નફરતની રાજનીતિનો અંત આવવો જરૂરી છે

0
22

૨૦૨૪ની લોકસભા ચૂંટણી દ્વારા ભારતના લોકોએ દેશની તમામ રાજકીય પાર્ટીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે દેશના બહુમતી લોકોને અહીંની નફરતની રાજનીતિ પસંદ નથી. ચોક્કસ આ ચૂંટણીમાં ભાજપની કોમવાદી રાજનીતિને સંપૂર્ણ પરાજય તો ન મળ્યો પરંતુ સ્પષ્ટ બહુમત ન મળવો અને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા મહત્વપૂર્ણ રાજ્યો અને ફૈઝાબાદ જેવા મહત્વપૂર્ણ સંસદીય ક્ષેત્રમાં તેનો ભયંકર પરાજય આ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે દેશના લોકો હવે આ નફરતની ગંદી રમતથી કંટાળી ગયા છે. જોકે ભાજપે સંસદીય ચૂંટણી દરમિયાન પોતાનો સંપૂર્ણ ચૂંટણી પ્રચાર અહીં નફરતના આધાર પર જ  ચલાવ્યો હતો. વડાપ્રધાન મોદી અને અન્ય ભાજપના નેતાઓએ પોતાના નફરતભર્યા ભાષણો, અનૈતિક શૈલી અને અસભ્ય અને બિનસંસદીય ભાષાનો ઉપયોગ કરીને હિંદુઓને મુસ્લિમો સામે ઉશ્કેરવા અને તેમની ધામિર્ક લાગણીઓનું શોષણ કરવાનો દરેક પ્રકારે ભરપૂર પ્રયાસ કર્યો પરંતુ લોકોએ આ નફરતભર્યા ભાષણોને સંપૂર્ણ રીતે નહીં પરંતુ મોટા પ્રમાણમાં નકારી કાઢ્યા. પરંતુ જે જે ક્ષેત્રોમાં આ પ્રકારના ભાષણો થયા છે તે તમામ ક્ષેત્રોમાં ભાજપને શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો છે. એ  ખાસ મહત્વની બાબત છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ચૂંટણીમાં સત્તાધીશ પક્ષે સરકારી તંત્ર, ચૂંટણી પંચ, ઈડી અને અન્ય સંવૈધાનિક સંસ્થાઓનો જે રીતે પોતાના હિતમાં ઉપયોગ કર્યો, તે ન કરતી અને આ ચૂંટણી પારદર્શક સ્તરે થાત તો ભાજપ આટલી સંખ્યાએ પણ ન પહોંચી શકતી. સંસદીય ચૂંટણી પછી થયેલ ૧૩ વિધાનસભા ક્ષેત્રોની પેટા ચૂંટણીમાં પણ આ જ વલણ જોવા મળ્યું છે.

પરંતુ આ બધું હોવા છતાં ભાજપે ન તો આ ચૂંટણીઓમાંથી કોઈ બોધપાઠ લીધો છે ન તો નફરતની આ રાજનીતિને છોડવાનો કોઈ ઈરાદો રાખ્યો છે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે.  કારણ કે તે માને છે કે આ તેની સફળતાની ચાવી છે. અને તેમના મતે તેમનો ઉદય પણ આ રાજકારણને આભારી છે. તેથી સંસદીય ચૂંટણી બાદ આવી ઘટનાઓ, નિવેદનો અને કાર્યવાહી વધી છે. હવે જ્યારે હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં આગામી છ-સાત મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને ભાજપ આ રાજ્યોમાં નફરતની રાજનીતિના આધારે જીતવા માંગે છે, ત્યારે હવે વાતાવરણ ગરમ કરવાનો સમય આવી ગયો છે. કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ બોલ્ડ નિવેદન આપતા કહ્યું કે આસામ ૨૦૪૧ સુધીમાં મુસ્લિમ બહુમતી રાજ્ય બની જશે. અહીંની વસ્તી દર દસ વર્ષે ૩૦% વધી રહી છે. જો કે, ૨૦૧૧ પછી દેશમાં કોઈ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી નથી. વર્ષ ૨૦૨૧માં વસ્તીગણતરી થવાની હતી, પરંતુ ત્રણ વર્ષ વીતી જવા છતાં હજુ સુધી આ મામલે કોઈ પ્રગતિ થઈ નથી. આમ હોવા છતાં, બિસ્વા સરમા હિંદુઓને મુસ્લિમો સામે ભડકાવવાના અને આવી વાહિયાત વાતો કરીને તેમને મુસ્લિમોથી ડરાવવાના નાપાક પ્રયાસોમાં કરી રહ્યા છે. તાજેતરમાં,આસામ કેબિનેટે ૧૯૩૫ના મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમને રદ્દ કરવાના બિલને પણ મંજૂરી આપી છે. વિપક્ષનું કહેવું છે કે આ પગલાં પાછળ એ જ મુસ્લિમ વિરોધી રાજનીતિ છે, ભલે રાજ્ય સરકાર તેને મુસ્લિમોની સુધારણા કહે છે.

આ જ રીતે, ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના સમયે રસ્તામાં આવેલી વિવિધ ખાદ્ય ચીજોની દુકાનો પર તેમના માલિકોના નામની તકતીઓ લગાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તે દેશને ધર્મ અને જાતિના આધારે વિભાજિત કરવાની બીજી એક ગંદી કોશિશ હતી. ઉત્તર પ્રદેશની સરકારે ધામિર્ક લાગણીઓનો લાભ લઈને આ અગાઉથી નિર્ધારિત આદેશ જાહેર કર્યો હતો કે કાવડ યાત્રાના માર્ગમાં આવતી તમામ દુકાનોના માલિકો અને તેમાં કામ કરતા વ્યક્તિઓના નામ તકતીઓ પર લટકાવવામાં આવે જેથી તેમની ઓળખ થઈ શકે. સમજમાં નથી આવતું કે આ શાસકો આખરે આ દેશને ક્યાં લઈ જવા માંગે છે? એ તો સારું થયું કે સુપ્રીમ કોર્ટે સમયસર આ આદેશ પર રોક લગાવીને આ ખરાબ પરંપરાને શરૂ થતાં પહેલાં જ બંધ કરી દીધી, પરંતુ આનાથી ભાજપના ગંદા ઈરાદાઓનો ખૂબ સારી રીતે અંદાજ આવી ગયો છે.

મહારાષ્ટ્રમાં આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જ્યાં સંસદીય ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગી દળોનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું, ત્યાં પણ વાતાવરણને બગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. કોલ્હાપુરના એક ગામમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાના નામે જે રીતે હિંદુત્વવાદી ગુંડાઓએ એક મસ્જિદ પર હુમલો કરીને તેને તોડી પાડવાનો પ્રયાસ કર્યો અને ટાઉનશિપમાં રમખાણો મચાવ્યા તે વાસ્તવમાં એ જ પ્રયાસોનો એક ભાગ છે. ભાજપે સમજી લેવું જોઈએ કે આ દેશના લોકો મૂળભૂત રીતે શાંતિના ચાહક છે, તેઓ નફરતની રાજનીતિને વધુ સમય સુધી સહન કરી શકતા નથી અને તેઓ ભાજપની આ યુક્તિઓમાં ફસાશે નહીં. તેમણે નફરત પર આધારિત આ નકારાત્મક રાજનીતિ છોડીને સમજદારી અને સકારાત્મક કાર્યો સાથે રાજનીતિ કરવી જોઈએ. તેણે સમજવું જોઈએ કે અરાજકતા ફેલાવીને અને અશાંતિનું વાતાવરણ ઊભું કરીને તે ન તો દેશને આગળ લઈ જઈ શકે છે અને ન તો લોકોનું કોઈ ભલું કરી શકે છે. દેશની જનતાએ પણ આ નફરતની રાજનીતિ સામે વધુ જાગૃત અને સતર્ક રહેવાની જરૂર છે જેથી દેશમાં નકારાત્મક રાજનીતિને જડમૂળથી ઉખાડી શકાય અને શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here