અલ્લાહની ને’મત

0
65

અલ્લાહે તમારી ઉપર જે કૃપા કરી છે તેનું ધ્યાન રાખો અને તે પાકા વચન તથા પ્રતિજ્ઞાને ન ભૂલો જે તેણે તમારી પાસેથી લીધેલ છે, એટલે કે તમારૂં આ કથન કે, “અમે સાંભળ્યું અને આજ્ઞાપાલન સ્વીકાર્યું.” અલ્લાહથી ડરો, અલ્લાહ હૃદયના ભેદ સુદ્ધાં જાણે છે.” (સૂરઃ માઇદહ, આયત-૭)

માનવોને જીવન વિતાવવા માટે જે રીત અલ્લાહ તરફથી બતાવવામાં આવી છે તેને ઇસ્લામી શબ્દાવલી કે પરિભાષામાં “શરીઅત” કહેવામાં આવે છે. પૈગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ. કેમકે અંતિમ નબી હતા આથી તેમના પર અલ્લાહે પોતાની શરીઅતને પણ પૂર્ણ કરી દીધી, હવે આ જ શરીઅત કયામત સુધી તમામ માનવો માટે વાસ્તવિક માર્ગદર્શન છે.

ઉપર ઉલ્લેખિત આયતમાં અલ્લાહતઆલાએ પોતાની શરીઅતનું વર્ણન કરતાં લોકોને તેને યાદ રાખવાની અને તેના પર અમલ કરવાની તાકીદ કરી છે. અલ્લાહે પોતાના પૈગમ્બરો દ્વારા જે શરીઅત લોકોને આપી એ લોકો માટે એક મોટી ને’મત પણ છે. આથી જ જ્યારે અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ. દ્વારા આ શરીઅત પૂર્ણ થઈ તો કહેવામાં આવ્યું કે “આજે મેં તમારા દીનને તમારા માટે પૂરો કરી દીધો અને તમારા પર પોતાની ને’મત પૂરી કરી દીધી અને ઇસ્લામને તમારા દીનની હેસિયતથી કબૂલ કરી લીધો.” (સૂરઃ માઇદહ, આયત-૩)

શરીઅતને માનવો માટે ને’મત એટલા માટે કહેવામાં આવી છે કે શરીઅતની મૌજૂદગીએ માનવોના જીવનને સરળ બનાવી દીધું. માનવ-સમાજમાં જે પણ ધાર્મિક, સામાજિક, પારિવારિક અને પ્રાદેશિક કુરિવાજો મૌજૂદહતા, શરીઅતે તેમને ખતમ કરી દીધા અને લોકોને ગુલામીની આ બેડીઓ-સાંકળોથી આઝાદી કે મુક્તિ અપાવી, આથી જ ઈમાનવાળાઓ માટે આ જરૂરી છે કે આ મહાન ને’મતનું ધ્યાન રાખો, આને બરબાદ થવા દેવામાં ન આવે. આ એટલા માટે પણ જરૂરી છે કે ઈમાનવાળાઓએ આનું પાલન કરવા તથા ધ્યાન રાખવાનો અલ્લાહ સાથે વાયદો કર્યો છે. ઈમાનવાળાઓએ આ વાત ઉપર અલ્લાહ અને રસૂલ સાથે બૈઅ્‌ત કરી છે કે તેઓ અલ્લાહ તથા તેના રસૂલની વાતને સાંભળશે અને તેના પર અમલ કરશે. આ બૈઅ્‌તનો અનિવાર્ય તકાદો આ છે કે તેઓ દરેક સ્થિતિમાં આ શરીઅતના પાબંદ હોય અને સમાજમાં આ શરીઅતને લાગુ કરવાનો પ્રયાસ કરે, અને આ મામલામાં અલ્લાહથી ડરતા રહે. શરીઅતની પાબંદી અને અલ્લાહ સાથે કરવામાં આવેલ વાયદાની પ્રતિબદ્ધતાને હૃદયની પ્રસન્નતા સાથે સ્વીકારવી જ વાસ્તવમાં ‘તકવા’ (સંયમ) છે અર્થાત્‌ અલ્લાહથી ડરવું છે. આથી જ અલ્લાહથી ડરવાના હુકમની સાથે આ વાત પણ કહેવામાં આવી છે કે અલ્લાહ દિલોની સ્થિતિને પણ સારી રીતે જાણે છે.

કુઆર્નની આ હિદાયતના પ્રકાશમાં મુસલમાનોની જવાબદારી છે કે તેઓ અલ્લાહની ને’મતની કદર કરે. લોકોને બતાવે કે અલ્લાહ તરફથી આપવામાં આવેલ આ શરીઅત માનવ-સમાજ માટે મુસીબત નથી, બલ્કે ને’મત છે, અને આ ત્યારે જ શક્ય છે કે જ્યારે સ્વયં મુસલમાનો આ શરીઅતને પોતાના વર્તુળમાં અમલી રીતે વર્તે. તેઓ પોતે કુરિવાજો અને બૂરાઈઓના ભોગ ન બને પોતાની પરંપરાઓને શરીઅતના નામે ફેલાવતા ન હોય, સ્વયં પોતાના હાથોથી શરીતમાં ફેરફાર કરતા ન હોય. કુર્આને આ તમામ વલણો પર પાછલી ઉમ્મતોના હવાલાથી ચર્ચા કરી છે કે જ્યારે તેમણે અલ્લાહની શરીઅતમાં ફેરફાર કર્યો, પોતાની પરંપરાઓને શરીઅત બતાવીને સમાજમાં ફેલાવી તો આના પર અલ્લાહના અઝાબનો કોરડો તેમના પર વીંઝવામાં આવ્યો. મુસલમાનોને તાકીદ કરવામાં આવી કે તેઓ આ વલણથી બચે અને એ માર્ગે ન ચાલે કે જેના પર ચાલીને પાછલી ઉમ્મતો બર્બાદ થઈ ગઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here