રેહમતુલ લિલ-આલમીન ﷺ

0
53

“હે પયગંબર! અમે તો તમને દુનિયાવાળાઓ માટે રહેમત બનાવીને મોકલ્યા છે.” (સૂરઃઅંબિયા, આયત-૧૦૭)

અલ્લાહતબારક વ તઆલાએ પોતાનો પરિચય રબ્બુલ આલમીનની હેસિયતથી કરાવ્યો છે. સૂરઃ ફાતિહાની શરૂઆત “અલહમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન”થી થાય છે. રબ્બિલ આલમીનનો અર્થ છે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર અને ઉછેર કરનાર. અલ્લાહતઆલાએ પોતાના અંતિમ રસૂલ હઝરત મુહમ્મદ ﷺનો પરિચય “રહેમતુલ લિલ આલમીન”થી કરાવ્યો છે. અર્થાત્‌ સમગ્ર સૃષ્ટિ માટે રહેમત જેવી રીતે અલ્લાહને ઓળખવા અને તેની પ્રસન્નતા સુધી પહોંચવા માટે રસૂલનું અનુસરણ આવશ્યક છે એવી જ રીતે અલ્લાહની રબૂબિયતને હાસલ કરવા માટે રસૂલની રહેમતનું હોવું જરૂરી છે. જો બગીચામાં છોડ લગાવી દેવામાં આવે અને તેમનું સિંચન કરવામાં ન આવે, ખેતરમાં બી વાવી દેવામાં આવે અને તેમને પાણી પહોંચાડવામાં ન આવે તો છોડ વિકસી નહીં શકે, સુકાઈ જશે. એવી જ રીતે અલ્લાહતઆલાની રબૂબિયતનો ફાયદો માનવી રસૂલની રહમત વિના ઉઠાવી શકતો નથી.

ધરતી જ્યારે તરસી હોય છે તો અલ્લાહ વરસાદ મોકલે છે. આવી જ રીતે માનવીની રૂહ જયારે ‘હિદાયત’ (સન્માર્ગ)ની તરસી હોય છે તો અલ્લાહતઆલા પોતાના રસૂલને રહેમત બનાવીને મોકલે છે. આમ તો બધા જ રસૂલો અલ્લાહની રહેમતના પયગંબર (સંદેશવાહક) બનીને આવ્યા, પરંતુ અંતિમ રસૂલ મુહમ્મદ ﷺ સંપૂર્ણપણે રેહમતુલ લિલ-આલમીન બનીને પધાર્યા. અને ફકત માનવો માટે જ નહીં, બલ્કે જિન્નાતો, હેવાનો અને તમામ મખ્લૂકો માટે રહેમત બનીને આવ્યા. આથી દુનિયા જાણે છે કે રસૂલે કરીમ ﷺના જીવનનું દરેક અમલ માનવ-સમાજની ‘હિદાયત’ની સાથોસાથ રહેમત પહોંચાડવાનું સામાન પણ ઉપલબ્ધ કરાવે છે.

દુનિયામાં જેટલા પણ જલીલુલ કદ્ર અંબિયા અ.સ. થઈ ગયા છે તેમણે અલ્લાહના દીનની તરફ માનવોને બોલાવ્યા. જે કોમોએ પોતાના નબી અ.સ.ને જુઠાડયા, તેમને સતાવ્યા અને તેમની દા’વતને ઠુકરાવી તો તેમના રસૂલોએ તેમના માટે બદ્દુઆ કરી અને અલ્લાહે તેમની બદ્દુઆને કબૂલ કરતાં એ કોમોને નષ્ટ અને બરબાદ કરી દીધી. નૂહ અ.સ.ની કોમે જયારે તેમને જુઠાડયા અને સતાવ્યા તો હઝરત નૂહ અ.સ.એ આ રીતે બદ્દુઆ કરી :
“અને નૂહ કહ્યું, મારા રબ! આ કાફિરોમાંથી ધરતી પર વસવાટ કરનાર (કોઈને) બાકી ન છોડ. જો તેં આમને છોડી દીધા તો આ લોકો તારા બંદાઓને પથભ્રષ્ટ કરશે, અને આમના વંશમાં જે પણ પેદા થશે તે દુરાચારી અને સખત ઇન્કાર કરનાર જ હશે.” (સૂરઃનૂહ, આયત – ૨૬,૨૭).
આવી જ રીતે હઝરત લૂત અ.સ. હઝરત હૂદ અ.સ., હઝરત સાલેહ અ.સ. અને હઝરત મૂસા અ.સ.એ પોતાની કોમની ગુમરાહી અને નિર્લજ્જતા પર બદ્દુઆ કરી અને કોમો નષ્ટ થઈ ગઈ. નબીને આ હક્ક હાસલ છે કે કોમ વિરોધ કરે તો નબી બદ્દુઆ કરે. હઝરત મૂસા અ.સ.એ ફિરઔન અને તેની કોમની વિરુદ્ધ જે બદ્દુઆ કરી તેની વિસ્તૃત વિગતો કુઆર્નમજીદમાં મૌજૂદ છે :

મૂસા (અ.સ.)એ દુઆ કરી, “હે અમારા રબ! તેં ફિરઔન અને તેના સરદારોને દુનિયાની જિંદગીમાં વૈભવ અને ધન-દોલત વડે નવાજયા છે. હે રબ! શું આ એટલા માટે છે કે તેઓ લોકોને તારા માર્ગથી ભટકાવે? હે રબ! તેમનું ધન નષ્ટ કરી દે અને તેમના હૃદયો પર એવી મહોર મારી દે કે ઈમાન ન લાવે જ્યાં સુધી પીડાકારી યાતના ન જોઈ લે.” (સૂરઃ યૂનુસ, આયત-૮૮)

અલ્લાહતઆલાએ તેમની દુઆ કબૂલ કરી અને ફિરઔન પોતાના લશ્કરની સાથે ડૂબી મર્યો. નબી પોતાના સમાજ માટે રહેમત હોય છે. જ્યારે કોમ રહેમતને કબૂલ નથી કરતી તો વિનાશ તેનું ભાગ્ય બની જાય છે. પરંતુ અંતિમ રસૂલ હઝરત મુહમ્મદ ﷺની શાન બીજા અંબિયા અ.સ.થી જુદી છે. કાફિરોએ આપ ﷺને પણ જુઠાડયા, આપ ﷺનો વિરોધ કર્યો, આપ ﷺને પીડા આપી, બલ્કે આપ ﷺના કતલની યોજના બનાવી, પરંતુ રસૂલે પાક ﷺએ તેમના માટે બદ્દુઆ ન કરી બલ્કે ‘હિદાયત’ માટે દુઆ કરી.

“હઝરત અબૂ હુરૈરહ રદિ. રિવાયત કરે છે ? સહાબા રદિ.એ અરજ કરી, યા રસૂલુલ્લાહ ! મુશ્રિકો પર બદ્દુઆ કરો. રસૂલેપાક ﷺએ ફરમાવ્યું કે હું લાનત કરવા માટે મોકલવામાં નથી આવ્યો, બલ્કે હું તો રહેમત બનાવીને મોકલવામાં આવ્યો છું.”(મુસ્લિમ)

હઝરત અબૂઝર ગિફારી રદિ. રિવાયત કરે છે કે એક રાત્રે નબી ﷺ તહજ્જુદ માટે ઊભા થયા અને એક જ આયત પઢતા રહ્યા. તે એટલે સુધી કે સવાર થઈ ગઈ. એ આયત સૂરઃ માઇદહની આયત-૧૧૮ હતી.

મુહમ્મદ ﷺને કાફિરોએ જેટલી તકલીફ પહોંચાડી અને જેટલો વિરોધ કર્યો તેનો ઉલ્લેખ સીરતના પુસ્તકોમાં મૌજૂદ છે. સૌથી વધુ તકલીફ આપ ﷺને તાઇફના લોકોએ પહોંચાડી, જ્યારે આપ ﷺ તેમની પાસે દીનની દા’વત લઈને તશરીફ લઈ ગયા હતા. આપ ﷺનો વિચાર હતો કે કુરૈશના લોકો જો અલ્લાહના દીનને કબૂલ નથી કરતા તો બીજો મોટો કબીલો બનૂ સકીફનો તાઇફમાં છે, જો તે લોકો ઇસ્લામ કબૂલ કરી લે તો અલ્લાહના દીનની પ્રચાર-પ્રસાર સરળ થઈ જશે, આ વિચારથી આપ ﷺ નુબુવ્વતના દસમા વર્ષે તાઇફ તશરીફ લઈ ગયા. આ ﷺના ગુલામ હઝરત ઝૈદ બિન હારિસ રદિ. સાથે હતા.

બનૂ સકીફ કબીલાના સરદાર ત્રણ ભાઈઓ હતા, અબ્દ યા લૈલ, મસ્‌ઊદ અને હબીબ. તેમની રિશ્તેદારી કુરૈશ સાથે હતી. રસૂલે પાક ﷺએ આ ત્રણેય ભાઈઓ સાથે મુલાકાત કરી, દીનની દા’વત આપી, પરંતુ એ લોકોએ ખૂબ જ અહંકાર-ઉદ્દંડતા અને તિરસ્કાર સાથે એ દા’વતને ઠુકરાવી દીધી અને રસૂલે કરીમ ﷺ સાથે ધૃષ્ટતાથી વત્ર્યા. તેમણે આના પર જ સંતોષ ન માન્યો બલ્કે આપ ની પાછળ ગુલામો અને આવારા-બદમાશ છોકરાઓને લગાવી દીધા. તેઓ આપ ﷺની પાછળ શોર મચાવતા, આપ ﷺને દીવાના કહેતા, પત્થરો મારતા અને અપમાનિત કરતા. તેમના દ્વારા પત્થર મારવાના લીધે આપ ﷺનું પવિત્ર શરીર ઘાયલ થઈ ગયું અને લોહી વ્હેવા માંડયું. રસ્તામાં એક જગ્યાએ આપ ﷺએ આરામ ફરમાવ્યો અને બેચેનીની સ્થિતિમાં અલ્લાહતઆલાથી મદદની દુઆ માગી.

અલ્લાહતઆલાએ ‘મલિકુલ જિબાલ’ અર્થાત્‌ પહાડના ફરિશ્તાને આપ ﷺ પાસે મોકલ્યો. તે આપ ﷺની સેવામાં હાજર થયો. સલામ કર્યો અને કહ્યું કે અલ્લાહે આપ ﷺની સાથે કોમનું વર્તન જોઈ લીધું અને મને એટલા માટે મોકલ્યો છે કે આપ હુકમ આપો તો હમણાં જ કાફિરોને આ બે પહાડોની વચ્ચે કચડી નાખું. આપ ﷺએ ફરમાવ્યું કે ના, આ લોકો ઈમાન નથી લાવ્યા તો કદાચ એમની નસલો ઈમાન લાવે અને અલ્લાહ વહ્‌દુહુ લા શરીકની ઇબાદત કરે.

હઝરત અબ્દુલ્લાહ બિન મસ્‌ઊદ રદિ. રિવાયત કરે છે કે હું રસૂલુલ્લાહ ﷺને જોઈ રહ્યો હતો. જે સમયે તેઓ અલ્લાહના એક નબીનો (અર્થાત્‌ પોતાનો) બનાવ વર્ણવી રહ્યા હતા કે તેમની કોમે તેમને મારી મારીને લોહી-લુહાણ કરી નાખ્યા હતા. તેઓ પોતાના ચ્હેરાથી લોહી લૂંછતા હતા અને કહેતા હતા : “હે અલ્લાહ, મારી કોમને હિદાયત આપ, તે નાદાન છે.”

રહેમત (દયા)નું ઉજ્જવળ ઉદાહરણ માનવ ઇતિહાસમાં શોધ્યે નહીં જડે. આ જ મોકો હોય છે જ્યારે નબી બદ્દુઆ કરે છે. તેની બદ્દુઆ કબૂલ થાય છે અને કોમ નાશ પામે છે. રસૂલે પાક ﷺએ બદ્દુઆ પણ ન કરી અને ફરિશ્તાએ કોમને નષ્ટ કરવાની વાત કરી તો રસૂલે પાક ﷺએ નષ્ટ કરવાની દુઆ કરવાના બદલે હિદાયતની દુઆ ફરમાવી. અંતે રહેમતુલ લિલ આલમીન જે હતા.

આજે મુસલમાનની આ ટેવ બની ગઈ છે કે જ્યારે તેને કોઈ તકલીફ પહોંચે છે તો કહે છે કે હું ઈંટનો જવાબ પત્થરથી આપીશ, પરંતુ રસૂલે પાક ﷺની સુન્નત આ છે કે આપ એ પત્થરનો મારો સહન કર્યો. જવાબમાં પત્થર ન વરસવ્યા, બલ્કે તેમની હિદાયત માટે દુઆ કરી, અને આપ ﷺની દુઆ કબૂલ થઈ. દુનિયાએ જોઈ લીધું કે તાઇફની એ પછીની નસલે રસૂલે પાક ﷺનો કલમો પઢી લીધો. ગઈ કાલે તાઇફના લોકો રસૂલ ﷺના દુશ્મન હતા, આજે તાઇફના લોકો રસૂલુલ્લાહ ﷺના ઉમ્મતી છે. આ ચમત્કાર હતો એ રહેમત-દયાનો જેને લઈને આપ ﷺ દુનિયામાં પધાર્યા હતા.

રસૂલે પાક ﷺનું જીવન માથાથી પગ સુધી એટલે કે સંપૂર્ણપણે રહેમત હતું. તકલીફ, હિંસા, ઇન્તેકામ જેવી વસ્તુઓ આપ ﷺમાં ન હતા. આ જ કારણ હતું કે શત્રુ પણ આપ ﷺને પસંદ કરનાર કે ચાહક બની જતો હતો. જો એ ઈમાન ન પણ લાવતો તો ઓછામાં ઓછો એ આપ ﷺના રહેમતભર્યા વ્યક્તિત્વથી પ્રભાવિત અવશ્ય થતો હતો. અલ્લાહતઆલાએ પોતાના રસૂલ ﷺના આ ગુણ અને તેની અસરોનો ઉલ્લેખ કરતાં ફરમાવ્યું છે :

(હે પયગંબર!) આ અલ્લાહની મોટી કૃપા છે કે તમે આ લોકો માટે ધણાં વિનમ્ર સ્વભાવના છો, નહીં તો જો તમે કઠોર સ્વભાવના અને પાષાણ-હૃદયી હોત તો આ સૌ તમારા પાસેથી વિખેરાઈ જતા. તેમની ભૂલો માફ કરી દો, તેમના માટે મગ્‌ફિરતની પ્રાર્થના કરો.” (સૂરઃઆલે ઇમરાન, આયત-૧૫૯).
જેવી રીતે આપણા રસૂલ ﷺની ઓળખ રહેમત હતી, એવી જ રીતે રસૂલ ﷺની ઉમ્મતની ઓળખ પણ રહેમત હોવી જોઈએ. મુસલમાન પોતાના કુટુંબ-પરિવાર માટે, પોતાના મહોલ્લા અને સમાજ માટે, પોતાના દેશ અને માનવો માટે રહેમત-દયા બનવાનો પ્રયાસ કરે. આજકાલ એવા સંજોગો સર્જાઈ ગયા છે કે મુસલમાનોને જહેમત આફત સમજવામાં આવે છે. તેમને જુલમ તથા હિંસાથી જોડવામાં આવે છે. મુસ્લિમ યુવાનોમાં સહનશક્તિ અને ઉદારતાની ભાવના ઘટતી જઈ રહી છે. તેણે પોતાના રસૂલ ﷺનો ઉસ્વહ(નમૂનો) યાદ રાખવો જોઈએ કે તેઓ રહેમતુલ લિલ આલમીન હતા, રહેમતુલ લિલ મુસ્લિમીન ન હતા, મુસલમાનો માટે હુઝૂર ﷺની રહેમત ખાસ હતી, અને તમામ માનવો માટે રહેમત આમ-સામાન્ય હતી. એ રહેમતનો સંદેશ તથા ફૈઝાન(લાભ) સમગ્ર દુનિયા સુધી પહોંચાડવા માટે આપણે મુસલમાનોએ પોતાની ભૂમિકા ભજવવી પડશે, પોતાના વ્યક્તિત્વને રહેમત બનાવવું પડશે, પોતાના વલણથી ‘રહેમત’નો પુરાવો આપવો પડશે, અને ઈંટનો જવાબ પત્થરથી આપવાના બદલે રસૂલ ﷺની રહેમત ભરી સીરતને અપનાવવી પડશે.

સલામ ઉસ પર કે જિસને
ખૂન પ્યાસોંકો કબાએં દીં
સલામ ઉસ પર કે જિસને
ગાલિયાં સુન કર દુઆએં દીં

અલ્લાહતઆલા મુસ્લિમ ઉમ્મતને સમગ્ર વિશ્વ માટે રહેમત બનાવી દે. (આમીન). •••

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here