ચૂંટણી પ્રક્રિયાના ભ્રષ્ટાચાર

0
45

ભારતમાં રાજકીય ભ્રષ્ટાચાર એ મોટી સમસ્યા છે. પોલિટિકલ ભ્રષ્ટાચાર એ સરકારી અધિકારીઓ દ્વારા તેમની કાયદાયુક્ત પ્રાધિકૃત અધિકારનો દુરુપયોગ છે. ભ્રષ્ટાચાર નાસૂરની જેમ સમગ્ર સમાજમાં ફેલાઈ રહ્યો છે. સામાન્ય લોકો તંત્રમાં અયોગ્ય લેવડ દેવડ કે ગેરકાયદાકીય નાણાકીય વ્યવહારને જ ભ્રષ્ટાચાર સમજતા હતા. પરંતુ તે વ્યાપક સ્વરૂપમાં જોવા મળે છે. જેમ દરેક શરીરમાં આત્મા હોય છે તેમ સરકાર કે સરકારી તંત્ર સાથે જોડાયેલા પરસ્પરિક વ્યવહારમાં ભ્રષ્ટાચાર લિપ્ત છે, અને તે પ્રગતિ પામીને ઈલેકટ્રોલ બોન્ડ સુધી પહોચ્યું છે કે જેને સ્વતંત્ર ભારતનું સૌથી મોટું અને સંસ્થાકીય ભ્રષ્ટાચાર કહી શકાય છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે ‘ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ના નારા હોવા છતાં આ કેન્સરનો ઉપચાર કેમ થતો નથી. તેનો જવાબ પણ ભ્રષ્ટાચાર છે. કેમકે ભ્રષ્ટાચારીને પણ ભ્રષ્ટાચાર જ છાવરે છે, મૂડીવાદીઓ પોતાના સ્વાર્થ,મુદ્દાઓ કે માગણીઓને મંજૂર કરાવવા પણ આ જ માર્ગનો ઉપયોગ કરે છે.

ગંદકીને ગંદકીથી સ્વચ્છ કરી શકાય નહીં, જો સાચે જ આપણે આ સમસ્યાને નાબૂદ કરવા ગંભીર હોઈએ તો નાગરિકોએ પણ જાગૃત થવું પડશે. સારા અને ચારિત્રવાન લોકોને સત્તાની ધુરી સોપવી પડશે. અને તેનો એક માર્ગ ચૂંટણી પ્રક્રિયા છે. પરંતુ અફસોસ કે એ પ્રક્રિયા પણ ભ્રષ્ટાચારથી પાક નથી. અને આ ભ્રષ્ટાચારમાં સીધે જ નાગરિકોની એટલે આપણાં બધાની સંડોવણી છે. ત્રીજા તબક્કાની ચુંટણીમાં જે સમાચારો સામે આવ્યા તેણે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન  ઉપર એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે. લોકશાહી વ્યવસ્થામાં દરેક નાગરિકને પોતાની મરજી પ્રમાણે મત આપવાનો અધિકાર હોય છે અને જો એ જ અધિકાર ઝૂંટવી લેવામાં આવે તો તે મોટો નાગરિક દ્રોહ છે જેની સજા પણ દેશદ્રોહ જેવી હોવી જોઈએ. સામાન્ય રીતે દરેક નેતા અને પાર્ટી મત આપવા માટે પ્રોત્સાહિત કરતી હોય છે, પરંતુ આ ચૂંટણીમાં ઘણી બધી જગ્યાએ તેનાથી ઊલટું જોવામાં આવ્યું. વિશેષ કરીને મુસ્લિમ બહુલ ક્ષેત્રમાં ઓછું મતદાન કરાવવા સરકારના ઇશારે તંત્રે આકાશ પાતાળ એક કરી દીધા. વિસ્તારના ગુંડાતત્વોને, બિલ્ડરો અને પ્રભાવકારી લોકોને કામે લગાડી દેવામાં આવ્યા તો કેટલાક સ્થાને બૂથ કેપ્ચર કરી લેવામાં આવ્યા.ઓટો રીક્ષાઓ બંદ કરાવડાવવામાં આવી તો ક્યાય રોકડ વ્હેચવામાં આવી. ઈલેકશન કમિશનને ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવે તો તે વધુ ગંભીર ગુનો કહેવાય. મતદાન કરવામાં અડચણ ઊભી કરવી કે રોકવા એ પણ ગેરબંધારણીય છે ત્યાં જ મત વેચવું પણ ભ્રષ્ટાચાર છે. આપણાં દેશમાં ભ્રષ્ટાચાર ખૂબ ફલીફૂલી રહ્યો છે અને તેમણે ઈંડા બચ્ચાં પણ આપી દીધા છે એટ્‌લે સમસ્યા ખુબ જ વકરી છે. એક બાજુ આ બધી ઘટનાઓ ચૂંટણી પ્રક્રિયામાં થતાં ભ્રષ્ટાચારને રોકવા  રિફોર્મ માગી રહી છે. બીજી બાજુ નાગરિકોથી પણ મતદાર તરીકે તેમની જવાબદારી ઈમાનદારી પૂર્વક નિભાવવા વચન માગી રહી છે. ટૂંકા ગાળાના લાભ માટે લાંબા ગાળે નુકસાન ભોગવવું મૂર્ખામી છે. આવનારી પેઢીની ચિંતા કરવી જોઈએ, આપણી ખામીઓના કારણે દેશમાં ફાસીવાદી વિચારધારા મજબૂત થશે તો લાંબા ગાળે આપણને જ ભોગવવું પડશે. કોઈ પણ રીતનો ભ્રષ્ટાચાર રોકવા માટે કાયદા કે વ્યવસ્થાની કમી નથી પરંતુ કાયદાપાલકોને ઈમાનદારી પૂર્વક કામ કરવાની જરૂર છે. અને આ ભાવના કાયદાનો દંડો પેદા કરી શકતો નથી. ઈમાનદાર અને ચારિત્રવાન કર્મશીલો પેદા કરવામાં અલ્લાહ સમક્ષ ઉત્તરદાયિત્વની ભાવના મહત્ત્વનું ભાગ ભજવે છે. એ વિચારવું જ રહ્યું. મુસલમાનોને ઇસ્લામના નૈતિક શિક્ષણથી સજ્જ થઈ વિવિધ ક્ષેત્રોમાં જવું જોઈએ કે જેથી પારદર્શક અને પ્રમાણિક વ્યવસ્થાની સ્થાપના થઈ શકે.

– શકીલ અહમદ રાજપૂત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here