Home સમાચાર મર્કઝી તાલીમી બોર્ડ ગુજરાત દ્વારા હયુમેનિટીઝ કારકિર્દી માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો

મર્કઝી તાલીમી બોર્ડ ગુજરાત દ્વારા હયુમેનિટીઝ કારકિર્દી માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો

0
196

અહમદાબાદ, મેડિકલ, એન્જિનિયરિંગ અને CAના મર્યાદિત વર્તુળ સિવાય પણ કારકિર્દીના ૭૦૦થી પણ વધારે વિકલ્પો મોજૂદ છે. તેવું દિલ્હી થી ખાસ પધારેલા ડૉ. ફૈઝી રેહમાનીએ મર્કઝી તાલીમી બોર્ડ ગુજરાત દ્વારા આયોજિત તારીખ ૨૬-૫-૨૪ રવિવાર, નઝીર હૉલ અંજુમને ઇસ્લામ હાઇસ્કૂલના સેમિનારમાં જણાવ્યું હતું. ગુજરાતમાં હયુમેનિટીઝ અને આર્ટસ ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં પ્રવર્તમાન ઉદાસીનતાને દૂર કરવાના હેતુસર આ અભિયાન મર્કઝી તાલીમી બોર્ડ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ એ કારકિર્દીની પસંદગી કરવા માટે પોતાના મિત્રવર્તુળ કે માતાપિતાની ઇચ્છા કે આગ્રહને સામે રાખવાને બદલે પોતાના કૌશલ્ય, રસ અને પ્રાકૃતિક ગુણોને સામે રાખવા જોઈએ તેવું સૂચન કર્યું હતું. દિલ્હીથી કાર્યરત CTAG પોતાના પોર્ટલ www.ctag.in પર વિદ્યાર્થીઓનું વિના મૂલ્યે કાઉન્સિલિંગ કરી તેમને કારકિર્દીની પસંદગીમાં માર્ગદર્શન આપે છે. તેવી માહિતી પણ પ્રસ્તુત કરી હતી. JNUના સ્કૉલર સઆદત હુસૈને સેમિનારમાં લૉ, જર્નાલિઝમ, અર્થશાસ્ત્ર, ભાષાઓ અને હયુમેનિટીઝ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી કઈ રીતે સારી કારકિર્દી બનાવી સમાજ ઉપયોગી થઈ શકાય તેની સમજ આપી હતી. CUET, CLETની પરીક્ષા આપવાથી ૪૪ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં પ્રવેશ મેળવવા માટે ઓકટોબર અને જાન્યુઆરી માસમાં ફોર્મ ભરવાની તારીખો ચૂકવી નહીં તેવી તકેદારી રાખવા તેમણે આહ્વાન કર્યું હતું. દીની મદરસાથી ફારેગ અને કુર્આન હિફઝ કરનારા વિધ્યાર્થીઓ પણ હ્યુમનિટીઝ ક્ષેત્રે કારકિર્દી બનાવી વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યાનું ઉદાહરણ તેમણે આપ્યું હતું.

જમાઅતે ઇસ્લામી હિંદ અહમદાબાદ શહેરના પ્રમુખ ઈકબાલ એહમદ મિરઝા એ પ્રારંભિક પ્રવચનમાં જણાવ્યું કે જેમ માનવીના ચહેરામાં ભિન્નતા જોવા મળે છે તેમજ દરેક માનવીને અલ્લાહે પોતાની અલગ પ્રતિભા, કૌશલ્ય અને પ્રાકૃતિક ગુણો આપ્યા છે. તેને જાણી પોતાના વ્યક્તિત્વને ઓળખીને તેના આધારે દુનિયામાં પોતાનું સ્થાન નક્કી કરવું જોઈએ. સેલ્સ પ્રોફેશનલ સોહેલ સાચોરાએ પોતના બંધારણીય અધિકારોની સુરક્ષા હેતુસર સમુદાયમાંથી મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓએ હયુમેનિટીઝ ક્ષેત્રે ઝંપલાવવું જોઈએ તેવી અપીલ કરી હતી. MTBના ગુજરાતના જવાબદાર ડૉ. યાસર પટીવાલા જેઓ બાયોલોજી ક્ષેત્રે Phd. છે. તેમણે ભવિષ્યમાં મોટી સંખ્યામાં આવા કાર્યક્રમો યોજાશે તેની અંગેની માહિતી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇકરામ બેગ મિર્ઝા, અબ્દુર્રઝઝાક શેખ, અઝહર શેખ, અને અબ્દુર્રહેમાન સાહેબે ખૂબ જ જેહમત ઉઠાવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here