દુઆ વાસ્તવમાં સ્વયં તેમના પોતાના હૃદયની સ્થિતિની હકીકત હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here