રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ઘડવામાં આવ્યો ત્યારે એવી અપેક્ષા હતી કે તમામ બાળકોને શિક્ષણની સુવિધા તો મળશે જ સાથોસાથ તેની ગુણવત્તામાં પણ સુધારો થશે પરંતુ છેલ્લા કેટલાક સમયથી શિક્ષણને લગતા વાર્ષિક અહેવાલોમાં કંઈક અંશે નિરાશાજનક ચિત્ર જોવા મળી રહ્યું છે. પ્રાથમિક વર્ગોમાં નોંધણીમાં વધારો થયો છે, પરંતુ ચૌદ વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં ડ્રોપઆઉટ દરને નિયંત્રિત કરવું મુશ્કેલ બની રહ્યું છે. સૌથી ચિંતાજનક સ્થિતિ એ છે કે બાળકો મૂળભૂત લખવા અથવા વાંચવાની ક્ષમતા પણ વિકસાવી શકતા નથી. શિક્ષણના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે ચૌદથી અઢાર વર્ષની વયજૂથના લગભગ ૮૭ ટકા બાળકો જે અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધાયેલા છે, તેમાંથી પચીસ ટકા બાળકો તેમની પ્રાદેશિક ભાષાઓમાં બીજા ધોરણની ટેક્સ્ટ સામગ્રી પણ સરખી રીતે રીતે વાંચી શકતા નથી.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ સંબંધિત વાર્ષિક અહેવાલ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણના સ્તરનું મૂલ્યાંકન કરવાના હેતુથી તૈયાર કરવામાં આવે છે. તે મુખ્યત્વે બાળકોની નોંધણી કરવા, ટેક્સ્ટ વાંચવાની અને મૂળભૂત અંકગણિતની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. આ તમામ સ્તરે સ્થિતિ ચિંતાજનક છે. સૌથી વધુ ચિંતા ચૌદથી અઢાર વર્ષની વયજૂથના બાળકોના શિક્ષણના સ્તરને લઈને વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વયજૂથના બત્રીસ ટકાથી વધુ બાળકો કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં નોંધાયેલા નથી અને જેઓ નોંધાયેલા છે, તેમાંથી મોટાભાગના બાળકો શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષમતાઓ ધરાવતા નથી. આ વય જૂથની છોકરીઓની નોંધણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આના અમુક કારણો સ્પષ્ટ છે.
મોટાભાગના બાળકો અભ્યાસ છોડી દે છે તેનું મુખ્ય કારણ પરિવારની નબળી આર્થિક સ્થિતિ છે. તે પછી, શાળાઓની નબળી સ્થિતિ, પ્રાથમિક સુવિધાઓનો અભાવ વગેરે જેવા અન્ય ઘણા કારણો છે. જાે કે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોવિડ પછી ઘણી ખાનગી શાળાઓ કાયમી બંધ થવાને કારણે અને લોકોની નબળી આર્થિક સ્થિતિને કારણે મોટી સંખ્યામાં બાળકો સરકારી શાળાઓમાં પાછા ફર્યા છે. પરંતુ ત્યાં તેઓ ફરીથી એ જ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે જેનો તેમને દસ-બાર વર્ષ પહેલાં સામનો કરવો પડ્યો હતો. એટલે કે શિક્ષણનું સ્તર કથળી ગયું છે. આ રીતે યુવાનોમાં કૌશલ્ય વિકાસ એક મોટો પડકાર બની ગયું છે.
ઘણા અભ્યાસોમાં, ગ્રામીણ વિસ્તારોમાં સરકારી શાળાઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને તેમને સુધારવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી રાજ્ય સરકારો આ મુદ્દે ગંભીર હોય તેમ જણાતું નથી. ઘણી શાળાઓમાં, એક કે બે શિક્ષકોએ જ શાળાનું સંચાલન કરવું પડે છે, વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં શિક્ષકો ઓછા છે. શિક્ષકોની અછતને દૂર કરવા માટે ઘણા રાજ્યોએ શિક્ષકોની કોન્ટ્રાક્ટના ધોરણે ભરતીનો માર્ગ અપનાવ્યો છે.
સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણમાં અમુક નિયમિત શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. પણ આ રીતે શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવા અને તેમના વ્યક્તિત્વ વિકાસ પર જોઈએ તેટલું ધ્યાન આપી શકતા નથી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં, અભ્યાસક્રમનો બોજ ઘટાડવા અને વિદ્યાર્થીઓની મૂળભૂત પ્રતિભા વધારવા, તેમની કુશળતા વિકસાવવા અને તેમને રોજગાર તરફ લક્ષ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ જ્યારે બાળકો પ્રાથમિક કક્ષાના પુસ્તકો વાંચવામાં અને અંકગણિતના પ્રશ્નો ઉકેલવામાં પણ નબળા સાબિત થઈ રહ્યા છે ત્યારે તેમની પાસેથી નવી શિક્ષણ નીતિ પ્રમાણે આગળ વધવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ????
(સાભારઃ ગુ.ટુ.)