વારસાની વહેચણીમાં સ્ત્રીઓના ભાગને ચોક્કસ બનાવવામાં આવે

0
90

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની દેશવ્યાપી ઝુંબેશ: કારોબારી સમિતિની બેઠક બોલાવાઈ

ગર્ભમાં જ બાળકની હત્યા, દહેજની લાનત, ખૂબ મોડા લગ્નની બાબત, નોકરીઓમાં તેમનું શોષણ અને તેમના પર થતી ઘરેલુ હિંસા વગેરે સમસ્યા પર વિચાર વિમર્શ

નવી દિલ્હી, (ન્યૂઝ ડૅસ્ક) ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની કારોબારી સમિતિની એક મહત્ત્વની બેઠક ન્યૂ રાઇઝન સ્કૂલ, હુમાયૂ મકબરા, નિઝામુદ્દીન નવી દિલ્હી ખાતે બોલાવવામાં આવી. જેમાં સર્વસંમતિથી ઘણા બધા ર્નિણયો લેવામાં આવ્યા. તેમાં એક મહત્ત્વનો ર્નિણય એ કરવામાં આવ્યો કે ‘સમાજ સુધારણા’ના અભિયાન દ્વારા સમગ્ર દેશમાં વારસાની વહેચણીમાં સ્ત્રીઓના ભાગને ચોક્કસ બનાવવામાં માટે એક દેશવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવશે. કારોબારી સમિતિના ઘણા સભ્યોનો અહેસાસ સામે આવ્યો કે શરિયતના કાયદામાં બાપના વારસામાં દીકરીઓનો હિસ્સો નિર્ધારિત હોવા છતાં ઘણા બધા મામલાઓમાં બહેનો અને દીકરીઓને તે ભાગ મળતો નથી. આ જ રીતે દીકરાની મિલકતમાંથી માને અને પતિની મિલકતમાંથી તેની વિધવાને વંચિત રાખવામાં આવે છે, અને ભાઈની મિલકતમાંથી બહેનનો જે હિસ્સો હોય તે મળતો નથી. બોર્ડે ઠરાવ કર્યો છે કે તે વારસામાં સ્ત્રીઓના ભાગને ચોકકસ બનાવવા દેશવ્યાપી ઝુંબેશ ચલાવશે.

બોર્ડના પ્રવકતા ડૉ. એસ. કયુ.આર.ઇલ્યાસે કારોબારી સમિતિના ઠરાવો પર પ્રકાશ પાડતાં કહ્યું કે, બોર્ડમાં એ એહસાસ પણ સામે આવ્યો કે દેશમાં મહિલાઓ વિવિધ પ્રકારની સામાજિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેમકે ગર્ભમાં જ બાળકની હત્યા, દહેજની લાનત, ખૂબ મોડા લગ્નની બાબત, તેમની આબરૂ અને સન્માન પર થતા હુમલા, નોકરીઓમાં તેમનું શોષણ અને તેમના પર થતી ઘરેલુ હિંસા વગેરે. આ બધી વાતોની બોર્ડે ગંભીર નોટીસ લીધી છે અને નક્કી કર્યું છે કે બોર્ડની સમાજ સુધારણાની ઝુંબેશ દ્વારા પ્રાથમિકતાના ધોરણે આ ચીજોની સુધારણા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ સંબંધે સમગ્ર દેશને ત્રણ ભાગમાં વહેંચીને ત્રણ સેક્રેટરીઓ મૌલાના સૈયદ અહમદ ફૈસલ રહેમાની, મૌલાના મુહમ્મદ ઉમરૈન મહેફૂઝ રહેમાની, અને મૌલાના યાસીન અલી ઉસ્માની બદાયુંનીને આની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય આ પૂરા કામનો મનસૂબો અને નકશો બનાવવા માટે નીચે મુજબના સભ્યો પર આધારિત એક કમિટી બનાવવામાં આવી છે.

મૌલાના સૈયદ અહમદ ફૈસલ રહેમાની, મૌલાના મુહમ્મદ ઉમરૈન રહેમાની અને ડૉ. સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસ. આ જ રીતે શરિયતના અર્થઘટન કમિટીની જવાબદારી બોર્ડના સેક્રેટરી મૌલાના સૈયદ બિલાલ અબ્દુલ હૈઈ હસનીને સોંપવામાં આવી.

બેઠકમાં હાજરજનોએ સમાન સિવિલ કોડના સંબંધે બોર્ડ તરફથી કરવામાં આવેલ પ્રયાસોને આવકાર્યા. ખાસ કરીને વિવિધ ધામિર્ક અને સામાજિક આગેવાનોની રાઉન્ડ ટેબલ મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ.

લૉ કમિશનની માંગણી અને આ બાબતે બોર્ડની ઝુંબેશ પર લગભગ ૬૩ લાખ વ્યક્તિઓના તરફથી આપવામાં આવેલ જવાબ અને બોર્ડના પ્રમુખની આગેવાનીમાં લો કમિશનથી બોર્ડના પ્રતિનિધિમંડળની મુલાકાત અને વાતચીત વગેરે. નક્કી કરવામાં આવ્યું કે આ સંબંધે બીજા પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે.

કારોબારી સમિતિએ વકફની મિલકતો સંબંધે સરકારની સતામણી અને દખલગીરી, વકફ બોર્ડોની ગુનાહિત ગફલતો અને દેશની વિવાધ હાઇકોર્ટોમાં વકફના કાયદાઓના વિરુદ્ધ થઈ રહેલા કેસો પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. નક્કી કરવામાં આવ્યું કે આ સંબંધે વકફની શરઈ હેસિયત, ઊભા થયેલા ખતરાઓ અને તેના નિર્મૂલનના શકય પગલાંઓ બાબતે દેશના પાંચ મોટા શહેરોમાં વકફ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.

બેઠકના સભ્યોએ નવા મેડીયેશન એકટના વિવિધ પાસાઓની વિસ્તૃત સમીક્ષા કરી. નક્કી કરવામાં આવ્યું કે બોર્ડના સેક્રેટરીના નેતૃત્વમાં બોર્ડમાં મૌજૂદ કાયદાશાસ્ત્રીઓ પર આધારિત એક કમિટી આ એકટના તમામ પાસાઓનો વિસ્તૃત અભ્યાસ અને સમીક્ષા કરીને બોર્ડને જણાવશે કે કેવી રીતે એનાથી મુસલમાનોની સામાજિક સમસ્યાઓ અને અન્ય મામલાઓમાં લાભાન્વિત થઈ શકાય તેમ છે.

બેઠકની અધ્યક્ષતા બોર્ડના પ્રમુખ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ કરી અને બેઠકની કાર્યવાહી સેક્રેટરી જનરલ મૌલાના ફઝલુર્રહીમ મુજદ્દિદીએ ચલાવી. નીચે મુજબના કારોબારી સમિતિના સભ્યો અને વિશેષ આમંત્રિતોએ બેઠકમાં ભાગ લીધો. ઉપપ્રમુખો મૌલાના સૈયદ અરશદ મદની, ડૉ. સૈયદ અલીમુહમ્મદ નકવી, જનાબ સૈયદ સઆદતુલ્લાહ હુસેની, ખજાનચી જનાબ રિયાઝ ઉમર, સેક્રેટરી મૌલાના મુહમ્મદ ઉમરૈન રહેમાની, મૌલાના સૈયદ અહમદ વલી ફૈસલ, સીનિયર એડવોકેટ યૂસુફ હાતિમ મુછાલા, મૌલાના અસગરઅલી ઇમામ મહેદી, મૌલાના અબ્દુલ્લાહ મુગૈશી, મૌલાના સઊદ આલમ કાસમી, મૌલાના અનીસુર્રહમાન કાસમી, જનાબ કમાલ ફારૂકી, એડ. એમ.આર.શમશાદ, એડવોકેટ તાહીર હકીમ, એડ. ફુઝૈલ અહમદ ઐયૂબી, મૌલાના નિયાઝ અહમદ ફારૂકી, પ્રોફેસર મૂનીસા બુશરા આબિદી, એડ. નબીલા જમીલ, ડૉ.સૈયદ કાસિમ રસૂલ ઈલ્યાસ, જનાબ હામિદ વલી ફહદ રહમાની, એડ. વજીયા શફીક, એડવોકેટ અબ્દુલકાદર અબ્બાસી, મૌલાના વકારુદ્દીન લતીફી અને મૌલાના રિઝવાન અહમદ નદવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here