યાદ-શક્તિનું મહત્ત્વ અને સ્ત્રોત

0
71

અશરફુલ મખ્લૂકાત ભાગ – ૨

આ દુનિયાના તમામ સર્જનમાંનું શ્રેષ્ઠ સર્જન એ માનવજાતનું સર્જન છે કુર્આન આને અશરફુલ મખલૂકાત કહેવામાં આવ્યું છે, દુનિયામાં અસ્તિત્વ ધરાવતી તમામ ચીજ-વસ્તુઓ અલ્લાહે માનવીના ઉપયોગ માટે જ બનાવી છે તેમજ અલ્લાહે દુનિયાની આ તમામ ચીજ-વસ્તુને માનવીના તાબે પણ કરી દીધી છે, તેમજ તેનો ઉપયોગ કરવા કે તેને કાબૂમાં કરવા માટે વિશિષ્ટ ભેટ રૂપે તેને મગજ પણ આપવામાં આવ્યું છે, જેના કારણે માનવી અન્ય ઘણી બધી જીવસૃષ્ટિ કરતાં શારીરિક રીતે નબળો હોવા છતાં દુનિયાની તમામ જીવસૃષ્ટિ ઉપર તેમજ કુદરતી શક્તિ ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપી શક્યો છે. સમયની સાથે જેમ દુનિયા આગળ વધી રહી છે તેમ માનવીના મગજનો પણ વિકાસ થતો રહ્યો છે, આપણે જાણીએ છીએ તેમ નવી પેઢીના બાળકો પહેલાંના પ્રમાણમાં વધુ બુદ્ધિશાળી અને વધુ પ્રતિભાશાળી જોવા મળે છે. તેમની યાદશક્તિ પણ ઘણીવાર આપણને આશ્ચર્યચક્તિ કરી દે તેવી જોવા મળે છે માનવીને મળેલ અદ્‌ભુત મગજની એક ખૂબી તેની યાદશક્તિ છે. દરેક માનવીના જ્ઞાનનો આધાર તેની યાદશક્તિમાં રહેલો હોય છે, જે વ્યક્તિ જેટલું વધુ યાદ રાખી શકે તેટલી તે વધુ જ્ઞાની સાબિત થાય છે, દુનિયામાં જ્યારે લખવા માટે લિપિની શોધ થઈ ન હતી ત્યારે જ્ઞાનનો ફેલાવો માત્ર યાદશક્તિના આધારે જ કરવામાં આવતો હતો. આપણે જાણીએ છીએ તેમ જ્યારે કુઆર્ન પયગંબર ﷺ ઉપર અવતરિત થતું હતું ત્યારે ખૂબ ઓછા લોકો લખી-વાંચી શકતા હતા તેથી પયગંબર સાહેબ ﷺના અનુયાયી તેને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે ગોખીને મોઢે યાદ કરી લેતા હતા આજે પણ સંપૂર્ણ કુર્આન યાદ કરી લેનાર લાખો હાફિઝે કુર્આન આપણી વચ્ચે મૌજૂદ છે. દુનિયાનો જેમ વિકાસ થતો ગયો તેમ યાદ રાખવાની જરૂર વધતી ગઈ અને માહિતીનો સંગ્રહ કરવા માટે નવા સાધનો શોધાયા જેવા કે પ્રિન્ટીંગ દ્વારા પુસ્તક, મેગેઝિન, છાપાં વગેરેથી માંડી માઇક, ટેપ રેકોર્ડર, ટી.વી. જેવા માધ્યમો દ્વારા માહિતી દૂરદૂર પહોંચાડવાની વ્યવસ્થા પણ ઊભી થઈ અને આજે તો કમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા માહિતીને સાચવવા ઉપરાંત માત્ર થોડીવારમાં આખી દુનિયામાં પહોંચાડી પણ શકાય છે, છતાં પણ આપણા જીવનમાં યાદશક્તિનું મહત્ત્વ જરાપણ ઘટ્યું નથી. રોજિંદા કામકાજમાં નાની મોટી અસંખ્ય બાબતો યાદ રાખવી પડે છે. વળી ઉંમરને અને યાદશક્તિને પણ સીધો સંબંધ છે. જેમ ઉંમર વધે છે તેમ યાદશક્તિ ઘટતી જાય છે, તે હકીકત છે અને એટલા માટે જ મોટી ઉંમરે પહોંચ્યા પછી જેમ શારીરિક રીતે તંદુરસ્ત અને ફિટ રહેવા માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે તેવી જ રીતે માનસિક રીતે તંદુરસ્ત અને સતર્ક રહેવા માટે હંમેશાં જાગૃત રહી પ્રયત્ન કરતા રહેવું ખૂબ જરૂરી છે. કહેવાય છે કે તેણે માનવી પહેલાં માનસિક રીતે ઘરડો થાય છે પછી શારીરિક રીતે થાય છે. તેના માટે સૌથી સરળ ઉપાય નમાઝ અને કુર્આનની તિલાવત છે નમાઝ દ્વારા શારીરિક કસરતની સાથે કુર્આનની સૂરઃ કે આયતો યાદ રાખવાની માનસિક કસરત પણ થતી રહે છે, નમાઝમાં દરરોજ પાંચ વખત કુર્આનમાંથી એકની એક સૂરઃ પઢવાને બદલે જુદી જુદી સૂરઃ યાદ કરી પઢવાથી યાદશક્તિ સુધરે છે, તેમજ કુર્આનનો અભ્યાસ પણ વધે છે કુઆર્ન અને હદીસમાં પણ દરરોજ સવારના સમયે નિયમિત કુર્આન પઢવા ઉપર વિશેષ ભાર મૂક્યો છે આમ કરવાથી કુર્આન આપોઆપ તમારા જીવનનો એક ભાગ બની જશે. ધીમે ધીમે તમે તેનો આનંદ માણવાનું શરૂ કરશો, અને નિયમિત રીતે વધુ સમય સુધી કુર્આન પઢવાનું શરૂ કરશો. થોડા મહિનાઓ પછી, તમે જોશો તો તમારૂં ઈમાન વધુ મજબૂત અને ઉચ્ચ કક્ષાનું બની ગયું હશે તમારા સમયનો સદુપયોગ થશે તેમજ આજના સમયના સૌથી મોટા દૂષણ એવા મોબાઇલના દુરુપયોગથી પણ બચી શકાશે. સાથે સાથે રૂહાની સુકૂન અને સવાબના પણ હક્કદાર બની શકશો. આપણે જોઈએ છીએ કે નિયમિત રીતે કુર્આન પઢનાર અને મસ્જિદમાં જઈ નમાઝ પઢનાર વ્યક્તિ હંમેશાં શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેતી હોય છે. કુઆર્ન આપણાં માટે માર્ગદર્શક છે, આધ્યાત્મિક અને શારીરિક રોગોનો ઇલાજ છે. આપણી અને અલ્લાહ વચ્ચેનું જોડાણ છે, તે આપણને અલ્લાહની નજીક લાવે છે. તેથી જ કુર્આનને યાદ રાખવા અને અમલ કરવાની નિયત સાથે દરરોજ સમજીને વાંચનાર દરેક વ્યક્તિ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ રહી જીવન વિતાવી શકે છે. •••

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here