મહિલાઓ સાથે સદ્‌વર્તન

0
37

હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! તમારા માટે એ હલાલ નથી કે બળજબરીપૂર્વક સ્ત્રીઓના વારસદાર બની બેસો, અને એ પણ હલાલ નથી કે તેમને પજવીને તે મહ્‌રનો કેટલોક ભાગ પડાવી લેવાની કોશિશ કરો જે તમે તેમને આપી ચૂકયા છો. હા, જો તેઓ કોઈ ખુલ્લી બેદરકારીનું કામ કરે (તો ચોક્કસ તેમને તંગ કરવાનો હક્ક છે) તેમની સાથે ભલી રીતે જીવન વિતાવો.

માનવ-જીવન અને માનવ-સમાજનો આધાર સ્ત્રી અને પુરુષના પવિત્ર સંબંધો પર છે. જો આ સંબંધો સુમેળભર્યા છે તો પરિવારમાં નિયમો તથા સિદ્ધાંતો અને દૃઢતા છે. અને જો એ સંબંધો સુમેળભર્યા નથી અને ખેંચતાણ છે તો કુટુંબ કે પરિવાર પરેશાન અને બરબાદ છે. નિર્માણ તથા પ્રગતિ કે વિકાસથી વંચિત અને અલ્લાહની રહેમતથી દૂર છે. અલ્લાહતઆલાએ સ્ત્રી અને પુરુષને સમાન મહત્ત્વ આપ્યું છે અને બન્નેને યોગ્ય જવાબદારીઓ ધરાવનાર બનાવ્યા છે, પુરુષને બાળ-બચ્ચાના ભરણ-પોષણ અને શિક્ષણ-પ્રશિક્ષણનો જવાબદાર બનાવ્યો છે અને સ્ત્રીને ઘરની રક્ષા અને બાળકોની દેખભાળ તેમજ ઉછેરની જવાબદાર બનાવી છે. આ બન્ને પોત-પોતાની જવાબદારીઓ વિષે અલ્લાહને ત્યાં ઉત્તરદાયી હશે. રસૂલે પાક સ.અ.વ. ફરમાવે છે :

“પુરુષ પોતાના ઘરવાળાઓનો નિરીક્ષક છે. તમારામાંથી દરેક નિરીક્ષક છે, અને પોતાના નિરીક્ષણ બાબતે અલ્લાહને ત્યાં ઉત્તરદાયી છે.” (બુખારી)

અલ્લાહતઅલાએ પુરુષ અને સ્ત્રી બન્નેને એકબીજાની પૂર્ણતા અને સુકૂનનું માધ્યમ બનાવેલ છે, અને બન્નેના હક્ક એકબીજા પર નક્કી કર્યા છે. અલ્લાહતઆલાનો ઇર્શાદ છે :

“સ્ત્રીઓ માટે પણ સામાન્ય નિયમ અનુસાર એવા જ અધિકારો છે, જેવા પુરુષોના અધિકારો તેમના ઉપર છે. અલબત્ત, પુરુષોને તેમના ઉપર એક દરજ્જો પ્રાપ્ત છે.” (સૂરઃ બકરહ, આયત-૨૨૮)

પતિ-પત્ની બન્નેને સરખા હક્કો અને ફરજોના જવાબદાર ઠેરવ્યા છતાં અલ્લાહતઆલાએ પતિને પત્ની પર સાધારણ ‘ફઝીલત’ (શ્રેષ્ઠતા) એનાયત કરી છે, અને આનું કારણ પણ બીજી આયતમાં સ્પષ્ટ કરેલ છે, કે પુરુષ પર પત્ની તથા બાળકોના ભરણ-પોષણની જવાબદારી છે, અને સ્વાભાવિક વાત છે કે ભરણ-પોષણ કરનાર તથા જવાબદારને તેના ભરણ-પોષણ હેઠળ લોકો પર ઉચ્ચતા હોય છે. અલ્લાહતઆલાનો ઇર્શાદ છે :

પુરુષો સ્ત્રીઓના કવ્વામ છે, એ આધારે કે અલ્લાહે તેમનામાંથી એકને બીજા ઉપર ‘ફઝીલત’ (વિશિષ્ટતા) આપી છે, અને એ આધારે પણ કે પુરુષ પોતાનું ધન ખર્ચ કરે છે.

પતિ જો ઘરનો નિરીક્ષક અને મેનેજર છે તો તેણે ઘરની સમસ્યાઓ ઘરવાળાઓની સલાહ-મસ્લતથી ઉકેલવી જોઈએ. સરમુખત્યાર બનીને હુકમ ચલાવવો ન જોઈએ. ઘરના લોકોની ઇજ્જત અને આદર કરવા જોઈએ, અને તેમના વિષે અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ.ની હિદાયતો (માર્ગદર્શન)નું પાલન કરવું જોઈએ. ઇસ્લામથી પહેલાં આરબ સમાજમાં બલ્કે દુનિયાના અન્ય ભાગોમાં સ્ત્રીઓને ઇજ્જત તથા આદરને પાત્ર સમજવામાં આવતી ન હતી. તેમનાથી દુર્વ્યવહાર કરવામાં આવતું હતું, તેમના પર જુલ્મ-અત્યાચાર કરવામાં આવતું હતું, અને તેમના જાનમાલ ઉપર અનુચિત કબજો જમાવવામાં આવતો હતો. ઇસ્લામે અજ્ઞાનતાના એ અમાનવીય કૃત્યને ખતમ કરી દીધું, અને સ્ત્રીઓને સમાન ઇજ્જત તથા આદરને પાત્ર ઠેરવી, વિશેષરૂપે પત્નીની ઇજ્જત તથા સન્માનને ખૂબ જ પવિત્ર અને તેમની સાથે સદ્‌વર્તનની ખૂબ જ તાકીદ કરી.

રસૂલુલ્લાહ સ.અ.વ.એ સ્ત્રીઓ સાથે સદ્‌વર્તન કરવા અને તેમની ઇજ્જત તથા આદરને પુરુષોની શરાફત-સજ્જનતાનું માપદંડ ઠેરવ્યું છે. આપ સ.અ.વ. ઇર્શાદ ફરમાવે છે :

તમારામાંથી શ્રેષ્ઠ માનવી એ છે જે પોતાના ઘરવાળાઓ માટે બહેતર હોય અને હું તમારા લોકોમાં પોતાના ઘરવાળાઓ માટે સૌથી વધુ બહેતર છું.” (તિર્મિઝી, અબ્વાબુલ મનાકિબ)

એક અન્ય પ્રસંગે ઇર્શાદ ફરમાવ્યું :

“મોમિનોમાં સૌથી પૂર્ણ ઈમાન એનો છે જેનું ચારિત્ર્ય વધુ સારૂં હોય, અને તમારામાં શ્રેષ્ઠ લોકો એ છે જેઓ પોતાની સ્ત્રીઓ અંગે બહેતર છે.” (તિર્મિઝી)

તમે જોયું અને સાંભળ્યું હશે કે ઘણાં બધા લોકો જે બહારની દુનિયામાં, મજલિસોમાં, ઓફિસોમાં ખૂબ જ સુસભ્ય અને શરીફ સજ્જન તેમજ મોભાદાર દેખાય છે, પરંતુ જ્યારે પોતાના ઘરમાં જાય છે તો પત્ની તથા બાળકો ઉપર જુલ્મ-અત્યાચાર ગુજારે છે. તેમના તરફે જાલિમ અને ક્રૂર બની જાય છે. ઘણાં બધા બાહ્ય રીતે દીનદાર દેખાતા લોકો પણ આ જ હરકત કરે છે. આ તમામ અજ્ઞાનતાની ટેવો છે, જેમને ખતમ કરવા માટે  ઇસ્લામ આવ્યો હતો.

હઝરત અયાસ બિન અબ્દુલ્લાહ રદિ. વર્ણવે છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ સહાબા રદિ.ને આ કહીને પત્નીને મારવાથી મનાઈ ફરમાવી કેઃ “અલ્લાહની બંદીઓને ન મારો.” આથી સહાબાએ કિરામ રદિ.એ આના પર અમલ કર્યો. પરિણામ આ આવ્યું કે હઝરત ઉમર રદિ. હુઝૂર સ.અ.વ. પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે સ્ત્રીઓ પોતાના પતિઓ પર હિંમતવાળી થઈ ગઈ છે, અને તેમને સજા આપવાની પરવાનગી ચાહી. હુઝૂર સ.અ.વ.એ પરવાનગી આપી દીધી. એ પછી તો ઘણી બધી સ્ત્રીઓ હુઝૂર સ.અ.વ.ના ઘરે આવી અને પોતાના પતિઓના દુર્વ્યવહારની ફરિયાદ કરવા લાગી. ત્યારે નબી સ.અ.વ.એ સહાબાએ કિરામ રદિ.ને સંબોધીને ફરમાવ્યું:

ઘણી સ્ત્રીઓએ મુહમ્મદ (સ.અ.વ.)ના ઘરનો આંટો માર્યો. આ સ્ત્રીઓ પોતાના પતિઓના દુર્વ્યવહારની ફરિયાદ કરી રહી હતી. તેમની સાથે દુર્વ્યવહાર કરનારા તમારામાંથી સારા લોકો નથી.” (અબૂ દાઊદ ….)

હુઝૂર સ.અ.વ.એ પોતાના હજ્જતુલ વિદાઅના અંતિમ ખુત્બા (પોતાની અંતિમ હજ્જના અંતિમ સંબોધન)માં પણ સ્ત્રીઓની સાથે સદ્‌વર્તન કરવાની વિશેષ તાકીદ કરી હતી. આપ સ.અ.વ.એ ફરમાવ્યું હતું:

“સ્ત્રીઓની બાબતમાં અલ્લાહથી ડરતા રહો. એટલા માટે કે તેઓ તમારી પાસે અલ્લાહની અમાનત છે. તમે તેમને અલ્લાહની અમાનતરૂપે લીધેલ છે અને તેમની શર્મગાહો (ગુપ્તાંગો) તમારા પર અલ્લાહના કલમાના લીધે હલાલ થયેલ છે.” (મુસ્લિમ, કિતાબુલ હજ્જ).

દીની શિક્ષણ અને શરાફતની કમીના લીધે આજે પણ ઘણાં મુસલમાનો પોતાની પત્નીની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. ઘણાં પતિઓ પોતાની પત્નીથી પ્રેમ નથી કરતાં અને ગુનાહ પ્રત્યે આકર્ષાઈ જાય છે. ઘણાં પતિઓ પોતાની પત્નીનું ભરણ-પોષણ નથી આપતા. ઘણાં પતિ પત્નીને તેના પિયરે મૂકી આવે છે. ઘણાં પતિ ઘણાં લાંબાગાળા (મુદ્દત) સુધી તેમનાથી નથી મળતા, ન તો તેમને રાખે છે, અને ન તો આઝાદ કરે છે, બલ્કે લટકાવી રાખીને છોડી દે છે. ઘણાં પતિ યુવાનીમાં તેમનાથી ફાયદો ઉઠાવે છે અને જ્યારે તેમની વય ઢળે છે અથવા તે બીમાર હોય છે તો તેમનાથી લાપરવાહી દાખવે છે. આ તમામ હરકતો માનવતાથી નિમ્ન કક્ષાની છે અને ઇસ્લામી શિક્ષણનું સ્પષ્ટ ઉલ્લંધન છે. એક સાથે રહેવા કરવાથી કેટલીક તકલીફો પણ થાય છે. કેટલીક વાતો પ્રતિકૂળ પણ હોય છે અને કેટલીક ટેવો અપ્રિય પણ હોઈ શકે છે. અલ્લાહનો હુકમ આ છે કે આ વસ્તુઓ પર ધૈર્ય કરો અને બુદ્ધિમત્તાથી તેમની સુધારણા કરવાનો પ્રયાસ કરો. જ્યાં સુધી સુધારણાની ગુંજાયશ હોય. એવું ન બને કે તેમનાથી નફરત કરવા લાગો અને એ વલણ અપનાવો કે જે તમારા સ્વાભિમાન અને શરાફત સજ્જનતાને કલંકિત કરી દે. રસૂલુલ્લાહ સ.અ.વ. ઇર્શાદ ફરમાવે છેઃ

કોઈ મો‘મિન(ઈમાનવાળો) પુરુષ કોઈ ઈમાનવાળી પત્નીથી નફરત ન કરે. જો તે તેની કેટલીક ટેવોને નાપસંદ કરે છે તો તેની બીજી ટેવોથી તે ખુશ પણ થાય છે.” (મુસ્લિમ)

પત્નીઓની કમજોરીની ઉપેક્ષા કરવી અને તેમના પર સખ્તાઈ ન કરવી, બલ્કે મહેરબાની અને સદ્‌-ચારિત્ર્ય (સદ્‌વર્તન)થી મળવું સુસભ્ય માનવી અને સુસભ્ય સમાજની ઓળખ છે. અલ્લાહતઆલાએ પુરુષને સ્ત્રીનો અને સ્ત્રીને પુરુષનો પોશાક ઠેરવ્યો છે. ઇર્શાદ છેઃ

“તેઓ તમારા માટે પોશાક છે અને તમે એમના માટે પોશાક છો.” (સૂરઃબકરહ, આયત-૧૮૭)

પોશાકની ત્રણ મુખ્ય ખૂબીઓ છે. (૧) માનવીના શરીરનું રક્ષણ કરે છે. (૨) ઢાંકવા લાયક અંગોને ઢાંકે છે. (૩) શણગાર તથા રાહત છે. બરાબર એવી જ રીતે પુરુષ અને સ્ત્રી એકબીજાના રક્ષક છે. ઢાંકનાર છે અને રાહત છે. ઘણાં પુરૂષો એવા છે કે જેઓ વારસામાં સ્ત્રીઓને તેમનો જાઇઝ હક્ક આપતા નથી. સ્ત્રીઓના આ હક્ક મારવા પતિઓના બદલે તેમના પિતા અને ભાઈઓ તરફથી થાય છે. ઘણાં માતા-પિતા પોતાના જીવનમાં જ પોતાની દૌલત પુત્રોમાં વ્હેંચી દેે છે અને પુત્રીઓને નામ માત્રનું કંઈક આપે છે. અથવા દહેજમાં સામાન આપવાનું બહાનું બનાવીને તેને વંચિત કરી દે છે. ઘણાં ભાઈ એવા છે જેઓ મા-બાપની મિલ્કત (વારસો) પોતે હડપ કરી લે છે, અને બ્હેનોને કંઈ નથી આપતા. જો કે વારસામાં સ્ત્રીઓનો ભાગ ખુદ અલ્લાહ તબારક વ તઆલાએ જ નક્કી કર્યો છે. મનુષ્યોને અખત્યાર નથી કે તેઓ તેમનાથી ઝૂંટવી લે. અલ્લાહ તબારક વ તઆલાનો ઇર્શાદ છેઃ

“પુરુષો માટે તે માલમાં હિસ્સો છે જે માતા-પિતા અને નજીકના સગાઓએ પાછળ મૂક્યો હોય અને સ્ત્રીઓ માટે પણ તે માલમાં હિસ્સો છે જે માતા-પિતા અને નજીકના સગાઓએ પાછળ મૂક્યો હોય, ચાહે થોડો હોય કે વધારે, અને આ હિસ્સો (અલ્લાહ તરફથી) નિર્ધારિત કરેલો છે.” (સૂરઃ નિસા, આયત-૭)

જે લોકો સ્ત્રીઓનો વારસા હક્ક ઝૂંટલી લે છે, તેમને મિલ્કતમાં ભાગ નથી આપતા, એ ભાગનો ફાયદો ઉઠાવવો જાઇઝ નથી હોતું. આ એવું જ છે કે કોઈ બીજાની જમીન-જાયદાદ પર કબજો કરી લેવામાં આવે. જેવી રીતે તેની આવક હલાલ નથી થતી એવી જ રીતે તેની આવક પણ દુરસ્ત નહીં હોય. મુસલમાને સ્ત્રીઓની ઇજ્જત અને સન્માન કરવા જોઈએ. અને તેમના હક્કોની અદાયગી અંગે ઇસ્લામી આદેશોનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને ઇસ્લામી સમાજને બદનામી તથા રૂસ્વાઈથી બચાવે. અલ્લાહ આપણ સૌને અમલની તૌફીક આપે. આમીન…

--પ્રો. મુહમ્મદ સઊદ આલમ કાસમી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here