લોકશાહીના અવાજ અને જેલની કાળકોટડી વચ્ચેનો સંઘર્ષ

0
9

વર્તમાન સમયમાં જ્યારે દેશના રાજકીય અને સામાજિક વાતાવરણનું વિશ્લેષણ કરવામાં આવે છે, ત્યારે ‘ઉમર ખાલિદ’ અને ‘શર્જીલ ઇમામ’ માત્ર વ્યક્તિ મટીને એક પ્રતીક બની ગયા છે. આ પ્રતીક છે; અભિવ્યક્તિની આઝાદી, કાયદાકીય પ્રક્રિયામાં વિલંબ અને સિવિલ સોસાયટીના કચડાયેલા અવાજનું. તાજેતરમાં ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય અને નવનિર્વાચિત મેયર ઝેહરાન મામદાનીએ ઉમર ખાલિદના નામે લખેલો પત્ર માત્ર એક અંગત સંદેશ નથી, બલ્કે તે ભારતીય ન્યાયિક પ્રક્રિયા પર વૈશ્વિક સ્તરે ઉઠેલા પ્રશ્નાર્થોનું પ્રતિબિંબ છે, જેમાં શર્જીલ અને ઉમર જેવા અનેક યુવાનો વર્ષોથી જેલના સળિયા પાછળ ન્યાયની પ્રતીક્ષા કરી રહ્યા છે.

ઉમર ખાલિદ છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં છે. તેમના પિતા એસ. ક્યૂ. આર. ઇલ્યાસ સાથેની વાતચીતમાંથી ઊભરી આવતી વિગતો કોઈ પણ સજાગ નાગરિકને ધ્રુજાવી દે તેવી છે. મુલાકાત દરમિયાન જ્યારે ડો. ઇલ્યાસે ઉમરની હિંમત અને સંઘર્ષની વાતો કરી, ત્યારે પત્રકાર આરેફા ખાનમ શેરવાનીએ પણ સ્વીકાર્યું હતું કે, “તમારી વાતો સાંભળીને મારા રૂંવાડાં ઊભાં થઈ રહ્યાં છે.” આ ભાવુક પ્રતિક્રિયા પાછળ ઉમરના પિતાએ રજૂ કરેલા તે તથ્યો છે, જે દેશપ્રેમ અને બલિદાનની નવી વ્યાખ્યા રજૂ કરે છે. ડો. ઇલ્યાસે જણાવ્યું કે, ઉમર ખાલિદે આઝાદીના લડવૈયાઓ; ગાંધી, આંબેડકર અને ભગત સિંહના રસ્તે ચાલવાનું નક્કી કર્યું હતું. સૌથી વધુ પ્રભાવિત કરે તેવી વાત એ હતી કે, જ્યારે ઘરમાં દરેક સભ્ય પાસે વિદેશના વિઝા અને પાસપોર્ટ હતા, ત્યારે ઉમરે જાણીજોઈને પાસપોર્ટ બનાવવાની મનાઈ કરી દીધી હતી. તેનું કહેવું હતું કે, “મારે ક્યાંય બહાર નથી જવું, મારે આ જ દેશમાં રહેવું છે અને અહીં જ લડાઈ લડવી છે.” આ કટિબદ્ધતા એવા સમયે વ્યક્ત કરાઈ છે જ્યારે અનેક લોકો સુરક્ષિત ભવિષ્ય માટે દેશ છોડવાનું વિચારે છે.

એક પિતા તરીકે ડો. ઇલ્યાસની કબૂલાત હૃદયસ્પર્શી છેઃ “અમે તો આઝાદીનો ઇતિહાસ જાણીએ છીએ કે લોકો અંગ્રેજો સામે બોલતા અને તેની સજા ભોગવતા. કોઈ કાળા પાણીની જેલ જતું તો કોઈ ફાંસીએ ચઢતું. ઉમરે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.” તેમણે પોતાના દીન અને ઈમાનનો હવાલો આપતાં ઉમેર્યું કે, કોઈ જાલિમ હકૂમત સામે હકની વાત કહેવી એ સૌથી શ્રેષ્ઠ જિહાદ છે. જ્યારે પિતાને પૂછવામાં આવ્યું કે શું તમે દીકરાને રોક્યો નહીં? ત્યારે તેમનો જવાબ મજબૂત હતોઃ “જો દરેક વ્યક્તિ પોતાના કૅરિયર અને ભવિષ્ય વિશે જ વિચારીને ઘરે બેસી જશે, તો પછી આ દેશના સામાન્ય અને વંચિત લોકો માટે અવાજ કોણ ઉઠાવશે ?”

આ ગંભીર પ્રશ્ન એ પણ છે કે, જે કેસમાં હજુ સુધી ‘ચાર્જ ફ્રેમ’ પણ થઈ શક્યા નથી, તેમાં એક તેજસ્વી પીએચડી સ્કોલરને વર્ષો સુધી અટકાયતમાં રાખવામાં આવે છે. જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત વારંવાર કહે છે કે “જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ,” ત્યારે ઉમર ખાલિદના કિસ્સામાં આ નિયમ કેમ માત્ર કાગળ પર રહી જાય છે? ૩૦,૦૦૦ પાનાની ચાર્જશીટ અને અંદાજે ૭૦૦ થી ૯૦૦ સાક્ષીઓની વિશાળ યાદી રજૂ કરીને પ્રક્રિયાને જ સજા (Process as Punishment) બનાવી દેવામાં આવી છે. અદાલતે તાજેતરમાં અન્ય પાંચ સહ-આરોપીઓને જામીન આપ્યા છે, પરંતુ ઉમર અને શર્જીલને ‘ગુણાત્મક રીતે અલગ’ (qualitatively different) સ્તરે મૂકીને તેમના જામીન નકાર્યા છે. જો ગુનો સાબિત થાય તો પણ મહત્તમ સજા ૧૦ વર્ષની હોય, તો ગુનો સાબિત થયા વગર ૫ વર્ષ જેલમાં રાખવા તે ન્યાયના કયા સિદ્ધાંતમાં બેસે છે? અદાલતે સ્વીકાર્યું છે કે તેમનો જેલવાસ ‘નોંધપાત્ર’ (substantial) છે, છતાં તે હજુ ‘બંધારણીય રીતે અસ્વીકાર્ય’ (constitutional impermissibility) મર્યાદા સુધી પહોંચ્યો નથી, જે કાયદાકીય જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ન્યાયિક પ્રક્રિયાના લાંબા વિલંબ અને જામીન નકારવાના તાજેતરના ચુકાદા પર શર્જીલ ઇમામે જેલમાંથી પોતાની પ્રતિક્રિયા આપતાં લોકશાહીના પાયાના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કેઃ “હું ખુશ છું કે બીજા સાથીઓને જામીન મળ્યા છે, ભલે તેમની સાથે લાંબા સમય સુધી થયેલા અન્યાયની હું નિંદા કરું છું. પણ જ્યાં સુધી અમારો સવાલ છે, હું દૃઢપણે માનું છું કે ઉમરને અને મને ભારતના તાજેતરના ઇતિહાસના સૌથી મહત્ત્વપૂર્ણ લોકશાહી વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરવા બદલ સજા આપવામાં આવી રહી છે. આ ચુકાદો સંગઠિત વિરોધને ગુનાહિત બનાવે છે અને લોકતાંત્રિક અસંમતિ અને આતંકવાદી પ્રવૃત્તિ વચ્ચેની રેખાને ભૂંસી નાખે છે.” પોતાની બીમાર માતા માટે ચિંતા વ્યક્ત કરવા છતાં શર્જીલે બૌદ્ધિક મક્કમતા દર્શાવતાં ફૈઝ અહમદ ફૈઝની પંક્તિઓ ટાંકી હતીઃ “દિલ ના-ઉમ્મીદ તો નહીં નાકામ હી તો હૈ, લંબી હૈ ગમ કી શામ મગર શામ હી તો હૈ.”

બીજી તરફ, તાજેતરમાં જ્યારે સર્વોચ્ચ અદાલતે ફરી જામીન નકાર્યા, ત્યારે ઉમર ખાલિદના શબ્દોમાં પણ એક ગહન સ્વીકાર અને વેદના જોવા મળી. પોતાના સાથીઓ અને પરિવાર સાથેની વાતચીતમાં તેણે અત્યંત ગંભીરતાથી સ્વીકાર્યું હતું કે, ‘હવે આ જ જિંદગી છે’. આ શબ્દો માત્ર એક વ્યક્તિની લાચારી નથી, બલ્કે તે વ્યવસ્થા સામેનો એક સણસણતો દસ્તાવેજ છે.

આજે જ્યારે સિવિલ સોસાયટીને લગભગ નિષ્ક્રિય કરી દેવામાં આવી છે, ત્યારે ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામ જેવા યુવાનોની ગેરહાજરી લોકશાહીમાં એક ગંભીર ખાલીપો પેદા કરે છે. ઝેહરાન મામદાની જેવા વૈશ્વિક નેતાઓ જ્યારે તેમની હિંમતને બિરદાવે છે, ત્યારે તે ભારતની લોકશાહી છબી માટે આત્મમંથનનો વિષય બનવો જોઈએ. ભવિષ્યમાં જ્યારે આ યુગનો ઇતિહાસ લખાશે અને અન્યાયની દાસ્તાન લખાશે, ત્યારે આ યુવાનોના નામ સૌથી ઉપર હશે. આ ઇતિહાસ એ પણ નોંધશે કે એક આઝાદ વિચારધારા ધરાવતી વ્યક્તિને જેલની ભીંતો વચ્ચે કેદ રાખી શકાય છે, પણ તેના વિચારોને નહીં. જો ભારત ખરેખર ‘લોકશાહીની જનની’ હોવાનો દાવો કરતું હોય, તો તેણે સાબિત કરવું પડશે કે અહીં અસંમતિનો અવાજ દબાવવામાં આવતો નથી અને ન્યાયતંત્ર કોઈના પ્રભાવ હેઠળ આવ્યા વગર નિષ્પક્ષ ન્યાય કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here