ભારતીય ચૂંટણીઓની પરિસ્થિતિઃ નૈતિક પતન અને મહિલા સુરક્ષાના પડકારો

0
19

(ન્યૂઝ ડેસ્ક) હાલ દેશમાં ચૂંટણીનો પવન સર્વત્ર ફૂંકાઈ રહ્યો છે. અખબારો, ટીવી ચેનલો અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આ વિષયને જ આવરી રહ્યા છે. ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે અને તેનો સમયગાળો ઓછામાં ઓછો પચાસ દિવસનો છે. દરમિયાન, લોકોને દરરોજ એક જ વિષય પર કંઈક જોવા, સાંભળવા અને વાંચવાની ફરજ પડે છે. મીડિયામાં ચૂંટણીનું રિપોર્ટિંગ કરતા અનુભવી પત્રકારો, વિશ્લેષણ કરતા વરિષ્ઠ વિશ્લેષકો અને દેશના ગંભીર નાગરિકોને લાગે છે કે ૨૦૧૪ પછીની ભારતીય ચૂંટણીઓમાં ચૂંટણીના વર્ણનો અને નેતાઓના ભાષણોની ગુણવત્તા દિન-પ્રતિદિન ઘટતી જાય છે, અને આ નેતાઓ ભારતની રાજનીતિ અને તેની નૈતિકતાની ટકાવારી કેટલી ઓછી કરશે તેની ખબર નથી.

ગયા અઠવાડિયે દેશના વડાપ્રધાને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં એક ચૂંટણી રેલી દરમિયાન ખોટી અને નિમ્નકક્ષાની વાતો કરી, અને બંધારણીય હોદ્દા પર રહીને તેમણે પોતાના જ દેશના નાગરિકો વિરુદ્ધ જે અસંસ્કારી ભાષાનો ઉપયોગ કર્યો તે નૈતિક પતનનો સંકેત છે, જે ચિંતાજનક છે. જો દેશના વડા પ્રધાન સત્તાસ્થાને બેસીને આટલા નીચે ઊતરી શકે છે, તો અન્ય પક્ષના નેતાઓ અને કાર્યકરોની નૈતિક અધઃપતનની સ્થિતિ શું હશે ? આ સ્થિતિ દેશમાં વર્તમાન પરિસ્થિતિનું દર્શન કરાવે છે.

હાલમાં ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા પર આ વિષયની ચર્ચા થઈ રહી હતી કે કર્ણાટકના હાસન જિલ્લામાં બનેલી એક ઘટનાએ મીડિયા અને સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એવું કહેવાય છે કે જનતા દળ (સેક્યુલર)ના સાંસદ પ્રજ્વલ રેવન્ના પર વિવિધ મહિલાઓ સાથે અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ છે અને એક મહિલાએ તેમની વિરુદ્ધ પોલીસમાં યૌન ઉત્પીડનની ફરિયાદ પણ નોંધાવી છે. પ્રજ્વલ રેવન્ના હાલ ભાજપના સહયોગી જનતા દળ (સેક્યુલર) તરફથી હાસન લોકસભા સીટ માટેના ઉમેદવાર છે. મૈસૂરની ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના પક્ષના પ્રચારમાં ભાષણ આપ્યું. કહેવાય છે કે એનડીએના લોકસભાના ઉમેદવારના અનેક અશ્લીલ વીડિયો સામે આવ્યા બાદ તે કથિત રીતે જર્મની કે યુરોપના કોઈ અન્ય દેશમાં ભાગી ગયો છે. કર્ણાટક સરકારે આ ઘટનાની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરી છે, જેમણે તપાસ શરૂ કરી છે. આપણા વડા પ્રધાન હંમેશાં મહિલા સુરક્ષા, સશક્તિકરણ અને સમાનતાની વાતો કરે છે, પરંતુ તેમના ઊંચા દાવાઓ અને વચનો વિરુદ્ધ વિધાયક સંસ્થાઓના સભ્યો પોતે જ મહિલાઓ સામે ઘોર અપરાધ કરી રહ્યા છે, તો દેશની મહિલાઓ કેવી રીતે સુરક્ષિત રહેશે?

યૌન અપરાધી ઉમેદવારની તરફેણમાં વડાપ્રધાનની ઝુંબેશને એમ કહીને વાજબી ઠેરવવામાં આવે છે કે તેઓ દક્ષિણ ભારતીય રાજ્યના સાથી ઉમેદવારની પ્રવૃત્તિઓથી વાકેફ ન હોય, પરંતુ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના સમાચાર મુજબ,એવું નથી કે ભાજપની કેન્દ્રીય અને રાજ્યની નેતાગીરી તેનાથી સંપૂર્ણપણે અજાણ હોય. કહેવાય છે કે કર્ણાટકના એક બીજેપી નેતાએ ડિસેમ્બર ૨૦૨૩માં જ બીજેપીના રાજ્ય અને કેન્દ્રીય નેતૃત્વને તેની કાર્યવાહી અંગે ચેતવણી આપી હતી. પરંતુ જ્યારે મુખ્ય ધ્યેય ચૂંટણી જીતવાનું હોય ત્યારે નૈતિકતા, મહિલાઓની સુરક્ષા અને અન્ય મૂલ્યો સદંતર ભુલાઈ જાય છે.

આ પહેલીવાર નથી કે જ્યારે દેશમાં કોઈ રાજકીય નેતા પર મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હોય. ભૂતકાળમાં, ઘણા પ્રભાવશાળી રાજકીય નેતાઓ પર જાતીય અપરાધોનો આરોપ મૂકાયો છે અને હાલમાં તેમની સુનાવણી ચાલી રહી છે. ચૂંટણી નિરીક્ષક એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા ઓગસ્ટ ૨૦૨૩માં બહાર પાડેલા અહેવાલ મુજબ, ૧૩૪ સાંસદો અને ધારાસભ્યો હાલમાં મહિલાઓ વિરુદ્ધ જાતીય અપરાધોના કેસોનો સામનો કરી રહ્યા છે, જેમાં ૨૧ સંસદના સભ્યો અને ૧૧૩  વિધાનસભાના સભ્યો છે. તેમાંથી મોટાભાગના, એટલે કે ૪૪  ધારાસભ્યો ભાજપના છે. અમે મહિલાઓ સામેના જાતીય અપરાધો સાથે સંકળાયેલા કેસોમાં માત્ર ધારાસભ્યોની સંખ્યા નોંધી છે, અન્યથા હત્યા, રમખાણો અને અન્ય ગુનાઓના કેસમાં ધારાસભ્યોની સંખ્યા વધુ છે. જરા વિચારો, જ્યારે આ કહેવાતા નૈતિક અને ચારિત્ર્યવાન રાજકીય નેતાઓ વિધાનસભા ગૃહમાં બેસીને વિવિધ મુદ્દાઓ પર કાયદાઓ બનાવે છે, ત્યારે આ કાયદાઓનું શું થશે? જ્યારે ગુનેગારો પોતે જ કાયદા ઘડતા હોય તો કાયદાઓનો ખો નીકળી જાય છે, અને કમનસીબે આ આપણા દેશની વર્તમાન સ્થિતિ છે. સારી વાત છે કે દેશના ઘણા લોકો આ સ્થિતિથી ચિંતિત છે અને તેની સામે સંઘર્ષ કરી રહ્યા છે તથા બલિદાન પણ આપી રહ્યા છે. તેઓ મહિલાઓ પર થતા અત્યાચાર અને નફરતની રાજનીતિ સામે પણ લડી રહ્યા છે. પરંતુ જનતાએ સમજવું જોઈએ કે આ લડાઈ માત્ર અમુક લોકોની લડાઈ નથી, પરંતુ આપણા બધાની જવાબદારી છે કે દેશમાં ફેલાયેલી આ બદીઓ સામે ઊભા રહેવું અને જ્યાં સુધી ગુનેગારોને કાયદાની પકડમાં ન લાવવામાં આવે ત્યાં સુધી જંપીને ન બેસીએ, અન્યથા ગુનાઓ અને નફરતની આ આગ આખા દેશને ભસ્મીભૂત કરી નાંખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here