બિહારમાં જ્યારથી ચૂંટણી પંચે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) એટલે કે મતદાર યાદીનું સઘન ઘનિષ્ઠ પુનર્વલોકન ચાલુ કર્યું છે, ત્યારથી ચૂંટણી પંચ સામેનો વિવાદ અને આક્રોશ દેશમાં પરાકાષ્ઠાએ પહોંચેલ જોવા મળે છે. એક તરફ સુપ્રીમ કોર્ટમાં ચુનાવણી ચાલી રહી છે અને જે મતદારોને બાકાત રાખવામાં આવ્યા છે તેમનું લિસ્ટ પ્રગટ કરવાનો આદેશ પણ ચૂંટણી પંચને સર્વોચ્ચ અદાલતે આપી દીધો છે, ત્યારે રાહુલ ગાંધીએ પોતાની યાત્રા બિહારમાં શરૂ કરી દીધી છે. અને બરાબર તે જ સમયે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી વિપક્ષને જવાબ આપવાનો બાલીશ પ્રયત્ન પણ શરૂ કર્યો છે.
જ્યારે વોટ ચોરી જેવો ગંભીર આરોપ સામે આવે, ત્યારે સરકારની સ્થિતિ શું હોવી જોઈએ?
શું તે આરોપોનો સામનો કરી સત્ય બહાર લાવે, કે પછી જાતજાતના હથકંડાઓનો સહારો લઈ લોકોનું ધ્યાન ભટકાવે?
આ સમયે, શંકાસ્પદ ગતિવિધિઓની ચર્ચા ચાલી રહી છે, ત્યારે રાહુલ ગાંધી અને વિપક્ષના આરોપોને એક પ્રકારની વિશ્વસનીયતા મળી રહી છે.
65 લાખ લોકોના નામ વોટર લિસ્ટમાંથી કાઢી નાખ્યા છે તેની વિગત હજુ આવશે અને તેની ચકાસણી થશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ પદ્ધતિથી છેવાડાના અને રહી ગયેલા લોકો, ખાસ કરીને દલિતો, લઘુમતીઓ, મહિલાઓ, વિસ્થાપિતો આ બધા વર્ગો પોતાનું નામ ફરીથી વોટર લિસ્ટમાં આવે એ માટેની કાર્યવાહી કઈ રીતે કરી શકશે તે ખૂબ મોટો સવાલ છે. અત્યાર સુધી ચૂંટણી પંચનો રવૈયો એ હતો કે કોઈ મતદાર બહાર ન રહી જાય અને હવે ખોટી નાગરિકતાનો મુદ્દો, જેની જવાબદારી કેન્દ્ર સરકારની છે, તે ચૂંટણી પંચ પોતાના માથે લઈ મતદાર કઈ રીતે બહાર નીકળી જાય તેનો પ્રયત્ન કરી રહી છે. ચૂંટણી પંચે 11 દસ્તાવેજોની યાદી બહાર પાડી છે, જેમાં આધાર, વોટર કાર્ડ, રેશનકાર્ડ જેવા પ્રચલિત દસ્તાવેજોને નકારી કાઢ્યા છે, તે સંજોગોમાં આ બધો વંચિત વર્ગ કઈ રીતે પૂર્તતા કરી શકશે એ ખૂબ મોટો પ્રશ્ન છે. લઘુમતીઓમાં પણ, મુસલમાનો ખાસ નિશાના ઉપર છે. જો તે મતદાર યાદીમાં નામ દાખલ કરવા જાય છે તો તે બહાને નાગરિકતા પર સવાલ ઉઠાવી તેને પરેશાન કરી શકાય છે. અને આ ગરીબ વર્ગ આ બધી પરિસ્થિતિને પહોંચી વળી નથી શકતો, તેથી મત આપવાનું જતું કરી દેશે તેવી શક્યતા પ્રબળ છે. સત્તા પક્ષ આ જાણે છે અને તેનો જ ફાયદો તે ઉઠાવવા માંગે છે
પરંતુ, સરકાર આ મુદ્દાનો સામનો કરવાને બદલે શું કરી રહી છે?
એ જ જૂની ગિલ્લી, નવો દાવ.
સરકાર પર ગંભીર આરોપ લાગે છે, ત્યારે એક જાણીતી ફોર્મ્યુલા અપનાવવામાં આવે છેઃ વિરોધીઓને બદનામ કરો, નવા નારા ઘડો, અને લોકોનું ધ્યાન મૂર્તિઓ, પ્રતીકો કે દેશભક્તિના જોશભર્યા નારાઓ તરફ ખેંચો.
આજે આજ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર અચાનક એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ, અમેરિકાની તથાકથિત ‘ડીપ સ્ટેટ’ના સમર્થનથી ચાલી રહી છે. આવા દાવાઓ પર હસવું આવે, પરંતુ આ એક જૂની રણનીતિ છે જે લોકોનું ધ્યાન મૂળ મુદ્દાથી હટાવવા માટે અપનાવવામાં આવે છે. ઇન્દિરા ગાંધીના સમયમાં CIA વિશે જે આરોપો થતા હતા, અદ્દલ તે જ પેટર્ન ઉપર.
સરકાર મુશ્કેલીમાં હોય, ત્યારે ભવાયા આવા જ તાયફા ભજવે છે. પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે. લોકો હવે આવી ભવાઈથી, આવા તાયફાઓથી કંટાળી ગયા છે. જ્યારે વોટ ચોરી જેવો ગંભીર મુદ્દો સામે આવે, ત્યારે શું આવા નાટકો ખરેખર કામ કરશે?
હાલના સેનાના નિવેદનો પણ કોઈ સંયોગ નથી, પરંતુ રણનીતિ છે તેવું સ્પષ્ટ દેખાય છે
આશ્ચર્યજનક રીતે, હમણાં સેનાના બે મોટા નિવેદનો સામે આવ્યા છે, જે ચોંકાવનારા છે. પહેલું નિવેદન વાયુસેના પ્રમુખનું છે, જેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના 5 વિમાનો નેસ્તનાબૂદ કર્યા હતા. હવે, સવાલ એ છે કે આવું ગૌરવશાળી તથ્ય, જે સરકારની છબી ચમકાવી શકે, તેને આટલા મહિનાઓ સુધી કેમ દબાવી છુપાવી રાખવામાં આવ્યું ? આ જ રીતે થલસેનાના સેનાપતિ પાકિસ્તાન સાથે યુદ્ધની શક્યતાઓની વાત પણ કરે છે. શું આ નિવેદન અચાનક આવ્યું, કે પછી તેની પાછળ કોઈ રાજકીય રણનીતિ છે?
“ઘરમાં ઘૂસીને મારવું,”
“ઉલટા ટાંગી દેવું”
કે
“રગોમાં ગરમ સિંદૂર દોડાવવું”
જેવા નારાઓથી હવે લોકો થાકી ગયા છે. હવે લોકોને ઉલ્લુ કે સતત અંધભક્ત નથી બનાવી શકાતા. દેશે પહેલા પણ પાકિસ્તાન સામે આ સરકારની ‘મહાન’ કાર્યવાહીઓ જોઈ છે. શું આવા નારાઓથી લોકો વોટ ચોરી જેવા ગંભીર મુદ્દાને ભૂલી જશે?
મુહમ્મદ ઉમર વહોરા.
મો. 99252 12453