નફરતપૂર્ણ ભાષણો હરિયાણા હિંસા અને ટ્રેનમાં હિંસા માટે જવાબદાર:

0
69

કડક હાથે કામ લેવા ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલિસે મુશાવરતની માંગણી

મુસ્લિમોની પ્રતિનિધિ સંસ્થા ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલિસે મુશાવરતે તેના દિલ્હી ખાતેના કેન્દ્રીય કાર્યાલયમાં યોજાયેલ કોન્ફરન્સમાં હરિયાણામાં થયેલ રમખાણો અને ટ્રેનમાં એક ત્રાસવાદી પોલીસ કર્મચારી દ્વારા ત્રણ મુસ્લિમો સહિત ચાર લોકોની હત્યા માટે ધિક્કારપૂર્ણ પ્રવચનોને જવાબદાર ઠેરવ્યાં છે.

આ કોન્ફરન્સ ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલિસે મુશાવરતના દિલ્હીમાં આવેલ કેન્દ્રીય કાર્યાલય ખાતે યોજાઈ હતી. આમાં પ્રમુખ ફિરોઝ અહમદ, મુશાવરતના માજી પ્રમુખ તથા રાષ્ટ્રીય એકતા પરિષદના માજી પ્રમુખ નવીદ હામિદ, સેક્રેટરી જનરલ સૈયદ તહસીન અહમદ, બિહાર મુસ્લિમ મજલિસે મુશાવરતના પ્રમુખ અબૂઝર કમાલુદ્દીન વગેરેએ હાજરી આપી હતી.

મીડિયા સાથે વાતચીત કરતાં મુશાવરતના પ્રમુખ ફિરોઝ અહમદે જણાવ્યું હતું કે મુશાવરત મક્કમપણે એમ માને છે કે બંધારણીય ભાવનાની વિરુદ્ધના ધિક્કારપૂર્ણ પ્રવચનોને કડક હાથે ડામી દેવાની જરૂર છે. તેમણે આ હેતુ માટે ભારતીય દંડ સંહિતામાં એક વિશિષ્ટ કાયદાનો સમાવેશ કરવાની પણ જરૂર ઞણાવી હતી, કારણ કે કાયદાનું પાલન કરાવનારી એજન્સીઓ અપરાધીઓ વિરુદ્ધ જવલ્લેજ કોઈ કિસ્સામાં કાર્યવાહી કરે છે. તેમણે જણાવ્યું કે હરિયાણામાં તાજેતરમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ થયેલ હિંસા નફરતપૂર્ણ પ્રવચનોનું જ પરિણામ છે. હિંસક અથડામણો પછી પણ લડાયક હિંદુત્વ જૂથો પોતાના નફરતપૂર્ણ ભાષણો દ્વારા આમ નાગરિકોને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરી રહ્યાં છે.

ફિરોઝ અહમદે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં કોઈ પણ સ્થળે મુસ્લિમ સમુદાયના ઘરો અને વેપારી મિલ્કતોને યોગ્ય કાનૂની કાર્યવાહી કર્યા વિના જમીનદોસ્ત કરવી બંધારણ અને કાયદાને પગ તળે કચડી નાખવા સમાન છે. હરિયાણા સરકારના અધિકારીઓ અને પોલીસ અમલદારો દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સજા પાત્ર અપરાધ છે, અને આના માટે જે કોઈ જવાબદાર હોય એને સજા થવી જોઈએ.

આ પ્રસંગે મુસ્લિમ મજલિસે મુશાવરતના ભૂતપૂર્વ પ્રમુખ નવીદ હામિદે જાહેરાત કરી હતી કે મુશાવરતે લઘુમતીઓ અને જુલ્મનો ભોગ બનેલ વર્ગોના નાગરિકો સાથે સંકળાયેલા સંગઠનોના સહકારમાં કામ કરવાનું નક્કી કર્યું છે, અને તે એમની સાથે મળી હિંસા મુક્ત ભારત અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાનનો આરંભ તારીખ ૧૯ ઓગષ્ટના રોજ દિલ્હીથી થશે.

મુશાવરતે મણીપુરની પરિસ્થિતિ અંગે પસાર કરેલ ઠરાવમાં જણાવેલ છે કે રાજ્યમાં હિંસા ઉપર અંકુશ નહીં મેળવવા અંગે સરકારને કોઈ પશ્ચાતાપનો અહેસાસ પણ નથી, અને તોફાની તત્ત્વો દ્વારા મણીપુરમાં ૫૦૦૦ કરતાં વધુ અસોલ્ટ રાઇફલો અને પિસ્તોલોનો ઉપયોગ નિર્દોષ લોકોની હત્યા માટે થઈ રહ્યો છે. પરંતુ આ લૂંટી લેવાયેલ શસ્ત્રો પરત મેળવવા અંગે પણ સરકારે કોઈ સંકલ્પ વ્યક્ત કરેલ નથી.

અત્રે એ બાબત નોંધનીય છે કે હરિયાણામાં થયેલ હિંસાના પરિણામે એક અઠવાડિયામાં ૬ લોકોના મૃત્યુ થયા છે. એસોસિએશન ફોર પ્રોટેકશન ઓફ સિવિલ રાઇટ્‌સ દ્વારા બહાર પાડવામાં આવેલ સત્ય શોધક અહેવાલ Beyond the Surface : Exposing systematic Violence & Police Complicity પદ્ધતિસરની હિંસામાં પોલીસની સામેલગીરીને ખુલ્લો પાડતો અહેવાલ: બાહ્ય દેખાવની પેલે પારમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા કરવામાં નફરતપૂર્ણ ભાષણો કરવામાં આવેલ ધરપકડો બહુધા એકતરફી છે અને તેમાં મુસ્લિમોને લક્ષ્ય બનાવવામાં આવ્યાં છે. બીજા પક્ષની સંડોવણીની શક્યતાને તિલાંજલિ અપાઈ છે. અંગ્રેજી દૈનિક “ધ હિંદુ”ના જુલાઈ ૩૧ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ૩૯૩ લોકોની ધરપકડો અને ૧૬૦ એફઆઈઆર નૂહમાં થયેલ કોમી હિંસા સંદર્ભે કરવામાં આવી હતી. પોલીસના પાશવી ક્રેકડાઉનના પરિણામે સેંકડો યુવાનોને રાજસ્થાનની સરહદ પરના જંગલોમાં કેમ્પ કરવાની ફરજ પડી છે. કુટુંબોની ધરપકડ કરવાના કારણો અંગે પોલીસે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો, અને મહિલાઓએ જ્યારે ધરપકડ કરતાં અટકાવવાની કોશિશ કરી તો એમને ગાળો ભાંડવામાં આવી.

જિલ્લામથક નૂહથી આઠ-નવ કિ.મી. દૂરના મેવલી ગામના ૨૦૦૦ જેટલા યુવકો ગામ છોડીને પોતાના સંબંધીઓને ત્યાં કે ગામની પાછળના જંગલમાં અને કેટલાક પર્વતોમાં કેમ્પ કરી રહ્યાં છે. હિંસાના પાંચ દિવસ પછીની કાર્યવાહીમાં મોટાભાગે મુસ્લિમોની માલિકીવાળા ૧૨૦૮ જેટલાં માળખાઓનું મનસ્વી ડેમોલિશન કરવામાં આવ્યું છે. ૭મી ઓગસ્ટે જો પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લઈ એમ જણાવ્યું ન હોત કે આમાં મુસ્લિમોની ઇમારતોને જ લક્ષ્ય બનાવાઈ છે. શું આ વંશી નિકંદન છે ? એમ પ્રશ્ન પૂછી જો વહીવટી તંત્રને અટકાવ્યું ન હોત તો વધુ ખાનાખરાબી થઈ હોત. જો કે જસ્ટિસ અરુણ પલ્લી અને જગમોહન બંસલની ડિવિઝન બેંચે પણ આ કેસ જાહેર હિતની અરજી હોઈ મુખ્ય ન્યાયમૂતિર્ની બેંચને હાઇકોર્ટના નિયમો મુજબ સોંપવામાં જણાવેલ છે. બીજી બાજુ ઉપદ્રવકારક સામગ્રીના કારણે કોમી તંગતિલી સર્જાઈ અને તે હુલ્લડમાં પરિણમી એની ચકાસણી કરવાની ઉચ્ચ કક્ષાની સમિતિની રચનાના મિકેનિઝમ અંગે રાજ્ય સરકારના જવાબ બાબતે ૧૮મી ઓગસ્ટે સુપ્રિમમાં વધુ સુનાવણી થનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here