“અલીફ-લામ-મીમ. આ અલ્લાહનો ગ્રંથ છે, આમાં કોઈ શંકા નથી, માર્ગદર્શન છે તે સંયમી લોકો માટે, જેઓ અદૃશ્ય ઉપર ઈમાન લાવે છે, નમાઝ કાયમ કરે છે, જે રોજી અમે તેમને આપી છે તેમાંથી ખર્ચ કરે છે.” (સૂરઃ બકરહ, આયત-૧, ૨, ૩)
કુર્આનની ૨૯ સૂરઃઓ એવી છે જેમની શરૂઆતમાં હુરૂફે મુકત્તઆત (એવા અક્ષર કે જે એકબીજાથી મળતા ન હોય) આવ્યા છે. તેમાંથી જ એક સૂરઃ અલ-બકરહ પણ છે. આ અક્ષરોને આ સૂરઃ ઓના નામ કે શીર્ષક સમજવા જોઈએ.
આ ગ્રંથ ‘તકવા’ ધરાવનારાઓ પર સૌભાગ્ય અને સફળતાનો માર્ગ ખોલનાર છે, જે સત્યને સ્વીકારવાના આધાર પર મનુષ્યનો પ્રથમ વર્ગ છે.
જીવનની પ્રત્યેક વાતોમાં આપણે જાેઈએ છીએ કે બે પ્રકારના લોકો જાેવા મળે છે. કેટલાક લોકો સ્વાભાવિક રીતે જ સતર્ક હોય છે, અને કેટલાક લોકો બેપરવા. સતર્ક સ્વભાવના લોકો દરેક વાતમાં સમજી-વિચારીને પગલા ભરે છે. સારા-નરસા, નફા-નુકસાન, ઊંચનીચનું ધ્યાન રાખે છે. આનાથી વિપરીત જે લોકો બેપરવા હોય છે તેમનો સ્વભાવ નિરંકુશ હોય છે. જે માર્ગ તેમને દેખાશે, તેના પર તેઓ ચાલી પડશે. સારપ-બૂરાઈ, લાભ-હાનિ, તર્ક-પ્રમાણ વિ. કોઈ પણ વાતની તેમને પરવા નથી હોતી.
જે દશાને અમે સ્વભાવની સતર્કતા બતાવી છે, કુઆર્ન તેને જ “તકવા”થી પારિભાષિત કરે છે. “તકવા” ધરાવનાર અર્થાત્ એવી વ્યક્તિ કે જે પોતાના વિચાર તથા વ્યવહારમાં બેપરવા નથી હોતી, બૂરાઈ તથા નુકસાન-હાનિથી બચવા ચાહે છે અને ભલાઈ તથા લાભ માટે પ્રયાસરત્ રહે છે. કુર્આન કહે છે કે આવા જ લોકો સત્યના શિક્ષણથી લાભ ઉઠાવી શકે છે અને સફળ થઈ શકે છે. હઝરત ઉમર રદિ. ઉબૈ બિન કઅ્બ રદિ.થી પૂછ્યું હતું કે “તકવા”ની વાસ્તવિકતા શું છે ? તેમણે કહ્યું કે શું તમે ક્યારેય એવા રસ્તે નથી ચાલ્યા કે જેમાં કાંટા હોય ? એ વખતે તમે શું કરો છો? તેમણે ઉત્તર આપ્યો કે હું પ્રયત્ન કરૂં છું કે કાંટાઓથી બચીને (કે દામનને બચાવીને) નીકળી જાઉં. આ જ ‘તકવા’ની વાસ્તવિકતા છે.
માનવીના જ્ઞાન અને વિવેકનું માધ્યમ અને પાંચ જ્ઞાનેન્દ્રિયો છે, અર્થાત્ જાેવાની, સાંભળવાની, સૂંઘવાની, ચાખવા કે સ્વાદ પારખવાની અને સ્પર્શવાની શક્તિઓ. જે કંઈ મનુષ્ય આમના દ્વારા જાણી શકે છે એ તેના માટે ચેતના છે અને જે જાણી નથી શકતો તે અચેતન કુર્આને આ અર્થો માટે “ગૈબ” અને “શહાદત” શબ્દોનો પ્રયોગ કર્યો છે. “આલમે-ગૈબ” અર્થાત્ અચેતનનો સંસાર. અર્થાત્ એ બધું કે જેની મનુષ્ય અનુભૂતિ નથી કરી શકતો. કહ્યું કે અલ્લાહની ઇબાદતનો આધાર આ છે કે એ વાસ્તવિકતાઓ પર વિશ્વાસ રાખે, કે જે જો કે તેના માટે અચેતનિક હોય અને અજ્ઞાત હોય, પરંતુ પ્રકૃતિ તેમની સાક્ષી આપતી હોય અને ‘વહ્ય’એ એની સૂચના આપી હોય. ઉદાહરણ તરીકે અલ્લાહનું અસ્તિત્વ અને તેના ગુણ, ફરિશ્તાઓનું અસ્તિત્વ, ‘વહ્ય’ અને રિસાલત, મૃત્યુ પછીનું જીવન અને સવાબ, જગતનો આરંભ અને જન્મ, આખિરતની સૂચનાઓ અને ઘટનાઓ.
આપણે આ વાતો પર શા માટે વિશ્વાસ કરીએ ? શા માટે આમને ચુપચાપ સ્વીકારી લઈએ? એટલા માટે કે આના વિના જીવનની સમસ્યાઓ હલ નથી થઈ શકતી. આપણે પ્રાકૃતિક રૂપે અનુભવ કરીએ છીએ કે આપણી ચેતનાની સીમાથી આગળ પણ કંઈક હોવું જોઈએ. પરંતુ આપણને જ્ઞાન તથા વિવેક દ્વારા કોઈ નિશ્ચિત આલોક નથી મળતો. જો આ અંગે વિશ્વાસનો કોઈ પોકાર છે તો ફક્ત અલ્લાહના માર્ગદર્શનનો પોકાર છે. જો આપણે આનાથી ઇન્કાર કરી દઈએ તો પછી આપણી પાસે અજ્ઞાનતા અને અંધકાર સિવાય કંઈ પણ બાકી નહીં બચે. આપણે અત્યાર સુધી જ્ઞાન તથા વિવેકના માધ્યમથી આ અંગે જે કાંઈ જાણ્યું છે. એમાં કોઈ વિશ્વસનીય આલોક એવો નથી જે આ વાસ્તવિકતાઓની વિરુદ્ધ હોય. અમે અહીં “વિશ્વસનીય આલોક”નો શબ્દ એટલા માટે વાપર્યો છે કે પરોક્ષ જગતની આ વાસ્તવિકતાઓની વિરુદ્ધ અત્યાર સુધી જે કાંઈ કહેવામાં આવ્યું છે તે આનાથી વધુ નથી કે ક્યાં તો જ્ઞાનવિહીનતાની સ્વીકારોક્તિ છે જેમકે તમામ પ્રાચીન તથા આધુનિક જ્ઞાનીઓએ કરી, અથવા તો પછી ઇન્કાર છે. તો તેનો આધાર ધારણા કે અનુભવ છે. કોઈ પ્રમાણિત વાસ્તવિકતા નથી. કુઆર્ન કહે છે કે તમે ધારણા અને અનુમાનને આધાર બનાવીને વિશ્વાસ અને આલોકનો મુકાબલો કરી શકાય નહીં. આ અંગે ગમે તેટલા પ્રયાસ કરવામાં આવે પરંતુ આનાથી વધુ કાંઈ કહી શકાય નહીં જે કુઆર્ને કહી દીધું છે.