હજુ સુધી યાદ છે

0
43

રૂપિયા

ઉત્તરપ્રદેશમાં એક રાજ્ય હતું, જહાંગીરાબાદ. જે લખનૌ પાસે બારાબંકી જિલ્લામાં છે. રાજ્યોના એકત્રીકરણ પહેલાં જહાંગીરાબાદના રાજા ખૂબ વિખ્યાત વ્યક્તિ હતા. તેમને શાયરી અને કવિતાનો ખૂબ શોખ હતો. તેમના દરબારી શાયર હતા ફિઝાસાહેબ બસવાની. ફિઝાસાહેબ, જિગર બસવાની સાહેબના નાના ભાઈ હતા. એક વખત રાજાસાહેબ આ બંને ભાઈઓની શાયરીની રચના (કલામ) સાંભળીને ખૂબ જ ખુશ અને પ્રફુલ્લિત થઈ ગયા અને તેમને પારિતોષિક અને એક એક હજાર રૂપિયા રોકડ ઇનામ પણ આપ્યું.

બંને ભાઈ પારિતોષિક અને રૂપિયા લઈને પાછા વળ્યા. રેલ્વે સ્ટેશન આવ્યા, ટ્રેનમાં બેસ્યા. સેકન્ડ કલાસમાં પ્રવાસ કરી રહ્યા હતા. ડબામાં તેમના સિવાય કોઈ ન હતું. બંને પગ લાંબા કરીને કોઈ ખટકા વગર ઘસઘસાટ સૂઈ ગયા. લખનૌ નજીક આવ્યું તો જિગર સાહેબ જાગ્યા. જોયું તો ફિઝાસાહેબ શાંતિથી બેસીને કંઈ ગણગણતા હતા. જિગર સાહેબને જાગતા જોયા તો ફિઝાસાહેબ બોલ્યા:

“ભાઈ સાહેબ! ધ્યાનથી સાંભળો,

શું જોરદાર શેર કહ્યો છે !”

જિગરસાહેબ ઊઠીને બેસી ગયા, આમતેમ જોયું, હેન્ડબેગ કયાંય દેખાતી ન’હોતી. તેનામાં જ પૈસા મૂકેલા હતા. ફિઝા સાહેબથી પૂછ્યુંઃ “હેન્ડબેગ કયાં છે ?” અને પછી એ જાણીને કે હેન્ડબેગ કોઈ ચોરી ગયું. તો તેમણે કહ્યું :

“રૂપિયા પાસે હોય તો આ રીતે બેખબર ઘસઘસાટ ન સૂઈ રહેવું જોઈએ.”

જિગર સાહેબ આ કહી ચૂકયા તો ફિઝાસાહેબે જાણે પૈસા ખોવાઈ ગયાની કોઈ ચિંતા જ ન હોય તેમ એક શેર જિગર સાહેબને સંભળાવ્યો :

રૂપિયા હોતા, યે ઇત્મિનાન કબ હોતા નસીબ
સો રહે ઔર ઘરકા દરવાઝા ખુલા રહને દિયા

જિગર સાહેબે પોતે આ બનાવ મને કહી સંભળાવ્યો. .આ બનાવ સાંભળીને મને અમુક એવા માલદારો યાદ આવી ગયા જેમને મેં પોતે જોયા છે અને તેમને સારી રીતે ઓળખું છું કે જેઓ, આ ભાઈઓ કે જેમના પાસે રૂપિયા હોવા છતાં નચિંત થઈને સૂતા હતા, તેમની રીતે તો કદી સુઈ જ ન શકે.
એ બિચારાઓ એ હાલતમાં જીવન વ્યતીત કરે છે, જાણે જીવન તેમને વ્યતીત કરી રહ્યું છે!!

તેઓ ઊંઘે છે તો ઘસઘસાટ ઊંઘી શકતા નથી. વારંવાર ઝબકી જાય છે, ઊંઘ ઊડી જાય છે, ઊંઘમાં જ બડબડાટ કરે છે. ઘરમાં રૂપિયા(કદાચ બે નંબરના જ ને!)મૂકેલા હોય છે એટલે ચોરો ને ડાકુઓથી હંમેશાં ભયભીત રહે છે.

મારી નજરમાં એક મોટો વેપારી છે..આ “ગરીબ”ના ઘરે જ્યારે “સરકારી” માલ આવે છે તો બિલ્ટી હાથમાં આવતાં સાથે જ તેને અકળામણ શરૂ થઈ જાય છે. તમે સમજ્યા કેમ? એટલા માટે કે “બિચારો” બધો માલ તો બ્લેકમેઇલ કરી નહીં શકે, કેમ કે માલનો એક મોટો ભાગ તો “પરમીટ”વાળાઓને આપી દેવો પડશે. બીજું એ કે બચેલા માલ પર બ્લેકમેઇલ કરવાનું છે તેને પણ “બારોબાર” કરવામાં કયાંક ફસાઈ ન જવાય ? બસ લાલચ અને બીકના વચ્ચે વિચિત્ર પ્રકારના ઝોલા ખાતો રહે છે.

હું એક બીજા માલદારને ઓળખું છું જે સૂઈ જ નથી શકતો. ઊંઘની ગોળીઓ ખાવી પડે છે. એક બીજો માલદાર જે મારો સગાવ્હાલો છે. ન તો પૂરૂં ખાઈ શકે છે, ન પહેરી શકે છે. પરંતુ ભેગું કરતા રહેવાનો અનહદ લાલચુ છે. બજારમાં સસ્તીમાં સસ્તી શાકભાજી કયાં મળે છે એ જ શોધતો ફરે છે, અને લોકો તેનું આ બધું જોઈને હસતા રહે છે. આને જ કહેવાયને માલદાર બિખારી !?

બીજી તરફ એ ગરીબોને જોઉં છું કે જેમના છાપરા પર નળિયા પણ પૂરા નથી અને ન કોઈ ઘરવખરી છે, છતાં આખું ઘર નિરાંતે આખી રાત સૂઈ રહે છે. ઘરમાં કંઈ હોય તો ચોરીનો ભય હોયને. જેટલું કમાય એટલું ખાધાખોરાકીમાં જ વપરાઈ જાય અને શાંતિથી ઊંઘ પણ આવી જાય.
એટલે ફિઝાસાહેબે જે શેર કહ્યો તેમાં રચનાની પંક્તિઓ કરતા વાસ્તવિકતા વધુ છે.

એટલે આ રૂપિયા પણ ખૂબ જ વિચિત્ર માયા છે..હોય તો જાહોજલાલી, ન હોય તો નિસાસા! જેથી રૂપિયા રહેમત પણ છે અને જહેમત પણ છે.
અલ્લાહના રસ્તામાં જાય તો રહેમત, અને શૈતાનના રસ્તામાં જાય તો જહેમત અને બર્બાદી.

અલ્લાહતઆલા આપે તો હઝરત ઉસ્માન રદિ.ની દૌલત આપે.
કારૂનના ખજાનાઓને શું કરવાના?

(અનુવાદ અને પૂરવણીઃ મુહમ્મદ અમીન શેઠ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here