Home તંત્રીલેખ શું બાબરી મસ્જિદની શહાદત એળે જશે ?

શું બાબરી મસ્જિદની શહાદત એળે જશે ?

0
72

જ્યારે મોદીરાજમાં ૨૦૧૯માં રામ મંદિરની તરફેણમાં સર્વોચ્ચ અદાલતે, ન્યાયની રીતે તદ્દન ખોટો ચુકાદો આપી રામલલ્લાને જમીન સોંપી દીધી અને ૨૫ કિલોમીટર દૂર બાબરી મસ્જિદની અવેજમાં જમીન ફાળવી દીધી, ત્યારથી મુસ્લિમો લાચારીથી રામમંદિરનું આ નાટક જોઈ રહ્યા છે.

૨૨ જાન્યુઆરી ૨૦૨૪એ અધૂરા બાંધકામ સાથે પણ પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાનના હાથે કરી દેવામાં આવી છે અને પૂરા ભારતને ખાસ કરીને ઉત્તર ભારતને રામમય બનાવી દેવામાં આવ્યું છે. બધી ઓફિસો, શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. એટલે સુધી કે એઇમ્સ જેવી દિલ્હીની હોસ્પિટલે પણ રજા જાહેર કરી હતી જે પાછળથી પાછી ખેંચવામાં આવેલ છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ભારતના ચીફ જસ્ટિસને વિનંતી કરે છે કે તેઓ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં રજા જાહેર કરે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ તથા સોશિયલ મીડિયાએ એટલો બધો પ્રચાર થકી હોબાળો મચાવ્યો છે કે સામાન્ય વ્યક્તિ બીજું કંઈ વિચારી જ ન શકે. છાપાં ભગવા રંગે રંગાયેલા છે, શેરીઓમાં ઠેરઠેર ભગવી ધજાઓ ફરકાવાઈ રહી છે. દરેક ગલીના ખૂણે તલવારો, રામના કટઆઉટ દેખાઈ રહ્યા છે. એક હોડ મચી છે ધામિર્ક દેખાડાની! મુસલમાનોને તો કોઈ પૂછતું જ નથી. મસ્જિદ ગુમાવી દીધાનો ગમ તો એક તરફ, પરંતુ મંદિરની તરફેણમાં જો તમે નથી બોલતા અથવા પરિસ્થિતિને સ્વીકારતા નથી તો સેક્યુલરોને પણ તમારાથી સખત વાંધો છે. તમે ઘાયલ છો તરફડી રહ્યા છો ત્યારે તમને ઊભા કરવાને બદલે, મલમપટ્ટી કરવાને બદલે, તમને સરખા ઊભા રહેતા પણ નથી આવડતું એવી સલાહ આપવા બધા તૂટી પડે છે. એક એરલાઇન્સનો સ્ટાફ રામ, સીતા અને હનુમાનનો વેશ ધારણ કરી એરપોર્ટ ઉપર તમાશો કરી શકે છે, તે ભલે વિચિત્ર લાગતું હોય પણ આ દેશની આજની આ હકીકત છે તે સ્વીકારવું રહ્યું. કોઈ શાકાહારી જૈન કે સ્વામિનારાયણ વ્યક્તિના મોઢામાં માંસના ટુકડા ઠાંસવામાં આવે તો તેની જે હાલત થાય, તે હાલત મુસલમાનોના એકેશ્વરવાદના સિદ્ધાંતની થઈ રહી છે, છતાં પણ તેના ખુલાસા પૂછાઈ રહ્યા છે. દેશના બંધારણે આપેલી ધર્મની, આસ્થાની આઝાદીને ખુલ્લમ ખુલ્લાં કુંઠિત કરવામાં આવી રહી છે.

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે જ્યારે બાબરી મસ્જિદ શહીદ કરવામાં આવી ત્યારે તે જ જગ્યા ઉપર ફરીથી મસ્જિદ બનાવી આપવામાં આવશે તેવું તત્કાલીન વડાપ્રધાન નરસિંહમારાવે એલાન કરી દીધું હતું. હવે જે માણસ મસ્જિદને તૂટતી બચાવી ન શક્યો તે નવી કઈ રીતે બાંધી શકશે તે જનતાની સમજમાં નહોતું આવી રહ્યું. રાજકારણીઓ તો આ જ રીતે પોતાની રમત રમી લેતા હોય છે.

આરએસએસ તથા બીજેપી પૂરી તાકાત સાથે ૨૦૨૪ લોકસભાની ચૂંટણીનો એજન્ડા સેટ કરી રહ્યા છે અને બધા જ મજબૂર થઈ આ તમાશામાં ક્યાં તો સામેલ થઈ રહ્યા છે અથવા કિનારા પર ઊભા રહી ગયા છે. પરંતુ તેની સામે જાણે કોઈ કશું જ કરી શકતું નથી. ભારતના સેક્યુલર બંધારણને સાથે રાખી જો આ બધું જ થઈ શકતું હોય તો પછી હિન્દુ રાષ્ટ્રમાં શું નવું થઈ શકે તે સમજમાં આવતું નથી. કોંગ્રેસ પક્ષ કે ઇન્ડિયા ગઠબંધન અવઢવમાં છે અને લાચાર જણાઈ રહ્યું છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પૂર્વોત્તર રાજ્યોમાં ચાલી રહી છે પરંતુ તેની કોઈ ખાસ નોંધ પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા લઈ રહ્યું નથી. બહુમતી વાદ થકી જે દાદાગીરી લઘુમતી, ખાસ કરીને મુસ્લિમો સામે જે રીતે આચરાઈ રહી છે તેનો કોઈ છોછ ન તો સરકારને છે ન તો સામાન્ય હિન્દુ પ્રજાને છે. ન્યાયતંત્ર પણ ક્યાં તો લાચાર છે અથવા આંખ આડા કાન કરી કોમવાદી એજન્ડાને સહયોગ આપી રહ્યું છે, તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. બિન સાંપ્રદાયિક એટલે કે સેક્યુલર લોકો ફક્ત લાચાર છે એટલું જ નહીં તેઓ પણ મુસલમાનોને જ શિખામણ આપી રહ્યા છે. એક તરફ બનારસની જ્ઞાન વાપી મસ્જિદ તથા મથુરાના ઈદગાહના પ્રશ્નો પણ ઉછાળવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ મુસ્લિમોએ બાબરી મસ્જિદ વાટાઘાટોમાં જ સોંપી દીધી હોત તો તે તેમના માટે ઘણું યોગ્ય રહેતું, તેવી સલાહો અપાઈ રહી છે, જે સાચે જ ઘા ઉપર મીઠું ભભરાવવાની ચેષ્ટા છે, તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

હવે, આ પરિસ્થિતિમાં મુસ્લિમોએ શું કરવું જોઈએ?
આજની પરિસ્થિતિ જોતાં સબ્ર સાથે, ધીરજ સાથે મુસલમાનોએ પોતાની જાતને સેટ કરવી રહી. મુસલમાનો માટે આવી મુશ્કેલ પરિસ્થિતિ કોઈ નવી વાત નથી. સીરતનું અવલોકન કરીએ અને ઇતિહાસનું અવલોકન કરીએ તો, ઘણીવાર આવી પરિસ્થિતિ આપણી સામે આવી છે. ધીરજ અને હિંમત સાથે આ પરિસ્થિતિની સાથે આગળ વધવું પડશે. દેશબાંધવોમાં ઇસ્લામ વિશે અને મુસલમાનો વિશે જે ગેરસમજ પ્રવર્તે છે તેને દૂર કરવા ખૂબ જ મહેનત કરવી પડશે. તેમના દિલોને જીતવા પડશે, અને ત્યારે જ આપણે આપણા આ દેશમાં આપણી મંજિલ સુધી પહોંચી શકીશું ઇન્શાઅલ્લાહ…

– મુહમ્મદ ઉમર વહોરા

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here