મુકર્રબીન મેં અપના મકામ પૈદા કર

0
280

હાલમાં જ સૂરઃ વાકિઆ (છપ્પનમી સૂરઃ)ની પ્રાથમિક આયતોમાં ભ્રમણ કરી રહ્યો છું. વિચારોનું તોફાન આગળ વધતાં રોકી રહ્યું છે. હૃદયમાં સ્પંદનોને કલમબદ્ધ કરવાની જીજ્ઞાાસા કંઈક લખવા પ્રેરિત કરી રહી છે. મનહૃદયના આગેવો, લાગે છે કે, તો જ શાંત થશે. ચાલો થોડી વાત કરીએ. આ સૂરઃમાં અલ્લાહતઆલાએ આખિરત (પરલોક)ના જીવનની સમાજરચનાનું વર્ણન કર્યું છે. તમામ માનવજાત તે દિવસે મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચાઈ જશે. એક આગળ ને આગળ રહેનારા લોકો, બીજા જમણીબાજુની હરોળોમાં ઉપસ્થિત થનારા લોકો અને ત્રીજા ડાબી બાજુની હરોળોમાં ધકેલાઈ જનારા લોકો (ડાબેરીઓ!) આ સૂરઃમાં કુલ ત્રણ રુકૂઅ અને ૯૬ આયતો છે. અલ્લાહ તૌફીક આપશે એટલી બાતોમાં આ સૂરઃના વિષય વસ્તુ ઉપર ચર્ચા કરવાનો પ્રયાસ કરીશે. મને પણ આત્મસંતોષ થશે અને આપ સહુને પણ અલ્લાહની વાતોના અમૃતજામ પીવાનો લ્હાવો મળશે. ઇન્શાઅલ્લાહ ફાયદામાં આપણે સહુ સાથે હોઈશું અને આગળ વધીને બારગાહે ઇલાહીમાં એ દુઆ પણ કરી લઉં કે અલ્લાહતઆલા આપણને સહુને તે દિવસે પણ તેની કૃપાના અધિકારી બનેલા લોકોમાં સાથે રાખે (આમીન)
આજની ચર્ચામાં આપણે તે ગિરોહના ખુશનસીબ લોકોની વાત કરીશું જેમને અલ્લાહે ‘અસ્સાબેકૂન’ના ખિતાબથી નવાજ્યા છે. અબ્દુલ્લાહ યૂસુફઅલીએ એના માટે The foremost porsons (અર્થાત્ મોખરાનું સ્થાન મેળવનારા લોકો)નો શબ્દ પ્રયોગ કર્યો છે. મૌલાના મૌદૂદીએ એના માટે ‘આગેવાલે’ શબ્દ પ્રયોજ્યો છે. અને મુફતી મુહમ્મદ શફી સાહેબે મઆરીફુલ કુઆર્નમાં એના માટે ‘અગાલીવાલે’ શબ્દ લીધો છે. આ ખુશનસીબ લોકો કોણ હશે તે અંગે પછીથી વાત કરીશું. પહેલા આપણે જોઈ લઈએ કે દુન્યવી જીવનના ભોગવટા દરમ્યાન એ લોકોના અવસાફ (ગુણો) અને તેમના વલણો કેવા હશે. મૌલાના મૌદૂદી એ બારમાં વિવરણ નોંધ ૭માં લખે છે.
‘આ તે લોકો હશે જેઓ દુન્યવી જીવન દરમ્યાન સત્ય (હક) અને નેકી (પૂણ્ય)નું વલણ ધારણ કરીને એના સ્થાપનકાર્યમાં આગળ પડતો ભાગ લેતા રહ્યા. ભલાઈના દરેક કામોમાં હંમેશા સહુથી આગળ રહ્યા, ખુદા-રસૂલની પોકાર ઝીલી લઈને સહુથી પહેલા હાજર થઈ જનારા, જીહાદનો પ્રસંગ હોય યા દીનના સ્થાપના કાર્ય માટે નાણાકીય સહાય પૂરી પાડવાના પ્રસંગો હોય, સમાજસેવાના કામો હોય યા અલ્લાહના દીનન પ્રચાર-પ્રસાર માટેની મહેનતો હોય, તેઓએ હરહંમેશ આગળ પડતો ભાગ ભજવ્યો. ધરતી ઉપર ભલાઈને ફેલાવવામાં અને બૂરાઈઓની રોકથામ કરવામાં તેઓ પેશપેશ રહ્યા. સરળતાઓ ઉભી કરવામાં, અલ્લાહના દીનને ખાતર ભોગ આપવામા તેમને જે મોકાઓ મળ્યા તેને કદી હાથથી જવા દીધા નહીં. હંમેશાં એવાં કામોમાં અગ્રીમ હરોળોમાં ઉપસ્થિત રહ્યા. પોતાની જાતોને વિના સંકોચ હાજર કરી દીધી. જરાય ખચકાટ કે કચવાટ ન અનુભવ્યો. એટલા જ માટે આખિરતના અનંત જીવનની વ્યવસ્થામાં પણ તેઓને તેમના રબ તરફથી અગ્રીમતાનું સ્થાન પ્રાપ્ત રહેશે. અર્થાત્ ત્યાં અલ્લાહતઆલાના દરબારનો નકશો એ હશે કે જમણી બાજુવાળા લોકોમાં નેક અને સાલેહ લોકોને સ્થાન મળશે, ડાબી બાજુવાળા લોકોમાં અલ્લહ સાથેના કોલ-કરારનો ભંગ કરવાવાળા (ફાસેકીન)ને અલગ કરી દેવાશ અને આગળની તદ્દન અગ્રીમ હરોળોમાં આ ખુશનરી અને હરહાલમાં હરકામમાં હસતા મુખે આગળ પડતો ભાગ ભજવનારા લોકોને સ્થાન મળશે.’ ‘મા’ આયશા રદિ.થી વર્ણીત થયેલ એક હદીસમાં આવ્યું છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ઉપસ્થિત લોકોને પૂછયું કે ‘બતાવો એ કોણ ભાગ્યશાળી લોકો હશે જેઓ આગળની હરોળોમાં શામેલ થઈને અલ્લાહ રબ્બુલ ઇઝઝતની છત્રછાયામાં માનવંત સ્થાન મેળવવા પાત્ર બનશે ? ઉપસ્થિત જનોએ કહ્યું ‘અલ્લાહ અને અલ્લાહના રસૂલ જ વધુ જાણે છે.’ આપ સ.અ.વ.એ ફરમાવ્યું ‘આ ખુશનસીબ લોકો તે હશે જેમનો હાલ દુન્યવી જીવનની ભાગદોડમાં હંમેશા એ રહ્યો કે જ્યારે જ્યારે સત્ય (હક) તેમની સામે રજૂ કરવામં આવ્યુ તેમણે તુરત એનો સ્વીકાર કરી લીધો. જ્યારે તેમનાથી (અલ્લાહના દીનના સ્થાપન કાર્યમાં) કોઈ હક માંગવામાં આવ્યો તો તેમણે જરાય ખચકાટ વગર એ કામનો હક અદા કરી દીધો. અન્યોના મામલાઓમાં તેમના ફેંસલા બસ તે જ (સત્ય આધારિત) હતા, જે ખુદ તેમની પોતાની જાત માટે તેઓ પ્રમાણભૂત ગણતા હતા.’ (મુસ્નદે અહમદ)
આવા ખુશનસીબ લોકોના બારામાં સૂરઃ વાકીયા આયત નંબર ૧૩/૧૪માં કહેવાયું કે ‘આગળ લોકોમાં તેમની સંખ્યા મોટી હશે અને પાછળના લોકોમાં એવા લોકો ઓછા હશે.’ ત્યારે આ લોકો કોણ હશે ? મૌલાના મૌદૂદી રહ. આ બારામાં વિવરણ નોંધ નંબર ૮ (તફહીમ, ભાગ-પ, પેજ ર૭૯)માં લખે છે કે આ બારામાં વિવરણકર્તાઓમાં ત્રણ મત પ્રવર્તે છે. એક ગીરોહનું માનવું એમ છે કે આપ સ.અ.વ.થી પહેલાં એક લાખ ચાલીસ હજાર જેટલા જે નબીયો આવ્યા તે બધાની સહીયારી ઉમ્મત મોટી છે એટલે તેમના અંદર એ લોકોનું પ્રમાણ વધુ હશે. પ્યારા નબી સ.અ.વ. છેલ્લે આવ્યા એટલે તેમના અંદર એ લોકોનું પ્રમાણ વધુ હશે. પ્યારા નબી સ.અ.વ. છેલ્લે આવ્યા એટલે અગાઉના નબીયોની સરખામરણીમાં તેમની ઉમ્મત થોડી હશે જેથી તેમાં એવા લોકોનું પ્રમાણ વધુ હશે. બીજા ગીરોહનું માનવું છે કે આપ સ.અ.વ.ના ઉમ્મતીઓના આગળના લોકોમાં એવા માણસોની સંખ્યા મોટી હશે જ્યારે પાછળના જમાનાના લોકોમાં તેમનું પ્રમાણ ઓછું હશે. ત્રીજા ગીરોહનું માનવું એમ છે કે દરેક નબીની ઉમ્મતમાં આગળના લોકોમાં તેમનું પ્રમાણ વધુ હશે જ્યારે પાછળના લોકોમાં તેમની સંખ્યા ઓછી હશે (વલ્લાહુ આ’લમ બીસ્સવાબ)
ઇસ્લામના ઇતિહાસનો અભ્યાસ કરીશુું તો આપણને જાણવા મળશે કે પ્યારા નબી સ.અ.વ.થી લઈને ખિલાફતે રાશેદાના યુગ સુધી અને તાબેઈન-તબે તબેઈનના જમાના સુધીમાં એવા લોકોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેમની દુનિયા હતી, ઘરબાર હતા, સ્ત્રી-બાળકો હતા, ધંધા-રોજગાર હતા, ઘણા પાસે દૌલત પણ સારા પ્રમાણમાં હતી. તે એવા ખુશનસીબ લોકો હતા કે તેમના જમાનામાં સોના-ચાંદીના સિક્કા ચલણમાં હતા. (આજે તો હવે કરન્સી નોટોનો વપરાશ પણ ઓછો કરી દેવાઈ રહ્યો છે.) પણ તે છતાં તેમના નજદીક અલ્લાહ-રસૂલની ચાહત, તેમની તાલીમ, તેમના આદેશો પ્રાથમિક સ્થાન ધરાવતા હતા. ઇસ્લામના બારામાં તેમની પાસે વિપુલ જ્ઞાાન હતું, તેઓ ઇસ્લામી જ્ઞાાન અને ઈસ્લામી આચારસંહિતાના રસીયા હતા. પોતે એક ખુદાના પરસ્તરાર છે, આખરી નબીના ઉમ્મતી છે અને તેના ઉપર તેમને ગર્વ હતો, બહાદુરી, ઉદારતા, પરોપકારીતા, ગરીબો-મોહતાજોની સહાય, અન્યોની રાહત માટે દોડધૂપ કરવી, અન્યોના સુખ-દુઃખમાં ભાગીદાર થવું, ગેરમુસ્લિમો સાથે પણ સદ્વ્યવહાર કરવો, પારકાની ફિકર-ચિંતા રાખવી, બોલચાલ અને વાણી-વર્તનમાં ઇસ્લામી સભ્યતાનો પાસ-લીહાઝ કરવો, પડોશીઓ સાથે સદ્વ્યવહારથી રહેવું, કુટુંબીજનો તથા દુખિયાઓની સહાય કરવી અને હર હાલમાં સચ્ચાઈને સાથ આપવો તથા ન્યાયપ્રિય વ્યવહાર કવરો એ તેમના પ્રિય મશ્આલાઓ હતા અને આ દૌલત તેમને ઇસ્લામી પ્રશિક્ષણના પ્રતાપે મળી હતી. તેઓ સુખમાં અલ્લાહનો શુક્ર અદા કતા અને દુઃખો-મુસીબતો આવી પડે તો ધીજર ધરીને સબ્રથી કામ લેતા. કોઈપણ સંજોગોમાં અતિરેક કે અલ્લાહની હદોમાં ભંગ ન થાય તેની કાળજી લેતા. ઇસ્લામ તેમની રગેરગમાં ઉતરી ગયોહતો. તે જમાનાના લોકોમાં એવા ખુદાપરસ્ત અને ખુદારસૂલના ચાહકોનું પ્રમાણ મોટું હતું. આજે પણ ઇતિહાસ એવા લોકોની સુંદર તસવીરો આપણી સામે રજૂ કરી આપણને આહવાન કરે છે કે ‘શું તમારે આવા ખુશનસીબ લોકોની સફોમાં શામેલ થવું છે ખરું ?’
મને લાગે છે કે આપણા આજના યુગથી હવે ‘પાછળના જમાના’ની શરૃઆત થઈ ચૂકી છે ! અલ્લાહ કહે છે કે ‘પાછળના જમાનામાં એવા લોકોની સંખ્યા ઓછી હશે (આયત-૧૪) અલ્લાહ આપણને માફ કરે. આપણે દુનિયાં, તેની રાહતો અને તેની રંગીનીઓમાં એવા ગળાડૂબ થતાં જઈ રહ્યા છીએ કે આવી બધી બાબતો હવે આપણને ભાગ્યે જ ફીકરચિંતામા થાય છે. જરા વિચારો, સોની સંખ્યામાં એવા કેટલા લોકો હશે જે અલલાહની કિતાબને પઢવા-સમજવાની તસ્દલી લેતા હશે ? પાછા ફરીને અલ્લાહ-રસૂલને શરણ આધીન થવાની હજી આપણા માટે તક છે. મઝરૃહ સુલતાનપુરી કહે છે.
‘મઝરૃહ લીખે રહે હૈં વો, એહલે વફા કા નામ
હમ ભી ખડે હુવે હૈં, ગુનાહગાર કી તરહા’
દોસ્તો ! સાથીઓ ! અલ્લાહની સફોમાં ઊભા થઈ જાવ. કદાચ ખુશતનસીબોમાં આપણી નોંધ થઈ જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here