મહિલા આરક્ષણઃ આવકાર્ય, પરંતુ બંધારણના હાર્દ એવી ‘સમાનતા’થી તો છેટું એ છેટું જ રહ્યું

0
74

ભારતમાં વસતા સર્વ ધર્મના ગ્રંથોમાં મહિલાને ચોક્કસપણે પુરુષ સમોવડી આંકવામાં આવી છે. આપણા ત્યાં મહિલા સશક્તિકરણની વાતો તો બહુ થાય છે પરંતુ મહિલાઓને જીવનના સર્વાંગી ક્ષેત્રમાં જે પ્રાધાન્ય મળવું જોઈએ, એ પ્રાપ્ત થઈ રહ્યું હોય એવું જણાતું નથી.

માનવીય ઇતિહાસ સ્પષ્ટરૂપે સાક્ષ્ય છે કે, સમાજનો સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય બને જો રાજકારણ સહિત તમામ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી સમાન હોય. વાત જ્યારે આપણા દેશની કરીએ તો દેશના બંધારણ, કાનૂન, નિયમ, અધિનિયમ કે પરંપરામાં હંમેશાં મહિલા સમાનતા અને સ્ત્રીન્યાય અંગેની આગવી છણાવટ કરાયેલી છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે ૨૦૦૭માં કાર્યસ્થળે મહિલાઓની થતી પજવણીની સમસ્યાઓને નાબૂદ કરવાના હેતુસર બહાર પડાયેલ ‘વિશાખા ગાઇડલાઇન્સ’ જેવી સમયાંતરે માર્ગદશિર્કાઓ પણ બહાર પડાયેલી છે. આ બધી જ વ્યવસ્થાઓ છતાં રાજકીય અનિચ્છાઓ હેઠળ બધું જ માત્ર ‘કાગનો વાઘ’ બનીને રહી જાય છે.

સૃષ્ટિના સર્જનહાર અને પાલનહાર અલ્લાહે માનવીય સર્જનમાં સ્ત્રિયોત્પત્તિ વિશિષ્ટ પ્રકૃતિ અને શરીર-રચના સાથે કરી છે. તેણીએ બાળકના જન્મ આપવા સાથે તેના ઉછેર અને ઘરના સૌની કાળજી લેવાની વિશેષ ઘરેલુ જવાબદારી નિભાવવા સાથે પોતાની લજ્જાનું પણ રક્ષણ કરવાનું છે. એટલે જ તો એ સુપેરે નોંધનીય છે કે, મહિલાઓ સંવેદના અને લાગણીઓનો ઘડો છે. અને હા, વાત જ્યારે તેની ઇજ્જત અને બાળહિત કે લોકહિતની આવી પડે તો રાક્ષસીસ્વરૂપ ધારણ કરવામાં પણ પાછીપાની નથી કરતી. આજે પણ આપણે જોઈએ છીએ કે, મહિલાઓ તેણીનીઓની આગવી ઓળખ, પોશાક, સાજ-સજજા અને વિશેષ શારીરિક સ્થિતિઓ અને સમાજિક પરિસ્થિતિઓ વચ્ચે પણ બધા જ ક્ષેત્રોમાં બધી જ પ્રકારની જવાબદારીઓ કુનેહ પૂર્વક નિભાવી રહી છે.

ભારતમાં મહિલાહિત, આટલી બધી સાનુકૂળતા અને રાજકારણીઓના મીઠા બોલબચ્ચન વચનોની લ્હાણી વચ્ચે પણ અપેક્ષાઓથી જોજનો દૂર જણાય છે. તાજેતરમાં જાહેર થયેલા ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’ દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવતા ‘ગ્લોબલ જેન્ડર રિપોર્ટ-૨૦૨૩’માં ભારત ૧૪૬ દેશો વચ્ચે છેક ૧૨૭માં નંબરે છે. જેમાં ચાર જુદા જુદા ધોરણોમાં પણ સૌથી સારી સ્થિતિએ રહેલા રાજકીય સ્તરે પણ કાંઈ વિશેષ પ્રગતિ નથી અને જે છે, એ પણ સ્થાનિક સ્વરાજ્યમાં અપાયેલ ૩૩% અનામતની અસરોના લીધે છે. આજે આઝાદીને ૭૭ વર્ષે પણ લોકશાહીના ઉચ્ચસ્થળ એવા સંસદભવનમાં પણ માત્ર ૧૪% જ હિસ્સેદારી છે, જે પણ આઝાદ ભારતની ૧૯૫૨ની પ્રથમ ચૂંટણી પછીની પહેલી વાર બનેલી ઘટના છે. ‘આંતરરાષ્ટ્રી મજૂર સંઘ’ મુજબ ભારતમાં મહિલાઓની કાર્યબળમાં ભાગીદારી માત્ર ૨૩% જ છે. જ્યારે વસ્તી ૪૮%.

ઉપર્યુક્ત સર્વાંગી પરિસ્થિતિ અને ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના નારા વચ્ચે જ્યારે ભારતમાં ૧૨મી સપ્ટેમ્બર, ૧૯૯૬એ પ્રથમવાર અને આ પછી ચાર વાર સંસદમાં રજૂ થયેલ આ બિલ ૨૭ વર્ષે ફરી એક વાર સ્પષ્ટ બહુમતીના જોરે વર્તમાન સરકાર દ્વારા ૯ વર્ષના શાસનના અંતે, બરાબર ચૂંટણી ટાણે રજૂ કરી પાસ કરાવવાની વેતરણ થકી ચૂંટણીલાભ પ્રાપ્તિની ઝંખના સેવાતી જણાય છે. તાજેતરમાં રજૂ થયેલા આ બિલમાં કાંઈ વિશેષ નાવીન્યતા જણાતી નથી.

જે અગાઉના આ બિલમાં હતી એ જ કલમો આમાં સામેલ છે. જેના હેઠળ લોકસભામાં અને રાજ્યની અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩% અનામત. જેના લીધે લોકસભામાં હાલ રહેલી ૮૧ મહિલાઓની સંખ્યા વધીને ૧૮૨ થઈ શકે. આ સાથે જ, SC અને ST ક્વોટામાં એમને ફાળવાયેલ અનુક્રમે ૮૪ અને ૪૭માંથી ૩૩%પેટા ફાળવણી મહિલાઓ માટે. જેમાં દેશમાં બહોળો વર્ગ ધરાવતા OBC અને દેશમાં વર્તમાનમાં ચોથા ભાગ જેટલી મોટી વસ્તી ધરાવતા અને મુસ્લિમ સત્રીઓને ‘ટ્રિપલ તલાક નાબૂદી’ થકી કહેવાતા ન્યાયની વાંસળી વગાડતી આ સરકાર દ્વારા મુસ્લિમ સમુદાય માટે પણ કોઈ જ ફાળવણી કરવામાં આવેલી નથી. જે સમાનતાના તૈયાર થતા હાડપિંજરમાં સ્પષ્ટપણે અન્યાયની બુ પ્રતીત થતી જણાઈ આવે છે.

આ સાથે જ બરાબર ચૂંટણી સમયે ૯ વર્ષે અચાનક યાદ આવેલા આ લોલીપોપ રૂપી ૧૨૮મા બંધારણીય સુધારા બિલને કાનૂન બન્યા પછી પણ ‘જો’ અને ‘તો’ની અનિશ્ચિતતાની આંટીઘૂંટીમાં ધરબેલું રાખ્યું છે. જે નવા સીમાંકન પછી અને તે પણ ૧૫ વર્ષની સમયાવધિ માટે જ બાધિત કર્યું છે. જ્યારે હજુ વસતી ગણતરી થઈ નથી કે, તેના વર્તમાનમાં કોઈ એંધાણ જણાતા નથી, તો નવા સીમાંકનની તો વાત જ હજુ ઘણી છેટે ભાસે છે. તો પછી આ ચૂંટણીલક્ષી લાભપ્રાપ્તિ રૂપી બિલ તો OBC અને મુસ્લિમ સમાજના અન્યાયની બુ સાથે છેટું એ છેટું જ રહ્યું.

– ડૉ. ફારૂક અહેમદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here