જ્ઞાનની ને’મતની બક્ષિશ

0
96

અશરફુલ મખ્લૂકાત ભાગ – ૧

જ્યારથી માણસ આ દુનિયામાં આવ્યો છે ત્યારથી અત્યાર સુધી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે, માણસની પ્રગતિનું મુખ્ય કારણ અલ્લાહે તેને આપેલી બુદ્ધિ કે અક્કલ છે. દુનિયાના બીજા કોઈ જીવમાં માણસ જેટલી શક્તિશાળી બુદ્ધિ હોતી નથી. માનવી પોતાની બુદ્ધિનો અનેક રીતે ઉપયોગ કરી શકે છે. જેમ કે વિચારવું, કલ્પના કરવી, આગાહી કરવી, તર્ક કરવો અથવા તારણો કાઢવા તેમજ એકત્રિત કરેલી માહિતીનું વિશ્લેષણ કરવું વગેરે. માનવીને મળેલી અલ્લાહની આ કિંમતી નેઅ્‌મતને કારણે જ કુઆર્નમાં મનુષ્યને ‘અશરફુલ મખ્લૂક’ કહેવામાં આવ્યો છે. આ ઉપરાંત કુઆર્નમાં અલ્લાહે એમ પણ કહ્યું છે કે આદમને તમામ નામો શીખવાડી દેવામાં આવ્યા છે, જેનો અર્થ એ છે કે દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં જે કોઈ સંશોધન થાય. અથવા કોઈ નવી હકીકત જાણવા મળે તેને ઓળખવા માટે ચોક્કસ નામની જરૂર પડે છે તે તમામ જ્ઞાન માનવજાતિની ઉત્પત્તિ વખતે આપી દેવામાં આવ્યું છે. જેમ જેમ દુનિયામાં પ્રગતિ થતી જાય છે, તેમ તેમ તે તમામ હકીકતો માનવજાતને જાણવા મળતી જાય છે, જેવી રીતે કેરીની એક ગોટલીમાં આખું આંબાનું ઝાડ સમાયેલુ હોય છે અને તેમાંથી શરૂઆતમાં બે કૂંપળો ઊગી નીકળે છે. પછી સમય જતાં તે ફળોથી લદાયેલું ઊંચું વૃક્ષ બની જાય છે, તેવી જ રીતે માણસ પોતાની બુદ્ધિનો સચોટ ઉપયોગ કરીને અનેક સંશોધનો કરીને પ્રગતિના શિખરે ચડતો જાય છે, અને આજે તે ચંદ્ર પર પહોંચી ગયો છે, તેના વિકાસની આ યાત્રા નિરંતર ચાલુ જ છે જે ક્યાં અટકશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. માનવીના આ જ્ઞાનનું મૂળ તેની બુદ્ધિમાં રહેલી યાદશક્તિમાં રહેલું છે, માણસની એક વિશેષતા એ પણ છે કે તે જે કંઈ જુએ છે, જાણે છે, વિચારે છે, સમજે છે, અનુભવે છે, તેમાંથી ઘણું બધું તે યાદ રાખી શકે છે. બુદ્ધિશાળી લોકો પાસે માહિતીને યાદ રાખવા અને તેનું વિશ્લેષણ કરવાની વિશેષ ક્ષમતા હોય છે અને અલ્લાહ દ્વારા આપવામાં આવેલી આ વિશેષ શક્તિનો સકારાત્મક અથવા નકારાત્મક રીતે ઉપયોગ કરવાની સ્વતંત્રતા પણ હોય છે. અલ્લાહની આ નેઅ્‌મતનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને, વ્યક્તિ સામાજિક અને આધ્યાત્મિક જીવનની સર્વોચ્ચ ઊંચાઈ સુધી પહોંચી શકે છે, જેને કુઆર્નમાં “કદ અફલહા મઝક્કાહા” કહેવામાં આવ્યું છે.,તેનો અર્થ એ છે કે તેણે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરી છે કે જેણે નફ્‌સ (મનની ઇચ્છાઓ) પર કાબૂ મેળવ્યો છે. વળી, તેનો નકારાત્મક ઉપયોગ કરવાથી માણસ પ્રાણી કરતાં પણ બદતર બની જાય છે, જેને કુઆર્નમાં “સુમ્મા રદદનાહૂ અસ્ફલા સાફિલીન” કહેવામાં આવ્યું છે, એટલે કે પછી અમે તેને સૌથી નીચામાં નીચા સ્તરે પરત કરીએ છીએ. આમ અલ્લાહના આ અમૂલ્ય વરદાનનો સકારાત્મક રીતે વિવેકપૂર્વક ઉપયોગ કરવો આપણા સૌના માટે ખૂબ જ જરૂરી છે અને આ માટે અલ્લાહે સમગ્ર માનવજાત માટે એક વિશેષ વ્યવસ્થા પણ કરી રાખી છે, દુનિયાના જીવનમાં શું કરવું, શું ન કરવું, શું ખાવું, શું ન ખાવું, શું બોલવું, શું ન બોલવું જેવી તમામ બાબતોનું માર્ગદર્શન પવિત્ર કુઆર્નમાં આપવામાં આવ્યું છે, જેના પર ચાલવાને અથવા અમલ કરવાને “સિરાતે મુસ્તકીમ” એટલે કે સીધો માર્ગ કહેવામાં આવ્યો છે. તેમજ સીધા રસ્તે ચાલવાની વિશેષ દુઆ પણ કુઆર્નમાં આપણને શીખવવામાં આવી છે જે કુઆર્નની સૌ પ્રથમ સૂરઃ સૂરઃ ફાતેહા છે. આ દુઆના જવાબ રુપે માનવીને દુન્યવી જીવન જીવવાનું સંપૂર્ણ માર્ગદર્શન એટલે પવિત્ર કુઆર્ન આપવામાં આવ્યું છે જે સમગ્ર માનવજાત માટે અવતરિત કરવામાં આવ્યું છે, તેનો અભ્યાસ કરવો, તેને યાદ રાખવું, તાજું કરવું તેમજ તેના ઉપર અમલ કરવો દરેક મુસ્લિમ માટે ફરજિયાત છે. તેથી જ આ દુઆ અને માર્ગદર્શનને તાજું રાખવા માટે દરેક મુસ્લિમ માટે દિવસમાં પાંચ વખત નમાઝ પઢવી પણ ફરજિયાત કરવામાં આવી છે, નમાઝની દરેક રક્‌અતમાં પ્રથમ દુઆ એટલે કે ‘અલહમ્દ’ની સૂરઃ ત્યાર બાદ કુઆર્નની કોઈ પણ સૂરઃ ની ઓછામાં ઓછી ત્રણ આયતો પઢવી ફરજિયાત છે. માટે જ નમાઝમાં પઢવામાં આવતી તમામ આયતોને હંમેશાં સમજીને પઢવાનો પ્રયત્ન કરવો જોઈએ અને રોજિંદા જીવનમાં તેનો અમલ કરવાનો પણ હંમેશાં પ્રયાસ કરતા રહેવું જોઈએ, જેથી કરી આપણી નમાઝ ફક્ત શારીરિક કસરત જ ન બની રહે, બલ્કે જીવનમાં માર્ગદર્શન અને પરિવર્તનનું સાધન પણ બને… આમીન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here