રાજકોટની દુખદ ઘટનાથી જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત અને ઇસ્લામી રીલીફ કમિટી ગુજરાત, ખૂબ જ વ્યથિત

0
13

તંત્રની લાપરવાહીના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે. દોષિત વ્યક્તિઓ વિરુદ્ધ ત્વરિત અને કડક પગલાં લેવાની માંગણી

અહમદાબાદ, તા. ૨૫ મે ૨૦૨૪ના રોજ રાજકોટના TRP ગેમઝોનમાં જે દુર્ઘટના ઘટી ગઈ તે ખૂબ જ કરુણ, દુખદ અને કાળજું કંપાવનાર છે. આ ભયંકર દુર્ઘટનામાં ૩૦થી વધુ નાગરીકોએ પોતાના જીવ ગુમાવ્યા, જેમાં મોટા ભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ અને ઇસ્લામી રીલીફ કમિટી, ગુજરાતના ચેરમેન ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું, “આ ભયંકર દુર્ઘટનાથી ઘણી વ્યથિત છે અને મૃતકોના પરિવાર સાથે અંતઃકરણથી દિલસોજી અને સંવેદના વ્યક્ત કરે છે. અલ્લાહ-ઈશ્વર આ બધા પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. અમો આ દુખદ ઘડીમાં તેમની સાથે છીએ.”

વધુમાં સુરતની તક્ષશિલા દુર્ઘટના, મોરબીની પુલ દુર્ઘટના કે વડોદરાની બોટ દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ બધી દુર્ઘટનાઓ માત્ર ને માત્ર તંત્રની લાપરવાહી  દ્વારા જ સર્જાય છે. ભ્રષ્ટાચાર અને વધુમાં વધુ પૈસા કમાવી લેવાની વૃતિના કારણે સુરક્ષાવ્યવસ્થા તરફથી આંખ મીચામણા કરવામાં આવે છે અને તંત્ર પણ ભ્રષ્ટાચારને લઈ તેની તરફ આંખ આડા કાન કરે છે . તેના કારણે આવી કરુણ દુર્ઘટના સર્જાય છે. દુર્ઘટના ઘટી ગયા પછી તંત્ર જાગે છે અથવા જાગવાનો ઢોંગ કરે છે અને પછી બધું શાંત થઈ જાય છે. કોઈ ગુનેગારને સજા મળતી નથી અથવા સિમ્બોલિક સજા થાય છે. રાજકોટની ઘટનામાં પણ એવી નબળી સામગ્રી વપરાઈ હતી કે થોડી આગથી જ બધું ઓગળી ગયું અને તેના કારણે નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો.

ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બનતી અટકે તે માટેના નિવારક પગલાં શું લેવા જોઈએ ? આ બધી તપાસ માટે SIT‌ની રચના કરવામાં આવે છે, શું સરકારને એ જ્ઞાન નહીં હોય કે આવી દુર્ઘટનાઓ નિયમોના ઊલાળિયા કરવાથી અને  ભ્રષ્ટાચારના કારણે બને છે ? જો સરકાર વાસ્તવમાં સંવેદનશીલ હોય, ભ્રષ્ટાચાર બાબતે zero-tolerance નીતિ હોય, શુભ અને સાચા ઈરાદાઓ હોય તો આવી દુર્ઘટનાઓ જરુર ટાળી શકાય. આવી કરુણ દુર્ઘટનાની વ્યવસ્થિત તપાસ થાય. ગેમઝોનનાં સંચાલકો સમેત તંત્રના જવાબદાર લોકોને સખત સજા કરવામાં આવે અને સમયસર કરવામાં આવે. મૃતકો અને તેમના પરિવારને પણ યથા સંભવ સહાયની પણ સરકારથી અપેક્ષા છે. આશા છે સરકાર ત્વરિત અને દાખલો બેસે તેવા પગલાં લેશે,જેથી ભાવિ દુર્ઘટના ટાળી શકાય. એમ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત અને ઇસ્લામી રીલીફ કમિટી, ગુજરાત દ્વારા માંગ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here