મૌલાના મુહિયુદ્દીન ગાઝી મદનીનું મોડાસા મુકામે પ્રી મેરેજ વર્કશોપમાં અદ્ભૂત ઉદ્બોધન
મોડાસાઃ જમાઅતે ઇસ્લામી હિંદ, મોડાસાના મહિલા વિભાગ તા. ૧૮ ઓગષ્ટ, ૨૦૨૪, રવિવારે ૧૮ થી ૨૫ વર્ષની યુવતીઓ માટે પેલેટ હોટેલના બૈન્ક્વેટ હૉલ મોડાસા ખાતે પ્રી મેરેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ કે લગ્નજીવન, પતિ પત્નીના પ્રેમાળ સંબંધો તથા સુખી અને મજબૂત કુટુંબનું મહત્ત્વ વગેરે વિશે આજની નવી પેઢીના બદલાયેલા અભિગમે સમાજના વિચારશીલ લોકોને ચિંતિત અને વ્યથિત કરી દીધા છે. આ નવી પેઢીના અભિગમમાં ઇસ્લામના સિદ્ધાંતો અને જીવનની વાસ્તવિકતાઓ આધારિત યોગ્ય ફેરફાર લાવવા માટે આ પ્રકારના વર્કશોપનું આયોજન કરીને તેમના સાથે ખુલ્લી ચર્ચા કરવી એ આજના સમયની તાતી જરૂરીયાત છે.
વર્કશોપની શરૂઆત તિલાવતે કુઆર્નથી કરવામાં આવી હતી. ગર્લ્સ ઇસ્લામિક ઓર્ગર્નાઇઝેશન ઓફ ઇન્ડિયા (GIO)ની મેમ્બર રૂકૈયા મલિકે કુઆર્નની કણર્પ્રિય તિલાવત કરી જેનો અનુવાદ GIOની એસોસિએટ ઝિકરા શેઠ દ્વારા કરવામાં આવ્યો. મોહતરમા જિન્નતબાનુ મલેક, (નાજીમા, મહિલા વિભાગ, JIH મોડાસા)એ સ્વાગત પ્રવચનમાં હાજર મહેમાનો અને ડેલીગેટ્સનું શબ્દોથી હાદિર્ક સ્વાગત કર્યું. ત્યારબાદ જનાબ ઉમર વ્હોરા સાહેબે કાર્યક્રમને હેતુને સંક્ષિપ્ત પણ ખૂબ અસરકારક રીતે શ્રોતાગણ સામે મૂક્યો.
વર્કશોપના મુખ્ય મેન્ટર જમાઅતે ઇસ્લામી હિંદના મર્કઝી સેક્રેટરી જનાબ મૌલાના મોહિયુદ્દીન ગાઝી મદની સાહેબે પ્રથમ સેશનમાં નિકાહની જરૂરત, તેનું મહત્ત્વ, ઇસ્લામમાં તેનું સ્થાન વગેરે જેવી પ્રાથમિક બાબતોની સુંદર સમજૂતી ખૂબ અસરકારક રીતે આપી હતી. તેઓએ પતિ પત્નીની ખબસુરત દુનિયામાં મહોબ્બતની ચાવીઓ શિર્ષક હેઠળ પતિ પત્નીના સંબંધને મજબૂત બનાવવા બંનેની જવાબદારીઓ અને બંનેના એકબીજા પર હક્કો વિશેની સમજણ સાદી, સરળ અને મનમોહક ભાષામાં શ્રોતાગણના હૃદયને સ્પર્શી જાય તે રીતે આપી હતી.
ત્યારબાદ JIH મોડાસાના પ્રમુખ જનાબ ડૉ. ઇફતેખાર મલેકે લગ્ન માટે પાત્રની પસંદગીમાં ધ્યાનમાં લેવાની બાબતો અને આજની પેઢીની યુવતીઓ લગ્ન અને ત્યારબાદના જીવન વિશે શું અભિગમ અપનાવે છે અને વાસ્તવિક જીવનમાં મજબૂત અને સુંદર લગ્નજીવન અને સભ્ય સમાજના નિર્માણ માટે શું અભિગમ અપનાવવો જોઈએ તેના વિશે હાજર અપરિણીત યુવતીઓ સાથે પ્રશ્નાવલી દ્વારા વિસ્તૃત ચર્ચા કરી.
વર્કશોપના અંતિમ સેશનમાં જનાબ મૌલાના મુહિયુદ્દીન ગાઝી મદની સાહેબે પ્રેમાળ અને ખૂબસૂરત કુટુંબની જીવનમાં આવશ્યકતાને સમજાવી સંબધોની સુરક્ષા કેવી રીતે કરવી તે વિશે ઘણી બારીક બાબતો સમજાવી અને ઘરની સ્ત્રીનો તેમાં કેન્દ્રીય અને સક્રિય ફાળો હોવો અનિવાર્ય છે તે અંગે ચર્ચા કરી.
વર્કશોપમાં ૧૨૫ જેટલી અપરિણીત યુવતીઓ, ૪૦ જેટલી પરિણીત યુવતીઓ અને ૪૦ જેટલી માતાઓ એમ કુલ ૨૦૦ જેટલા ડેલીગેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો. આ વર્કશોપમાં મોડાસા ઉપરાંત મોડાસા બહારથી અહમદાબાદ, બરોડા, હિંમતનગર, વિજાપુર અને લાંબડીયા મુકામેથી પણ આશરે ૫૦ બહેનો હાજર રહ્યા હતા. GIO મોડાસાના પ્રમુખ હાજરા મલેકજી એ ખૂબ સરસ રીતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
વર્કશોપના અંતે હાજર લોકો નમાઝ અને સમૂહભોજન બાદ છૂટા પડ્યા. વર્કશોપના કન્વીનર રાબિયાબાનું મલેકના નેતૃત્વમાં જમાઅતે ઇસ્લામી હિંદ, મોડાસાના બહેનો, GIOની યુવતીઓ અને વિર્ધાથિનીઓ તથા SIO મોડાસાના સભ્યોની ટીમે ખૂબ સુંદર સંકલન અને સતત મહેનત કરી વર્કશોપને સફળ બનાવવામાં પોતાની ભૂમિકા અદા કરી હતી.