નમાઝનો હક આ છે કે તેને સમયસર અદા કરવામાં આવે

0
53

આ વાત ખૂબ જ સારી રીતે યાદ રાખવી જોઈએ કે નમાઝ તેના સમયમાં અદા કરવી ફરજિયાત છે. સમય ટાળીને અથવા બીજા સમયે પઢવી બિલકુલ યોગ્ય નથી. કુર્આનમાં સમયસર નમાઝ અદા કરવાની ખૂબ જ તાકીદ કરવામાં આવી છે. શહેરમાં, સફરમાં, શાંતિમાં, ભયમાં, યુદ્ધમાં, દરેક પરિસ્થિતિમાં. અલ્લાહનો હુકમ છે :

“નમાઝ હકીકતમાં એવું અનિવાર્ય કાર્ય છે જે સમયની પાબંદી સાથે ઈમાનવાળાઓ માટે ફરજિયાત બનાવવામાં આવેલ છે.” (સૂરઃ નિસા-૧૦૩)

નમાઝના સંબંધમાં આળસ કે કમજોરી દાખવવી ન જોઈએ અને દરેક નમાઝ તેના સમયે સંપૂર્ણ પાબંદી સાથે પઢવામાં આવે, આ માટે કુર્આનમાં એક ખાસ શબ્દ “મુહાફિઝત”નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો શાબ્દિક અર્થ “નિરીક્ષણ” થાય છે. જેનો વિસ્તૃત અર્થ પાબંદીથી અદા કરવી, સમય પર અદા કરવી અને શરતો સાથે અદા કરવી બધું જ સામેલ છે. અલ્લાહ તઆલાએ ફરમાવ્યું:

“પોતાની નમાઝોની કાળજી રાખો, ખાસ કરીને એવી નમાઝની, જે નમાઝની તમામ ખૂબીઓ ધરાવતી હોય. અલ્લાહ સમક્ષ એવી રીતે ઊભા રહો, જેવી રીતે આજ્ઞાંકિત દાસ ઊભા રહે છે.” (સૂરઃ બકરહ-૨૩૮)

સાચા મો’મિનોની ઓળખ છે કે તે પોતાની નમાઝોની સંપૂર્ણ સુરક્ષા કરે છે. તે હંમેશાં પાબંદી સાથે સમય પર નમાઝ પઢે છે.

અલ્લાહ તઆલાએ તેમની પ્રશંસા કરી છેઃ “અને જેઓ પોતાની નમાઝની રક્ષા કરે છે.” (સૂરઃમઆરિજ-૩૪, સૂરઃમુ’મિનૂન-૯, અને સૂરઃઅન્‌આમ-૯૩)

સમય પર નમાઝ અદા કરવી અલ્લાહની નિકટ ખૂબ જ પ્રિય કાર્ય છે. હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને મસ્‌ઉદ રદિ. કહે છે કે મેં અલ્લાહના રસૂલ સ.અ.વ.થી પૂછ્યું કે અલ્લાહની નિકટ સૌથી પસંદગીનું કાર્ય શું છે? આપ સ.અ.વ.એ ફરમાવ્યું: “નમાઝ સમય પર અદા કરવી.” (બુખારી)

જ્યારે નમાઝનો સમય થઈ જતો તો  રસૂલુલ્લાહ સ.અ.વ. પોતાના પરિવાર માટે જાણે  અજાણ્યા બની જતા. આપ વૂઝુ કરતા, નમાઝના કપડા પહેરીને મસ્જિદ તરફ નીકળી જતા. નમાઝ સિવાય બીજી દરેક ચીજોની હેસિયત  બીજી કક્ષાની હતી. સમય પર નમાઝ અદા કરીને આપણે અલ્લાહના રસૂલ સ.અ.વ.ની આ સુન્નતને જીવંત રાખી શકીએ છીએ.

સમય ટાળીને નમાઝ પઢવી મુનાફિકોની પહેચાન છે. ઈમાનવાળાઓની ખૂબી એ છે કે તે દરેક નમાઝને તેના સમયે અદા કરે છે, સમય ટાળતા નથી કે નમાઝ ચૂકી જવાય, પણ નમાઝની દેખભાળ રાખે છે, નમાઝની રાહ જુએ છે જેથી તેને સમય પર અદા કરી શકે. આ રીતે તે પોતાની નમાઝથી ગાફેલ નથી થતા અને નમાઝને બરબાદ નથી કરતા. તે સમયની પાબંદી આ રીતે કરે છે કે કોઈ પણ પ્રકારની સુસ્તી અને આરામ કરવો, અથવા કોઈ વ્યસ્તતા, અથવા કોઈ અન્ય દિલચશ્પી તેમની નમાઝની પાબંદીમાં અવરોધ નથી બનતી. જ્યારે નમાઝનો સમય આવી જાય તો તે બધું છોડીને અલ્લાહની ઈબાદત માટે ઊભા થઈ જાય છે. તેમને ખબર છે કે સમયની પાબંદી વિના નમાઝનુ રક્ષણ શક્ય નથી.

જ્યારે નમાઝનો સમય થાય ત્યારે પહેલા નમાઝને મોકો આપો. નમાઝના સમયે દરેક વસ્તુને પોતાના વારાની રાહ જોવી પડશે. મોબાઇલ, ફોન કોલ, અખબાર, રમતગમત, ઓફિસની ડ્‌યુટી અથવા  મીટિંગ બધાને પોતાના વારાની રાહ જોવી પડશે. હવે નમાઝ પછી જ કોઈને મોકો મળશે. જો તમે સમય પર નમાઝ પઢો છો તો ખુશનસીબ છો પણ જો સમય પર નહીં પઢો બલકે સમય ટાળીને પઢો છો તો પછી પોતાને પૂછો કે હું કેમ ટાળમટોળ કરીને નમાઝનો સમય ટાળું છું? આવું હું કેટલા મહિનાઓ અને વર્ષોથી કરી રહ્યો છું? જ્યારે દરેક કામ, દરેક ડ્‌યુટી તો સમય પર પૂર્ણ કરૂં છું પણ નમાઝ કેમ સમય પર નથી પઢતો? પછી સુધારા માટે ચિંતાતૂર થઈ જાઓ અને નિશ્ચય કરો કે ચાહે કંઈ પણ થાય નમાઝ સમય પર જ પઢીશું.

મજાલ છે કે નમાઝનો સમય જતો રહે..

સહાબા રદિ. નમાઝના સમયની પૂરી-પૂરી પાબંદી કરતા અને હંમેશાં ચોક્કસ સમયમાં નમાઝ અદા કરતા. ગમે તેવું તાકીદનુ કામ કેમ ન હોય, સમય નીકળી જવાનો પ્રશ્ન જ ન હતો. એક વખત વ્હાલા રસૂલ સ.અ.વ.એ એક સહાબી રદિ.ને એક ખૂબ જ જોખમવાળા કામ માટે મોકલ્યા. હજી તેઓ નિર્ધારિત જગ્યા  સુધી પહોંચ્યા ન’હોતા કે અસરનો સમય થઈ ગયો. એમણે વિચાર્યુ કે મંજિલ સુધી પહોંચતા પહોંચતા અસરનો સમય જતો  રહે તો ? એટલા માટે એમણે ચાલતા ચાલતા નીય્યત બાંધીને ઈશારામાં જ નમાઝ અદા કરી લીધી.

એક દિવસ કેટલાક લોકો ઝુહરની નમાઝ પછી હઝરત અનસ ઇબ્ને માલિક રદિ.ની પાસે પહોંચ્યા. તે લોકો તેમની સાથે થોડી વાતચીત કરવા માંગતા હતા પરંતુ હઝરત અનસ રદિ. ઊભા થઈને અસરની નમાઝ માટે જતા રહ્યા. જ્યારે નમાઝ પઢીને આવ્યા ત્યારે લોકોએ કહ્યું કે, “હઝરત, આપે અસરની નમાઝ બહુ જલદી પઢી લીધી.” આપે જવાબ આપ્યો, “હા, અસરની નમાઝમાં વિલંબ ન કરવો જોઈએ. વ્હાલા નબી સ.અ.વ.એ ફરમાવ્યું છેઃ “આ દંભીઓની નમાઝ છે, આ દંભીઓની નમાઝ છે, આ દંભીઓની નમાઝ છે .. કે ઘરમાં બેઠા રહે છે અને જ્યારે સૂર્યનો રંગ પીળો પડવા લાગે છે ત્યારે ચાર રક્‌અત જલ્દી જલ્દી પઢી લે છે અને જરા પણ તેમાં ખુદાને યાદ નથી કરતા.” (મૌલાના મુહમ્મદ યૂસુફ ઇસ્લાહી રહ., રોશન સિતારે પૃ. ૨૨૮-૨૨૯)

નમાઝમાં વિલંબ સહન કરી શકાય નહીં

હઝરત અબ્દુલ અઝીઝ ઇબ્ને મરવાન મિસ્રના ગવર્નર હતા. જ્યારે તેમના દીકરા ઉમર સમજમાં આવ્યો ત્યારે તેમને તેની તાલીમ અને તબિર્યતની ચિંતા થઈ અને તેમણે તેને મદીના, હઝરત સાલેહ બિન કિસાન પાસે શિક્ષણ માટે મોકલી દીધો. હઝરત સાલેહે ઘણી મહેનત અને ધ્યાનથી તેમને તાલીમ આપી. ખાસ કરીને નમાઝ પર ભાર મૂક્યો અને નમાઝમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહેજ પણ સહન ન કરી.

એક દિવસ અચાનક ઉમર નમાઝમાં મોડો પહોંચ્યો. નમાઝ પૂરી થયા પછી હઝરત સાલેહે તેમના શિષ્યને ઠપકો આપીને પૂછ્યું: “મોડો કેમ આવ્યો?” ઉમરે કહ્યું, “હઝરત, હું વાળ ઓળી રહ્યો હતો.” સાલેહે કહ્યું, “અચ્છા હવે વાળ ઓળવા તરફ એટલું બધું ધ્યાન થઈ ગયુ કે નમાઝમાં વિલંબ થવા લાગ્યો છે. એવા વાળ માથા પર કેવી રીતે રાખી શકાય જે નમાઝોમાં વિલંબનું કારણ બને?” તરત જ હઝરત સાલેહે ઉમરના પિતા એટલે કે મિસ્રના ગવર્નર અબ્દુલ અઝીઝને પત્ર લખ્યો અને આખો કિસ્સો વિગતવાર લખ્યો. સમજદાર પિતાએ તરત જ એક માણસને મદીના મોકલ્યો અને આ  ખાતરી કરી કે મદીના પહોંચીને સૌથી પહેલાં ઉમરના વાળ મુંડાવી દો અને પછી કોઈ પણ સાથે વાત કરવી. આ જ ઉત્તમ શિક્ષણ અને નમાઝની પાબંદીની બરકત હતી કે ઉમર બિન અબ્દુલ અઝીઝ, દ્વિતીય ઉમર કહેવાયા અને ઇતિહાસની એક જીવંત-જવલંત હસ્તી બની ગયા. (મૌલાના મુહમ્મદ યૂસુફ ઇસ્લાહી રહ., રોશન સિતારે પૃ. ૨૩૧-૨૩૨)

સત્તાધીશોની હાલત અને સમયસર નમાઝ પઢવાની તાકીદ

નબી સ.અ.વ.એ હઝરત અબૂઝર રદિ.ને કહ્યું, “જ્યારે તમારા પર એવા સત્તાધીશો લાદી દેવામાં આવે જે નમાઝને ચોક્કસ સમય કરતાં મોડી  પઢે, અથવા કહ્યું: નમાઝનો ચોક્કસ  સમય પૂરો થઈ જાય પછી પઢે તો તમે શું કરશો? હઝરત અબૂઝર રદિ.એ કહ્યું: જે આપ આદેશ ફરમાવો. નબી સ.અ.વ.એ કહ્યું: તમે તમારા સમયે નમાઝ પઢી લો પછી જો તેમની સાથે નમાઝ પઢો તો (તે સત્તાધીશોના ફિતનાથી બચવા માટે) તે પણ પઢી લો; કારણ કે તે તમારા માટે નફલ થઈ જશે. (મુસ્લિમઃ કિતાબુલ મસ્જિદ વ મોવઝિઅલ સલાહ, અબૂ દાઉદઃ કિતાબુલ સલાહ, ઇબ્ને માજહઃ કિતાબ ઇકામતુલ સલાહ વલ સુન્નત ફીહા)

હઝરત ઉબાદહ બિન સામિત રદિ. વ્હાલા નબી સ.અ.વ.થી વર્ણન કરે છે કે આપ સ.અ.વ.એ ફરમાવ્યું: (એક સમયે) મારી ઉમ્મતના સત્તાધીશો એવા લોકો હશે જે દુન્યવી મામલાઓના કારણે નમાઝમાં ઢીલ કરશે. તમે તમારી નમાઝોને તેમની સાથે નફલ તરીકે પઢી લેજો. (ઇબને માજહઃ કિતાબ ઇકામતુસ્સલાત વસ્સુન્ના ફીહા, બાબ માજા ઇઝા અખરુસ્સલાત અન વક્તિહા)

હઝરત અનસ રદિ.ના રડવાનું કારણ બુખારી શરીફના પ્રથમ ભાગમાં નમાઝના સમય વિશે એક પ્રકરણ છે જેનું શીર્ષક છે. જેનો અર્થ છેઃ સમય વગર નમાઝ પઢવી, નમાઝને બરબાદ કરવી છે. આ જ પ્રકરણમાં ઇમામ ઝુહરીના હવાલાથી નીચેના બનાવનો ઉલ્લેખ પણ છેઃ

વર્ણનકર્તા કહે છે કે મેં ઝહરીને કહેતા સાંભળ્યા કે “મેં દમાસ્કસમાં અનસ બિન માલિક રદિ. સેવામાં હાજરી આપી. તેઓ તે સમયે રડી રહ્યા હતા. મેં પૂછ્યું કે તમે શા માટે રડી રહ્યા છો? તેમણે જવાબ આપ્યો કે ‘નબીએ કરીમ સ.અ.વ.ના સમયની કોઈ વસ્તુ હવે આ નમાઝ સિવાય મને મળતી નથી અને હવે તેને પણ નષ્ટ કરી દેવામાં આવી છે.” (બુખારી, બાબુ તદ્‌ઝીયે અસ્સલાહ અન વકતેહા)

આ વર્ણન પરથી સ્પષ્ટ થાય છે કે સહાબાએ કિરામ રદિ.ના ત્યાં નમાઝની કેટલી અગત્યતા છે. હઝરત અનસ રદિ.એ  વિલંબ કરીને નમાઝ પઢવાને નમાઝ વ્યર્થ કરવા જેવું ગણાવ્યું હતું. ઇમામ ઝહરીએ હઝરત અનસ રદિ. પાસેથી આ હદીસ દમાસ્કસમાં સાંભળી હતી. જ્યારે હઝરત અનસ રદિ. હિજાજના શાસનકાળમાં દમાસ્કસના ખલીફા વલીદ બિન અબ્દુલ મલિકને હિજાજની ફરિયાદ કરવા આવ્યા હતા કે તે નમાઝ ઘણી વિલંબથી પઢાવે છે. અને ખુદ વલીદ બિન અબ્દુલ મલિક પણ આ બાબતમાં બેદરકાર રહેતા હતા.

આ હદીસથી પહેલાં એક બીજી હદીસનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં હઝરત અનસ રદિ. નવાઈ પામતાં કહે છે. (જેના હાશિયામાં લખવામાં આવ્યું છે) “અલયસા સનઅતુમ”નો અર્થ નમાઝને વ્યર્થ કરવાનો છે અને તેનો અર્થ નમાઝના સમયનો અસ્ત થવો છે. મહલબ કહે છે કે નમાઝને વ્યર્થ કરવાનો અર્થ તેને તેના ચોક્કસ સમયથી ટાળીને અદા કરવાનો છે, એવું નહીં કે લોકો નમાઝને સમયથી ટાળી દેતા હતા, આ જ વાતની એક જમાઅત માન્યતા ધરાવે છે.

મારા મતે સાચી વાત તે જ છે જેનો ઉપર આપણે ઉલ્લેખ કર્યો છે; કારણ કે હઝરત અનસ રદિ.એ આ વાત ત્યારે કહી હતી જ્યારે તેમને ખબર પડી કે હિજાજ અને વલીદ બિન અબ્દુલ મલિક અને અન્ય લોકો નમાઝને તેના સમયથી ટાળી દે છે, આ સંદર્ભમાં રિવાયતો પ્રસિદ્ધ છે. (અલ-જામિઅ અલ-સહીહ ઇમામ અલ-બુખારી બહાશિયાત અલ-મુહદ્દિસ અલ-સહારનપુરી, કિતાબ મૌઆકિત અલ-સલાહ)

એક સરળ યુક્તિ અપનાવોઃ

સમયસર નમાઝ અદા કરવા માટે એક સરળ વ્યૂહરચનાને અનુસરોઃ

નમાઝની રાહ જુઓ. ઘડિયાળ જોતા રહો. અઝાન સાંભળવાનું ધ્યાન રાખો. અઝાન થતાં જ મસ્જિદ તરફ રવાના થઈ જાઓ. આ બાબતમાં અલ્લાહના રસૂલ સ.અ.વ.ની આ હદીસ શ્રેષ્ઠ માર્ગદર્શન આપે છે.  આપ સ.અ.વ.એ ફરમાવ્યું:

“અને તે મો’મિન (કયામતના દિવસે સિંહાસનના પડછાયામાં રહેશે) જેનો હાલ એવો હોય છે કે મસ્જિદમાંથી બહાર નીકળ્યા પછી પણ તેનું મન મસ્જિદમાં જ અટકી રહે છે જ્યાં સુધી કે પાછા ફરીને મસ્જિદમાં ન આવી જાય.”

જો આમ કરીશું તો નમાઝમાં પાબંદી થઈ જશે. ઇન્શાઅલ્લાહ.

લે. મુહમ્મદ અકમલ ફલાહી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here