JIH, કેરળે વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોના પુનર્વસન માટે ૧૦ કરોડ રૂપિયાના રાહતકાર્યોની જાહેરાત કરી

0
37

નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના કેરળ પ્રદેશના અમીર પી. મુજીબુર્રહેમાને વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં પ્રભાવિત થયેલા લોકોના પુનર્વસન માટે ૧૦ કરોડ રૂપિયાના રાહતકાર્યોની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે. આ પગલું જમાઅતે ઇસ્લામી હિંદના કલ્યાણકારી પ્રોજેક્ટનો એક ભાગ છે જેના દ્વારા પ્રભાવિત લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં આવી રહી છે.

જમાઅતના રાજ્ય મુખ્યાલય ‘હિરા સેન્ટર’માં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં મુજીબુર્રહેમાને કહ્યું કે, સરકાર દ્વારા પ્રભાવિત લોકો માટે કાયમી આવાસની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી, કેરળ જમાઅત ડાયાલિસિસના દર્દીઓ, અપંગો, વૃદ્ધ નાગરિકો અને અન્ય અશક્ત લોકો માટે અસ્થાયી કેમ્પની વ્યવસ્થા કરશે. આ ઉપરાંત, કુરિયા થોરની ‘રહમત સ્કૂલ’ના સહયોગથી વિદ્યાર્થીઓ માટે પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિક સુધીનું શિક્ષણનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે, ‘ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ (આઇઇસીઆઇ)ના સહયોગથી પ્રભાવિત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા પણ આપવામાં આવશે અને જિલ્લાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધારાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ સાથે સાથે, પ્રભાવિત લોકોના આર્થિક સુધારા માટે રોજગારની તકો પણ ઉભી કરવામાં આવશે.

મુજીબુર્રહેમાને સરકારી સ્તરે પુનર્વસનના કામોને સમયસર પૂરા કરવાની મહત્વતા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે તમામ પ્રોજેક્ટ્‌સનું યોગ્ય સામાજિક ઓડિટ થવું જોઈએ. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે પ્રભાવિત વિસ્તારોના વડાપ્રધાનના દોરા પછી સરકાર તાત્કાલિક રાહત ફંડ ફાળવે અને કેરળના જે સંવેદનશીલ વિસ્તારો કુદરતી આફતોનો શિકાર બને છે, ત્યાંના રહેવાસીઓને બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે ગંભીર પ્રયાસ કરે.

ધ્યાન રહે કે વાયનાડમાં ભૂસ્ખલનની આ ઘટના ૩૦ જુલાઈ ૨૦૨૪ના રોજ બની હતી જેની અસરમાં ચોરલ માલા, મથંગા, મંડાકાઈ વગેરે વિસ્તારો આવી ગયા હતા. આમાં મંડાકાઈને સૌથી ખરાબ તબાહીનો સામનો કરવો પડ્‌યો હતો. આ આફતે મીપાડી ગ્રામ પંચાયતના લગભગ ૪૭.૩૭ કિલોમીટર વિસ્તારને પ્રભાવિત કર્યો છે જેના કારણે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ અને બહારના મજૂરો બંને બેઘર થઈ ગયા છે. આ તબાહીનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે મૃત્યુઆંક હજુ સુધી ૪૦૦ થી વધુ થઈ ગયો છે. ઘણા લોકો હજુ પણ લાપતા છે. લાશો મલબા નીચે દટાયેલી હોવાની શક્યતા વધુ છે, આવી સ્થિતિમાં આ સંખ્યા ૫૫૦ થી ૬૦૦ સુધી પણ પહોંચી શકે છે.

જમાઅતે ઇસ્લામી હિંદ કેરળની આઈડિયલ રિલીફ વિંગ (આઈઆરડબલ્યુ) પહેલા દિવસથી જ તમામ પ્રભાવિત લોકોની સેવામાં સામેલ છે. આ સંસ્થાએ તુરંત જ સ્વયંસેવકોની નિમણૂક કરી, ૫૦૦ કરતાં વધુ ઈમરજન્સી કિટ્‌સનું વિતરણ કર્યું. આ દરમિયાન મળેલા મૃતદેહોને સુરક્ષિત રાખવા માટે ૫૦ ફ્રીઝર સરકારને આપ્યા. બચી ગયેલા લોકોને સરકારી કેમ્પમાં પહોંચાડવામાં આવ્યા, પાંચસોથી વધુ કેમ્પ કિટ્‌સનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, એથિકલ મેડિકલ ફોરમ અને સ્ટૂડન્ટ મેડિકલ ગ્રુપ દ્વારા પ્રભાવિત લોકોની માનસિક કાઉન્સિલિંગ કરીને તેમની મદદ કરવામાં આવી. જમાઅતે પ્રભાવિત લોકોના પુનર્વસનના કામોમાં ઝડપ લાવીને બચી ગયેલા લોકોને સ્થળાંતર કરવા, રાશન કિટ્‌સ પૂરી પાડવા અને નવા આવાસની વ્યવસ્થા કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ કુદરતી આફતે પ્રભાવિત લોકોના મન પર ઊંડો પ્રભાવ પાડ્‌યો છે, તેમને આ આઘાતમાંથી બહાર કાઢવા માટે કેરળની જમાઅત સતત સંઘર્ષ કરી રહી છે. આ પ્રભાવિત લોકોને એક સુરક્ષિત સ્થળે લઈ જવું, કેટલીક સંવેદનશીલ અને જોખમી જગ્યાઓ પર પ્રતિબંધ મૂકવો અને અકસ્માત થાય તે પહેલા ‘ર્વોનિંગ સિસ્ટમ’ ઇન્સ્ટોલ કરવું જરૂરી છે. જમાઅતે ઇસ્લામી હિંદ, કેરળ પ્રભાવિત સમુદાયો સાથે ઊભી છે અને દરેક પગલે તેમના સહયોગ માટે તૈયાર છે. આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ અમીર JIH કેરળ એમ.કે. મુહમ્મદ અલી, સેક્રેટરી શીહાબ પુકુટૂર અને રિલીફ સેલના કન્વીનર શબીર કોડોલી પણ સામેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here