દરેક વસ્તુનો અખત્યાર અલ્લાહ જ ધરાવે છે

0
81

“કહો, હે ખુદા ! રાજ્યના માલિક ! તું જેને ચાહે રાજ્ય-સત્તા આપે અને જેના પાસેથી ચાહે છીનવી લે, જેને ચાહે ઇજ્જત આપે અને જેને ચાહે અપમાનિત કરે. ભલાઈ તારા જ અધિકારમાં છે. નિઃસંદેહ તને દરેક વસ્તુ ઉપર સામર્થ્ય પ્રાપ્ત છે.” (સૂરઃ આલે ઇમરાન, આયત-૨૬)

મનુષ્ય મુશ્કેલીઓ અને પરેશાનીઓમાં કોઈ એવા સહારાની શોધમાં હોય છે જે તેને શારીરિક અને માનસિક એમ બન્ને રાહતો તથા સંરક્ષણ આપી શકે, તેની પીડા ઓછી કરી શકે. પરેશાની બહુ મોટી હોય તો માણસનું ધ્યાન પોતાના રબની તરફ હોય છે, અને તે તેનાથી દુઆ માગે છે.

અલ્લાહતઆલાએ ઈમાનવાળાઓને આ ભરોસો અપાવ્યો છે કે જાે તેઓ અલ્લાહને પોકારશે તો અલ્લાહ અવશ્ય તેમનો પોકાર સાંભળશે, અને જવાબ પણ આપશે. આથી ઈમાનવાળા આ યકીન અને ઈમાન સાથે અલ્લાહને પોકારે, કે તે જ દુઆઓને સાંભળનાર છે, એ જ કોઈની મદદ કરવાનું સામર્થ્ય ધરાવે છે, અને આ સૃષ્ટિની દરેક વસ્તુ તેના જ અખત્યારમાં છે કે એ કોને બાદશાહી એનાયત કરે અને કોનાથી છીનવી લે.

અલ્લાહતઆલાનો ઈમાનવાળાઓથી વાયદો છે કે જો તેઓ પોતાના ઈમાન અને અલ્લાહના માર્ગમાં અડગ રહેવાનું પ્રદર્શન કરે અર્થાત્‌ અડગ રહે તો અલ્લાહતઆલા તેમની મદદ પણ કરશે અને તેમને આ ધરતી પર સત્તા પણ એનાયત કરશે. બની ઇસરાઈલ ઉપર જ્યારે ફિરઔનનો જુલ્મ-અત્યાચાર ચરમસીમાએ હતો તો તેઓ હઝરત મૂસા અ.સ. પાસે આવ્યા, અને તેમની સમક્ષ પોતાની સ્થિતિ વર્ણવી. હઝરત મૂસા અ.સ.એ કહ્યું કે ધૈર્ય સાથે અલ્લાહથી મદદ માગો. આ ધરતી અલ્લાહની છે, અને તે જેને ચાહે આનો વારસ બનાવવાનો અખત્યાર અને સામર્થ્ય ધરાવે છે. અર્થાત્‌ અલ્લાહતઆલા તમને પણ આ ધરતીનો વારસ બનાવી દેશે, અને જાે તમે ખુદાની પરીક્ષામાં સફળ થયા. ઉપર ઉલ્લેખિત દુઆમાં પણ આ જ પાસું છે કે એ અલ્લાહ જ છે કે જે સર્વશક્તિમાન છે, અને તમામ બાદશાહોનો બાદશાહ છે. જેને ચાહે બાદશાહત એનાયત કરે, અને જેનાથી ચાહે બાદશાહત છીનવી લે. અર્થાત્‌ આ તમામ વસ્તુઓ જે દુનિયામાં અશક્ય જણાય છે, મોટી મોટી બાદશાહતો સશક્ત સામ્રાજ્ય વિ. આમાંથી કશું જ અલ્લાહના અખત્યારમાંથી બહાર નથી. આ બધી જ વસ્તુઓ અલ્લાહના ચાહવા માત્રથી બદલાઈ શકે છે.

આવી જ રીતે ઇજ્જત અને અપમાન પણ અલ્લાહના જ અખત્યારમાં છે. મદીનામાં મુનાફિક (દંભીઓ) આ વાતનો પ્રયાસ કરતા હતા કે હઝરત મુહમ્મદ અને તેમના સાથીઓને અપમાનિત-તિરસ્કૃત કરે. અલ્લાહે કહ્યું કે ઇજ્જત તો અલ્લાહ, તેના રસૂલ અને ઈમાનવાળાઓ માટે છે. દુનિયાના બળવાખોર અને જુલ્મીઓ ઈમાનવાળાઓને અપમાનિત-તિરસ્કૃત કરવાનું ગમે તેટલું ચાહે તો તેમના તમામ પ્રયત્નો નિરર્થક નીવડશે.

દરેક પ્રકારની ભલાઈ અને ખૈર અલ્લાહતઆલાના હાથમાં છે, અર્થાત્‌ ઈમાનવાળાઓ માટે અલ્લાહ તરફથી ભલાઈ અને ખૈરનો વાયદો છે. જ્યારે ઈમાનવાળા અને નબી મક્કાથી હિજરત કરી રહ્યા હતા તો એવું લાગી રહ્યું છે કે ઈમાનવાળાઓનું સર્વસ્વ ખતમ થઈ ગયું, પરંતુ અલ્લાહે મદીનાના રૂપમાં એવી ધરતી ઈમાનવાળાઓને આપી કે જ્યાં મુસલમાનોને ફક્ત રહેવાની જ જગ્યા ન મળી, બલ્કે ઇસ્લામના મૂળિયાઓને પણ મજબૂતી એનાયત થઈ, અને કેટલાક વર્ષો પછી જ અલ્લાહ તઆલાએ અરબસ્તાનની ધરતીના વારસ ઈમાનવાળાઓને બનાવી દીધા.

આ દુઆના પ્રકાશમાં ઈમાનવાળાઓ અલ્લાહની શાન, તેની કુદરત, તેનો અખત્યાર અને તેના ઇરાદા પર વિશ્વાસ રાખતાં કઠણ કે મુશ્કેલ સમયમાં ધૈર્ય અને અડગતા દાખવે. અને આશા રાખે કે અલ્લાહ આ જમીનોનો વારસ તેમને બનાવવાની તાકત ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here