ઉતરાખંડમાં UCCની જાહેરાત કર્યા પછી તુરંત ગુજરાતમાં પણ એ જ પદ્ધતિથી આગળ વધવા ગુજરાત સરકારે કમર કસી લીધી છે. એ જ રંજનાબેન દેસાઈને કમિટીના વડા બનાવી પ્રજા સંપર્ક દ્વારા કામગીરી શરૂ કરી દીધી છે. આના સીધા ટાર્ગેટ મુસલમાનો અને ઇસ્લામ જ છે, છતાં બંધારણના માર્ગદર્શક સિદ્ધાંત 44ના આદેશનો હવાલો તેમનો સ્પષ્ટ દંભ દર્શાવે છે. આ કોમવાદી સરકારનો એજન્ડા એકદમ સ્પષ્ટ છે અને તે સ્પષ્ટ રીતે ધ્રુવીકરણના માર્ગે હિંદુત્વને એકત્રિત કરી ચૂંટણી જીતવાના સાધન તરીકે તેને સતત ઉપયોગમાં લાવી રહી છે. એક પછી એક મુસલમાનો સામેના એજન્ડા સામે આવી રહ્યા છે. ક્યારેક લવજેહાદના નામે, તો ક્યારેક વકફબિલના નામે, તો ક્યારેક યુસીસીના નામે. આના પહેલા પણ તેઓ ત્રીપલ તલાક, હિજાબ, રામ મંદિર, કાશ્મીરમાં ૩૦૭ની કલમ રદ કરવાનો એજન્ડા અને આવા અનેક મુદ્દા સતત ઉઠાવી રહી છે. ગોદી મીડિયા તેને હાથો હાથ લઈ રહી છે અને ઇસ્લામો ફોબિયાનો ભરપૂર લાભ લઈ બહુમતી પ્રજા માનસમાં સતત ધિક્કાર અને ઝેર ભરી રહી છે. તમે ડિબેટ કરો, આર્ટિકલ લખો, ધરણા અને વિરોધ પ્રદર્શન કરો, જે કરવું હોય તે કરતા રહો, અમે કોઈ રીતે રોકાવાના નથી. કાયદાની આંટીઘૂંટીમાં કેવી રીતે ફસાવવા તે અમને ખૂબ આવડે છે. અદાલતો પણ અમને રોકી શકતી નથી, એવો સ્પષ્ટ મેસેજ આરએસએસ અને ભાજપની ટોચની નેતાગીરી આપી રહી છે.
આ પરિસ્થિતિમાં UCC, ખાસ કરીને મુસલમાનોનું ધાર્મિક અને સામાજિક જીવન કેવી રીતે છિન્નભિન્ન કરી નાખશે તે સમજવું ખૂબ જ જરૂરી છે. લગ્નજીવનની વય મર્યાદાથી લઈ અને તેની રજીસ્ટ્રેશનની પદ્ધતિ, પારિવારિક જીવનને ખૂબ ભારે અસર કરશે, તેમાં કોઈ બે મત નથી. લીવ ઇન રિલેશનશિપને માન્યતા આપી તેનું પણ રજીસ્ટ્રેશન કરાવવાની જોગવાઈ છે. વ્યભિચારને કોઈ પણ સ્વરૂપે માન્યતા આપવા ઇસ્લામ તૈયાર હોઈ શકે નહીં અને તેથી જ અહીં તેનો વિરોધ સ્વાભાવિક છે. નિકાહ એટલે કે લગ્નને પરિવાર વ્યવસ્થાની ધરોહરને તોડવાનું આ કાર્ય પશ્ચિમના કોર્પોરેટવાદના રવાડે ચઢી, ઇસ્લામિક સંસ્કૃતિ પર પ્રહાર કરવાની લહાયમાં, હિંદુ સંસ્કૃતિનું પણ પતન નોંતરશે, તે સમજાશે ત્યારે પાછા વળવું ઘણું મોડું અને અશક્ય બની જશે. વારસાઈના કાયદા કે દત્તક લેવાના કાયદા જે રીતે મુસલમાનો પર થોપી દેવામાં આવી રહ્યા છે તે સમજવું ખૂબ જરૂરી છે. જો કાયદો બનાવવો જ હોય તો તે રાષ્ટ્રવ્યાપી હોવો જરૂરી છે તેવું સ્પષ્ટ રીતે માર્ગદર્શક સિદ્ધાંત જણાવે છે, છતાં પણ તેને ચાલાકીથી રાજ્યવાર લાગુ કરવાની ભારત સરકારની નીતિ કાયદાકીય આંટી ઘૂંટીમાં ગુંચવણ ઊભી કરી સતત ધ્રુવીકરણ કરી મત અંકે કરવાનું વલણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. આદિવાસીઓને બાકાત રાખવાની વાતમાં જ આ યુનિફોર્મ સિવિલ કોડ નથી રહેતો, તે પણ સમજવું રહ્યું. કાનૂની આયોગે પણ જણાવ્યું છે કે ન તો યુસીસી આ તબક્કે ઇચ્છનીય છે, ન તો જરૂરી છે, છતાં પણ તેને લાગુ કરવાની ઉતાવળ, પ્રજા માનસને આતંકીત કરી તેમની વચ્ચે દુર્ભાવ વધારવાનું પ્લેટફોર્મ બનાવવાનું હોય તેવું સમજાય છે, જે માર્ગદર્શક સિદ્ધાંતની વ્યાખ્યાથી બિલકુલ વિપરીત જણાયછે. મુસલમાનોને રંજાડવામાં એક તરફ જમણેરી તત્વો સરકારના સહારે સક્રિય છે, તો બીજી તરફ કોર્પોરેટ સેક્ટર પણ પોતાના બજારના ફેલાવા માટે આ તકનો ભરપૂર ઉપયોગ કરવા માંગે છે અને તેમાં ડાબેરી અને સેક્યુલર તત્વો પણ કોમવાદીઓની ટ્રેપમાં આવી સુર પુરાવી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં ગુજરાતના મુસલમાનો ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લા બોર્ડના માર્ગદર્શન હેઠળ, સંગઠિત રીતે UCCના વિરોધ માટે કમિટી સમક્ષ રજૂઆત કરવા તથા ભવિષ્યમાં અદાલતમાં પડકારવા માટે પ્રજા માનસને તૈયાર કરી રહી છે. મુસ્લિમ સમુદાય CAAના શાહીનબાગ આંદોલન અને વકફબીલના વિરોધની તરાહ પર તેને એકજુટ થઈ સંપૂર્ણ ટેકો આપી રહી છે. મુસ્લિમ મહિલાઓના તારણહાર તરીકે ગોદી મીડિયાનો ઉપયોગ કરી ત્રિપલ તલાકના મુદ્દા ઉપર મહિલાઓ અને પુરુષો અલગ રીતે વિચારતા વર્તતા હોય તેવો દેખાડો કરવા મોદી સરકારે કોઈ કસર છોડી નહોતી. પરંતુ અહીં મુસ્લિમ સમુદાયમાં મહિલા પુરુષમાં કોઈ જ મતભેદ નથી. તલાક કે UCC, મુસ્લિમો મહિલા અને પુરુષ સૌ એક જ પ્લેટફોર્મ ઉપર છે અને સર્વે એકી અવાજે UCCનો સ્પષ્ટ વિરોધ કરી રહ્યા છે તે નોંધવું રહ્યું.
આવનાર દિવસોમાં મુસલમાનોનું સામુહિક વર્તન સરકારને સમજાવશે ઇન શા અલ્લાહ કેઃ
સમાન નાગરિક સંહિતાનો સખત વિરોધ શા માટે
Why a big NO to UCC.
મુ.ઉમર વહોરા
મો.99252 12453