એખલાસ

0
44

(૧૩) અનુવાદ :
હઝરત અબુદ્દર્દા રદિ. નબી સ.અ.વ.થી રિવાય કરે છે. આપ સ.અ.વ.એ ઇર્શાદ ફરમાવ્યું : “ જે માણસ પોતાના બિસ્તર પર આ નૈય્યત તથા ઇરાદા સાથે સૂતો કે તે તહજ્જુદની નમાઝ માટે ઊઠશે, પરંતુ ઊંઘ તેના પર એવી છવાઈ ગઈ કે તે સવારે જ ઊઠી શક્યો. તો જે વસ્તુનો તેણે ઇરાદો કર્યો તે તેના આ’માલનામા (કર્મ-નોંધ)માં લખવામાં આવશે, અને તેની ઊંઘ તેના પોતાના રબની તરફથી તેના માટે એક ફઝલ (કૃપા) અને ઇનામ (ભેટ) છે.”૧૬ (નસાઈ, ઇબ્ને માજહ)

સમજૂતી
૧૬અર્થાત્‌ પોતાની નૈય્યતના કારણે તેને તહજ્જુદની નમાઝનો ‘અજ્ર’ (વળતર) અને સવાબ મળી ગયો. તે રાત્રે આરામદાયક બિસ્તર પર આરામ કરતો રહ્યો, પરંતુ વાસ્તવિકતાની દૃષ્ટિએ તે રાત્રે જાગનાર ઠેરવાયો. આ આરામ તથા સુકૂનની ઊંઘ તેના માટે બુઝુર્ગ તથા ઉચ્ચ ખુદાનો એક સદ્‌કા તથા ઇનામ છે.
માણસની નૈય્યત અને તેનો ઇરાદો જ અસલ છે. હઝરત અબૂ હુરૈરહ રદિ.ની રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું છે : “લોકો કયામતના દિવસે પોતાની નૈય્યતોો પર ઉઠાવવામાં આવશે. (ઇબ્ને માજહ) એટલે કે જેવી તેમની નૈય્યતો હશે, તેમના જ હિસાબથી તેઓ સારા કે ખરાબ પરિણામનો સામનો કરશે.

(૧૪) અનુવાદ :
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે તેઓ કહે છે કે રસૂલે ખુદા સ.અ.વ.એ ફરમાવ્યું : “જે કોઈએ લોકોનો માલ કરજ તરીકે લીધો આ ઇરાદાથી કે (તે) તેને અદા કરી દેશે, અને કોઈ મજબૂરીથી અદા ન કરી શક્યો તો અલ્લાહ તેના તરફથી અદા કરી દેશે, અને જે કોઈએ કરજ લીધો, પરંતુ તેની નૈય્યત તેને અદા કરવાની નથી તો અલ્લાહ તેની એ બદ્‌-નૈય્યતીના કારણે તેને બરબાદ કરીને રહેશે.” ૧૭ (બુખારી)

સમજૂતી :
૧૭ એટલે કે નૈય્યત જો દુરસ્ત છે તો કરજ અદા ન કર્યો હોવા છતાં તે અલ્લાહતઆલાને ત્યાં અપરાધી નહીં ઠરે. કરજ પણ અલ્લાહતઆલા તેના તરફથી ચૂકવી દેશે. પરંતુ જાે તેની નૈય્યત ખરાબ છે તો નૈય્યતની આ ખરાબી તેને ડુબાડી દેશે, તે ઘાતકતાથી કદાપિ બચી નહીં શકે. અલ્લાહ અમો સૌને દરેક પ્રકારની મનેચ્છાઓ અને ખોટા વલણોથી સુરક્ષિત રાખે. આમીન !
અસલ અપરાધ તથા ગુનાહ નૈય્યતની ખરાબી છે. ઉચિત કારણ અલ્લાહતઆલાને ત્યાં સ્વીકારપાત્ર છે. આથી હદીસમાં છે : “જ્યારે માણસ પોતાના કોઈ ભાઈથી કોઈ વાયદો કરે, અને તેની નૈય્યત હોય કે તે એ વાયદાને પૂરો કરશે; પરંતુ કોઈ કારણસર તે તેને પૂરો ન કરી શકે અને વાયદા પર ન આવે તો તેના પર કોઈ ગુનાહ નથી.” (અબૂ દાઊદ, તિર્મિઝી) અલ્લાહ માણસની નૈય્યત અને તેની મજબૂરીઓ બન્નેથી જ સારી રીતે વાકેફ હોય છે. અસમર્થની પકડ કરવી તેની રહેમતની શાન અને ન્યાયની વિરુદ્ધ છે. આ સ્પષ્ટ વિગતો કે સમજૂતી બાદ પણ શું ઇસ્લામના પ્રાકૃતિક દીન હોવામાં કોઈ શંકા કરી શકાય છે ?
(૧પ) અનુવાદ :
હઝરત અબૂ ઉમામા રદિ.થી રિવાયત છે, તેઓ કહે છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ઇર્શાદ ફરમાવ્યું : જેણે પ્રેમ કર્યો તો અલ્લાહ માટે, નફરત અને કંટાળો અપનાવ્યો તો અલ્લાહ માટે, આપ્યું તો અલ્લાહ માટે અને પોતાનો હાથ રોકયો તો અલ્લાહ માટે જ. ચોક્કસપણે તેણે પોતાનો ઈમાન પૂર્ણ કરી લીધો.” ૧૮ (અબૂ દાઊદ)
સમજૂતી :

૧૮ પ્રેમ, નફરત, આપવું અને ન આપવું આનું જ નામ જીવન છે. માનવીના જીવનમાં આ તમામ વસ્તુઓનો સામનો થાય છે. ઈમાન અને પૂર્ણ ઈમાનની વાત આ છે કે આ બધું જ કોઈ અન્ય લાગણી હેઠળ નહીં બલ્કે માત્ર અલ્લાહની પ્રસન્નતા અને તેના રાજીપા-ખુશી માટે હોય. ઈમાનની દૃષ્ટિએ પૂર્ણ વ્યક્તિ એ જ છે જે પ્રેમ તેનાથી જ ધરાવે છે જેનાથી પ્રેમનો રિશ્તો રાખવો અલ્લાહને પ્રિય છે. જે વ્યક્તિથી અલ્લાહ કંટાળેલ છે, તેનાથી તે પણ કંટાળશે. તે ખર્ચ ત્યાં કરશે જ્યાં અલ્લાહે ખર્ચ કરવાનો હુકમ આપ્યો છે. ત્યાં તેનો હાથ રોકાઈ જશે જ્યાં ખર્ચ કરવો અલ્લાહને પસંદ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here