કોલકત્તાની જઘન્ય ઘટના, ન માત્ર બળાત્કાર સાથેની હત્યા જ છે પણ…

0
18

કોલકત્તાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૯ ઓગસ્ટના રોજ મહિલા જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી. જેના પગલે સમગ્ર દેશમાં તીવ્ર અક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં દેશભરની સરકારી હોસ્પિટલોમાં રેસીડેન્ટ ડોક્ટરો સહિત આઈ.એમ.એ દ્વારા ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે, જે અપેક્ષિત પણ છે.

આ ઘટના ઘણી જ જઘન્ય અને હીન કૃત્ય છે. ન માત્ર પશ્ચિમ બંગાળમાં જ પરંતુ દેશના ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત વગેરે જેવા અનેક રાજ્યોમાં આવી ઘટનાઓ થતી જોવા મળી રહી છે. આ ઘટનાના વિરોધમાં જે પ્રકારે મેડિકલ વ્યવસાયિકો અને સામાન્યજન સમુદાયમાં જે પ્રકારે વિરોધ અને ગુસ્સો પ્રગટ્યો છે, એ ચોક્કસ સામાન્ય જનમાનસમાંથી ઊભા થતા આક્રોશનો જ એક ભાગ છે. જેમાંથી મોટાભાગનો લાગણીવશ અને ઘણોખરો રાજકીય દબાણવશ. આપણા દેશમાં થતી આવી બર્બરતા પૂર્વકની અને હિન તેમજ જઘન્ય ઘટનાઓમાં, તે કયા રાજ્યમાં અને કયા સમુદાય સાથે થઈ છે, તેનો પણ આધાર, વિરોધ પ્રગટ કરવા સાથે જોડાયેલો જોવા મળે છે. જે ખરેખર એક દુઃખદ બાબત પણ છે. વાત જ્યારે આપણે કોલકત્તાના રેપ બળાત્કાર અને હત્યાના કેસની કરીએ, તો તેમાં ન માત્ર બળાત્કાર જ એક ઘટના ઘટી હતી પરંતુ સીબીઆઇ દ્વારા થઈ રહેલી તપાસના અંશોને પીછાણીએ તો તેની પાછળ સંસ્થામાં ચાલતા સેક્સ અને ડ્રગસના રેકેટ પણ જવાબદાર રહેલા છે. હત્યા કરાયેલ મહિલા જુનિયર ડોક્ટર આ રેકેટના વિરોધની ચળવળના આગળ પડતા કાર્યકર હતા. તે પણ આ હત્યા પાછળ એક આગવું કારણ માનવામાં આવી રહ્યું છે. બળાત્કાર પછી હત્યા કરવા પાછળ, તે તપાસના દોરી સંચારને ઊંધા પાટે ચડાવવાનો એક પેંતરો જ માનવાને કારણ છે. જો કે, સીબીઆઇ આ બાબતે બધી જ લિંકોને સાંકળીને ઊંડાણપૂર્વકની તપાસમાં જોતરાયેલી છે.

આજથી બરાબર ૨૩ વર્ષ અગાઉ આવી જ એક ઘટના આ જ સંસ્થામાં ઘટી ચૂકી છે. જેમાં સૌમિત્ર બિશ્વાસ નામના એક ૩૧ વર્ષીય યુવકની હત્યા કોલેજમાં ચાલતા સેક્સ અને ડ્રગસ રેકેટના વિરોધના લીધે કરવામાં આવી હતી. જોકે પોલીસે આ ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરેલો પરંતુ મૃતકના પરિવારજનો અને કોલેજના તેના મિત્ર વર્તુળે આને સ્પષ્ટપણે હત્યા જ લખાવી હતી. જેથી આ ગંભીર ઘટના સમયે પશ્ચિમ બંગાળની પ્રજા સહિત દેશ આજે એ ઘટનાને યાદ પણ કરે છે અને આ ઘટના સાથે લીંક પણ.

દેશભરમાં થતી આવી સમયાંતરીત ગંભીર અને બર્બરતાપૂર્વકની ઘટનાઓ પાછળ દેશની કાયદો અને વ્યવસ્થાની પૂર્વકની અમલીકરણનીતિ જવાબદાર હોવાનું સ્પષ્ટરૂપે પ્રતિત થતું જોવા મળી રહ્યું છે. જો કોઈ આવી બર્બરતાપૂર્વકની ઘટનામાં ર્નિભયાકાંડની જેમ એક બોધરૂપી અને સર્વાંગી તેમજ સમાન અભિગમ સાથેની સજાનું ભારપૂર્વક તેમજ તટસ્થતાપૂર્વક અમલીકરણ કરવામાં આવે તો ચોક્કસપણે આવી ઘટનાઓને ના માત્ર નાથી જ શકાય, પરંતુ દેશભરમાં કોઈ પણ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલ કોઈ પણ મહિલાને સર્વાંગી સંરક્ષણ પણ પૂરું પાડી શકાય તેમ છે. પરંતુ આ માટે અનિવાર્ય છે રાજકીય અને કાયદાકીય વ્યવસ્થાતંત્રની ઈચ્છાશક્તિની. આવી જ એક ઘટના અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજસ્થાનમાં બનેલી એક ઘટનાના સંદર્ભમાં ૧૯૯૮માં વિશાલા ગાઈડલાઇન્સ પૂરી પાડવામાં આવેલી છે. આ ઉપરાંત, વ્યક્તિગત માનવીય વિકાસમાં જ્યાં સુધી ઈશભય ઊભો નહીં થાય ત્યાં સુધી આ કાયદાકીય આંટીઘુંટી પ્રભાવી નહીં થઈ શકે. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે આ ઘટનાની સુઓમોટો નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરવા સાથે ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે જોવાનું એ રહે છે કે આ ઘટનાના ક્રૂર આરોપીઓને બોધરૂપી સજા મળી રહે તેમ જ દેશભરમાં ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી પોતાનું વરવું ચિત્ર રજૂ ન કરે, એ જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here