પર્ફોર્મન્સની રાજનીતિના લેખાજોખા

0
47

૯ ઓગસ્ટેના દિવસે અવિશ્વાસ પ્રસ્તાવમાં ગૃહમંત્રી- એ જે પ્રવચન આપ્યું તેનું સંપૂર્ણ પોસ્ટમોર્ટમ કરીશું તો તે માત્ર “જુમલો” જ સાબિત થશે. ગૃહમંત્રીએ ગાંધીજીને ટાંકતા કહ્યું હતું કે આજના દિવસે ગાંધીજીએ ‘અંગ્રેજો ભારત છોડો’નું સૂત્ર આપ્યું હતું. પાછલાં ૯ વર્ષોમાં નરેન્દ્ર મોદીજીએ નવા યુગનો પ્રારંભ કર્યો છે. ભ્રષ્ટાચાર, પરિવારવાદ, અને તુષ્ટિકરણની રાજનીતિનો અંત લાવી ‘પોલિટિકસ ઓફ પરફોર્મન્સ’ની શરૂઆત કરી છે. તેના જ સંદર્ભમાં તેમણે કહ્યું કે આજે મોદીજી એ ભ્રષ્ટાચાર ભારત છોડો, પરિવારવાદ ભારત છોડો, તુષ્ટિકરણ ભારત છોડોનો નારો આપ્યો છે. વિપક્ષનું ચરિત્ર સત્તા માટેના ભ્રષ્ટાચારનું છે અને અમારી સરકારનું ચરિત્ર સિદ્ધાંતની રાજનીતિનું છે.

જેઓ ગાંધીજીના હત્યારા ગોડસેને હીરો તરીકે રજૂ કરતાં હોય, જેઓ ગાંધીના ભારત વિચારને (આઇડિયા ઓફ ઇન્ડિયા)ની જગ્યાએ કોઈ બીજી વિચારસરણીને પ્રસ્થાપિત કરવા માંગતા હોય તેમના મુખ ઉપર ગાંધીજીનું નામ શોભતું નથી.

ગૃહમંત્રી જે પરફોર્મન્સનો દાવો કરી રહ્યા છે, આંકડાઓ તેની સાબિતી નથી આપતા. ૨૦૧૪માં આપણે ક્યાં હતા અને ૨૦૨૧માં ક્યાં પહોંચ્યા તે આંકડા જોઈએ. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત ૫૫મા ક્રમે હતું જે ૨૦૨૧માં ૧૦૧ થયો. ફ્રિડમ ઓફ પ્રેસમાં ૧૪૦મા ક્રમે હતું જે આજે ૧૫૦મા સ્થાને છે. ગ્લોબલ જેંડર ગેપ ઇન્ડેક્સ ૧૧૪મા હતો જે ૧૪૦મા સ્થાને પહોંચ્યો છે. રુલ ઓફ લોમાં ૩૫મા સ્થાનેથી ચઢી ૭૯એ પહોંચ્યો છે. સોશ્યલ પ્રોગ્રેસ ઇન્ડેક્સ ૧૦૨થી ૧૧૫એ પહોંચ્યો છે. EUI ડેમોક્રેસી ઇન્ડેક્સ ૨૭મા સ્થાનેથી ૪૬એ પહોંચ્યો છે. ગ્લોબલ ફ્યુઅલ સિકયુરીટી ઇન્ડેક્સ ૬૯થી “વિકાસ” કરી ૭૧ સ્થાને બિરાજમાન છે.આ તો એક ઝલક છે. આ નરી વાસ્તવિકતા હોવા છતાં ગૃહમંત્રી ક્યા પરફોર્મન્સની વાત કરે છે તે સમજાતું નથી.

હા, એક ક્ષેત્રમાં ચોક્કસ પ્રગતિ થઈ છે, અને તે છે રિલિજિયસ પોલારાઇઝેશન, અને આ ધ્રુવીકરણ માટે મોટા પાયે ઘૃણા, તિરસ્કારની ભાવના અને રમખાણો થયા છે. એક નહિ કેટલાય કેસો છે જેમાં બળાત્કારીઓને છાવરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, અથવા તેમને પ્રોત્સાહન પૂરૂં પાડવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે બિલકીસ બાનું કેસમાં પણ પ્રશ્ન પૂછ્યો છે. કયાંક ને ક્યાંક ન્યાય પ્રક્રિયા ઉપર “અદૃશ્ય” દબાણ ઊભું કરી તેમના ચરિત્રને પણ ભ્રષ્ટ કરવામાં આવ્યું છે. હમણાંનો જ તાજો ઇતિહાસ જોઈ લો. સામુદાયિક હિંસા અને રમખાણોથી કઈ વિચારસરણીના લોકોને લાભ થયો છે. સત્તા ઉપર બિરાજમાન રહેવા પરફોર્મન્સનું આ જ (જાહેર) સિક્રેટ છે. ઇતિહાસમાં પહેલી વાર સાંસદોની આટલા મોટાપાયે ખરીદ-વેચાણ થઈ રહી છે. એક વ્યક્તિને લોકો બીજેપી વિરુદ્ધ વિજય અપાવે અને પછી તે વ્યક્તિ તે જ પાર્ટી જોઈન કરી લે. અને કોઈ વ્યક્તિ તેમની પાર્ટી જોઈન કરે તો ગંગા નહાઈ લેવા જેવું છે. આ જ ગૃહમંત્રીનો અભૂતપૂર્વ પરફોર્મન્સ છે. આ ડેમોક્રેટિક વ્યવસ્થાનું ચીરહરણ નથી તો બીજું શું છે? વિદેશમાં આપણા પ્રધાનમંત્રી લોકશાહી અને નાગરિક અધિકારની વાતો કરે છે અને દેશમાં લોકશાહી અને નાગરિક અધિકારોનો ઉલ્લંઘન થતું હોય તો આંખ આડા કાન કરે છે. એક ખાસ સમુદાયના ઘરો અને વસતિઓને બુલડોઝરાઇડ કરવામાં આવે ત્યારે ક્યા પરફોર્મન્સની વાત કરે છે એ સમજાઈ શકે છે. વોટ રળવા માટે ફેક ન્યૂઝ અને મીડિયાનો દુરુપયોગ થાય છે તે સમજાય તો સિદ્ધાંતોની સમગ્ર વાત સામાન્ય માણસ પણ સમજી શકે છે. ડિમોનેટાઇઝેશન વિમુદ્રીકરણ થયું તો દાવો કરવામાં આવ્યો કે આતંકવાદ અને કાળું નાણું નાબૂદ થશે. બધા જાણે છે કે આવું થયું નથી. સ્ત્રી સુરક્ષા, બેરોજગારી, કિસાન સમસ્યા, મોંઘવારી, GDP ગ્રોથ,ગેસ સબસીડી વગેરે ક્યા ક્ષેત્રમાં સરકારનું પરફોર્મન્સ એવું છે જે છાતી પહોળી કરી બતાવી શકાય?!

કોરોના મહામારીમાં સરકારની નિષ્ફળતા કોણ ભૂલી શકે છે. હા, મૂડીવાદીઓની સેવામાં સરકારનું પરફોર્મન્સ ચોક્કસ “પ્રશંસાપાત્ર” છે. સરકારી ધરોહરોનું મોટા પાયે થતું પ્રાઇવેટાઇઝેશન આપણી સામે છે. પ્રધાનમંત્રીએ ગૌરક્ષકો વિશે ડોઝિયર બહાર પાડવાનો વાયદો કર્યો હતો તેનું શું થયું ? આજે આ કહેવાતા ગૌરક્ષકોનો ત્રાસ ઓછો થયો નથી. ભારત પાસે સક્ષમ સેના હોવા છતાં આટલા લાંબા સમય સુધી મણિપુરમાં હિંસા ન રોકાય,સ્ત્રીઓ સાથે જઘન્ય બળાત્કાર થાય, સળગાવી દેવાય, શસ્ત્રો “લૂંટી” લેવાય તે સરકારનું સાચું પરફોર્મન્સ છતું કરે છે. કાશ્મીરમાં લોકશાહીને જીવંત કરવાના દાવાઓને સિવિલ સોસાયટી ઉપર કસવામાં આવતો સિકંજો અને વિપક્ષ સાથે રાખવામાં આવતી કિન્નાખોરી, સભાસદનમાં યોગ્ય ચર્ચા વગર પસાર થતાં ખરડાઓ- કાયદાઓ વચ્ચે પરફોર્મન્સ જોઈ શકાય છે. ૨૦૧૪માં ભારત ઉપર જે દેવું હતું તે આજે કેટલા ઘણું વધ્યું છે, ૧૯૪૭ થી ૩૧ માર્ચ, ૨૦૧૪ સુધી, ભારત સરકારનું કુલ દેવું વધીને ૫૫.૮૭ લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. શા માટે, છેલ્લા નવ વર્ષમાં તે વધીને ૧૫૫.૩૧ રૂપિયા થઈ ગયું છે? ડોલરની સામે રૂપિયો કેટલો ગગડયો છે?, વિદેશી નાગરિકતા લેવાની હોડ કેમ લાગી છે? આ બધા પ્રશ્નો ઉપર કોઈ ચર્ચા નથી. !!

પરિવારવાદ સામે બાંયો ચઢાવતાં ગૃહમંત્રી પોતે જાણે છે કે તેમની સરકારના નેતાઓના કેટલા સગાં સંબંધીઓ સીધી કે આડકતરી રીતે સત્તાની મલાઈ ખાઈ રહ્યા છે. એક શબ્દમાં કહું તો આજની રાજનીતિ પરફોર્મન્સની નહિ માર્કેટિંગ અને છળની રાજનીતિ છે. ગૃહમંત્રીના દાવાથી અસંમતિ છતાં તેમના સૂત્રને હું સમર્થન આપું છું કે રાજનીતિ સિદ્ધાંત અને પરફોર્મન્સના આધારે થવી જોઈએ અને તેનું પરફોર્મન્સ ચકાસવા દેશના બંધારણ અને માનવ મૂલ્યોને નજર સમક્ષ રાખવા જોઈએ.

જેમ ઇસ્લામ ઈશભય, જવાબદારી અને ઉત્તરદાયિત્વની ભાવના, ન્યાય અને સમાનતા, પ્રમાણિકતા અને પારદશિર્તા, નિષ્પક્ષતા સાથે કાયદાનું અમલીકરણ અને બંધુત્વની ભાવના મૂળભૂત મૂલ્યો તરીકે દર્શાવે છે તેમ !!! – શકીલ અહમદ રાજપૂત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here