ક્ષમા મનની મલિનતાને ધોવાનું માધ્યમ

0
71

મનુષ્યથી ક્યારેક ને ક્યારેક તો ભૂલ થઈ જ જાય છે. પરંતુ ભૂલને સમયસર સુધારી લેવી સમજદારી હોય છે. વિદ્વાનોએ આનો ખૂબ સરળ અને સુંદર ઉપાય બતાવ્યો છે. ક્ષમા માંગી લેવી અથવા ક્ષમા કરી દેવું. આ બંને વૃત્તિઓ આપણા મનને હળવું કરી દેવાની ઉદાર વૃત્તિઓ છે. જે વેરભાવને મિટાવી દઈને આપણને શાંતિ અને સ્વસ્થતા પ્રદાન કરે છે.

ક્ષમા કે માફી એક દૃષ્ટિકોણ કે એક વિચાર માત્ર નથી. બલ્કે આ એક અભ્યાસ કરવાની પ્રક્રિયા છે. જીવનમાં દરેક વળાંક પર દરેક બાબતે માફીનું મહત્ત્વ છે. જો મા-બાપ પોતાના સંતાનોની ભૂલોને ક્ષમા કરીને તેમને પ્રેમથી સમજાવીને તેમનું માર્ગદર્શન કરશે તો સંતાનો તેમની ક્ષમાનો અનુચિત લાભ ક્યારેય નહીં ઉઠાવે. આવો બાળક મોટો થઈને ચોક્કસ બીજાઓ સાથે પ્રેમ અને સહિષ્ણુતાનો વ્યવહાર કરશે, નહિતર અનર્થ પણ થઈ શકે છે. અને બાળક પ્રતિક્રિયા પણ આપી શકે છે. જેથી ઠપકો કે દંડ કરતા પહેલાં દસ વખત વિચારવું જોઈએ અને માફ કરી દેવામાં વાર ન લગાડવી જોઈએ.
એ જ રીતે વૈવાહિક જીવનમાં પણ જે ક્ષમા કરે છે તે જ ઉદાર અને મોટામનનો કહેવાય છે. જીવનમાં અનેકવાર આપણા અહંમને ઠેસ પહોંચે છે, ત્યારે ક્રોધ આવવો સ્વાભાવિક છે. હવે જો પ્રેમથી ક્ષમા માંગી લેવામાં આવે તો વાત ત્યાં જ ખતમ થઈ જાય છે. નહિંતર ટકરાવ વિખવાદમાં બદલાઈ જાય છે. એટલે માફ કરતા રહેવું દામ્પત્ય જીવનમાં સૌથી વધારે કામ આવે છે.

દામ્પત્ય જીવનની વાત કરીએ તો સમય ખૂબ જ ઝડપથી બદલાતો જાય છે. થોડા સમય પહેલાં પતિ-પત્નીના કાર્યક્ષેત્ર અલગ અલગ હતા. પતિનો ર્નિણય પત્ની માટે આદેશ બની જતો હતો. ઘણી વખત તો ન કરેલી ભૂલો ઉપર પણ પત્ની માફી માંગી લેતી હતી અને પતિ પણ પોતાનો અહંમ સંતોષાઈ જતાં સમજીને ક્ષમાશીલ બની જતો હતો પરંતુ આજે…!

આજે કામકાજ કરનારી પત્નીઓ દરેક ક્ષેત્રમાં પતિના સમકક્ષ બનીને ઊભી છે. ત્યાં માફી માંગવામાં કોઈ પણ પહેલ કરતું નથી. પરિણામે તૂટી રહેલા પરિવારો આપણે જોઈ રહ્યા છીએ. માફ કરીને પોતાનું ગૌરવ તો ત્યારે પ્રગટ થાય છે જ્યારે ક્ષમા માંગીને કોઈ નમી રહ્યું હોય. અહીં એક વાત ખાસ કહેવી જોઈએ કે દામ્પત્ય જીવનમાં બીજાના ગુણ જોવા, તેની પ્રશંસા કરવી અને સાથે પોતાની ખામીઓનો અહેસાસ કરવો અત્યંત આવશ્યક હોય છે. ત્યારે જ આપણા જીવનમાં ક્ષમાનું અવતરણ થાય છે.

આ જ રીતે મિત્રોની વચ્ચે આ ભાવના જરૂરી છે. ક્યારેક શું થાય છે કે.. આપણાથી કોઈ મિત્ર નારાજ થઈ જાય છે. થોડા સમય સુધી તો આપણે પરવા જ નથી કરતા. પછી અન્ય મિત્ર કે મિત્રો વચમાં પડીને સમજૂતી કરાવવાનો પ્રયત્ન કરે છે અને ક્ષમા માંગી લેવાની પ્રેરણા આપે છે. દબાણ કરે છે, ત્યારે માંડ આપણે પોતાની શરતો પર જ ક્ષમા માંગવા તૈયાર થઈએ છીએ. આ ક્ષમાનું ઔપચારિક સ્વરૂપ છે, જેમાં આપણે ભૂલો ઉપર ભૂલો કરતા જઈએ છીએ. અને દેખાવ પૂરતી ક્ષમા માંગી લઈએ છીએ. સુધરવાનું નામ નથી લેતા. ઘણી વખત આપણે ક્ષમા માંગીને પણ અકડાઈથી રહીએ છીએ. માફ કરીને પણ માફ નથી કરતા. ક્યારેક તો માફી પણ અતડા રહીને માંગીએ છીએ. કહી દઈએ છીએ કે ભૂલ થઈ ગઈ તો શું થયું? માફી તો માંગી લીધી છે ને! હવે શું છે? જાણે માફી માંગીને ઉપકાર ન કર્યો હોય ? આવી ઔપચારિક માફીથી શું લાભ? જ્યારે મનમાં ક્ષમાભાવ આવતો જ ન હોય.
આપણે એ કેમ સમજી શકતા નથી કે ક્ષમા માંગીને કે આપીને આપણે કોઈના ઉપર ઉપકાર નથી કરી રહ્યા. આપણે તો ખરેખર આપણા જ મનની શાંતિનો ઉપાય કરી રહ્યા છીએ. આ તો મનની મલિનતાને ધોવાનું માધ્યમ છે. મન સાફ-સ્વચ્છ બની જાય છે. માફ કરી દેવું જ નહીં, માફી માંગવી પણ વિશેષ ગુણ છે. જે વ્યક્તિ માફી નથી માંગી શકતી, માફી દ્વારા પ્રાયશ્ચિત નથી કરી શકતી તે ક્યારેય શિખરે પહોંચી શકતી નથી. જો આ એહસાસ હૃદયમાં ઊતરે, ત્યારે જ પરમ કૃપાળુ પરમાત્મા – અલ્લાહ પોતાની કૃપાઓ પણ ઉતારે છે અને માનવીનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. ક્ષમા તો એ ઉચ્ચ માધ્યમ છે જે આપણને અલ્લાહની નિકટ લઈ આવે છે. કુઆર્ન આનું કેટલી સુંદર રીતે વર્ણન કરે છે. “તમારામાં જે લોકો કૃપાપાત્ર અને સાધન-સંપન્ન છે તેઓ એ વાતના સોગંદ ન ખાઈ બેસે કે પોતાના સગાઓ, ગરીબો અને અલ્લાહના માર્ગમાં હિજરત કરનારા લોકોની મદદ નહીં કરે. તેમને માફ કરી દેવા જોઈએ અને દરગુજર કરી દેવા જોઈએ. શું તમે નથી ઇચ્છતા કે અલ્લાહ તમને માફ કરે? અને અલ્લાહનો ગુણ એ છે કે તે ક્ષમાશીલ અને દયાળુ છે.” (૨૪:૨૨)

કહેવાય છે કે ક્ષમા અશક્તોની તાકત અને બળવાનનું આભૂષણ છે. સમગ્ર સંસારને તમે ક્ષમા વડે જીતી શકો છો. તેનાથી તમામ કાર્યો સંપન્ન થઈ શકે છે. જે વ્યક્તિ ક્ષમાશીલ બની જાય, તેની મહાનતાની તો વાત જ શું? કોઈના પ્રત્યે કડવાશ રાખીને આપણે આપણું જ મન કડવું બનાવી દઈએ છીએ અને ક્યારેક તો આખું જીવન કડવાશથી ભરાઈ જાય છે. આપણું જ મન મેલું બની જાય છે અને આપણે મનની શાંતિને ખોઈ બેસીએ છીએ. મનથી કોઈને માફ કરી દઈને આપણે પોતાને જ સુખી બનાવીએ છીએ. ક્ષમાનું શસ્ત્ર જેની પાસે છે તેનું કોઈ દુષ્ટ માણસ પણ કંઈ જ બગાડી શકતો નથી. આગ જેવી આગ પણ પાણીના સંપર્કમાં આવે છે તો કેવી શાંત બની જાય છે.

ક્ષમાશીલ વ્યક્તિ કડવી સ્મૃતિઓની મલિન છાયાથી મુક્ત હોય છે. ક્ષમા તે ઉચ્ચ ભાવ છે જે શબ્દોથી વ્યક્ત થઈ શકતો નથી. મનોવૈજ્ઞાનીઓ કહે છે કે જૂની વાતોએ વ્યક્તિના મનમાં પોતાનું ઘર બનાવી રાખ્યું હોય છે. જે તેને વારંવાર ઉચાટ કરાવે છે અને પરેશાન કરે છે. એટલે એ જૂનો ભંગાર મનમાંથી બહાર કાઢી નાંખીને જ આપણે આગળ વધી શકીએ છીએ. કેમકે એવા સંગ્રહથી ફાયદા કરતાં નુકસાન વધારે થાય છે અને આ ત્યારે જ શક્ય છે કે જ્યારે આપણા પ્રત્યે જેણે પણ કંઈ ખરાબ કર્યું હોય અથવા દુર્ભાવ રાખ્યો હોય તેને આપણે હૃદયના ઊંડાણથી માફ કરી દઈએ.

આપણા પયગંબરો અને મહાપુરુષોએ એટલે જ ક્ષમાને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. શાસ્ત્રો કહે છે કે જ્યારે આપણો સર્જનહાર-પાલનહાર અલ્લાહ-ઈશ્વર આટલો ક્ષમાવાન-દયાવાન છે તો આપણે પણ જીવનમાં ક્ષમાને સૌથી વધારે મહત્ત્વ આપવું જોઈએ. ક્ષમાશીલતા મહાપુરુષોનો સર્વોચ્ચ ગુણ છે. જે વ્યક્તિ વાસ્તવમાં ક્ષમાવાન છે તે અગ્નિની સમાન તેજસ્વી, જળની સમાન ર્નિમળ અને પવનની જેમ શીતળ હોય છે. સંપૂર્ણ સૃષ્ટિ ક્ષમાથી ભરેલી છે. જેથી તેમાં બદલાની ભાવના નહીં પણ શાંતિ અને સ્વસ્થતા હોય છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે ક્ષમા કાયરોનું કામ નથી પણ વીરોનું શસ્ત્ર છે. તેમની સાચી ઓળખ છે. એટલે જ અલ્લાહના અંતિમ પયગંબરની એક હદીસનું અર્થઘટન એ છે કે દંડ આપવાનો અધિકાર હોવા છતાં પણ વ્યક્તિ સામેવાળાને માફ કરી દે. અને આ જ એક શૂરવીરની સાચી ઓળખ છે. ••• (લેખિકા ઓસ્ટ્રેલિયામાં રહેતી ભારતીય NRI છે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here