બાળકો સાથે સદ્‌વર્તન

0
65

લે. હાફીઝ મુ. ઈબ્રાહીમ ઉમરી
ગતાંકથી ચાલું…
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.નું નિવેદન છે કે એક દિવસે હું રસૂલે અકરમ સ.અ.વ.ની સાથે સવારી પર પાછળ બેસેલો હતો. આપ સ.અ.વ.એ મને કહ્યુંઃ “હે બાળક! હું તમને કેટલીક મહત્ત્વની વાતો શિખવાડું છું (તેને સારી રીતે યાદ કરી લો,સાંભળો), હંમેશાં અલ્લાહને યાદ રાખો, એ પણ યાદ રાખશે. અલ્લાહને યાદ કરતા રહો, (મુસીબતો તથા મુશ્કેલીઓમાં) તમે તેને પોતાની પાસે જાેશો. માગવું હોય તો અલ્લાહથી જ માગો, મદદની જરૂરત હોય તો અલ્લાહથી જ મદદ મેળવો. આ વાત સારી રીતે મનમાં બેસાડી લો કે જો તમામ લોકો મળીને પણ તમને કંઈ લાભ પહોંચાડવા ચાહે તો કંઈ લાભ પહોંચાડી શકતા નથી, બસ એટલો જ કે જેટલો અલ્લાહતઆલાએ તમારા ભાગ્યામાં લખી દીધો છે, અને તમામ લોકો મળીને તમને કંઈ નુકસાન પહોંચાડવા ચાહે, તો એ એટલું જ નુકસાન પહોંચાડી શકે છે જેટલું કે અલ્લાહે તમારા ભાગ્યમાં લખી દીધું છે, (ભાગ્યના) કલમ ઉઠાવી લેવામાં આવ્યા છે અને ભાગ્યનું લખાણ સૂકાઈ ચૂકયું છે.”(તિર્મિઝી)
હઝરત ઉમર બિન સલમા રદિ. ફરમાવે છેઃ હું ઓછી વયનો હતો, રસૂલે અકરમ સ.અ.વ.ના ઘરમાં ઉછરી રહ્યો હતો. ખાતી વખતે મારો હાથ આખા વાસણમાં ફરતો હતા. આ જોઈને આપ સ.અ.વ.એ મને કહ્યુંઃ હે બાળક! અલ્લાહનું નામ લઈને ખાવ, જમણા (સીધા) હાથથી ખાવ, અને પોતાની સામેથી ખાવ.” (ઇબ્ને માજહ)
આપ સ.અ.વ.ના નવાસા (દૌહિત્ર) હઝરત હસન રદિ.એ એક વખત સદ્‌કાની ખજૂરોમાંથી એક ખજૂર લઈને પોતાના મોઢામાં નાખી લીધી. આપ સ.અ.વ.એ જાેયું તો ફરમાવ્યુંઃ આને થૂંકી દો પછી આપ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ શું તમને ખબર નથી કે અમો એહલે બૈત માટે સદ્‌કો ખાવો જાઇઝ નથી? (બુખારી)
એક વખત રસૂલે અકરમ સ.અ.વ. તહજ્જુદ માટે ઊભા થયા તો હઝરત ઇબ્ને અબ્બાસ રદિ. પણ આપ સ.અ.વ.ની ડાબી બાજુ આવીને ઊભા થઈ ગયા. આપ સ.અ.વ.એ નમાઝ દરમ્યાન જ તેમને પોતાની પાછળ જમણી તરફ કરી લીધા. (મુસ્લિમ). કેમકે મુકતદી એક હોય તો ઇમામની જમણી બાજુ ઊભા રહેવાનો હુકમ છે. આપ સ.અ.વ.એ તેમની ભૂલ સુધારી.
મુસ્લિમ બાળકોની જેમ બિન-મુસ્લિમ બાળકોની તાલીમ-તર્બિયત (શિક્ષણ-પ્રશિક્ષણ) ઉપર પણ આપ સ.અ.વ.વિશેષ ધ્યાન આપતા હતા. એક યહૂદી બાળક આપ સ.અ.વ.ની સેવા કરતો રહેતો. તે બીમાર થઈ ગયો. આપ સ.અ.વ. તેની માંદગીની પૃચ્છા માટે તશરીફ લઈ ગયા. સાંત્વનાના શબ્દો કહ્યા બાદ આપ સ.અ.વ.એ તેને ઇસ્લામ અંગીકાર કરવાનું નિમંત્રણ આપ્યું અને પોતાના પિતાની રજામંદી પછી તેણે ઇસ્લામ અંગીકાર કરી લીધો, અને તેના થોડાક જ સમય બાદ તેનો ઇન્તેકાલ થઈ ગયો. આપ સ.અ.વ. તેના ઇસ્લામ અંગીકાર બદલ અલ્લાહનો આભાર માનતાં પાછા ફર્યા.” (અબૂ દાઊદ)
હદીસોના પુસ્તકોમાં આપણને આ પ્રકારના અનેક ઉદાહરણો મળે છે કે આપ સ.અ.વ. માસૂમ-નિર્દોષ બાળકોની સુધારણા તથા તર્બિયત પર ખૂબ જ વધુ ભાર મૂકતા હતા. આપ સ.અ.વ.ની આ જ તર્બિયત (પ્રશિક્ષણ)નું પરિણામ હતું કે હઝરત અનસ રદિ. કે જે આપ સ.અ.વ. પાસે એક સેવકની હૈસિયતથી આવ્યા હતા, આપ સ.અ.વ.એ તેમને ફકત પોતાનો સેવક ન સમજયો બલ્કે તેમની તાલી-તર્બિયત ઉપર ખાસ ધ્યાન આપ્યું, જેના પરિણામે તેમની ગણના એ સહાબાએ કિરામ રદિ.માં થાય છે કે જેમના દ્વારા સૌથી વધુ હદીસો રિવાયત કરવામાં (વર્ણવવામાં) આવી છે. જે સહાબાએ કિરામ રદિ.થી વધુ હદીસો નોંધવામાં આવી છે તેમનામાં પ્રથમ સ્થાન આપ સ.અ.વ.ના પુનિત પત્ની હઝરત આયશા રદિ.નું અને ત્રીજું સ્થાન આ જ નાની વયના બાળક હઝરત અનસ રદિ.નું છે.
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ. કે જેમની તાલીમ તર્બિયતનો ઉલ્લેખ હમણા થયો! તેમને આપ સ.અ.વ.એ તફસીરનું જ્ઞાન શિખવાડયું અને તેમના હક્કમાં આ દુઆ ફરમાવીઃ હે અલ્લાહ! આમને દીનની સમજ અને તફસીરનું જ્ઞાન એનાયત ફરમાવ. “પરિણામ આ આવ્યું કે તેઓ ‘ઇમામુલ મુફસ્સિરીન’ (તફસીરકર્તાઓના ઇમામ) કહેવાયા.
આપ સ.અ.વ. બાળકોને તેમની કાબેલિયત મુજબ તર્બિયત આપતા હતા. આપ સ.અ.વ.ના આઝાદ કરેલા ગુલામ હઝરત ઝૈદ બિન હારિસા રદિ.ના પુત્ર હઝરત ઉસામા રદિ.ની એવી તર્બિયત આપ સ.અ.વ.એ ફરમાવી કે તેઓ ફકત ૧૮ વર્ષની વયમાં એક શ્રેષ્ઠ સેનાપતિ બની ગયા. સન ૧૧ હિજરીમાં રૂમીઓ સાથેના યુદ્ધ માટે જે સેના તૈયાર થઈ તેમાં આપ સ.અ.વ.એ તેના કમાન્ડર તરીકે હઝરત ઉસામા બિન ઝૈદ રદિ.ને જ નિયુકત કર્યા. જો કે એ સૈન્યમાં ઇલ્મ તથા અમલ અને કાબેલિયત તથા લાયકાતની દૃષ્ટિએ મોટા મોટા સહાબાએ કિરામ રદિ. આને લાયક છે કે એ સૈન્યનું નેતૃત્વ સંભાળી શકે.
આ હતું બાળકોની સાથે આપ સ.અ.વ.નું સદ્‌વર્તન આપ સ.અ.વ.ની સીરત અને વ્યક્તિત્વ આ પાસાથી પણ આપણા માટે ઉસ્વહ અને નમૂનો છે.
વર્તમાન સમયમાં મુસ્લિમ સમાજમાં બાળકો પ્રત્યે ઓછું જ ધ્યાન આપવામાં આવે છે. આ કારણે બાળકોની જેવી તાલીમ-તર્બિયત (શિક્ષણ-પ્રશિક્ષણ) થવી જોઈએ એ નથી થઈ શકતી. આ ધ્યાન ન આપી શકવાના લીધે માસૂમ (નિર્દોષ) બાળકો આગળ જતાં માતા-પિતા, પરિવાર અને સમગ્ર મુસ્લિમ સમાજ માટે મુસીબત તથા માથાનો દુઃખાવો બની જાય છે. જો બાળકો પર સમયસર અને જેટલો હક્ક છે તેટલું ધ્યાન આપવામાં આવં, તો આ જ બાળકો દીન તથા મિલ્લતની મૂડી બનશે.
અલ્લાહતઆલા આપણને બાળકોની સાચી તાલીમ-તર્બિયત પ્રત્યે ધ્યાન આપવાની અને તેમની સાથે સદ્‌વર્તનની તૌફીક એનાયત ફરમાવે. •••

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here