હજુ સુધી યાદ છે

0
85

તમે બધા નવયુવાન છો તમને સુંદરતાની ખોટી કલ્પના સમજાવવામાં આવી છે. સુંદરતા ચહેરાને છોલી નાંખવાથી નથી પેદા થતી. સુંદરતા તો આપણા શરીરના અંદરની એ સૌથી મોટી તાકતનો ઉપહાર છે જેને પ્રજનન તત્ત્વ એટલે કે વીર્યતત્વ કહેવાય છે. જેને આપણી યુવાપેઢી ગુમાવી રહી છે.
કયારેક કયારેક કોઈ ને કોઈ વાત એવી બની જાય છે જે એ રીતે યાદ રહી જાય છે કે પછી નથી ભૂલાતી.
આવો જ એક બનાવ છે જે મને એ વખતે જરૂર યાદ આવી જાય છે જ્યારે હું ટ્રેનમાં પ્રવાસ કરૂં છું, અને યુવાન છોકરાઓ ખાસ કરીને વિદ્યાર્થીઓ કોઈ દાઢીવાળી વ્યક્તિનો મજાક ઉડાવવામાં રસ લેતા હોય છે.
મારો બનાવ એમ છે કે એક વખત હું કાનપૂરથી મારા ઘરે આવી રહ્યો હતો. કાનપૂરથી લખનૌ આવીને ટ્રેન બદલવી પડી. લખનૌથી જે ડબામાં હું બેસ્યો હતો તેમાં આગળ જઈને ડાલીગંજથી લખીમપૂર ઓવેલ કોલેજ જવા અમુક વિદ્યાર્થીઓ આવીને બેસ્યા. તેમાં એક મુસલમાન હતો, બાકીના બિનમુસ્લિમ હતા. તેમાં એક વિદ્યાર્થી એવો હતો જેની ઉંમર ૨૦ વર્ષ હશે અને તેણે દાઢી રાખેલી હતી. આ બધા આવીને મારી સામેની સીટ પર બેસી ગયા. હવે આને સંજોગ કહો કે ગમે તે, પેલો દાઢીવાળો બિનમુસ્લિમ છોકરો આવીને મારા પાસે બેસી ગયો. તેનું મારા પાસે બેસવું હતું કે આ વિદ્યાર્થીઓમાંથી મુસ્લિમ વિદ્યાર્થીએ તરત જ આ શેર કહ્યો :
“ખૂબ નિમટેગી જો મિલ બેઠેંગે દીવાને દો”
આ શેર સાંભળતાં જ તમામ વિદ્યાર્થીઓ ખડખડાટ હસી પડયા. હું સમજી ગયો કે તેમના નજીક એક દીવાનો તો તેમનો સાથી છે જેણે દાઢી રાખી હતી અને બીજો હું છું કેમકે મારા ચહેરા પર પણ અલ્લાહની કૃપાથી સારી એવી દાઢી હતી અને જેને રાખ્યે લગભગ બે વર્ષ થઈ ગયા હતા.
તે પછી સમયાંતરે વિદ્યાર્થીઓ વ્યંગ કરતા રહ્યા તેઓનું સંબોધન તો તેમના સાથીથી હતું. પરંતુ પડદા પાછળ હું પણ હતો. થતું એમ કે કોઈ છોકરો કોઈ વાક્ય બોલી દેતો અને બધા હસી પડતા, અથવા કોઈ છોકરો પોતાના દાઢીવાળા સાથીને યોગી, સન્યાસી, સાધુજી, ૠષિ, મુની, જટાયુ અને એવા જુદાજુદા નામોથી નવાઝતો અને બધા હા માં હા મિલાવીને હસતા. બિચારો દાઢીવાળો યુવાન પોતાના સાથીઓના વ્યંગબાણોથી ખૂબ જ બેચેન હતો. હું આ સમયે ખૂબ જ ગંભીર થઈ ગયો હતો. હું વિચારી રહ્યો હતો કે આ નવયુવાન ગ્રુપને કેવી રીતે શિખામણ કરી શકાય. છેવટે મેં એક યુક્તિ શોધી કાઢી. મેં અત્યંત ગંભીરતા સાથે કહ્યું ઃ
“મારા વિચારથી જો તમે બધા દાઢીના મામલે રીતસર કોઈ ડિબેટ કરો તો તેનાથી બે ફાયદા થશે, તમારી સમજશક્તિ વધશે અને જાણકારીમાં વધારો થશે. આ રીતે તો તમારી સમજશક્તિને કોઈ લાભ થઈ રહ્યો નથી કે તમારા પૈકી એક સાથી એક વાત કહે છે અને તમે તેની હા માં હા મિલાવતા રહો છો.”
મારી આ વાત પર મુસ્લિમ વિદ્યાર્થીએ મારી મજાક ઉડાવવાના સૂરમા કહ્યુંઃ “મુલ્લાજી તમે ખરૂં કહો છો હો!”
અને આમ કહીને તે પોતાના સાથીઓથી દાદ મેળવવા માગતો હતો પણ ત્યાં તો બધા મને જોઈ રહ્યા હતા અને કોઈ હસ્યું સુદ્ધાં પણ નહીં. ડબામાં બેસેલા બીજા લોકોએ પણ વિદ્યાર્થીઓને એ જ સલાહ આપી કે આ ડિબેટથી રસ્તો પણ ઝડપથી કપાઈ જશે.
ડબામાં ગંભીરતા છવાઈ ચૂકી હતી. થોડીવારની ખામોશી પછી એક છોકરાએ કહ્યું ઃ
“તો તમે જે પ્રકારે કહો એ રીતે વિચાર કરી શકાય”
ચર્ચાનો મામલો મારા પર જ નાખી દેવામાં આવ્યો. મેં કહ્યું, તો પછી “અર્ધા વિદ્યાર્થીઓ દાઢીની તરફેણમાં બોલે અને અર્ધા તેના વિરોધમાં.”
દાઢીની તરફેણમાં કોઈ બોલવા તૈયાર ન’હોતું.. ત્યાં સુધી કે પેલા સન્યાસી મહારાજ પણ દાઢીની તરફેણમાં બોલવા તૈયાર ન’હોતા જેમણે યુવાન વયમાં આ “રોગ” પાળ્યો હતો..કોણ જાણે કેમ?!
ડબામાં બેસેલા અમુક ભણેલા-ગણેલા લોકોએ વાતચીતમાં ભાગ લીધો અને એ નક્કી થયું કે બધા છોકરા દાઢીના વિરોધમાં બોલશે અને એક માત્ર હું દાઢીની તરફેણમાં બોલીશ. મે કહ્યું ઃ “તો પછી એમ થવું જોઈએ કે તમે તમારામાંથી એક હોશિયાર વિદ્યાર્થીને પોતાનો પ્રતિનિધિ બનાવી લો, તે વાત કરશે, તમે બધા તેને સલાહ-સૂચન આપશો. બધા બોલશે તો પછી આ ડીબેટ તો નહીં થાય, બજારની બૂમાબૂમ જરૂર થશે.”
ચાલો નક્કી થઈ ગયું.. છોકરાઓએ મુસ્લિમ વિદ્યાર્થીને ચર્ચા માટે આગળ કર્યો. પરંતુ મેં તેમની નબળી બાજુ તેમના સામે મૂકી દીધી કે આ મુસ્લિમ વિદ્યાર્થી તો આગળનું સ્ટેશન આવતા પહેલાં જ ચૂપ થઈ જશે, જ્યારે હું તેને કહીશ કે “દાઢી રાખવી ઇસ્લામના પયગંબર સલ્લ.ની સુન્નત છે.” આ સાંભળીને પેલો મુસ્લિમ વિદ્યાર્થી તો શરમાઈને પાછળ હટી ગયો અને બીજો વિદ્યાર્થી આગળ આવી ગયો જે વાણી વર્તનથી ખૂબ હોશિયાર લાગતો હતો. તેણે કહ્યું ઃ “આ દાઢી તો એ સમયના લોકોની યાદગાર છે જ્યારે અસ્તરા કે બ્લેડની શોધ ન’હોતી થઈ. હવે સભ્યસમાજમાં આનો રિવાજ નથી રહ્યો.”
મેં કહ્યું ઃ “તમારા કહેવાનો અર્થ એ છે કે દાઢી રાખવી અસભ્ય સમાજની નિશાની રહી છે ! તમે શું માનો છો તમારા એ વડવાઓ અને મહાપુરુષો વિષે જેઓ શ્રી રામચંદ્રજી જેવા મહાન મનુષ્યના ગુરુ હતા. તે વખતે અસ્તરાની શોધ થઈ ચૂકી હતી જેની સાબિતી એ છે કે રાજાઓ દાઢીના આસપાસનો થોડો ભાગ મુંડાવતા હતા.”
તે વિદ્યાર્થી બોલ્યોઃ “તમારો ઇશારો ગુરુ શિસ્તજી અને વાલ્મીકિજી અને તેમના જેવા બીજા ઋષિમુનીઓની તરફ છે?”
હા, મેં કહ્યું જી હા! મારા કહેવાનો અર્થ એ છે કે તમે દાઢી પર વ્યંગ કરીને પોતાના જ પૂર્વજોનો મજાક ઉડાવી રહ્યા છો?
વિદ્યાર્થીએ જવાબ આપ્યોઃ “પણ એ બધા તો તપના કારણે દાઢી રાખતા હતા.”
મેં કહ્યુ ઃ તો પછી..તપ તો ખૂબ મોટી ભક્તિ છે ને ?
નવયુવાન ગૂંચવાઈ ગયો..શું બોલે ? ગળું સાફ કરવા માટે ખાંસવા લાગ્યો. હું સમજી ગયો કે જ્ઞાનના પાસાથી બિચારો દરિદ્ર છે અને સાચી વાત એ છે કે આજકાલની સ્કૂલો અને કોલેજો તમામ જ્ઞાનની રીતે કોરી ને કોરી જ હોય છે જ્યાં સામાન્ય જ્ઞાન પણ આપવામાં આવતું નથી ત્યાં આ ગરીબનો શું વાંક? તેના એક સાથીએ તેને ઇશારો કર્યો કે કહે. “આજના બુદ્ધિમાન અને વિદ્વાનો દાઢીના વિરોધી છે.”
મેં કહ્યુંઃ “એ બતાવો કે આપણા દેશના તે બુદ્ધિમાન અને વિદ્વાન વ્યક્તિ કોણ છે જેની બુદ્ધિમત્તાને સમગ્ર વિશ્વે સ્વીકારી લીધી અને જેમને નોબલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું?”
મારો આ પ્રશ્ન સાંભળીને ડબાના ઘણા મુસાફરો મુસ્કુરાવા લાગ્યા અને તેમની જીભથી “વાહ-વાહ”ના શબ્દો નીકળ્યા. છોકરાઓ પણ જાણે પરાજિત થઈને ફીકું હસવા લાગ્યા તેઓ મારો ઇશારો સમજી ગયા હતા કે હું ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર વિષે કહી રહ્યો છું. હવે તેમણે વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોની આડ લીધી એટલે મેં કહ્યું,
“હવે જ્યારે તમે તમારી ઓવેલ કોલેજ જાઓ તો સાયન્સ રૂમમાં લગાવેલા વૈજ્ઞાનિકોના ચિત્રો જરૂર જોજો કે કોને કોને દાઢી હતી અને કોને ન હતી? તમને મોટાભાગના દાઢીવાળા દેખાશે. પછી એ પણ જોશો કે તેમનામાં ઉચ્ચ કોટીના કેટલા છે! રહી વાત એ કે તબીબી દૃષ્ટિએ દાઢી રાખવી ખોટી છે તો આ વાત તો તમે એમ જ કહી દીધી છે.”
પછી મેં કહ્યું કે તમામ ડોકટર એ વાતે એકમત છે કે બંને તરફની કાનપટ્ટીની નસોના ઉપર કોઈ ધારદાર ચીજનો ઉપયોગ ન કરવો જોઈએ નહીંતર તેનાથી જોવાની શક્તિ પર ખૂબ ખરાબ અસર પડે છે.
અંતે ઘણા બધા છોકરા એકીસાથે બોલી ઊઠયા ઃ “પણ સાહેબ ! દાઢી ભલેને ગમે તેટલી લાભદાયક કેમ ન હોય પણ તેનાથી સુંદરતા તો નષ્ટ થઈ જ જાય છે.”
આ વાત પર ડબામાં બેસેલા મુસાફરો એકદમ હસી પડયા અને આ વાત કહેનારા વિદ્યાર્થીઓ પણ ઝાંખા પડી.ગયા અને મને પણ હસવું આવી ગયું.
મેં કહ્યુંઃ “તમે બધા નવયુવાન છો. તમને સુંદરતાની ખોટી કલ્પના સમજાવવામાં આવી છે. સુંદરતા ચહેરાને અસ્તરા વડે છોલવાથી નથી આવતી. સુંદરતા તો પોતાના શરીરના અંદરની સૌથી મોટી એ તાકતનો ઉપહાર છે જેને પ્રજનન તત્ત્વ એટલે કે વીર્ય તત્ત્વ કહેવાય છે. જેને આજની યુવાપેઢી ગુમાવી રહી છે.”
એ પછી મેં શિખામણ સ્વરે કહ્યું ઃ
અફસોસ એ વાતનો છે કે આપણા નવયુવાનો ખાસ કરીને કોલેજોના વિદ્યાર્થીઓ આ અસલ શક્તિને તો યુવાન થતાં અગાઉ જ ખતમ કરી નાંખે છે. તો પછી તેમના ચહેરા પર એ નૂર અને રોનક કયાંથી ફૂટશે જેને ખરેખર સુંદરતા કહેવાય છે? તેમના પાસે હવે એ સિવાય કોઈ અન્ય વિકલ્પ જ નથી કે અસ્તરા અને બ્લેડથી ગાલોને છોલી નાંખીને ચીકણા બનાવી લે અને બસ બીજું શું !?
છોકરાઓ ચૂપ થઈ ગયા હતા. તેમને ચૂપ જોઈને હું પણ ચૂપ થઈ ગયો. પછી જ્યારે હું મારા સ્ટેશન પર ઊતરવા માટે પોતાનો સામાન ઉતારવા લાગ્યો, તો આ છોકરાઓ એવી રીતે મારી સાથે વત્ર્યા જાણે તેઓ મારા શિષ્યો હોય. •••
(અનુવાદ અને પૂરવણીઃ મુહમ્મદ અમીન શેઠ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here