(ન્યૂઝ ડૅસ્ક) શાળા અને કોલેજોમાં શિક્ષણ પ્રાપ્ત કરતા નવયુવકોનું સપનું શિક્ષણ પૂરૂં કર્યા પછી સારી નોકરી મેળવવાનો હોય છે. આનો આશય એ હોય છે કે તેમનું આગામી જીવન સરળતાથી પસાર થઈ જાય. વર્તમાન સરકાર પણ યુવાનોને રોજગાર સાથે સાંકળવાનો દાવો કરે છે. આમ છતાં રોજગાર અંગે લોકનીતિ અને સીએસડીએસ અર્થાત્ સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝના આ મહિનાના આરંભે બહાર પાડવામાં આવેલ સર્વેક્ષણના તારણોમાંથી આશ્ચર્યકારક બાબતો બહાર આવી છે. આમાં એક બાબત તો એ બહાર આવી છે કે દેશમાં ૧૫ થી ૩૪ વર્ષની ઉંમરના યુવાનો એમ માને છે કે બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા છે, ૧૬% લોકો ગરીબીને સૌથી મોટી સમસ્યા માને છે અને ૧૩% લોકો ફુગાવાને દેશની સૌથી મોટી સમસ્યા માને છે. આનો વિશ્લેષકોએ એવો અર્થ કર્યો છે કે દેશના અર્થતંત્ર સમક્ષ જે પડકારો છે એ યુવાનોના મતે સૌથી મહત્ત્વની બાબત છે. આ અહેવાલ યુવાનોની કારકિર્દીની આકાંક્ષાઓ, નોકરી માટેની અગ્રતાઓ અને નવયુવકોની આકાંક્ષાઓ અંગે પણ એમની સૂક્ષ્મ દૃષ્ટિ અને સમજમાં ડોકિયું કરવાની તક પૂરી પાડે છે. જવાબ આપનારાઓ પૈકી ના ૬ % લોકોએ ભ્રષ્ટાચારને સૌથી મહત્ત્વપૂર્ણ પડકાર તરીકે અને ૪% – ૪% એ શિક્ષણ અને વધુ વસ્તીને મહત્ત્વપૂર્ણ પડકાર તરીકે ઓળખાવ્યાં છે.
આશ્ચર્યની બાબત તો એ છે કે બેરોજગારીને સૌથી મોટી સમસ્યા તરીકે ઓળખાવતા યુવાનોના પ્રમાણમાં ૧૮% નો વધારો ઈ.સ. ૨૦૧૬ના આ જ પ્રકારના સર્વેના પરિણામોની ટકાવારીમાં થયો છે. જે યુવાનોએ ભાવ વધારાને એમની પ્રાથમિક ચિંતા ગણાવી છે એમાં પણ ૭% નો વધારો થયો છે.
ઈ.સ. ૨૦૨૩માં ૧૮ રાજ્યોના ૯૩૧૬ જવાબ આપનારાઓનો સમાવેશ કરાયો છે. આમાં તમામ વર્ગોએ બેરોજગારીને પોતાની પ્રાથમિક ચિંતા દર્શાવી છે પરંતુ મધ્યમ વર્ગના યુવાનોમાં આ બાબત વધુ સ્પષ્ટપણે દેખાઈ આવી છે. આ ઉપરાંત સ્નાતક અને એના કરતાં વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતાં ઉચ્ચ શિક્ષિત ઉત્તરદાતાઓએ પણ રોજગારીને પોતાની પ્રાથમિક ચિંતા તરીકે દર્શાવી છે. આનાથી તદ્દન ઊલટું, ૨૭% બિનશિક્ષિતઓએ બેરોજગારીને પોતાની પ્રાથમિક ચિંતા તરીકે દર્શાવી છે, કારણ કે તેઓ અનેક પ્રકારના કામો કરી શકે છે.
સ્ત્રી-પુરુષના આંકડા જોઈએ તો ૪૨% પુરુષો બેરોજગારીને પોતાની સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાથમિક સમસ્યા તરીકે દર્શાવી છે જ્યારે યુવતીઓમાં આ ટકાવારી ૩૧% છે. નીચલી આર્થિક પશ્ચાદ્ભૂમિકાવાળા યુવકો માટે ગરીબી અને ભાવ વધારો વધુ મહત્ત્વની સમસ્યાઓ તરીકે બહાર આવ્યાં છે. ભાવ વધારો અને ગરીબી અંગે પણ ૩૪% મહિલાઓએ પોતાની ચિંતા દર્શાવી છે.
કામ કરતા યુવકોના ૨૦% એ પોતાની રસ-રુચિ મુજબ પોતાનો વ્યવસાય અપનાવ્યો છે જ્યારે ૧૮% એવાં છે જેમણે એક માત્ર ઉપલબ્ધ વિકલ્પ અપનાવી લીધો છે. આરોગ્ય સેકટરને ૧૬% યુવકોએ પોતાના આદર્શ વ્યવસાય તરીકે પસંદગી આપી છે, જ્યારે ૧૪% એ શિક્ષણને અને ત્યાર બાદ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલ નોકરીઓને, ૧૦% એ પોતાનો વ્યવસાય શરૂ કરવાને અને ૬% યુવકોએ સરકારી નોકરીની પસંદગી દર્શાવી છે. સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે માત્ર ૨ % લોકો જ પોતાની હાલની નોકરી ચાલુ રાખવા માંગે છે.
યુવકોને આજે પણ સરકારી નોકરીનો મોહ છે. સરકારી નોકરી, ખાનગી નોકરી અને પોતાના વેપાર-ધંધા અંગે પૂછવામાં આવતાં પાંચમાંથી ત્રણ વ્યક્તિઓએ સરકારી નોકરીને પસંદગી આપી, ચારમાંથી એક કરતાં વધુએ પોતાના ધંધાને પસંદગી આપી. આમ ગત ૧૫ વર્ષના ગાળામાં સરકારી નોકરી બહુમતી યુવકોની પસંદગી રહી છે, અને પોતાનો વ્યવસાય કરવાની ટકાવારી જે ઈ.સ. ૨૦૦૭માં ૧૬% હતી એની ટકાવારી ૨૦૨૩માં વધીને ૨૩% થઈ છે.