સ્વતંત્રતાની ખરી વ્યાખ્યા શું ?

0
45

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ વાચકોને સ્વતંત્રતાની શુભકામનાઓ. દર વર્ષે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ એટલા માટે કે આપણો દેશ અંગ્રેજોની ગુલામીથી આઝાદ થયો હતો. આપણે આપણી જમીન અને દેશ પર સત્તા ચલાવવા સક્ષમ બન્યા હતા. ૯૦ વર્ષના ગુલામીના દિવસો (૧૮૫૭ થી લઈને ૧૯૪૭ સુધી) ખૂબ જ યાતનામયી હતા. સ્વતંત્રતા ચળવળની શરૂઆતના દિવસો અને અંતે દેશમાંથી અંગ્રેજોની વાપસીનો આ દિવાસ ખરેખર દરેક ભારતીય માટે ખાસ છે એટલા માટે કે તેમાં દેશ માટે શહાદત વહોરનાર, કારાવાસ ભોગવનાર તથા અંગ્રેજોના જુલમ અને અત્યાચારનો ભોગ બનનાર દરેક સ્વતંત્ર ચળવળના હીરોની યાદો તાજી થાય છે.

સ્વતંત્રતા પછીના ૭૫ વર્ષ પછી આપણે દેશના નાગરિકની વ્યક્તિગત સંતુષ્ટી અને સ્વતંત્રતાના ગ્રાફને દુનિયાના અન્ય દેશો સાથે તુલના કરવી આવશ્યક છે તો જ હકીકત સમજાશે કે આપણે સ્વતંત્રતાના નામે ક્યાં ઊભા છીએ.

દુનિયામાં કોઈ એવો દેશ નથી જ્યાં કોઈને ધર્મના નામે મારી નાંખવામાં આવતો હોય અને ગુનેગારને સરકાર છાવરતી હોય. આ દેશમાં ધર્મના નામે લગભગ ૩૦ થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે અને આરોપીઓને પકડવાની અનોપચારિકતા પૂરી કરવામાં આવી છે અને ખૂબ ઓછા કિસ્સામાં સજા કરવામાં આવી છે. હદ તો ત્યાં થઈ જ્યારે બહુમતી સમાજ તરફથી લિંચિંગની ઘટનાના આરોપીઓનું બહુમાન કરવામાં આવ્યું જે દેશની વ્યવસ્થાતંત્રની ચાડી ખાય છે.

દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં લોકોને ધામિર્ક સ્વતંત્રતા નથી. જે દેશ લોકશાહી તરીકે ઓળખાય છે તેની આ પ્રથમ શરત છે કે તે તેના નાગરિકો માટે ધામિર્ક સ્વતંત્રતાના માહોલને સુસંગત કરે, અહીં સ્વતંત્ર ભારતમાં દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબ ધર્મ પાળી શકતી નથી. તેણે પહેલાં મેજિસ્ટ્રેટ સમક્ષ જુબાની આપવી પડે છે અને મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તો જ ધર્મ પરિવર્તન કરી શકાય છે. આમ આ દેશમાં ધર્મ સ્વતંત્રતાની કાનૂની કલમ હોવા છતાં લોકો માટે તે શક્ય નથી કે તેઓ પોતાના અધિકારને હાંસલ કરી શકે. હદ તો ત્યાં થઈ જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા પોતાની મરજીથી ધર્મપાળેલ વ્યક્તિને હેરાન પરેશાન કરવામાં આવે છે અને કાયદાની ખોટી કલમોનો ઉપયોગ કરી તેમને જેલવાસનો અનુભવ પણ કરાવવામાં આવે છ!!!
દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં ધામિર્ક સ્થળો પર લોકોને તેમની જાત પૂછીને પ્રવેશ આપવામાં આવતો હોય. આ દેશમાં જાતપાત અને ઊંચનીચની ખૂબ ઘેરા અસરો છે જે સ્વતંત્રતાના ૭૫ વર્ષ પછી પણ દૂર કરી શકાઈ નથી. સ્વઘોષિત ઉચ્ચ જાતિના લોકો પોતે સ્વઘોષિત કરેલ નીચી જાતિના લોકો સાથે દુર્વ્યવહાર કરવાને યોગ્ય અને પોતાનો ધામિર્ક અધિકાર સમજે છે, જે આપણા બંધારણના મૂળભૂત અધિકારોની ચાડી ખાય છે.

દેશમાં સરકારી અમલદારો, પોલીસ, ન્યાયપાલિકા અને રાજકીય નેતાઓમાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપી ગયો છે કે તે હવે સર્વસ્વીકૃત બની ગયો છે અને જનતાએ તેને સ્વીકારી લીધો છે અને તેને યોગ્ય પણ ઠેરવે છે. બીજી ઘણા વ્યક્તિગત અને સામૂહિક ક્ષતીઓ છે જે આપણે ઉત્તરોત્તર વધારી રહ્યા છીએ અને દેશભક્તિ અને દેશપ્રેમના મુખોટા પહેરી સ્વતંત્રતા મનાવી રહ્યા છીએ!

દેશને આ તમામ સમસ્યાઓથી સ્વતંત્રતા ક્યારે મળશે કે આપણે ખરેખર દેશની સ્વતંત્રતાની ઉજવણી કરી શકીશું???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here