હજુ સુધી યાદ છે

0
75

અલ્લાહવાળા

બદલાનો દિવસ તો હકીકતમાં આખિરતનો દિવસ છે. પરંતુ કયારેક કયારેક દાખલો બેસાડવા માટે અલ્લાહ સારા અને ખરાબ લોકોને તેમની નેકી અને બદીનો બદલો અને વળતર આ દુનિયામાં પણ આપી દે છે.

અલ્લાહવાળા બુઝુર્ગનો બનાવ મારા એક મિત્રે મને સંભળાવ્યો કહ્યું કે તેમનું નામ બતાવવાની તો જરૂર નથી અને આમ પણ તેઓ પોતાના પરિચિતોમાં આ જ નામથી ઓળખાતા હતા.

મારા મિત્રે બતાવ્યું કે અલ્લાહવાળા સાહેબ શિક્ષણખાતામાં કર્મચારી હતા. રિટાયર્ડ થઈ ગયા હતા. જુનિયર હાઈસ્કૂલના હેડમાસ્તર અને ઇસ્લામિયા સ્કૂલના સુપરવાઇઝર પણ રહી ચૂકયા હતા. અલ્લાહથી ખૂબ જ ડરનાર પરહેઝગાર માણસ હતા.

અલ્લાહવાળા સાહેબ જે ગામના હતા તે ગામ તો ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લામાં હતું. પણ તે ગોરખપુરની એક બિનમુસ્લિમ વ્યક્તિની જમીનદારીમાં રહી ચૂકયું હતું. હવે તે જમાનાના જમીનદારો વિષે તો બધા જાણે છે કે તેઓ મુસ્લિમ હોય કે બિનમુસ્લિમ તેમના મોટાભાગના અત્યંત અહંકારી અને ખુશામતપસંદ લોકો હતા.

અલ્લાહવાળા સિદ્ધાંતવાદી અને દીનદાર હોવાના કારણે જમીનદાર સાથે પોતાનું ગૌરવ જાળવીને રહેતા હતા. કયારેય તેની ખુશામત કરતા ન હતા એટલે જમીનદાર તેમનાથી નાખુશ રહેતો હતો અને તેમને નુકસાન પહોંચાડવાની તાકમાં જ રહેતો હતો. પરંતુ અલ્લાહની કૃપાથી તે અલ્લાહવાળાને કોઈ નુકસાન ન પહોંચાડી શક્યો.

હવે સાંભળો ૧૯૪૭ પછી જમીન ટોચમર્યાદા અને ગણોતધારાનો કાયદો લાગુ પાડવામાં આવ્યો તો જમીનદાર સાહેબની બધી જમીન ગણોતધારામાં જતી રહી. તેમના પાસે માત્ર બગીચા સાથેની એક કોઠી અને તેના પાસે એક લાંબી પહોળી જમીનનો પ્લોટ જેમાં તેઓ પોતે જાતે ખેતી કરતા હતા એટલે કદાચ રહી ગયો હતો. આ બનાવના થોડા દિવસ પછી જમીનદારનું અવસાન થઈ ગયું અને જમીનનો વહીવટ તેમની વિધવા પાસે આવી ગયો.
વિધવાને મોટી કોઠી (નાના મહેલ જેવો બંગલો), બગીચો અને જમીનની માલિક જોઈને હવે ગામવાસીઓની દાનત બગડી. ગામના હિંદુ-મુસ્લિમ રહેવાસીઓએ પરસ્પર એવી સલાહ-મસ્લત કરી કે આ બધી મિલકત પર આપણે કબજો કરી લઈને પરસ્પર વહેંચી લેવી જોઈએ કેમકે માલિકણ એક તો ઔરત જાત છે એટલે શું કરી લેશે ? અને પાછી તે અહીંથી ઘણે દૂર ગોરખપુરમાં રહે છે. એટલે લાગ સારો છે.

ગામના તમામ હિંદુ-મુસ્લિમોએ આમ નક્કી કરીને આ યોજના પર અમલ કરવા માટે બધી મિલકતના ભાગ પાડી લઈને વાવેતર પણ શરૂ કરી દીધું.
આ સમાચાર જમીનદારની વિધવાને મળ્યા તો તેમણે પોતાના કુલમુખત્યારને મામલો જોવા મોકલ્યો. તેણે પરિસ્થિતિ જોઈ અને આખા ગામને સંગઠિત જોઈને ગભરાયો. તે કંઈ કરી ન શક્યો જેથી તેણે ગામવાળાઓ વિરુદ્ધ સરકારમાં અરજી આપી દીધી અને સરકારે તપાસ શરૂ કરી.
સરકારી તપાસ વખતે સાક્ષી માટે કુલમુખત્યારને ગામમાંથી એક પણ વ્યક્તિ ન મળ્યો. તો તેણે કહ્યું, અહીંના મુસલમાનોએ કુઆર્ન અને હિંદુઓએ ગંગાજલ હાથમાં લઈને શપથ લેવા પડશે.

ગામના લોકો આ શપથ લેવા પણ તૈયાર થઈ ગયા. હવે કુલમુખત્યાર તો મુશ્કેલીમાં મુકાયો તેના તો પગ નીચેથી જાણે ધરતી જ ખસી ગઈ. તેને એ વિચારીને સખત આઘાત લાગ્યો કે મુસલમાનો કુર્આન પર હાથ મૂકીને પણ આટલી હદે સફેદ જૂઠ બોલ્યા !!

ખુદાની કુદરત જુઓ કે આ વિવાદ ચાલી રહ્યો હતો કે તે જ સમયે અલ્લાહવાળા સાહેબ આ તરફ આવતા દેખાયા. તેમને જોઈને અચાનક કુલમુખત્યારે સરકારી અધિકારીઓને દરખાસ્ત કરી કે આ જે બુઝુર્ગ માણસ જઈ રહ્યા છે તેમને બોલાવો, જો તેઓ કહી દેશે કે આ જમીન-બંગલો ગામવાળાઓનો છે તો અમે અરજી પાછી ખેંચી લઈશું, અને તે જાતે જઈને તેમને બોલાવી લાવ્યો.

ગામવાળાઓને પણ લાગ્યું કે અલ્લાહવાળા આપણા ગામના છે અને આમ પણ તેમને જમીનદારથી બનતું પણ ન’હોતું અને મુસલમાનોને થયું કે તેઓ મુસલમાન છે એટલે આપણો પક્ષ લેશે, અને તેઓ એકલા પડી જવાના ભયથી ગામના વિરુદ્ધ થોડા બોલશે ? આવું બધું વિચારીને સમસ્ત ગામવાળાઓએ પણ રાજીખુશીથી સંમતિ આપી દીધી.

અલ્લાહવાળા આવ્યા તો સરકારી અધિકારીએ તેમને આ વિવાદ બાબતે તેમનો મત પૂછ્યો. અલ્લાહવાળાએ બેધડક સાક્ષી આપતાં કહી દીધું કે આ જમીન, કોઠી અને બગીચો તમામ જમીનદારનો જ છે તેઓ જાતે આમાં ખેતી કરતા હતા. આ ગામવાળાઓ તદ્દન જૂઠા છે. તેમનો કોઈ હક જ નથી. આમ કહીને તેમણે ગામવાળાઓના ષડ્‌યંત્રને ખુલ્લું પાડી દીધું. ગામવાળાઓ તો લજ્જિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે એક મુસલમાન થઈને તેમણે એક હિંદુને મદદ કેમ કરી ? પણ અહીં મામલો ન્યાયનો હતો અને તેમની તો ઓળખ જ અલ્લાહવાળા હતી પછી તેઓ અલ્લાહની પસંદ પ્રમાણે જ ફેંસલો કરે ને.

એટલે આમ અલ્લાહવાળાની સાચી સાક્ષીના કારણે જમીનદારની વિધવાને તે તમામ મિલકતનો કબજો સરકારે અપાવી દીધો. કુલમુખત્યારની મહેનત સફળ થઈ.

હવે જમીનદારની વિધવાએ વિચાર્યું કે ગામના લોકો વિરોધમાં છે અને હું ખૂબ દૂર રહું છું એટલે મિલકત સાચવી નહીં શકાય જેથી તેને વેચી દેવી જોઈએ.

આ હિંદુ વિધવાએ અલ્લાહવાળા સાહેબને બોલાવ્યા અને આ તમામ મિલકત ખરીદી લેવા કહ્યું. અલ્લાહવાળા પાસે આટલાબધા પૈસા ન હતા કે આટલી મોટી મિલકત ખરીદી શકે.

જમીનદારની વિધવાએ પૂછયુંઃ તમે કેટલી રકમ આપી શકો છો?

તેમણે કહ્યુંઃ “હું તો વધારેમાં વધારે ચાર-પાંચ હજાર જ આપી શકું.”

“બસ આટલી રકમ ઘણી છે.” આમ કહીને તે વિધવા દસ્તાવેજ કરી આપવા તૈયાર થઈ ગઈ. અલ્લાહવાળાને પણ નવાઈ લાગી પણ તે વિધવા આમની સચ્ચાઈને જાણી ગઈ હતી.

ગામવાળાઓને આ વેચાણની જાણ થઈ તો એક હિંદુ ખેડૂત જે આ મિલકતને હડપ કરી જવામાં સૌથી આગળ હતો તે એ વિધવાની પાસે ગયો અને આ મિલકતના પંદર હજાર આપવાની ઓફર કરી અને તેનાથી વધારે આપવાનો પણ ઇશારો કર્યો. તેને તો એમ હતું કે આટલી મોટી રકમને કોણ જવા દે ?

પણ તેના આશ્ચર્ય વચ્ચે તે વિધવા જમીનદારે ઘસીને ના પાડી દીધી અને જવાબ આપ્યોઃ

“આ તો થોડા હજાર જ છે પણ તમે લોકો મને લાખો આપો ને તો પણ હું મારી મિલકત તમને લોકોને ન આપું. તમે લોકોએ પોતાના જ ગામની એક વિધવા બહેનની મિલકત મફતમાં પડાવી લેવાના પેંતરા કર્યા અને તે સાચા અલ્લાહવાળાએ તમારાથી ડર્યા વગર માત્ર અલ્લાહથી ડરીને મારો સાથ આપ્યો. એ ઈમાનદાર વ્યક્તિએ તો મને પાંચ હજાર આપ્યા પણ એ પાંચ પૈસા આપતો તો પણ હું મિલકત તો તેને જ આપતી.”

હિંદુ ખેડૂત પોતાનું ખસિયાણું મોઢું લઈને પાછો જતો રહ્યો અને પેલી નેક હિંદુ વિધવાએ આ તમામ મિલકત એક નેક મુસલમાનના નામે કરી આપી.
મારા મિત્રે જયારે અલ્લાહવાળા નેક વ્યક્તિનો આ અદ્‌ભુત કિસ્સો સંભળાવ્યો તો હું વિચારવા લાગ્યો કે બદલાનો દિવસ તો ખરેખર આખિરતનો જ દિવસ છે. પરંતુ કયારેક કયારેક દાખલો બેસાડવા માટે પણ અલ્લાહ સારા અને ખરાબ લોકોને તેમની નેકી અને બદીનો અમુક બદલો ને વળતર આ દુનિયામાં પણ આપી દે છે. જેમકે અલ્લાહવાળા બુઝુર્ગને તેમની સચ્ચાઈનો બદલો મળ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here