અલ્લાહની બરકતનો અર્થ

0
193

“હે અમારા માલિક! અમારી આ સેવા સ્વીકારી લે, તું બધું જ સાંભળનાર અને બધું જ જાણનાર છે. હે માલિક! અમને બંનેને પોતાના મુસ્લિમ બનાવ અમારા વંશમાંથી એક એવી ઉમ્મત ઊભી કર જે તારી મુસ્લિમ હોય, અમને તારી બંદગીની પદ્ધતિઓ બતાવ અને અમારી ખામીઓને માફ કર, તું મોટો ક્ષમાશીલ અને દયાળુ છે.” (સૂરઃ બકરહ, આયત-૧૨૭,૧૨૮)કુઆર્ન ઇબ્રાહીમ અ.સ.ના વ્યક્તિત્વને ઇસ્લામ અને પૈગમ્બરોનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિત્વના રૂપમાં પરિચિત કરાવ્યું છે. કુઆર્ન પૈગમ્બરો અને તેના અનુયાયીઓને વારંવાર ઇબ્રાહીમ અ.સ.ના માર્ગે ચાલવાની નસીહત કરે છે. આ એટલા માટે કે કુઆર્ને ઇબ્રાહીમ અ.સ. વિષે જણાવ્યું કે તેઓ પોતાની જાત (હસ્તી)માં એક ઉમ્મત હતા, આ ધરતી પર તૌહીદનું ગીત સંભળાવનાર હતા. ઇબ્રાહીમ અ.સ.એ પોતાના રબથી પ્રેમ ખાતર જે ભેટ-સોગાદ અને કુર્બાની રજૂ કરી, અલ્લાહતઆલાએ તેમને ઇસ્લામી રિવાયત-પરંપરા બનાવીને કયામત સુધી આવનારા ઈમાનવાળાઓ માટે દીનનો ભાગ બનાવી દીધા. ઇબ્રાહીમ અ.સ.ને જે મિશન અલ્લાહતઆલાએ આપ્યો હતો તે આ હતો કે તે અલ્લાહના બંદાઓને તૌહીદનું નિમંત્રણ આપે અને તમામ માનવોને એક તાંતણામાં પરોવીને એક એવો સમાજ અસ્તિત્વમાં લાવે કે જે અલ્લાહનો આજ્ઞાપાલક હોય. આ જ મિશનનો તકાદો હતો કે તમામ માનવોનું એક કેન્દ્ર હોય, આથી મક્કાની ધરતી પર અલ્લાહના ઘરને આબાદ કરવાનો તેમને હુકમ આપવામાં આવ્યો, અને આ જ હુકમના પાલનમાં ઇબ્રાહીમ અ.સ.એ પોતાના પુત્ર ઇસ્માઈલ અ.સ.ની સાથે મળીને કા’બાના નિર્માણનું કાર્ય શરૂ કર્યું. ઉપર જે દુઆ નોંધવામાં આવી છે તે ઇબ્રાહીમ અ.સ. અને ઇસ્માઈલ અ.સ.ની દુઆ છે, જે તેમણે એ પ્રસંગે માગી કે જયારે તેઓ કા’બાની બુનિયાદો ઉઠાવી રહ્યા હતા.
દુઆમાં સૌ પ્રથમ આ માગવામાં આવ્યું કે હે અમારા રબ, અમે તારા હુકમના પાલનમાં આ પવિત્ર ઘરની બુનિયાદો ઉઠાવી રહ્યા છીએ. સમગ્ર વિશ્વનું કેન્દ્ર તૈયાર કરી રહ્યા છીએ. તું અમારા આ અમલ-કાર્યને કબૂલ ફરમાવ. કોઈ પણ કામની સૌથી મોટી સફળતા આ જ છે કે તે કાર્ય કબૂલ થઈ જાય. ઇબ્રાહીમ અ.સ.ની આ દુઆ પર ખૂબ જ વિચાર કરવાની જરૂરત છે, કે હકીકતમાં ઇબ્રાહીમ અ.સ. શું માગી રહ્યા છે ? કઈ ખિદમત-સેવાને અલ્લાહના દરબારમાં કબૂલ કરાવવા ચાહે છે. કા’બાના નિર્માણની સેવા, અર્થાત્‌ માનવતાના કેન્દ્રના નિર્માણની સેવાના અમલ-કાર્યને કબૂલ કરવાની દુઆ. અર્થાત્‌ ઇબ્રાહીમ અ.સ. પોતાના મિશનની સફળતા અને તેને અલ્લાહના દરબારમાં કબૂલ કરી લેવાની દુઆ કરી રહ્યા છે. આ જ અહેસાસની સાથે હઝરત ઇબ્રાહીમ અ.સ. અને હઝરત ઇસ્માઈલ અ.સ. પોતાની આ દુઆને આગળ વધારે છે, અને પોતાના રબથી કહે છે કે હે અમારા રબ! તમે અમો બન્નેને પણ પોતાના આજ્ઞાપાલક બનાવ અને અમારા વંશને પણ પોતાના આજ્ઞાપાલક બનાવ, અને અમને તથા અમારા વંશને પોતાની ઇબાદતની રીત બતાવ. કોઈ પણ અમલ તથા સેવાના કબૂલ થવા માટે આ જરૂરી છે કે એ અમલ-કાર્ય આજ્ઞાપાલનની ભાવના સાથે કરવામાં આવ્યું હોય. આથી હઝરત ઇબ્રાહીમ અ.સ.એ દુઆ માગી કે તેઓ અલ્લાહના આજ્ઞાપાલક બંદા હોય. પોતાના વંશ માટે પણ આ જ દુઆ માગી.અલ્લાહતઆલાએ હઝરત ઇબ્રાહીમ અ.સ.ની દુઆને કબૂલ ફરમાવી. માનવતાનું જે કેન્દ્ર માનવતાના ઇમામ હઝરત ઇબ્રાહીમ અ.સ.એ બનાવ્યું હતું, અલ્લાહતઆલાએ તેને એ રૌનક આપી કે ત્યાં ફરી કયારેય અંધકાર નથી થયું. અલ્લાહના બંદા એ કેન્દ્રનો તવાફ કરવા માટે સમગ્ર વિશ્વમાંથી પહોંચવા લાગ્યા, અને આ સિલસિલો આજે પણ ચાલુ છે. હજ્જના પ્રસંગે મક્કાની પવિત્ર ધરતીનું અલ્લાહના બંદાઓના કપાળોથી સુશોભિત થવું અને તેમના પોકારોથી ગૂંજવું વાસ્તવમાં ઇબ્રાહીમ અ.સ.ની દુઆના કબૂલ થવાની નિશાની છે.
હઝરત ઇબ્રાહીમ અ.સ.ની દુઆઓની કબૂલિયતનું રહસ્ય આ છે કે તેમણે પોતાની સેવા નિભાવીને અલ્લાહથી દુઆ કરી પછી જે સેવા તેમણે કરી એ વિશુદ્ધ (નિખાલસપણે) માત્ર અને માત્ર અલ્લાહ ખાતર હતી. દુઆ આ સંકલ્પ સાથે માગવામાં આવી હતી કે કરેક અમલ-કાર્ય અને દરેક સેવા અલ્લાહની ફરમાંબરદારી અને તેના આજ્ઞાપાલન માટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here