નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા “તદવીન નિસાબ મદારિસે ઇસ્લામિયા હિન્દીયા” વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપના પ્રથમ સત્રની અધ્યક્ષતા જમાઅતે ઇસ્લામી હિંદના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ કરી હતી. ઉદ્ઘાટન પ્રવચન કેન્દ્રીય શિક્ષણ બોર્ડના સચિવ સૈયદ તનવીર અહમદ અને સ્વાગત પ્રવચન મોહતમિમ જામિઆતુસ્સાલેહાત રામપુર ડૉક્ટર સલમાન અસદે કર્યું હતું. બીજા સત્રની અધ્યક્ષતા કેન્દ્રીય શિક્ષણ બોર્ડના ચેરમેન પ્રોફેસર સલીમ એન્જિનિયરે કરી હતી જેમાં ડૉક્ટર બદરુલ ઇસ્લામ, મુજતબા ફારૂક, મૌલવી તાહિર મદની, યાહ્યા નોમાની, ડૉક્ટર હાઝિક નદવી મૈસુરી, ડૉક્ટર નસીમ અલીગઢ અને ‘એનઆઈઓએસ’ના જોઈન્ટ ડિરેક્ટર ડૉક્ટર શુઐબ રઝા ઉપરાંત દેશભરના ઉલમાએ કિરામ, બૌદ્ધિકો અને શિક્ષણવિદોએ ભાગ લીધો અને પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા.
આ પ્રસંગે જમાઅતે ઇસ્લામી હિંદના અમીરે કહ્યું કે, “મદરસા ઇસ્લામિયાના અભ્યાસક્રમ પર દેશમાં ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાના ત્રણ મુખ્ય કારણો છે. પહેલું તાજેતરના સમયમાં થયેલા સાંસ્કૃતિક પરિવર્તનો છે. જ્ઞાનમાં વૃદ્ધિનો દર આશ્ચર્યજનક રીતે વધી ગયો છે. આ સાંસ્કૃતિક પરિવર્તનોનો સંબંધ દીન અને દીની નેતૃત્વ સાથે પણ છે. આવા સંજોગોમાં શિક્ષણ પ્રણાલી કેવી હોવી જોઈએ? તે વિચારવાનો વિષય છે. બીજું મુખ્ય કારણ દેશ અને મુસ્લિમ સમુદાયની સ્થિતિ છે. પડકારોની પ્રકૃતિ બદલાઈ ગઈ છે. પશ્ચિમી સંસ્કૃતિ અને આપણા દેશની સાંપ્રદાયિક રાજકીય અને સામાજિક વ્યવસ્થા આપણી સાંસ્કૃતિક ભૂમિકાને તોડી નાખવાનો પ્રયાસ કરી રહી છે. આ સંજોગો પણ દીની શિક્ષણના નવા અભિગમની માંગ કરે છે. ત્રીજું મુખ્ય કારણ કાયદાકીય અને રાજકીય માંગો છે જેનું દબાણ હાલમાં મદ્રસાઓ તીવ્રતાથી અનુભવી રહ્યા છે. આ ચોક્કસ મુદ્દાઓ મહત્વપૂર્ણ છે, પરંતુ મને લાગે છે કે મુખ્ય સુધારાનો આધાર મદ્રસાઓના મૂળ ઉદ્દેશ્યો અને આપણી વાસ્તવિક ધાર્મિક જરૂરિયાતોમાં રહેલો છે. આપણે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આજના સમયમાં, આપણને એવા વિદ્વાનોની વધુ જરૂર છે જેઓ ઊંડાણપૂર્વક વિચારી શકે, યોગ્ય માર્ગદર્શન આપી શકે, નેતૃત્વ પ્રદાન કરી શકે અને સમાજ સુધારાના કાર્યો કરી શકે. આ ઉપરાંત, એક મહત્વપૂર્ણ ક્ષેત્ર જેના પર ઘણું કામ કરવાની જરૂર છે તે છે દા’વતનું ક્ષેત્ર. આ ક્ષેત્રમાં કાર્ય કરવા માટે, વિદ્વાનોએ વિવિધ ભાષાઓમાં ઇસ્લામના સંદેશાને અસરકારક રીતે પહોંચાડવાની કુશળતા વિકસાવવાની જરૂર છે. આજના યુગમાં એવી શિક્ષણ પ્રણાલીની તાત્કાલિક જરૂર છે જે સમયની માંગોને પૂરી કરી શકે.”
આ ઉપરાંત, મુખ્ય પ્રવક્તા ડૉક્ટર સલમાન અસદે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે મદ્રસાઓને જે પડકારોનો સામનો કરવો પડે છે તેમાં શૈક્ષણિક અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિ, શૈક્ષણિક તબક્કાઓ, કાયદાકીય મુશ્કેલીઓ અને શિક્ષકોની તાલીમનો સમાવેશ થાય છે. તેમણે આ બધા પડકારોનો સામનો કરવા માટે પગલાં પણ સૂચવ્યા હતા.
કેન્દ્રીય શિક્ષણ બોર્ડના સચિવ સૈયદ તનવીર અહમદે શરૂઆતમાં શ્રોતાઓનું સ્વાગત કરતાં કહ્યું હતું કે “જમાઅતે ઇસ્લામી હિંદ તેની સ્થાપનાના સમયથી જ શિક્ષણને મહત્ત્વ આપી રહી છે. તે પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં જ્ઞાનને ખૂબ મહત્વ આપે છે અને મદરસાએ ઇસ્લામિયાની ભૂમિકા અને મહત્વને હંમેશા માન્યતા આપી છે. તેમણે કહ્યું કે આજે વિશ્વમાં જ્ઞાનના ક્ષેત્રમાં પશ્ચિમી દેશોનું પ્રભુત્વ છે, જ્યારે ઇસ્લામને આ ક્ષેત્રમાં નેતૃત્વ આપવું જોઈએ. મદરસાએ ઇસ્લામિયા આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.” પ્રોફેસર સલીમ એન્જિનિયરે કહ્યું કે “મદરસાએ ઇસ્લામિયાના અભ્યાસક્રમના સુધારા પર ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે, હવે તેને અમલમાં મૂકવાની જરૂર છે. નવા સમયના પડકારોને પહોંચી વળવા માટે વિદ્વાનોની નવી પેઢી તૈયાર કરવી આપણી જવાબદારી છે. તેથી આપણે આ બાબતે નવા દૃષ્ટિકોણથી વિચારવાની અને મદ્રસાઓની શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવાની જરૂરિયાત પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.” પ્રથમ સત્રનું સંચાલન મૌલવી ઇનામુલ્લાહ ફલાહી અને બીજા સત્રનું સંચાલન ડૉક્ટર અત્તાઉરરહેમાન દ્વારા કરવામાં આવ્યું હતું.