G-૨૦ એટલે કે Group-૨૦ની ૧૮મી મિટિંગની યજમાની કરવાનું સૌભાગ્ય ભારતને પ્રાપ્ત થયું તે એક ગૌરવપૂર્ણ વાત છે. વેપાર ઉદ્યોગ, શાંતિ-સલામતી અને પરસ્પર આદાન-પ્રદાન કરવાની ભાવનાને પ્રબળ કરવા G-૨૦ના સભ્યો યજમાની કરતાં હોય છે. ૨૦૨૩માં ભારતે યજમાની કરી. આ તેના માટે પ્રથમ ઘટના હતી કે તે પોતે યજમાની કરી રહ્યાં હોય.
G-૨૦માં ર૧ મેમ્બરોનો સમાવેશ થાય છે. લગભગ દુનિયાના તમામ મોટા અર્થતંત્ર ધરાવતા દેશો આ ગ્રુપમાં સામેલ છે. આ ગ્રૂપમાં ઔદ્યોગીકરણ કરી દુનિયાના મોટાભાગના દેશોમાં વ્યાપાર અને વાણિજ્ય ક્ષેત્રે અગ્રેસર અને વિકસતા દેશોનો સમાવેશ થાય છે. આ ગ્રૂપનો પરસ્પર વેપાર વિશ્વના કુલ વેપારના ૭૫ % જેટલો છે તથા દુનિયાની ૬૦ % આબાદી G-૨૦ દેશોમાં બેસે છે. આમ, G-૨૦ ગ્રૂપ વિશ્વ માટે ખૂબ જ અગત્યનું ગ્રૂપ છે.
G-૨૦ની રચના ૧૯૯૯ના આર્થિક સંકટના પરિપ્રેક્ષ્યમાં થઈ હતી, અને ૨૦૦૮થી આ ગ્રૂપ વર્ષના ઓછામાં ઓછા એકવાર મળતું રહ્યું છે. દિલ્હીમાં ૯-૧૦ સપ્ટેમ્બરે યોજાયેલ આ સંમેલનમાં વડાપ્રધાને સમાપન સમયે એક સેશનનું આયોજન કર્યું હતું. જેનું શીર્ષક હતું, “વન અર્થ એન્ડ વન ફેમિલી.” વડાપ્રધાને કહ્યું કે, “મને સંતોષ છે કે આજે G-૨૦ એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્ય અંગેના આશાવાદી પ્રયાસો માટેનું પ્લેટફોર્મ બની ગયું છે.” તેમણે પોતાની વાતમાં ઉમેર્યું કે, “આપણે ગ્લોબલ વિલેજથી આગળ વધીને વૈશ્વિક પરિવારને વાસ્તવિકતા બનતાં જોઈશું.”
વૈશ્વિક સ્તરે થયેલ બેઠકના શબ્દો પરથી એવો ખ્યાલ આવે છે વડાપ્રધાન મોદી વિશ્વને એક પરિવાર તરીકે જોઈ રહ્યા છે. તેમના વાક્યોમાં પરસ્પર સાથ-સહકાર અને પારિવારિક ભાવનાને સ્પષ્ટ મહેસૂસ કરી શકાય છે. પરંતુ દેશમાં તેમના અલગ જ રંગો જોવા મળે છે. દિલ્હીની આસપાસ વસતા ગરીબ કિસાન લોકોને ભગાડવામાં આવી રહ્યા છે. તેમને ધમકી આપવામાં આવી છે કે ર દિવસ માટે કયાંય પણ ભાગી જાવ. પણ અહીં આસપાસ દેખાતા નહીં. આમ દેશને ગ્રીન ઇકોનોમી આપનારા કિસાન જ G-૨૦ સંમેલન માટે અવરોધરૂપ કઈ રીતે હોઈ શકે.
વિશ્વને એક પરિવાર તરીકે ઓળખાતા મોદી ખરેખર દેશના લોકોને જ પરિવાર તરીકે જોતા નથી. સરકારી નીતિઓ એવી છે કે જેને જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ તમામ નીતિઓ દેશમાં ધ્રુવીકરણને વેગ આપનારી છે. આદિવાસી દલિત અને લઘુમતીઓને નિશાન બનાવતા વડાપ્રધાન એક શબ્દ પણ તેમના સમર્થનમાં ઉચ્ચારતા નથી. જ્યારે ય્-૨૦માં તેઓ ઉવાચ કરે છે. આમ, વડાપ્રધાન આંતરરાષ્ટ્રિય સ્તરે ગુલબાંગો પોકારતા હોય છે, અને પોતાના દેશની આંતરિક હાલત પર વિચાર કરતા જ નથી. કેવી દિશની વિડંબના.
– મુહમ્મદ કલીમ અન્સારી