Home તંત્રીલેખ હમાસ ચીફ ઈસ્માઈલ હનિયાની હત્યા ગાઝાની આગેકોચને રોકી શકશે નહીં

હમાસ ચીફ ઈસ્માઈલ હનિયાની હત્યા ગાઝાની આગેકોચને રોકી શકશે નહીં

0
47

૩૧મી જુલાઈ ૨૦૨૪ના રોજ ઈરાની પ્રેસિડેન્ટ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગયેલ હમાસ ચીફ ઈસ્માઈલ હનિયા ઇઝરાયલ દ્વારા શોર્ટ મિસાઈલના હુમલા વડે શહીદ કરી દેવામાં આવ્યા. ઇઝરાયલી પ્રજા હાલ મીઠાઈની વહેચણી કરી હનીયાની હત્યાનો જશ્ન મનાવી રહી છે. પરંતુ આ જશ્નથી તેમની ભૂલ અને નિષ્ફળતાને જગતથી છુપાવી શકાશે નહીં. ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજથી શરૂ થયેલા યુદ્ધમાં લગભગ ૪૦ હજાર જેટલા પેલેસ્ટિનિયનોની હત્યા કરવામાં આવી છે, જેમાં ૭૦%ની આસપાસ સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ૩૦% પુરુષોમાં મોટાભાગના નિર્દોષ નાગરિકો છે.

યુદ્ધના તમામ યુનાઇટેડ નેશન્સના નિયમોને નેવે મૂકીને તેને સમગ્ર ગાઝાને રેતીના ઢગલામાં ફેરવી દીધું છે, સામૂહિક કબરોમાં દફનાવવાની પ્રક્રિયા ગાઝા માટે રોજિંદી પ્રક્રિયા બની ગઈ છે. આ યુદ્ધમાં અમરીકા સહિત ઘણા યુરોપિયન દેશો તેને ટેકો આપી રહ્યા છે. આ જુલ્મ અને અત્યાચારની દાસ્તાન આમ તો વર્ષો પુરાની છે પરંતુ છેલ્લા દસ મહિનામાં તો જગત ત્રાહીમામ પોકારી ઉઠ્યું છે છતાં ર્નિદયી ઇઝરાયલે યુદ્ધ ગુનાહો (war crimes) કરવાનું સતત ચાલુ રાખ્યું છે.

આ યુદ્ધમાં ઇઝરાયલ સાથે અત્યાચારી, દંભી અને બેવડી નીતિ અને ધોરણો અનુસરનારા દેશો છે, જ્યારે ગાઝા સાથે ગણ્યા ગાંઠિયા દેશો છે. પરંતુ દુનિયાભરના દેશો (પશ્ચિમી દેશો સહિત)ના યુવાનો, પત્રકારો અને વિદ્યાર્થીઓ તેમની સાથે છે. અમેરિકા અને યુરોપની મોટાભાગની યુનિવસિર્ટીમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા પેલેસ્ટાઈનને સતત ટેકો આપવામાં આવી રહ્યું છે અને સરકારને ઇઝરાયલને મદદ નહીં કરવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. દુનિયાના લોકો સમજી ચૂક્યા છે કે આ એક નરસંહાર (genocide) છે જે ચારે તરફથી ઘેરાયેલા મજબૂર ગાઝાવાસીઓ સાથે આચારવામાં આવી રહ્યો છે.

પેલેસ્ટાઈનના ગાઝા પટ્ટીમાં આ યુદ્ધ ચાલુ છે. આ ગાઝા પટ્ટી પર હમાસની સરકાર છે. તેના નેતા ઈસ્માઈલ હનિયાને શહીદ કરી ઇઝરાયલ એમ વિચારે છે કે યુદ્ધ જીતી લેવાશે પરંતુ તે તેનો ભ્રમ છે. જરૂરી નથી કે જે જીવે છે તે વિજેતા હોય છે ક્યારેક મરનાર પણ વિજેતા હોય છે.! અત્યાચાર, જુલમ અને અન્યાયી રીતે નાગરિકોને ખતમ કરી કઈ જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે?? ખરેખર તો આ ઇઝરાયલની હાર છે, તેની માનસિકતાની હાર છે તેની વિચારસરણીની હાર છે. ઇઝરાયલના ૧૦,૦૦૦ કરતાં વધુ સૈનિકો આ યુદ્ધમાં માર્યા ગયા છે અને ઇઝરાયલની અંદર પણ તેનો જ વિરોધ થઈ રહ્યો છે એટલે કે યહૂદીઓએ પણ આ જાલીમ સરકારને નકારી છે, ધિક્કારી રહી છે. જ્યારે સામે પક્ષે ગાઝામાં આંતરિક કોઈ વિખવાદ નથી બધા એકબીજાને ધૈર્ય સાથે અને અલ્લાહના માટે ઊભા છે. આ અલ્લાહની અસીમ કૃપા છે તેઓએ પોતાના ૪૦,૦૦૦ નાગરિકો ગુમાવી દીધા છતાં તેમની હિંમત અકબંધ છે એવું એટલા માટે છે કે તેઓ સત્ય પર છે, અને સત્યની સાથે છે અને સત્ય માટે જીવી રહ્યા છે. તેમની માંગો વાંજબી છે અને તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો છે. ઈસ્માઈલ હનિયાની શહાદત પછી ખાલીદ મિશેલ નવા નેતા ચૂંટી કાઢવામાં આવ્યા છે જે ગાઝાને નેતાગીરી પૂરી પાડશે અને આ યુદ્ધને આગળ ધપાવશે. તેમના પછી પણ ગાઝામાં પ્રતિકાર કરવાની અને પોતાની જમીન પાછી લેવા માટેની જંગ જારી રહેશે.

લે. મુહમ્મ્દ કલીમ અન્સારી

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here