વક્ફ કાયદામાં કોઈ પણ ફેરફાર ક્યારેય સ્વીકાર્ય નથીઃ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ

0
18

નવી દિલ્હીઃ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વક્ફ એક્ટ, ૨૦૧૩માં કોઈપણ એવો ફેરફાર જે વક્ફ સંપત્તિની સ્થિતિ અને પ્રકૃતિ બદલી નાખે અથવા સરકાર કે કોઈ વ્યક્તિ માટે તેને હડપવું સરળ બનાવે, તે કોઈ પણ કિંમતે સ્વીકાર્ય નથી. આ ઉપરાંત વક્ફ બોર્ડના અધિકારોને ઘટાડવા અથવા મર્યાદિત કરવા માટે કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

વિશ્વાસપાત્ર સૂત્રો અનુસાર ભારત સરકાર વક્ફ એક્ટ ૨૦૧૩માં કુલ ૪૦ સુધારાઓ દ્વારા વક્ફ સંપત્તિ પર અતિક્રમણ કરવું સરળ બનાવવા માંગે છે. આ પ્રકારનો કાયદો આગામી અઠવાડિયે સંસદમાં રજૂ થવાની શક્યતા છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ સ્પષ્ટ કરે છે કે વક્ફ સંપત્તિ મુસ્લિમોના વડીલો દ્વારા ધામિર્ક અને દાનના કામો માટે વક્ફ કરવામાં આવેલી ભેટો છે. સરકારે ફક્ત તેને નિયંત્રિત કરવા માટે વક્ફ એક્ટ બનાવ્યો છે.

તેમણે વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે વક્ફ અધિનિયમ અને વક્ફ સંપત્તિને ભારતીય બંધારણ અને શરિયત એપ્લિકેશન અધિનિયમ ૧૯૩૭ દ્વારા પણ કાનૂની રક્ષણ મળે છે. આથી ભારત સરકાર આ કાયદાઓમાં એવા કોઈ સુધારા કરી શકતી નથી જેનાથી આ સંપત્તિની પ્રકૃતિ અને સ્થિતિમાં ફેરફાર થાય. તેમના મતે સરકારે અત્યાર સુધી મુસ્લિમ સમાજને લગતા જે પણ ર્નિણયો લીધા છે તેમાંથી મુસ્લિમોના હિતોને નુકસાન થયું છે. મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવા, તેમજ અલ્પસંખ્યક સ્કોલરશિપ રદ કરવી અને ત્રણ તલાકને લગતો કાયદો બનાવવા જેવા ર્નિણયોથી સ્પષ્ટ થાય છે કે સરકારનો હેતુ મુસ્લિમો પાસેથી કંઈક છીનવી લેવાનો જ છે.

તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દો માત્ર મુસ્લિમો પૂરતો સીમિત નહીં રહેશે. વક્ફ જમીન પર દબાણ પછી આગળ સિખો અને ખ્રિસ્તીઓની વક્ફ જમીન અને હિંદુ મંદિરો પર પણ અતિક્રમણ થઈ શકે છે.

ડૉ. ઇલ્યાસે સ્પષ્ટ કર્યું કે મુસ્લિમ સમાજ વક્ફ એક્ટમાં કોઈપણ એવો ફેરફાર સ્વીકારશે નહીં જેનાથી વક્ફની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય. વક્ફ બોર્ડના કાનૂની અધિકારો અને સ્વાયત્તતામાં કોઈ પણ પ્રકારનું હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી.

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રવક્તાએ એનડીએની સહયોગી પાર્ટીઓ અને અન્ય વિપક્ષી રાજકીય પાર્ટીઓને જોરદાર અપીલ કરી કે તેઓ આવા કોઈપણ પ્રસ્તાવ અને સુધારાને સંસદમાં પસાર ન થવા દેવા અંગે સંપૂર્ણપણે વિરોધ કરે. ડૉ. ઇલ્યાસે આગળ કહ્યું કે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ ભારતના મુસ્લિમો અને તેમના ધામિર્ક અને રાષ્ટ્રીય સંગઠનોને અપીલ કરે છે કે તેઓ કેન્દ્ર સરકારના આ પગલાં વિરુદ્ધ એકજુટ થઈને આગળ વધે. બોર્ડ પણ આ પગલાંને નિષ્ફળ બનાવવા માટે દરેક પ્રકારની કાનૂની અને લોકશાહીનો માર્ગ અપનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here