સીરિયામાં આજકાલ જે થઈ રહ્યું છે તે અત્યંત અમાનવીય, દુઃખદ તથા અફસોસજનક છે. ત્યાં જાણે કે માનવતા દાવ પર લાગી છે. આપણા ત્યાં ફિલ્મી અભિનેત્રીના મૃત્યુને તો આપણા અખબારો પ્રથમ પાને ૮-૮ કોલમમાં મોટા મોટા મથાળા અને ફોટાઓ સાથે સતત સ્થાન આપી રહ્યા છે, પરંતુ સીરિયામાં સેંકડો નાના-નાના ભૂલકાઓ, સ્ત્રીઓ તથા વૃદ્ધોના કંપાવનારા મૃત્યુ-સમાચારો પ્રથમ પાને આપવા લાયક નથી લાગતા. કાળજું કંપાવી દેનારા હુમલાઓ તથા રૃંવાડા ઉભા કરી દેનારા મરણ દૃશ્યો પણ ઇલેકટ્રોનિક તથા પ્રિન્ટ મીડીયામાં યથાયોગ્ય સ્થાન નથી મેળવી શકતા. તેમને કોણ જાણે કેમ આમાં કોઈ ‘ન્યૂઝ વેલ્યુ’ જ નથી દેખાતી.
હાલમાં ‘ટાઇમ’ મેગેઝીને પોતાના તાજેતરના અંકમાં સીરિયાના પૂર્વીય શહેર ધૌતાની હૃદયદ્રાવક સ્થિતિને પોતાની કવર સ્ટોરીનો વિષય બનાવી છે. તેનું શીર્ષક છેઃ ‘કાટમાળમાંથી ઉભરતી અવાજો !’ એના હેવાલ સાથે પ્રકાશિત થયેલ તસવીરો હૃદય કંપવા લાગે છે. નાના-નાના નિર્દોષ બાળકો લોહીમાં લથપથ છે. સંસાધનોની કમી, હોસ્પિટલોની દુર્દશાની કરૃણા વ્યકત કરી રહી છે. જેટલી જરૃરત હોસ્પિટલોને સંસાધનો અને દવાઓની છે તેટલી જ આવશ્યકતા નાગરિકોને ખોરાકની પણ છે. બોંબવર્ષાથી બચવા માટે હજારો પરિવારો ભૂગર્ભ (બેઝમેન્ટમાં) શરણ લઈ રહ્યા છે. આમાં જગ્યા એટલી ઓછી અને શરણાર્થીઓ એટલા વધારે છેકે કોઈને કંઈ સમજાતું નથી, ત્યાં લોકો વિચિત્ર વ્યાકૂળતા અને ગૂંગળામણ અનુભવી રહ્યા છે ત્યાં કેટલાક લોકો કહે છે કે અમે મરવાની અણી પર છીએ. લોકોની ભૂખની સ્થિતિ અકથનીય છે.
ગત્ બે અઠવાડિયા દરમ્યાન આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી સરકારી આંકડાઓ મુજબ ૭૦૦થી વધુ લોકો મોતના ખપ્પરમાં હોમાઈ ચૂકયા છે. આમાં ઘણી મોટી સંખ્યા બાળકો તથા મહિલાઓની છે. જો આ ક્રેક ડાઉન જે બોંબવર્ષા સ્વરૃપે સામે આવ્યો છે તે કહેવાતા ‘વિદ્રોહીઓ’ની વિરુદ્ધ છે તો અંધાધૂંધ બોંબવર્ષાનું ઔચિત્ય શું છે તે સમજ બહારની વાત છે. સંયુકત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્તોનિયો ગત્રિસે પૂર્વીસ ધૌતાને ‘ધરતી પર જહન્નમ’ ઠેરવ્યો અને સીરિયન સરકારને બોંબવર્ષા રોકવાની તાકીદ કરી છે. રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદના તમામ સભ્યોએ સર્વ-સંમતિથી ૩૦ દિવસીય યુદ્ધવિરામની અપીલ કરી હોવા છતાં બોંબવર્ષા ચાલુ છે અને પરિસ્થિતિ જેમની તેમ છે.
આમ તો હુમલા, આક્રમકતા અને હિંસા દરેક સંજોગોમાં અસ્વીકાર્ય છે, પરંતુ જો તે ક્રૂર, ઘાતકી અને અમાનવીય રૃપ ધારણ કરી લેતો તે ખૂબજ નીંદનીય, વખોડણીપાત્ર અને ધરાર અસ્વીકાર્ય જ હોય છે. દેશોએ અને મોટા સાદે વખોડવી જોઈએ તેમજ તેને અટકાવવા અમલી રીતે દરેક પ્રયત્નો કરી છૂટવા જોઈએ. અમેરિકા, યુરોપીય દેશોઅને માનવ અધિકાર સંગઠનોએ પણ ખૂબજ સ્પષ્ટ અને નક્કર પગલાઓ દ્વારા આગળ આવવું જોઈએ. અને મીડિયાએ પણ આવ અમાનવીય હુલાઓ કે કૃત્યોને મોટા પ્રમાણમાં લોકો સમક્ષ મૂકવા જોઈએ. જ્યારે આજે એવું લાગી રહ્યું છે કે જાણે મીડિયાએ ગમે તે કારણસર ગુનાઇત ચુપકીદી સેવવાનું નક્કી કરીલીધું હોય. આજે સીરિયામાં થઈ રહેલા હુલમાઓના કારણે મોટી મોટી ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે અને કહેવાતા માનવ અધિકારોના દાવા પોકળ પુરવાર થઈ રહ્યા છે અને ત્યાં એ ઇમારતોના કાટમાળમાં જાણે કે માનવ અધિકારો કીડા-મંકોડાઓની જેમ રઝળી રહ્યા છે. કોઈને માનવ અધિકારની ચિંતા હોય તેવું દેખાતું નથી, અને જે લોકો ત્યાં જઈ રહ્યા છે અથવા જેમને તેમની ચિંતા છે તેમની પાસે સાધનો ટાંચા છે અથવા નથી. અજો માત્ર નિવેદનબાજી પુરતી નથી બલકે અમલી રીતે નક્કર પગલા ભરવાની જરૃરત છે.