મહિલા સશક્તિકરણની ગુલબાંગો વચ્ચે ભયભીત સ્ત્રી

0
82

દેશના પ્રધાનમંત્રી મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે બૂમરાણો પાડતા રહ્યા છે. અને દરેક સમસ્યા ઉપર વિપક્ષ ઉપર ચાબખા ચલાવતા રહ્યા છે કે તેમણે ૭૦ વર્ષોમાં શું કર્યું? પ્રવર્તમાન પ્રધાનમંત્રીજી એ મહિલાઓની સલામતી, પ્રગતિ અને સશક્તિકરણ માટે ઘણા વાયદાઓ કર્યા હતા. કેટલાક કાયદાઓમાં સુધારા પણ કર્યા હતા જેમાં ક્રિમિનલ લો અધિનિયમ, ૨૦૧૩, ફોજદારી કાયદો અધિનિયમ ૨૦૧૮, મુખ્યત્વે સામેલ છે, જેમાં ૧૨ વર્ષથી નાની વયની છોકરીઓ પર બળાત્કાર માટે મૃત્યુ દંડ સહિતની જોગવાઈ પણ સૂચવવામાં આવી હતી. તેમજ ERS (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) શરૂ કરી હતી. તેના સિવાય પોર્ન વેબસાઇટ્‌સ ઉપર કેટલાક પ્રતિબંધો પણ મૂક્યા હતા.
પરંતુ ‘મર્ઝ બઢતા ગયા જયું જયું દવા કી’ જેવી પરિસ્થિત દેખાય છે. મહિલા સુરક્ષા અને સલામતીના દરેક ફ્રન્ટ ઉપર સરકાર નિષ્ફળ સાબિત થઈ રહી છે. મહિલા સંબંધિત ગુનાઓમાં દિવસે દિવસે વૃદ્ધિ થતી જાય છે. અપહરણ, બળાત્કાર, દહેજ હત્યા, ઘરેલુ હિંસા, ગુમ થવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. NCRBના ડેટા મુજબ દરરોજ ૮૬ મહિલાઓનો ભારતમાં બળાત્કાર થાય છે અને દર કલાકે ૪૯ મહિલાઓ વિરુદ્ધ કોઈ ને કોઈ ગુનો આચરવામાં આવે છે. ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરાયેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડેટા તેના બોલતા પુરાવા છે. રજૂ કરાયેલા આંકડા અનુસાર, દેશભરમાં ૨૦૧૯ થી ૨૦૨૧ વચ્ચે ૧૮ વર્ષથી વધુ ઉંમરની ૧૦,૬૧,૬૪૮ મહિલાઓ અને ૧૮ વર્ષથી નાની ઉંમરની ૨,૫૧,૪૩૦ છોકરીઓ ગુમ થઈ છે. આ ઓફિસિયલ- સત્તાવાર આંકડો છે જે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા સંકલિત કરવામાં આવ્યો છે. સૌથી વધુ સંખ્યા મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાંથી ગુમ થઈ છે. એક નજરમાં જોઈએ તો ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચે મધ્ય પ્રદેશમાંથી ૧,૬૦,૧૮૦ મહિલાઓ અને ૩૮,૨૩૪ છોકરીઓ, પશ્ચિમ બંગાળ માંથી ૧,૫૬,૯૦૫ મહિલાઓ અને ૩૬,૬૦૬ છોકરીઓ, મહારાષ્ટ્રમાંથી ૧,૭૮,૪૦૦ મહિલાઓ અને ૧૩,૦૩૩ છોકરીઓ, ઓડિશામાંથી ૭૦,૨૨૨ મહિલાઓ અને ૧૬,૬૪૯ છોકરીઓ, છત્તીસગઢમાંથી ૪૯,૧૧૬ મહિલાઓ અને ૧૦,૮૧૩ છોકરીઓ, કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાંથી ૬૧,૦૫૪ મહિલાઓ અને ૨૨,૯૧૯ છોકરીઓ, જમ્મુ અને કાશ્મીરમાંથી ૮,૬૧૭ મહિલાઓ અને ૧,૧૪૮ છોકરીઓ ગુમ થઈ છે. અગાઉ ગુજરાતમાંથી ૨૦૧૬થી ૨૦૨૦ વચ્ચે ગુમ થયેલ ૪૧,૩૨૧ મહિલાઓની સંખ્યાના સમાચાર પણ પ્રકાશિત થયા છે.
આ જ રીતે ૨૦૨૦માં પ્રસ્તુત થયેલ UNFPAના સ્ટેટ ઑફ ધ વર્લ્ડ પોપ્યુલેશન ૨૦૨૦ રિપોર્ટ અનુસાર, કુલ ૧૪૨ મિલિયનમાંથી ૪૬ મિલિયન મહિલાઓ ભારતની હતી. બંને પ્રિ-અને પોસ્ટ-નેટલ લિંગ પસંદગીને કારણે વૈશ્વિક સ્તરે ગુમ થયેલ ત્રણમાંથી એક છોકરી ભારતની હતી. આ આંકડો દર્શાવે છે કે છેલ્લા ૫૦ વર્ષોમાં ગુમ થયેલી મહિલાઓની સંખ્યા બમણીથી વધુ થઈ છે, જે ૧૯૭૦માં ૬૧ મિલિયન હતી.
આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. સરકારે ત્વરિત યોગ્ય પગલાં લેવાની જરૂર છે. માત્ર ગુલબાંગો ફંકૂવાથી કોઈ ફરક નહીં પડે. નિષ્પક્ષ, પારદર્શક અને સખત કાયદા અમલી બનાવવાની જરૂર છે. આ ઘટના વધવાનું એક કારણ તંત્રનું બિનજવાબદારી પૂર્ણ વલણ પણ હોઈ શકે. જ્યાં બળાત્કારીઓને ફૂલ હાર પહેરાવી પ્રોત્સાહિત કરવામાં આવતા હોય, બળાત્કાર જેવા કૃત્ય આચરનારાઓને છાવરવામાં આવતા હોય અથવા તેમને પીઠબળ પૂરૂં પાડવામાં આવતું હોય, તો આવી ઘટનાઓ ક્યારેય રોકી શકાય નહિ. સમાજમાં સ્ત્રીઓને સન્માન મળે તે જરૂરી છે અને જો આપણે વાસ્તવમાં મહિલા સશક્તિકણ કરવા માંગતા હોઈએ તો તેમની સુરક્ષા અને સલામતીને વિશ્વસનીય બનાવવી પડશે.
આ વિશે ઇસ્લામી શિક્ષણ અને કાયદાઓથી લાભ લઈ શકાય. ઇસ્લામ એક એવી વ્યવસ્થા ઊભી કરવા માંગે છે કે, એક સ્ત્રી પશ્ચિમના એક છેડેથી પૂર્વના બીજા છેડે સુધી હાથમાં સોનું ઉછાળતી સફર કરે અને તેને કોઈ પ્રકારનો ભય ન હોય. આ શક્ય છે અને ઇતિહાસ આ દૃશ્ય જોઈ પણ ચૂક્યું છે. આ તબક્કે તટસ્થ અધ્યયન કરવા અને વિચારવાની જરૂર છે.
(મહેમાન તંત્રી… શકીલ અહમદ રાજપૂત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here