હસી-મજાકની શરઈ હેસિયત

0
41

ઇસ્લામ એક એવો ધર્મ છે કે જેમાં માનવ-પ્રકૃતિનું પૂરેપૂરૂં ધ્યાન રાખવામાં આવ્યું છે. આમાં જયાં તકવા અને પરહેઝગારી તેમજ અલ્લાહની ‘ખશિય્યત’ (ડર) અપનાવવાનું શિક્ષણ છે ત્યાં જ દિલ-દિમાગ કે મનને પ્રસન્નતા અર્પનાર, ખુશ રહેવા અને અન્યોને ખુશ કરનાર શિક્ષણ પણ મૌજૂદ છે. તેમાંથી જ એક શિક્ષણ હસી-મજાકનું છે. રસૂલે અકરમ સ.અ.વ.નો ઇર્શાદ છેઃ “પોતાના ભાઈ સાથે હસીને મળવું પણ નેકી તથા સદ્‌કા છે.” (તિર્મિઝી)

દુનિયામાં કેટલીક વસ્તુઓ એવી છે કે જેમનાથી મનુષ્યોમાં નવો જોશ અને નવો ઉત્સાહ પેદા થાય છે. હસી-મજાક વાસ્તવમાં કંટાળાને દૂર કરવા, દુન્યવી વ્યસ્તતાઓથી રાહત મેળવવા, ‘નફસ’(ઇચ્છા)ને સુકૂન પહોંચાડવા, મનને તાજગી બક્ષવા, થાકને દૂર કરવા, તેમજ પરેશાની, ક્રોધ, ગમ(દુઃખ) અને ભયને ઘટાડવાનું માધ્યમ છે. આવી જ રીતે મિત્રો તથા સાથીઓને ખુશ રાખવા, પ્રેમ તથા સ્નેહ વધારવા, સંબંધો સાનુકૂળ બનાવવા અને બીક-ડરને દૂર કરવાનું પણ માધ્યમ છે. જાે આ વસ્તુઓ ન હોય તો હૃદય વ્યથિત, મન ભારે અને જીવન મજા વિનાનું બનીને રહી જશે.

રસૂલે અકરમ સ.અ.વ. અને પ્રફુલ્લિત સ્વભાવ
રસૂલે અકરમ સ.અ.વ. ખૂબ જ પ્રફુલ્લિત સ્વભાવના હતા. હઝરત અબ્દુલ્લાહ બિન હારિસ રદિ. ફરમાવે છેઃ “ મેં રસૂલે અકરમ સ.અ.વ.થી વધુ કોઈને હસતા નથી જોયા.” (તિર્મિઝી) હઝરત જરીર રદિ. ફરમાવે છેઃ ઇસ્લામ અંગીકાર પછીથી આપ સ.અ.વ.એ મને પોતાની પાસે આવવાથી કયારેય નથી અટકાવ્યો, અને જ્યારે પણ મારા પર નજર પડતી તો આપ સ.અ.વ. મને જોઈને મુસ્કુરાઈ દેતા.” (બુખારી) ઇમામ બુખારી રહ.એ પોતાના સહીહમાં આ પ્રકરણ રચ્યું છેઃ

“લોકો સાથે પ્રસન્નતાથી મળવું”
આની હેઠળ હઝરત અનસ રદિ.ની એક હદીસ છે, જેમાં તેઓ ફરમાવે છેઃ રસૂલે અકરમ સ.અ.વ. અમો બાળકો સાથે પણ હસી-મજાક કરતા રહેતા હતા. મારો એક નાનો ભાઈ હતો, તેનાથી ફરમાવ્યા કરતા હતાઃ હે અબૂ ઉમૈર તમારા બુલબુલની ખૈરિયત તો છે? (ઇબ્ને માજહ). હઝરત અનસ રદિ. ફરમાવે છે કે રસૂલે અકરમ સ.અ.વ. પાસે એક માણસ આવ્યો, અને તેણે કહ્યું કે મને સવારી માટે એક ઊંટણીની વ્યવસ્થા કરી આપો. આપ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ હું તમને સવારી માટે ઊંટણીનું બચ્ચું આપી શકું છું.” તેણે કહ્યુંઃ હું ઊંટણીનું બચ્ચું લઈને શું કરીશ? આપ સ.વ.અ.એ જવાબ આપ્યોઃ “દરેક ઊંટણી કોઈ ઊંટણીનું બચ્ચું જ તો હોય છે.”(અબૂ દાઊદ)

કેટલીક વખત નબી સ.અ.વ. સવારે પોતાના સાથીઓની દિલચસ્પ ગુફતેગૂથી આનંદિત થતા. જેમકે હઝરત સમ્માક બિન હરબ રદિ.થી રિવાયત છે કે હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ રદિ.એ તેમને પૂછયું કે શું તમને રસૂલે અકરમ સ.અ.વ.ની મજલિસોમાં સામેલ થવાનો સંયોગ થયો છે? તેમણે કહ્યુંઃ હા, હું આપ સ.અ.વ.ની મજલિસો (બેઠકો)માં મોટા પ્રમાણમાં સામેલ થતો રહેતો હતો. આપ ફજ્રની નમાઝ પછી સૂર્યોદય થવા સુધી પોતાના મુસલ્લા પર જ બેસી રહેતા. આપ સ.અ.વ.ની રોજિંદી બાબત હતી કે સહાબાએ કિરામ રદિ.થી વિવિધ વિષયો પર વાતચીત-ગુફતેગૂ કરતા, તેમાં અજ્ઞાનતાનું વર્ણન પણ થતું. સહાબાએ કિરામ રદિ. કોઈ વાત ઉપર હસતા તો આપ સ.અ.વ. પણ હસી દેતા.” (મુસ્લિમ).

સહાબાએ કિરામ રદિ. અને પ્રફુલ્લિત સ્વાભાવ
સહાબાએ કિરામ રદિ. પણ પરસ્પર હસી-મજાક કરતા રહેતા હતા. હઝરત ઉસૈદ બિન હુઝૈર રદિ.થી રિવાયત છે. તેઓ ફરમાવે છે કે એક અન્સારી સહાબી રદિ. જે ખૂબ જ વિનોદી સ્વભાવના હતા, એક વખત લોકોને ઘટનાઓ સંભાળાવીને હસાવી રહ્યા હતા. કે આપ સ.અ.વ.એ લાકડીથી તેમની કમરને ઠપકારી. આના પર તેમણે કહ્યું કે હે અલ્લાહના રસૂલ સ.અ.વ.! આપે મને તકલીફ પહોંચાડી. રસૂલે અકરમ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ તો તમે પણ બદલો લઈ લો. તેમણે કહ્યુંઃ અલ્લાહના રસૂલ સ.અ.વ.! આપના શરીર પર તો પહેરણ છે, અને હું પહેરણ વિનાનો છું. આપ સ.અ.વ.એ પોતાનું પહેરણ ઉઠાવ્યું તો તેમણે તરત જ આપ સ.અ.વ.ના પડખા પર ચુંબન કર્યું અને કહ્યું કે અલ્લાહના રસૂલ સ.અ.વ.! વાસ્તવમાં હું આ જ ઇચ્છતો હતો. (અબૂ દાઊદ). હઝરત નુમાન બિન અમ્ર રદિ. એક જલીલુલ કદ્ર (મોટા દરજ્જાના) બદ્રી સહાબી છે, જેમની ગણના મોટા સહાબા રદિ.માં થાય છે. “અલ ઇસ્તીઆબ”માં અલ્લામા ઇબ્ને અબ્દુલ બર્રે તેમના વિષે લખ્યું છે, કે નુઐમાન ખૂબ જ વિનોદી અને દિલચસ્પ માણસ હતા. (અલ ઇસ્તીઆબ,૪/૧૫૨૬).

હઝરત ઇબ્ને ઉમર રદિ. ફરમાવે છેઃ મને આ વાત પસંદ છે કે માણસ પોતાના ઘરમાં એક બાળકની જેમ (સૌનાથી હળી મળીને) રહે. અલબત્ત જો કોઈ બિનશરઈ કાર્ય જુએ તો તે એક સુધારક બનીને તેની સુધારણા કરે.”(ઉયૂનુલ અખબાર)

હઝરત અબુદ્દર્દહ રદિ. ફરમાવે છે કેઃ “હું હસી મજાક દ્વારા પોતાના દિલને બહેલાઉ છું, જેથી કરી હક્કની અદાયગીના મામલામાં વધુ સજાગ-સભાન રહું.”(ફતાવા ઇબ્ને તૈમિયા ૨૮ /૩૬૯).

પ્રફલ્લતામાં સંતુલન
રસૂલે અકરમ સ.અ.વ.ની મજલિસી બેઠકની વિષેશતા આ હતી કે ત્યાં દરેક સ્વભાવ અને પ્રકૃતિના લોકો હાજર રહેતા હતા, એ મજલિસમાં જ્યાં હઝરત ઉમર રદિ. જેવા ગંભીર સ્વભાવના સહાબા રદિ. હતા, ત્યાં જ હઝરત નુઐમાન રદિ. જેવા વિનોદી પ્રકૃતિના સહાબા રદિ. પણ હતા, પરંતુ કોઈ કોઈને રદ કરતા ન હતા. હકીકત આ છે કે હસી-મજાક ઇસ્લામમાં પોતાનામાં નીંદનીય નથી, બલ્કે તેમાં હદો વટાવી જવી એ વખોડણીપાત્ર છે. દા.ત. ગંભીરતાના પ્રસંગોએ હસવું કે પછી નાની નાની વાતો પર ખડખડાટ હસીને હંગામો કરવો વિ. અપ્રિય વાતો છે.

હઝરત ઇબ્ને ઉમર રદિ.થી પૂછવામાં આવ્યું કે શું રસૂલ સ.અ.વ.ના સહાબા રદિ. પરસ્પર હસી-મજાક કરતા હતા? આપ રદિ.એ જવાબ આપ્યોઃ હા, તેઓ પરસ્પર હસી-મજાક કરતા રહેતા હતા. તેમ છતાં તેમના દિલોમાં ઈમાન પહાડની જેમ મજબૂત હતો. હઝરત બિલાલ બિન સઅદ રદિ. ફરમાવે છે કે મેં સહાબાએ કિરામ રદિ.ને જોયા કે તેઓ એકબીજાના આદર-સન્માન અને ઇજ્જત કરવાની દૃષ્ટિએ ખૂબ જ ગંભીર હતા. તેમ છતાં હસી-મજાક પણ કરી લેતા હતા. પરંતુ જ્યારે રાતનો અંધકાર વ્યાપી જતો તો તેઓ ઇબાદત-ગુઝાર અને રાત્રે જાગનાર બની જતા હતા.” (ઉયૂનુલ અખબાર). હસી-મજાકમાં અતિશ્યતા, એવા કૃત્યોના આચરણનું કારણ બને છે કે જે શરીઅતના હેતુઓ, માનવીય-મુરવ્વત અને વ્યક્તિગત મોભાની વિરુદ્ધ હોય છે. જ્યાં આના કેટલાક ફાયદા છે ત્યાં જ આમાં અસંતુલનના ઘણા નુકસાન પણ છે.

‘સલ્ફ-સાલેહીન’ એટલે કે અગાઉ થઈ ગયેલ નેક બુઝુર્ગો (તાબેઈન, તબે-તાબેઈન વિ.) એ પણ હસી-મજાકનો ફક્ત મનોરંજનની હદ સુધી ઉપયોગ કર્યો છે. ઇમામ શઅ્‌મી રહ. કે જે મોટા તાબેઈનો પૈકીમાંથી છે, તેમના ઘણા પુસ્તકોમાં એવી દિલચસ્પ ઘટનાઓ અને પ્રતિષ્ઠિત કે શ્રેષ્ઠ રમૂજી ટુચકા (Jokes) મળે છે. જેમનાથી વાંચનારાઓના દિલોને પ્રસન્નતા મળે છે.

હઝરત સુફયાન બિન ઉયૈયના રહ.થી પૂછવામાં આવ્યું કે શું હસી-મજાક એબની વાત છે ? આપે જવાબ આપ્યો કે ના, બલ્કે એ મસ્નૂન (સુન્નત મુજબ) છે, શરત આ છે કે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. કેટલાક ફિકહવેત્તાઓએ હસી-મજાકને શરાફત અને મુરવ્વતની નિશાની ઠેરવી છે, જાે તે શરઈ હદ તથા નિયમોમાં રહીને હોય અને તેમાં મોકા અને પ્રસંગનું ધ્યાન રાખવામાં આવ્યું હોય. સલ્ફ સાલેહીન હાસ્ય-વિનોદને વિશેષરૂપે પ્રવાસમાં વધુ મહત્ત્વ આપતા હતા. હઝરત રબીઆ અલ રાઈ રહ. ફરમાવે છેઃ શરાફતની છ બાબતો છે. આમાંથી ત્રણનો સંબંધ પ્રવાસોથી છે. (૧) પ્રવાસ ભાથું ખર્ચ કરવું. (ર) સાથીઓ સાથે સદ્‌વર્તન કરવું. (૩) પાપ અને ગુનાહથી બચીને હસી-મજાક કરવો. (શરહુસ્સુન્નહ, ૧૩/૧૮૪૯).
ઇમામ નૌવી રહ. ફરમાવે છેઃ એ મજાક શરઈ રીતે પ્રતિબંધિત છે જે હદથી વધારે હોય, અથવા એ કે જેને જીવનની દિન-ચર્યા બનાવી લેવામાં આવે. કેમકે આ વસ્તુ મુર્દા-દિલી, અલ્લાહની યાદથી ગફલત અને અન્યોને તકલીફ આપવાનું કારણ બને છે. આનાથી દિલોમાં તનાવ કે દૂરી પેદા થાય છે અને માન-મરતબા તથા ગંભીરતાનો ખાત્મો થાય છે; અને જો હદની અંદર હોય તો એ મજાક શરઈ રીતે જાઇઝ છે અને રસૂલે અકરમ ﷺથી આ પ્રકારનો મજાક પુરવાર થયેલ છે. (અલ અઝકાર, લિલ નૌવી, ૪૬૮)

હસી-મજાકના શરઈ નિયમોઃ
શરીઅતે હસી-મજાકની કેટલીક હદો નક્કી કરી છે. તેમનું ધ્યાન રાખવું દરેક મુસલમાન માટે જરૂરી છે:
(૧) મજાકમાં દીનની મજાક ઉડાવવામાં ન આવે. જે માણસ દીનની મજાક ઉડાવે છે, ભલેથી તે માત્ર લોકોને હસાવવા માટે જ કેમ ન હોય. આવી મજાક ઇસ્લામના વર્તુળમાંથી નીકળવાનું કારણ પણ બની શકે છે. જેમકે અલ્લાહતઆલાનો ઇર્શાદ છેઃ

જાે તેમને પૂછો કે તમે શું વાતો કરી રહ્યા હતા, તો તરત જ કહેશે કે અમે તો મજાક-મશ્કરી અને ઠઠ્ઠો કરી રહ્યા હતા. એમને કહો, “શું તમારી મજાક-મશ્કરી અને ઠઠ્ઠો અલ્લાહ અને તેની આયતો અને તેના રસૂલ સાથે જ હતી ? હવે બહાના ન બનાવો તમે ઈમાન લાવ્યા પછી કુફ્ર કર્યું છે.” (સૂરઃ તૌબા, આયતો-૬૫, ૬૬)

ઇમામ ઇબ્ને તૈમિયા રહ. ફરમાવે છેઃ અલ્લાહની ઝાત, તેની આયતો અને તેના રસૂલોની મજાક ઉડાવવી કુફ્ર છે, જેના લીધે માણસ ઇસ્લામમાંથી નીકળી જાય છે.” (ફતાવા ઇબ્ને તૈમિયા રહ., ૨૭૩૭) ઇમામ ઇબ્ને કદામા રહ. ફરમાવે છેઃ “એવો માણસ મુર્તદ છે.” હઝરત ઇબ્ને અબ્બાસ રદિ. ફરમાવે છે કે જે માણસ ગુનાહનું આચરણ કરે અને તેના પર લજ્જિત થવાના બદલે હસે તો કયામતના દિવસે રડતાં રડતાં જહન્નમમાં દાખલ થશે.” (અલ હુલિયતુલ અબી નુઐમ ઃ ૪/૯૬) (ર) લોકોને હસવવા માટે જૂઠી ઘટનાઓ અને મન-ઘડત (ઉપજાવી કાઢેલ) કિસ્સાઓથી બચવામાં આવેઃ
કેટલાક લોકોની ટેવ હોય છે કે લોકોને હસાવવા માટે મન-ઘડત કિસ્સાઓ વર્ણવતા રહે છે. એવા લોકો વિષે રસૂલુલ્લાહ ﷺનો ઇર્શાદ છેઃ વિનાશ છે એ લોકો માટે કે જેઓ લોકોને હસાવવા માટે જૂઠી ઘટનાઓ વર્ણવે છે.” (અબૂ દાઊદ) આપ ﷺએ આ પણ ફરમાવ્યું છેઃ માણસ પોતાના સાથીઓને હસાવવા માટે એવી વાત કહી દે છે કે જેના લીધે તે જહન્નમના એવા ખાડામાં જઈ પડે છે કે જે ધરતીથી ‘સુરૈયા’ (સપ્તર્ષી) સુધીની મુસાફરીથી પણ વધુ ઊંડો છે.” (અલ જામેઅ અલ સગીર વ ઝિયાદહઃ ૨૪૯૮)

(૩) અન્યોની મજાક ઉડાવવી હરામ છે અને તેની ગણના મોટા ગુનાહોમાં થાય છે. જેમકે અલ્લાહતઆલાનો ઇર્શાદ છેઃ “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! ન પુરુષો બીજા પુરુષોની હસી (મજાક) ઉડાવે, બની શકે છે કે તેઓ તેમનાથી સારા હોય, અને ન તો સ્ત્રીઓ બીજી સ્ત્રીઓની હાંસી ઉડાવે, બની શકે છે કે તેઓ તેમનાથી સારી હોય.” (સૂરઃ અલ હુજુરાત, આયત-૧૧)

અલ્લામા ઇબ્ને કસીર રહ. ફરમાવે છે કે કોઈને તુચ્છ સમજીને તેની મજાક ઉડાવવી હરામ છે, અને આ મુનાફિકો (દંભીઓ)નો ગુણ છે. (તફસીર ઇબ્ને કસીરઃ ૫/૩૭૬). હઝરત ઇબ્ને અબ્બાસ રદિ. સૂરઃ કહફની આયત-૪૯ની તફસીરમાં ફરમાવે છેઃ નાના ગુનાહ આ છે કે કોઈ મો’મિનની મજાક ઉડાવવામાં આવે, અને મોટો ગુનાહ આ છે કે તેના પર ખડખડાટ હસવામાં (અટ્ટહાસ્ય કરવામાં) આવે.” (તૈસીરુર્રહમાનઃ ૧૪૫૨)

નબીએ કરીમ ﷺએ કોઈ પણ મુસલમાનની મજાક ઉડાવવાથી રોકયા છે. આપ ﷺનો ઇર્શાદ છેઃ “મુસલમાન પરસ્પર ભાઈ ભાઈ છે, કોઈ કોઈ પણ મુસલમાન ભાઈ પર ન તો જુલ્મ કરે, ન તો તેને અપમાનિત કરે, ન જ તેને તુચ્છ સમજે. આપ ﷺએ સીના તરફ ઇશારો કરી ત્રણ વખત ફરમાવ્યુઃ તકવા અહીં છે. માણસ જેટલો બૂરો હશે એ જ મુજબ તે પોતાના મુસલમાનો ભાઈને તુચ્છ સમજશે. દરેક મુસલમાન ઉપર બીજા મુસલમાનના જાન-માલ અને તેની ઇજ્જત-આબરૂનો આદર વાજિબ-અનિવાર્ય છે.” (મુસ્લિમ)

(૪) હસી-મજાકમાં પણ કોઈ મુસલમાનને પરેશાન કરવો અને ડરાવવો-ધમકાવવો યોગ્ય નથી. સુનન અબી દાઊદમાં હઝરત ઇબ્ને અબી લૈલા રદિ.થી રિવાયત છે કે એક વખત સહાબાએ કિરામ રદિ. રસૂલે અકરમ ﷺ સાથે મુસાફરીમાં હતો. તેમનામાંથી એક સહાબી રદિ. સૂઈ ગયા તો કોઈએ પોતાની રસ્સીથી તેમને પરેશાન કરવાનું શરૂ કર્યું. તેઓ ઘભરાઈને જાગી ગયા. આપ ﷺએ આ જોઈને ફરમાવ્યુઃ કોઈ મુસલમાન માટે જાઇઝ નથી કે તે પોતાના ભાઈને પરેશાન કરે.” (અબૂ દાઊદ) આપ ﷺનો આ પણ ઇર્શાદ છેઃ કોઈના માટે (આ) જાઇઝ નથી કે તે પોતાના ભાઈનો સામાન (વસ્તુ) ગંભીરતાપૂર્વક અથવા મજાક-મશ્કરીમાં પણ ઉઠાવી લે.” (અબૂ દાઊદ)

(પ) હસી-મજાકને ટેવ બનાવવામાં ન આવેઃ ગંભીરતા અને શાલીનતા ઈમાનવાળાઓના મહત્ત્વના ગુણ છે. મજાક ‘નફ્‌સ’ (મન, ઇચ્છા)ને રાહત પહોંચાડવાનો વિરામ છે કે જેથી માણસ ‘વાજિબ’ (અનિવાર્ય) બાબતોની અદાયગી માટે હંમેશ સજાગ રહે. કેટલાક લોકો મજાક અને ગંભીરતાના પ્રસંગોમાં ભેદ નથી કરતા. ઇમામ ગઝાલી રહ. ફરમાવે છેઃ આ વાત ખોટી છે કે માણસ હસી-મજાકને પોતાની ટેવ અને શોખ બનાવી લે.” (અહ્યાઉલ ઉલૂમ અલ દીન લિલ ગઝાલીઃ ૧૨૯૩)

(૬) હસી-મજાકમાં લોકોના માન-મરતબાનું ધ્યાન રાખવામાં આવેઃ જ્ઞાનીઓ અને મોટી વયના લોકોનો ઇસ્લામમાં મોટો દરજ્જો છે. તેમની સાથે મજાક કરવી એ અશિષ્ટતા છે. આથી તેમની સાથે હસી-મજાક કરવી દુરસ્ત કે યોગ્ય નથી. રસૂલે અકરમ ﷺનો ઇર્શાદ છેઃ “મોટી વયના મુસલમાનનો આદર અલ્લાહતઆલાના આદરમાંથી છે.” (અબૂ દાઊદ)

હઝરત ઇબ્ને અબ્બાસ રદિ.નું કથન છેઃ આલિમની ઇજ્જત અને સન્માન કરવો એક મસ્નૂન (સુન્નત મુજબનું) કાર્ય છે.” આવી જ રીતે કોઈ અજનબી વ્યક્તિ સાથે કે જે મજાક કરનારના સ્વભાવથી વાકેફ ન હોય હસી-મજાક કરવી યોગ્ય નથી. હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ. એ અદી બિન અરતહ રહ.ને લખ્યું હતુઃ હસી-મજાકથી બચો, કેમકે આ વસ્તુ માન-મરતબા (કે મોભા)ને ખતમ કરી દે છે.” (મૌસૂઅહ અલ ખતબ વલ દુરૂસ)

(૭) નાદાનો (મૂર્ખાઓ) સાથે હસી-મજાક કરવામાં ન આવેઃ
હઝરત સઅ્‌દ બિન અબી વક્કાસ રદિ. પોતાના પુત્રને નસીહત (ઉપદેશ, શિખામણ) આપતાં ફરમાવે છેઃ “હસી-મજાકમાં મધ્યમ-માર્ગ અપનાવો. વધુ હસી-મજાક માનવીય-મરતબા (દરજ્જા)ને ઠેસ પહોંચાડે છે. આ ઉપરાંત મૂર્ખ અને ઓછી બુદ્ધિના લોકોને તમારી વિરુદ્ધ નીડર બનાવી દે છે.”

(૮) હસી-મજાકમાં કોઈની ગીબત અને ચુગલ-ખોરી ન હોયઃ
જે માણસ વધુ હસી-મજાક કરે છે તેનું ગીબત તથા ચુગલખોરીમાં સપડાઈ જવું બહુ સરળ છે. જાણીતું કથન છેઃ જે વધારે બોલશે તેનાથી ભૂલો પણ વધુ થશે.” અને તેને મહેસૂસ પણ નહીં થાય કે તે ગુનાહનું આચરણ કરી રહ્યો છે. કેમકે તે સમજશે કે હું આ વાત ફલાણા વિષે મજાક રૂપે કહી રહ્યો છું, જે મારો હેતુ નથી. ગીબતની જે સમજૂતી જે રસૂલે અકરમ ﷺએ કરી છે તેનાથી તે અજાણ છે. આપ ﷺએ ગીબત વિષે ફરમાવ્યું, “પોતાના મુસલમાન ભાઈ વિષે એવી વાત કહેવી જે તેને ના-પસંદ હોય.” (મુસ્લિમ) સુનન તિર્મિઝીની હદીસ છે, આપ ﷺ ફરમાવે છેઃ “જ્યારે માણસ સવાર કરે છે તો તેના તમામ અવયવો-અંગો જીભથી કહે છે કે અમારા વિષે અલ્લાહથી ડર. અમારી સુધારણા કે બગાડનો આધાર તારા પર છે. જો તું દુરસ્ત રહી તો અમે બધા દુરસ્ત રહીશું, અને જો તારામાં વક્રતા આવી ગઈ તો અમે સૌ નષ્ટ થઈ જઈશું.”

અલ્લાહતઆલા હસી-મજાકની બાબતમાં પણ ઇસ્લામી શિષ્ટાચાર પર અમને પાલન કરનાર બનાવે. આમીન. •••

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here