અલ્લાહ સિવાય જેમને તેઓ પોકારે છે તેમને બૂરા ન કહો

0
80

“અને (હે મુસલમાનો !) આ લોકો અલ્લાહ સિવાય જેમને પોકારે છે, તેમને અપશબ્દો ન કહો, ક્યાંક એવું ન થાય કે આ લોકો ર્શિકથી આગળ વધીને અજ્ઞાનતાના કારણે અલ્લાહને અપશબ્દો કહેવા લાગે. અમે તો આવી જ રીતે દરેક જૂથ માટે તેના કર્મોને મોહક બનાવી દીધા છે, પછી તેમને પોતાના રબના જ તરફ પાછા ફરવાનું છે, તે વખતે તે તેમને બતાવી દેશે કે તેઓ શું કરતા રહ્યા છે.” (સૂરઃ અન્‌આમ, આયત-૧૦૮)

ઇસ્લામનો વાસ્તવિક તથા સૈદ્ધાંતિક પાયો તૌહીદ અર્થાત્‌ એકેશ્વરવાદ છે. દુનિયામાં વિભિન્ન ધર્મોના માનનારા લોકો મૌજૂદ છે. કેટલાય ધર્મોમાં એક અલ્લાહ (ઈશ્વર) સિવાય પણ કેટલાય ઉપાસ્ય બનાવવામાં આવ્યા છે. ઇસ્લામ સમગ્ર માનવજાતિને આ આહ્‌વાન કરે છે કે તેઓ એક અલ્લાહના બંદા છે, એ જ આ સમગ્ર જગતનો રચયિતા કે સર્જનહાર છે, આથી એ જ એક અલ્લાહની બંદગી અને ઉપાસના કરવી જોઈએ, અને કોઈ અન્યને તેઓ ભાગીદાર બનાવવો ન જોઈએ.

અલ્લાહના પૈગમ્બરોએ જ્યારે પણ પોતાના સમાજના લોકોમાં તૌહીદનો સંદેશ આપ્યો તો સમાજના લોકોએ આને સહેલાઈથી કબૂલ ન કર્યો અને ખૂબ જ તીવ્રતાથી તેનો વિરોધ કર્યો, જેના પરિણામે સમાજમાં એક કશ્મકશ શરૂ થઈ. આ પ્રકારની કશ્મકશમાં આ વાતની સંભાવનાઓ પેદા થઈ જાય છે કે કોઈ વ્યક્તિ જોશ તથા ગુસ્સામાં બીજા ધર્મના લોકોને બૂરા-ભલાં કહેતા-કહેતા તેમના ઉપાસ્યો અને ખુદાઓને પણ બૂરા-ભલા કહેવા લાગી જાય, આથી મુસલમાનોને આ ઉપદશે આપવામાં આવ્યો કે તેઓ કોઈ પણ સ્થિતિમાં બીજા ધર્મના ઉપાસ્યોને બૂરા-ભલા ન કહે. ઉપર લિખિત આયતમાં આ જ વાત અંગે ચર્ચા કરતાં ઈમાનવાળાઓને આદેશ આપવામાં આવ્યો છે કે તમે તેમને ગાળ ન આપો (અપશબ્દો ન કહો) કે જેમને આ લોકો અલ્લાહ સિવાયનાઓને પોકારે છે. આ ઈમાનવાળાઓના સીરથી નિમ્ન વાત છે કે તેઓ આવું કોઈ વલણ અપનાવે. આ ઉપદેશ એટલા માટે આપવામાં આવ્યો કે જો કે એ લોકોનું આચરણ ખોટું છે પરંતુ તેમની દૃષ્ટિએ એ એક ખુશનુમા અમલ છે. આ અમલની સાથે તેમની લાગણીઓ કે ભાવનાઓ જોડાયેલ છે. તેઓ તેમના માટે આસ્થા ધરાવે છે. જો તેમને બૂરા-ભલા કહેવામાં આવશે તો તેના પરિણામ બની શકે છે કે તઓ પણ પલ્ટીને અલ્લાહને ગાળો આપવા (અપશબ્દો કહેવા) લાગી જાય. આ સ્થિતિ સમાજમાં એક એવો તનાવ સર્જી જશે અને અંતતઃ ઇસ્લામના સંદેશને જ સાંભળવાથી ઇન્કાર કરી દેશે.

આ આયતમાં બીજાઓના ઉપાસ્યોને ગાળ આપવાથી રોકવાની પાછળ તર્ક પણ મૌજૂદ છે. ઈમાનવાળાની તર્બિયત કરવામાં આવી છે કે અંતે બુતો (મૂર્તિઓ)ને કે કાલ્પનિક વસ્તુઓને ગાળ આપીને કયું મોટું કાર્ય તેઓ પાર પાડશે. બલ્કે તેઓ પોતાનું અને ઇસ્લામનું નુકસાન જ કરશે. તેઓ જેમને પૂજે છે તે કયાં તો ઝાડ-વૃક્ષ કે પત્થર છે, જેમને ભાંડવાથી કે કંઈ કહેવાથી કોઈ ફાયદો નથી, અને ન તો કોઈ સમજદાર વ્યક્તિથી આવી અપેક્ષા રાખી શકાય છે; અથવા તેમના ઉપાસ્યોમાં નબી, ફરિશ્તા કે ગુજરી ગયેલા બુઝુર્ગ છે જેમને ગાળ આપવી કોઈ પણ સ્થિતિમાં યોગ્ય નથી હોઈ શકતું. આથી ઈમાનવાળા માટે આવા કોઈ અમલ-આચરણ કે કૃત્યની કોઈ ગુંજાઇશ રાખી જ નથી. જે દરેક સ્થિતિમાં ઇસ્લામ અને મુસલમાનના સીરથી નિમ્ન કક્ષાની વાત હોય. ઈમાનવાળાઓથી આગળ કહેવામાં આવ્યું કે એ લોકોએ પાછા ફરીને-પલ્ટીને અલ્લાહ જ તરફ આવવાનું છે, આથી આમના મામલે વધુ પરેશાન થવાની જરૂરત નથી. આમને સારી રીતે અલ્લાહની તરફ બોલાવતા રહો, અને જો તેઓ આવવા માટે તૈયાર ન હોય (કે ન થાય) તો પછી તેમને અલ્લાહના હવાલે છોડી દો. અલ્લાહ એ લોકોને બતાવી દેશે કે તેઓ શું કરતા રહ્યા છે. આ આયતના પ્રકાશમાં મુસલમાનોએ પોતાની સ્થિતિમાં સુધારણા કરવાની જરૂરત છે. આજકાલ આ સામાન્ય બનતું જઈ રહ્યું છે કે એકબીજાના ધર્મો અને ઉપાસ્યોને ગાળો ભાંડવામાં આવે તેમની મજાક ઉડાવવામાં આવે. સોશ્યલ મીડિયાના આ યુગમાં ઘૃષ્ટતાનો તોફાન ઓર વધુ ગયો છે. ગત્‌ દિવસોમાં પૈગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં ઘૃષ્ટતાના બનાવોની પાછળ પણ આ જ કારણ હતું કે એક ધર્મના ધાર્મિક ચિહ્નો અથવા જેમની તેઓ પૂજા કરે છે તેમની ખૂબ મજાક ઉડાવવામાં આવી. તેની પ્રતિક્રિયારૂપે પૈગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ. વિષે અપશબ્દો બોલાવા લાગ્યા. મુસલમાનોએ ખૂબ જ સરસ રીતે તૌહીદનો સંદેશ લોકોને આપે. કયાંક કંઈક ખોટું છે તો તેના પ્રત્યે અંગુલિ નિર્દેશ જરૂર કરવામાં આવે, પરંતુ આ ધ્યાન રહે કે આવું કરતી વખતે તેમાં મજાક, અપમાન કે ઉપહાસનું પાસું ઉદ્‌ભવી ન જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here