મણિપુરમાં હિંસા બાદ ૧૮૦૦ કલાક સુધી મૌન જાળવનાર પથ્થરદિલ વડાપ્રધાન થોડા કલાકો માટે પણ ઇઝરાયલનું દુઃખ સહન કરી શક્યા નહીં. મોદીની ધીરજ એટલી ચરમસીમાએ હતી કે તેમણે તેમનો સૌહાર્દ દર્શાવવા માટે ગૃહ મંત્રાલયના જવાબની રાહ પણ ન જોઈ. ‘ઠ’ એટલેકે ટિ્વટર પર પોતાનું દુઃખ અને ગુસ્સો વ્યક્ત કરતાં મોદીએ લખ્યુંઃ “ઇઝરાયલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ દુઃખ થયું.” મણિપુરની હિંસામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના મોત પર મોદીને આ પ્રકારનું દુઃખ નથી થયું. ત્યારે તો સરકારી દરબારમાં ભેદી મૌન પ્રવર્તી રહ્યું હતું, જેથી વિપક્ષને મોં ખોલવા સારૂ દબાણ કરવા સંસદ ભવનમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવી પડી હતી. તે પછી, અગમ્ય અને અક્ષમ્ય મૌનનું તાળું તૂટી ગયું અને કલાકો સુધી બોલતા રહેલા વડાપ્રધાને કુલ ૩૦ સેકન્ડમાં મણિપુર પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. આ ક્રૂર નિવેદનમાં, મણિપુરમાં ચાલી રહેલા જાતિ આધારિત વિવાદને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યો હતો. આતંકવાદીઓની કોઈ નિંદા કે શાંતિની અપીલ ન’હોતી. વડાપ્રધાન મોદીએ મણિપુરમાં ચાલી રહેલી હિંસાને અન્ય રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સાથે જોડીને પાતળી કરવાના પ્રયાસની પણ ઘણાએ નિંદા કરી હતી.
તેનાથી વિપરીત, હમાસ દ્વારા અદમ્ય હિંમતના પ્રદર્શન પર, વડાપ્રધાને લખ્યુંઃ “અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.” હું ઇચ્છું છું કે વડાપ્રધાને જાહેરમાં છીનવાઈ ગયેલી મણિપુરની દીકરીઓ પ્રત્યે આવી જ સહાનુભૂતિ દર્શાવી હોત. વડાપ્રધાનની મણિપુર પ્રત્યેની ઉદાસીનતા અને ઇઝરાયલ પ્રત્યેની હૂંફ જોઈને એ સમજવું મુશ્કેલ છે કે તેઓ કયા દેશના વડા છે? શા માટે તેઓ તેમના પોતાના બદલે અજાણ્યાઓ સાથે આટલી સહાનુભૂતિ ધરાવે છે? મણિપુરમાં ડબલ એન્જિનવાળી સરકારના મુખ્ય પ્રધાન બિરેન સિંહે પાંચ મહિના પછી પણ તેમના પક્ષના વડાપ્રધાનને ફોન કરવાની તસ્દી લીધી ન હતી, પરંતુ ઇઝરાયલના નેતન્યાહૂએ દિલ્હીમાં બેઠેલા તેમના પાડોશીને યાદ કરીને તરત જ પ્રેસમાં આ ટેલિફોન ચર્ચા પ્રકાશિત કરી દીધી હતી. આ શંકા પેદા કરે છે કે શું આ ‘નૂરા ફોન’ હતો.
સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહના નામ પર મત માંગનારા વિનાયક દામોદર સાવરકરના શિષ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હમાસ’ના સ્વાતંત્ર્ય સંગ્રામને ઇઝરાયેલ પરનો આતંકવાદી હુમલો ગણાવ્યો અને માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો, પરંતુ તે ભૂલી ગયા કે જવાબી હુમલામાં પેલેસ્ટાઇનના ઓછામાં ઓછા તેટલા જ લોકો શહીદ થયા છે અને તેઓ પણ માણસો છે. પોતાની એકતરફી સહાનુભૂતિ વ્યક્ત કરતાં મોદીએ કહ્યું કે ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલની સાથે સૌહાર્દપૂર્વક ઊભા છે. “ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં સ્પષ્ટપણે વખોડે છે. “આ વાત કહેનારા વડાપ્રધાને જાણવું જોઈએ કે ૨૦૦૮થી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં ૬૪૦૭ પેલેસ્ટાઇનીઓ ઇઝરાયેલના આતંકવાદનો શિકાર બન્યા હતા અને તેના જવાબમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માત્ર ૩૦૮ ઇઝરાયેલીઓના મોત નોંધાયા છે. મોદીએ બેન્જામિન નેતન્યાહૂનો તેમના કોલ અને વર્તમાન પરિસ્થિતિ અંગે અપડેટ કરવા બદલ આભાર માન્યો હતો. એ આશ્ચર્યજનક સ્થિતિ છે કે હજારો માઇલ દૂર વિદેશથી યાહૂ મોદીને તેમની પરિસ્થિતિ વિશે જાણ કરે છે, પરંતુ મણિપુરના મુખ્ય પ્રધાન આવું કરવાની હિંમત કરતા નથી. આવું કેમ થાય છે તેનો ભક્તોએ ઠંડા મનથી આ પ્રશ્નનો વિચાર કરવો જોઈએ.
વડાપ્રધાન ઇઝરાયલીઓ માટે આંસુ વહાવી રહ્યા હતા તે જ દિવસે મણિપુરમાંથી એક હ્રદયસ્પર્શી ત્રીસ સેકન્ડનો વીડિયો સામે આવ્યો છે. તેમાં ૩૭ વર્ષીય લાલ જેમ્સ જીવતા સળગતા જોઈ શકાય છે. પાંચ મહિના પછી પણ તેમની લાશ સરકારી કોલ્ડ સ્ટોરેજમાં પડી છે. મણિપુરની ત્રણ મોટી સરકારી હોસ્પિટલોમાં આવા ૯૬ મૃતદેહો મોજૂદ છે જેને મેળવવા માટે કોઈએ સંપર્ક કર્યો નથી. શું વડાપ્રધાન આ આતંકવાદીઓને શોધી કાઢશે જેમણે આ હત્યા કરી હતી અને તેમના ડરને કારણે મૃત્યુ પામેલા લોકોના સ્વજનો મૃતદેહ લેવાની હજુ સુધી હિંમત એકત્ર કરી શકતા નથી? સંઘ પરિવારના આ આતંકવાદીઓ સામે ન તો કંઈ કહેવાય છે કે ન તો કોઈ કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે મણિપુરની ડબલ એન્જિન સરકારે આ મામલે કંઈ કર્યું ન હતું, ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત ભૂતપૂર્વ ન્યાયાધીશોની સમિતિએ સૂચન કર્યું હતું કે મૃત્યુ પામેલા લોકોની યાદી જાહેરમાં પ્રગટ કરવી જોઈએ અને તેમના સંબંધીઓની ઓળખ કરી મૃતદેહો તેમને સોંપવામાં આવે. અને જો મૃતદેહો માટે દાવેદારો આગળ ન આવે, તો તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સન્માન સાથે કરવામાં આવે.
વંશીય હિંસામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો ઇમ્ફાલમાં પ્રાદેશિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ અને જવાહરલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ અને ચુરાચંદપુરની પ્રાદેશિક મેડિકલ કૉલેજમાં રાખવામાં આવ્યા છે. ઇમ્ફાલ ખીણમાં મેઇતેઇ વંશીય જૂથનું વર્ચસ્વ છે, પરંતુ ત્યાંની હોસ્પિટલોમાં કુકીના મૃતદેહો છે. ચુરાચંદપુરના ડિસ્ટ્રિક્ટ મેડિકલમાં બંને જૂથના મૃતદેહો છે, પરંતુ તેમાં પણ કુકીઓની સંખ્યા વધુ છે. ગેંગવૉર બાદ બંને ટોળકી એકબીજાના વિસ્તારમાં પ્રવેશી શકતી ન હોવાથી આ મૃતદેહો ઓળખ વિના પડેલા છે. પાંચ મહિના પછી પણ સ્થિતિ એવી નથી કે આ મૃતદેહોના ફોટોગ્રાફ અને વિગતો જાહેર કરી શકાય. આ મૃતદેહો સિવાય ૪૧ મૃતદેહો પણ ગાયબ છે અને ઘણા મૃતદેહો બળી ગયા છે, જેમની ઓળખ કરવી મુશ્કેલ છે. મેતેઈ સમુદાયને આદિવાસીઓ તરફની અસહિષ્ણુતા એટલી છે કે તેઓ કુકીઓને તેમના વિસ્તારમાં મૃતદેહોને દફનાવવા પણ નથી દેતા. ઇઝરાયલના મૈત્રીપૂર્ણ વડા પ્રધાનને ખબર નથી કે મણિપુરમાં બે લડાયક જૂથ વચ્ચે અવિશ્વાસ અને નફરત એટલી ઊંડી થઈ ગઈ છે કે સુરક્ષા દળો પરનો તેમનો વિશ્વાસ પણ તૂટી ગયો છે. મેઈતીઓ આર્મી અને આસામ રાઈફલ્સ પર, કુકી આદિવાસીઓને મદદ કરવાનો આરોપ મૂકે છે, જ્યારે કુકીઓ, રાજ્ય પોલીસ અને સુરક્ષા દળોને મેઈતી પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા માને છે. કુકીઓ માટે ઇમ્ફાલ મૃત્યુની ખીણ છે જ્યાં તેમના ધારાસભ્યને પણ માર મારવામાં આવ્યો હતો. શું મોદી આતંકવાદનો આ ગુનો કરનારની નિંદા કરશે?
ઈઝરાયેલના દુઃખમાં નબળા એવા મોદીજીને મણિપુરની ચિંતા નથી. તેઓ દર મહિને એકથી વધુ વખત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની મુલાકાત લે છે, જેથી કરીને ભાજપને કારમી હારમાંથી બચાવી શકાય. વચ્ચે, તેઓ છત્તીસગઢ અને તેલંગાણાની પણ મુલાકાત લે છે, કારણ કે ત્યાં પણ ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ તેઓ મેઘાલય જવાની હિંમત કરતા નથી, કારણ કે મણિપુર પડોશમાં છે. ચૂંટણીની આવશ્યકતા હોવા છતાં, છપ્પન ઈંચની છાતી ધરાવતા વડા પ્રધાન મણિપુર જવા માટે અચકાય છે. તેના પાડોશી રાજ્યને પણ છોડી દો, જો કે ત્યાંની રાજ્ય સરકારમાં ભાજપનો પણ સમાવેશ થાય છે. મોદીના ઇઝરાયેલને સમર્થનના દિવસે ૧૦ ઓક્ટોબરે મણિપુરથી બીજા મોટા સમાચાર આવી રહ્યા છે.મુખ્યમંત્રીની ચેતવણી છે કે અન્ય લોકોના ઘરો પર કબજો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સવાલ એ છે કે બિરેન સિંહને આવું નિવેદન આપવાની જરૂર કેમ પડી? મણિપુર જેવા નાના રાજ્યમાં હિંસાને કારણે ૬૫,૦૦૦ થી વધુ લોકોએ તેમના ઘર છોડીને કેમ્પમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. આ શરણાર્થીઓમાંના સરકારી કર્મચારીઓ જો ઓફિસે ન આવે તો તેમને પગાર નહીં આપવાનો ર્નિણય સરકારે જાહેર કર્યો હતો. શું તેઓ પિકનિક કરી રહ્યા છે? તેમના ઘર કે કેમ્પથી તેમની ઓફિસ સુધીનો રસ્તો સુરક્ષિત નથી. હવે તેમની મિલકતોનો વિનાશ કે જપ્તીનો ભયમાં છે.
હાલમાં, મણિપુરની ખીણમાંથી કુકીઓને અને પહાડીઓમાંથી મેઈતીઓને ‘સંપૂર્ણ રીતે હાંકી કાઢવા’ની સ્થિતિ સર્જાઈ છે, પરંતુ ભારતના વડાપ્રધાન ઇઝરાયેલના દુઃખમાં ડૂબી રહ્યા છે. વડા પ્રધાન દ્વારા અવગણવામાં આવ્યા પછી, સુપ્રીમ કોર્ટે ૨૫ સપ્ટેમ્બરના રોજ ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારને ચર્ચ, મંદિરો, મસ્જિદો અને અન્ય ધામિર્ક સ્થળો સહિત કોઈ પણ અન્ય ધર્મની ઇમારતોને તાત્કાલિક ઓળખવા અને તેમને અતિક્રમણથી બચાવવા માટે આદેશ આપ્યો. નુકસાન અથવા વિનાશ સામે રક્ષણ સારૂ રાજ્ય સરકારને બેઘર લોકોની સંપત્તિની સુરક્ષા ‘સુનિશ્ચિત’ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલામાં બેદરકારીને કોર્ટની અવમાનનાનો ગુનો જાહેર કર્યો હતો. જ્યારે મોદી યાહૂ સાથે ટેલિફોન પર વાત કરી રહ્યા હતા, ત્યારે મણિપુરમાં ભારત-મ્યાનમાર સરહદી શહેર મોરામાં દૈનિક કફ્ર્યુમાં છૂટછાટ મોકૂફ રાખવામાં આવી હતી. આ તરફ તટસ્થ રહેતા ચંદન શર્મા નામના મોદી ભક્તે ‘ઠ’ પર લખ્યું કે જો ભારત સરકાર આદેશ કરશે તો ભારતના દરેક હિંદુ રાષ્ટ્રવાદી ઇઝરાયેલ જઈને યુદ્ધ લડશે. ઇઝરાયેલ સાથે ૧૦૦ કરોડ હિંદુઓ છે. ભારત ઇઝરાયલ લાઇવ લોન્ગ. સવાલ એ છે કે આ લોકો ગલવાન કે અરુણાચલ પ્રદેશમાં જઈને ચીન સામે કેમ લડતા નથી? મણિપુર અને ગાઝાએ મોદીજી અને તેમના અનુયાયીઓની નકલી દેશભક્તિનો પર્દાફાશ કર્યો છે. •••