✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશા
નવયુવાન સઈદ બિન આમિર રદિ. પણ તે હજારો લોકોની ભીડમાંના એક હતા જેઓ કુરૈશના સરદારોના આમંત્રણથી મક્કાથી બહાર ‘તનઇમ’ નામના સ્થળે એકઠા થયા હતા. તેઓ પયગંબર મુહમ્મદ ﷺના સાથી હઝરત ખુબૈબ બિન અદિ રદિ.ની હત્યાનો તમાશો જોવા માટે આવ્યા હતા. અધર્મીઓએ હઝરત ખૂબૈબને દગાથી પકડી પાડ્યા હતા.
સઈદ બિન આમિર રદિ.એ પોતાની જુવાનીની શક્તિનો ઉપયોગ કરીને ભીડને ચીરીને એક રસ્તો બનાવ્યો અને અબૂ સુફિયાન બિન હરબ અને સફ્વાન બિન ઉમૈયા જેવા કુરૈશના સરદારોની નજીક પહોંચી ગયા. આ બંને કુરૈશમાં ખૂબ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. આમ, સઈદને કુરૈશના કેદી હઝરત ખૂબૈબ રદિ.ને જોવાની તક મળી. કુરૈશની સ્ત્રીઓ, બાળકો અને યુવાનો હઝરત ખૂબૈબ રદિ.ને સાંકળોથી બાંધીને મોતના મેદાનમાં ખેંચીને લાવી રહ્યા હતા. સઈદ વિચારતો હતો કે ખૂબૈબને મારીને પયગંબર મુહમ્મદ ﷺથી બદલો લઈ શકાય અને બદ્રની લડાઈમાં માર્યા ગયેલા કુરૈશના સંબંધીઓનો બદલો ચુકાવી શકાય.
જ્યારે આ જબરદસ્ત ભીડ ખૂબૈબ રદિ.ને લઈને તે જગ્યાએ પહોંચી જ્યાં તેમને ફાંસી આપવાની હતી, ત્યારે નવયુવાન સઈદ બિન આમિર ભીડમાંથી થોડે દૂર હટીને તેને જોવા લાગ્યો. સ્ત્રીઓ અને બાળકોની ચીસો વચ્ચે ખૂબૈબ રદિ.ની શાંત અને હળવો અવાજ તેના કાનમાં ગૂંજતો હતોઃ
“જો તમે ઇચ્છો તો, મારા કતલ પહેલાં મને બે રક્અત નમાઝ પઢવા દો.”
તે પછી સઈદ બિન આમિરે જોયું કે ખૂબૈબ બિન અદિ રદિ.એ કિબલાની દિશામાં ઊભો થઈ બે રક્અત નમાઝ અદા કરી. એ નમાઝ અત્યંત સુકૂન સાથે પૂર્ણ થઈ. પછી ખૂબૈબે રદિ. કુરૈશના સરદારોને સંબોધીને કહ્યું કેઃ
“વલ્લાહ, મને ભય ન હોત કે તમે મારા વિશે શંકા રાખો કે હું મૃત્યુના ભયથી નમાઝ લાંબી કરૂં છુ તો હું લાંબી અને શાંતિથી નમાઝ અદા કરતો.”
પછી સઈદે જોયું કે તેમની કોમના લોકો ખૂબૈબ રદિ.ને જીવતા મારી રહ્યા હતા. તેઓ તેમના શરીરના વિવિધ અંગોને વારાફરતી કાપી રહ્યા હતા અને સાથે એ પણ કહેતા હતા કે, “શું તું એ પસંદ કરીશ કે મુહમ્મદ ﷺ તારી જગ્યાએ હોય અને તું આ મુસીબતથી છુટકારો મેળવી શકે?”
ખૂબૈબ રદિ.એ જવાબ આપ્યો, “વલ્લાહ, મને તો એ પણ કબૂલ નથી કે હું સુખ અને શાંતિથી મારા પરિવાર સાથે રહું અને રસૂલુલ્લાહ ﷺના પગમાં કાંટો પણ વાગી જાય.” (જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે તેમના શરીરમાંથી ઘણું બધું લોહી વહી રહ્યું હતું.)
આ સાંભળતાં જ લોકો ઉશ્કેરાઈને હાથ હવામાં ઊંચા કરી કિકિયારી કરવા લાગ્યા. “આને મારી નાંખો, કતલ કરી નાંખો.”
“ત્યારબાદ સઈદ બિન આમિરે જોયું કે ખૂબૈબ રદિ. ફાંસીના માંચડે લટકીને આકાશ તરફ નજર ઉઠાવીને દુઆ કરી રહ્યા હતા, ‘હે અલ્લાહ! આ લોકોને એક પછી એક ગણી લો, તેમને વિખેરીને મૃત્યુ આપો અને તેમાંથી કોઈને પણ છોડશો નહીં.’ થોડી વારમાં ખૂબૈબ રદિ. અંતિમ શ્વાસ લઈને પોતાના રબ પાસે પહોંચી ગયા. તેમના શરીર પર તલવારો અને ભાલાઓના ઊંડા અસંખ્ય ઘા હતા.”
આ પછી કુરૈશના લોકો મક્કા પરત ફર્યા. મક્કામાં ઘણી મોટી ઘટનાઓ અને અકસ્માતો બન્યા. આ બધી ઘટનાઓમાં ખૂબૈબ રદિ.ની હત્યાની ઘટના ભૂલી જવામાં આવી. પરંતુ ખૂબૈબ રદિ. પર થયેલ અત્યાચાર અને દુઃખદ હત્યાના ભયાનક દૃશ્યો નવયુવાન સઈદ બિન આમિરના મનમાંથી દૂર થઈ શક્યા નહીં. તે ઊંઘમાં પણ ખૂબૈબ રદિ.ને જોતો અને જાગૃત હાલતમાં પણ તેના વિચારોમાં ખૂબૈબ જ રહેતા. દરેક વખતે તેમની નજર સામે ખૂબૈબ રદિ. ફાંસીના માચડે ઊભા રહી બે રક્અત નમાઝ અદા કરતા હતા. તેમના કાનોમાં ખૂબૈબ રદિ.નો દુઃખદાયક અવાજ ટકરાતો હતો જ્યારે તેઓ કુરૈશ માટે અલ્લાહ પાસે શ્રાપ માંગતા હતા. દરેક સમયે આ વાતનો ભય રહેતો કે ક્યારેય આસમાનથી કોઈ વીજળી કે પથ્થરની મોટી શીલા પડીને મને મારી ન નાંખે.
ત્યારબાદ સ્વપ્નમાં ખૂબૈબ રદિ.એ સઈદને એવી વાતો જણાવી કે જે પહેલાં તેમના જ્ઞાનમાં ન હતી. ખૂબૈબ રદિ.એ સ્પષ્ટ કર્યું કે વાસ્તવિક જીવન એ છે કે મનુષ્ય હંમેશાં સાચા અકીદા સાથે ઝઝૂમતો રહે અને જીવનના અંતિમ શ્વાસ સુધી અલ્લાહના માર્ગ પર સંઘર્ષ કરતો રહે. ખૂબૈબ રદિ.એ સઈદને એ પણ બતાવ્યું કે દિલમાં ઈમાન ઊતરી જાય તો કઈ કઈ આશ્ચર્યજનક ઉપલબ્ધિઓ મેળવી શકે છે અને તેનાથી કયા કયા કાર્યો સંભવ બને છે. ખૂબૈબ રદિ.એ સઈદને એક મોટી વાસ્તવિક્તાથી ચેતવ્યા કે તે વ્યક્તિ જેના સાથીઓ તેનાથી એવી રીતે ગાઢ મુહબ્બત કરે છે તે ખરેખર સત્ય પયગમ્બર અને સાચો રસૂલ છે અને તેને આકાશની મદદ પ્રાપ્ત છે.
તે પછી અલ્લાહ તઆલાએ સઈદ બિન આમિરના દિલને ઇસ્લામ માટે ખોલી દીધું. તે કુરૈશની એક સભામાં પહોંચ્યા અને ત્યાં ઉભા થઈને કુરૈશ અને તેમના કાળા કરતૂતોથી પોતાનો અસ્વિકાર અને નફરત અને તેમના જૂઠા ખુદાઓથી અસંમતિની ઘોષણા કરી. સાથે સાથે ઇસ્લામમાં પ્રવેશની ખુલ્લેઆમ જાહેરાત કરી દીધી.
આ પછી હઝરત સઈદ બિન આમિર રદિ. હિજરત (સ્થળાંતર) કરીને મદીના ચાલ્યા ગયા અને કાયમી ધોરણે મુહમ્મદ ﷺની સોબતમાં આવી ગયા. ખૈબરના યુદ્ધ અને તેના પછીના બધા જ યુદ્ધોમાં આપ ﷺની સાથે રહ્યા અને જ્યારે આપ ﷺ તેમના રબની રહેમતના આશિયાનામાં ચાલ્યા ગયા તો હઝરત સઈદ બિન આમિર રદિ. આપ ﷺ ના બન્ને ખલીફા હઝરત અબૂબક્ર સિદ્દીક રદિ. અને હઝરત ઉમર ફારૂક રદિ.ના હર કદમના સાથી બની ગયા.
સઈદ બિન આમિર રદિ.એ પોતાની તમામ શારીરિક અને માનસિક ઇચ્છાઓ અલ્લાહની આજ્ઞા મુજબ અર્પણ કરીને આખું જીવન સાચા મો’મિનના નમૂનારૂપ બનીને રજૂ કર્યું, જેણે સાંસારિક આનંદના બદલે આખિરતના શાશ્વત અને અમર-સફળ જીવનનો સોદો કરી લીધો હતો.
મુહમ્મદ પયગમ્બર ﷺના બન્ને ઉત્તરાધિકારી અબૂ બક્ર રદિ. અને ઉમર ફારૂક રદિ.ની સલાહને ધ્યાનપૂર્વક સાંભળતા અને તેઓની વાતો પર પૂરેપૂરૂં ધ્યાન આપતા હતા. એક વખત હઝરત ઉમર ફારૂક રદિ.ના ખિલાફતના શરૂઆતના દિવસોમાં એમની સેવામાં ગયા અને સલાહ આપતાં કહ્યું, “ઉમર રદિ.! હું આપને સલાહ આપું છું કે પ્રજા વિશે હંમેશાં અલ્લાહથી ભય રાખો અને અલ્લાહના સંબંધમાં લોકોથી કોઈ ભય ન કરો, અને વાણી અને વર્તનમાં કોઈ વિરોધાભાસ ન હોવો જોઈએ, શ્રેષ્ઠ વાણી એ જ છે જેનું પ્રમાણપત્ર વર્તનથી હોય.”
સઈદ બિન આમિર રદિ.એ સંવાદને આગળ વધાવતાં કહ્યું, “ઉમર રદિ.! દૂર અને નજીકના બધા જ મુસલમાનો ઉપર હંમેશાં પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખો, જેની જવાબદારી અલ્લાહે આપ પર નાંખી છે, અને પ્રજા માટે એ જ પસંદ કરો જે આપ પોતાના સંબંધીઓ માટે પસંદ કરો છો, અને સત્ય માર્ગ ઉપર મોટાથી મોટા જોખમની પરવા ન કરતા, અને અલ્લાહ વિશે કોઈ દોષિતથી સમાધાન ન કરતા.”
“સઈદ! આ બધું કોના બસની બાબત છે?” હઝરત ઉમર રદિ.એ તેમની આ વાતો સાંભળીને કહ્યું.
“આ તમારા જેવી વ્યક્તિના બસની વાતો છે જેને અલ્લાહે ઉમ્મતે મુહમ્મદી ﷺના જવાબદાર બનાવ્યા છે, જેના અને અલ્લાહ દરમિયાન બીજો કોઈ પડદો નથી.” હઝરત સઈદ રદિ.એ કહ્યું.
આ સંવાદ પછી ખલીફાએ હઝરત સઈદ રદિ.થી હુકૂમતની જવાબદારીઓ અદા કરવાના સંદર્ભમાં મદદની ઇચ્છા વ્યક્ત કરી અને ફરમાવ્યું, “સઈદ! હું આપને હમસના ગવર્નરપદે નિમણૂક કરી રહ્યો છું.”
“ઉમર રદિ.! હું આપને અલ્લાહનો વાસ્તો આપું છું. મને કસોટીમાં ન મૂકશો.” હઝરત સઈદે ઉત્તર આપતા કહ્યું.
આપનો આ ઉત્તર સાંભળી હઝરત ઉમર રદિ.એ નાપસંદગી દર્શાવતાં કહ્યું, “અલ્લાહ આપનું ભલું કરે, તમે હુકૂમતની ભારે જવાબદારીઓ મારા શિરે મૂકી પોતે આનાથી દૂર થવાના પ્રયત્નો કરવા માંગો છો. અલ્લાહના સોગંદ ! હું આપને ક્યારેય નહીં છોડીશ.”
પછી હઝરત ઉમર રદિ.એ હમસની ગવર્નરી સઈદ બિન આમિરને આપતાં કહ્યું, “હું આપના માટે વેતન નક્કી કરી દઉં છું.”
“અમીરૂલ મોઅમેનીન! મને આની કોઈ જ જરૂરત નથી. બૈતુલમાલથી જે શિષ્યવૃત્તિ મને મળે છે એ મારી જરૂરિયાત મુજબ છે.” આ કહીને હઝરત સઈદ હમસ રવાના થઈ ગયા.
અમુક દિવસો વિત્યા પછી હમસના કેટલાક વિશ્વસનીય લોકોનું એક પ્રતિનિધીમંડળ હઝરત ઉમર રદિ.ની સેવામાં હાજર થયું. હઝરત ઉમર રદિ.એ તેમનાથી ફરમાવ્યું કે મને હમસના ગરીબ અને જરૂરતમંદોના નામો લખીને આપો જેથી હું આ લોકોની જરૂરિયાતો પૂરી કરૂં. આદેશનું પાલન કરતાં તેઓએ ખલીફાની સામે જે યાદી રજૂ કરી એમાં હતું, ફલાણાં ઇબ્ને ફલાણાં, ફલાણાં ઇબ્ને ફલાણાં અને સઈદ બિન આમિર રદિ..
“સઈદ બિન આમિર ? કોણ સઈદ બિન આમિર ?” હઝરત ઉમર રદિ.એ આશ્ચર્યથી પૂછ્યું.
“અમારા ગવર્નર.” પ્રતિનિધિમંડળમાંથી કોઈએ ઉત્તર આપ્યો.
“તમારા ગવર્નર? શું તમારા ગવર્નર ગરીબ છે?” હઝરત ઉમર રદિ. આશ્ચર્યથી પૂછ્યું.
“જી હા. અમીરૂલમોઅમેનીન! અલ્લાહના સોગંદ ! કેટલાક દિવસો તો એવા વીતી જાય છે કે ગવર્નરના ઘરે ભોજન નથી બનતું.” પ્રતિનિધિમંડળમાંથી કોઈએ વર્ણન કરતાં કહ્યું.
આ સાંભળી હઝરત ઉમર રદિ.રડી પડ્યા. આપ લાંબા સમય સુધી રડતા રહ્યા, ત્યાં સુધી કે આપની દાઢી આંસૂઓથી ભિંજાઇ ગઈ. પછી આપ ઊભા થયા અને એક હજાર દીનાર એક થેલામાં મૂકીને પ્રતિનિધિમંડળને સોંપીને કહ્યું, “સઈદને મારા સલામ કહેજો અને કહેજો કે અમીરૂલમોઅમિનીને આ માલ તમારા માટે મોકલ્યો છે. તેથી તમારી જરૂરિયાતો પૂરી કરો.”
પ્રતિનિધિમંડળના લોકો દીનારનો થેલો લઈને હઝરત સઈદ રદિ.ની સેવામાં હાજર થયા અને આપની સમક્ષ દીનારનો થેલો રજૂ કર્યો. સઈદ રદિ.એ દીનારના થેલાને દૂર હટાવીને કહ્યું, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલયહિ રાજિઊન. જાણે કે આપની ઉપર કોઈ મોટી આપત્તિ આવી ગઈ હોય!! અવાજ સાંભળીને તેમની પત્ની ગભરાઈને તરત જ આવી ગયા અને પૂછ્યું:
“સઈદ શું વાત છે ? શું અમીરૂલમોઅમિનીન ગુજરી ગયા?”
“નહીં આનાથી પણ મોટો અકસ્માત થયો છે.” હઝરત સઈદ રદિ.એ કહ્યું.
“શું કોઈ યુદ્ધમાં મુસલમાનો હારી ગયા?” પત્નીએ પૂછ્યું.
“નહીં આનાથી પણ મોટી હોનારત થઈ છે.” હઝરત સઈદ રદિ.એ ઉત્તર આપ્યો.
“આનાથી મોટી હોનારત શું હોઈ શકે?” પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું.
“દુનિયા મારા ઘરે પ્રવેશી ચૂકી છે, મને ડર છે કે આ મારી આખિરતને બરબાદ કરી દેશે.” હઝરત સઈદ રદિ.એ ગંભીર સ્વરમાં ઉત્તર આપ્યો.
“આનાથી છુટકારો લઈ લો.” પત્નીએ સહાનુભૂતિપૂર્વક કહ્યું (હજુ સુધી તે દીનાર વિશે અજાણ હતી).
“શું આ સંબંધે મારી મદદ કરી શકો છો?” હઝરત સઈદ રદિ.એ પુછ્યું.
“હા, શા માટે નહીં.” પત્નીએ જવાબ આપ્યો.
પછી હઝરત સઈદ રદિ.એ બધા દીનારોને ઘણી બધી થેલીઓમાં મૂકી ગરીબોમાં વહેંચી દીધા.
આ વાતને થોડા જ દિવસો થયા હતા કે હઝરત ઉમર બિન ખત્તાબ રદિ. સીરિયાના પ્રદેશોની પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રવાસે નીકળ્યા હતા. હમસ પહોંચતાં, ખલીફાને મળવાની આતુરતા સાથે લોકો ઊમટી પડ્યા. ઉમર રદિ.એ તેમને પૂછ્યું, ‘તમારા નવા ગવર્નર કેવા છે? ‘જવાબમાં, લોકોએ એક પછી એક ચાર ફરિયાદો રજૂ કરી. દરેક ફરિયાદ પહેલી કરતાં વધુ ગંભીર હતી.
પછી હઝરત ઉમર બિન ખત્તાબ રદિ. જણાવે છે કે, “મેં ત્યાંની પ્રજા અને સઈદને એક જગ્યાએ એકઠા કર્યા. અલ્લાહ પાસે દુઆ કરી કે સઈદ વિશે મારા મનમાં કોઈ ખરાબ વિચાર ન આવે. કારણ કે હું સઈદ વિશે ખૂબ આશાવાદી છું. પછી મેં બધાને પૂછ્યું કે, ‘તમને તમારા ગવર્નર વિશે કંઈ ફરિયાદ છે?’
“દિવસે બહુ મોડા સુધી અમારા ગવર્નર સઈદ રદિ. ઘરેથી બહાર નથી નીકળતા.” ફરિયાદી પક્ષે કહ્યું. મે સઈદથી પૂછ્યું કે તમે આ ફરિયાદ વિશે શું કહેવા માંગો છો? સઈદ રદિ. થોડા સમય શાંત રહી બોલ્યા, ખુદાની સોગંદ ! હું આ વાતને જાહેર નહોતો કરવા માંગતો હતો. પરંતુ આને જાહેર કર્યા વગર હવે કોઈ છૂટકો નથી. વાત આ છે કે ઘરે કોઈ નોકર નથી. માટે સવારે ઉઠી આંટો ગૂંદી પછી રોટલીઓ બનાવું છું. આના પછી વુઝૂ કરી લોકોની જરૂરિયાતો પૂરી કરવા બહાર નીકળું છું.
મેં હમસની પ્રજાથી કહ્યું, તમારી બીજી ફરિયાદ શું છે? તેઓ કહ્યું કે અમારા ગવર્નર રાત્રીના સમયે કોઈની ફરિયાદ નથી સાંભળતા. મેં પૂછ્યું, સઈદ આના વિશે તમારે શું કહેવું છે? તો આપે ઉત્તર આપ્યો, અલ્લાહની સોગંદ ! હું આ વાતને પણ જાહેર નથી કરવા માંગતો. મેં દિવસનો સમય પ્રજા માટે અને રાત્રીનો સમય મારા રબ માટે ચોક્કસ કરેલો છે.
મેં ફરિયાદી પક્ષને કહ્યું તમારી ત્રીજી ફરિયાદ કહો. તેઓએ કહ્યું, અમારા ગવર્નર મહિનામાં એક વખત આખા દિવસ ઘરથી બહાર નથી આવતા. મેં પૂછ્યું કે સઈદ તમે આ ફરિયાદ વિશે શું કહેવા માંગો છો ? સઈદ રદિ.એ કહ્યું કે અમીરૂલમોઅમિનીન મારી પાસે કોઈ નોકર નથી. અને મારી પાસે શરીરના આ વસ્ત્ર સિવાય બીજું કોઈ વસ્ત્ર નથી. હું મારા વસ્ત્રને મહિનામાં ફકત એક વાર ધોવું છું અને તે સુકાઈ જાય ત્યાં સુધી રાહ જોવું છું અને સુકાઈ ગયા બાદ દિવસના અંતિમ ભાગમાં પહેરીને બહાર આવું છું.
મેં ફરિયાદી પક્ષને કહ્યું, હવે તમારી છેલ્લી ફરિયાદ કહો. તેઓએ કહ્યું કે અમારા ગવર્નરને સમયાંતરે બેહોશીનો તીવ્ર રોગ છે અને આપ આસપાસના લોકોથી અજાણ થઈ જાય છે. મેં કહ્યું સઈદ રદિ. તમારે આના વિશે શું કહેવું છે? આપે ઉત્તર આપતાં કહ્યું કે “હું ખુબૈબ રદિ.ના કતલના સમય ત્યાં હાજર હતો અને તે સમયે હું અધર્મી હતો. મેં જોયું કે કુરૈશના લોકો ખુબૈબના શરીરના અંગોને ટુકડા કરે છે અને સાથે સાથે કહેતા હતા કે શું તમે પસંદ કરશો કે ખૂબૈબની જગ્યાએ મુહમ્મદ ﷺ હોય અને તમે આ મુશ્કેલીઓથી છુટકારો લઈ લો? તો ખુબૈબ રદિ. જવાબ આપતા કે અલ્લાહના સોગંદ, મને એ પણ પસંદ નથી કે હું સુઃખ શાંતિથી મારા પરિવાર સાથે રહું અને મુહમ્મદ ﷺ ના પગમાં કાંટો પણ વાગી જાય. અલ્લાહના સોગંદ જ્યારે મને આ દૃશ્ય યાદ આવે છે અને સાથે સાથે એ પણ યાદ આવે છે કે તે વખતે મેં ખુબૈબની મદદ કેમ ન કરી? મને આ વાતનું ગંભીર દુઃખ છે કે અલ્લાહ મારી આ બેદરકારીને ક્યારેય માફ નહીં કરે. અને તે વખતે મારા ઉપર બેહોશી છવાઈ જાય છે.” આ વાતો સાંભળી સઈદ રદિ.પ્રત્યેની મારી લાગણીને આઘાત લાગ્યો નથી.
આ પછી હઝરત ઉમર રદિ. તેમના માટે એક હજાર દીનાર મોકલ્યા જેથી સઈદ રદિ. પોતાની જરૂરિયાતો પૂરી કરી લે. જ્યારે તેમની પત્નીએ દીનારોને જોયા તો કહ્યું કે અલ્લાહનો આભાર છે અને કહે છે કે હવે આ પૈસાથી એક ગુલામ અને એક નોકર ખરીદી લો. આ સાંભળી સઈદ રદિ.એ કહ્યુંઃ
“શું તમારે આનાથી સારી વસ્તુની ઇચ્છા નથી?”
“આનાથી સારી વસ્તુ ? આનાથી સારી વસ્તુ શું હોઈ શકે ?” પત્નીએ પૂછ્યું.
“આ પૈસા એમની પાસે સંગ્રહ કરી દઈએ જે આપણને એ વખતે પાછા આપે જ્યારે આપણને આની ખાસ જરૂરત હોય.” હઝરત સઈદ રદિ.એ વર્ણન કર્યું.
“આનું શું સ્વરૂપ હોઈ શકે?” પત્નીએ સમજવાનો પ્રયત્ન કર્યો.
હઝરત સઈદ રદિ.એ કહ્યું, “આ પૈસા અલ્લાહને ઋણ તરીકે આપીએ.”
પત્નીએ કહ્યું, “હા આ વધુ સારૂં છે કે અલ્લાહ આપણને સારો બદલો આપે.”
પછી હઝરત સઈદ રદિ.એ ઊઠતા પહેલાં બધા દીનારોને ઘણી બધી થેલીઓમાં મૂકી ઘરના એક વ્યક્તિને કહ્યું, “આને ફલાણાં કુટુંબની વિધવાઓને, ફલાણાં કુટુંબના અનાથોને, ફલાણાં કુટુંબના ગરીબોને અને ફલાણાં કુટુંબના જરૂરતમંદોને વહેચી દો.”
અલ્લાહ હઝરત સઈદ બિન આમિર રદિ.થી રાજી થાય. આપ તે લોકોમાંથી હતા જે સ્વયં જરૂરિયાતમંદ અને ગરીબ હોવા છતાં પણ પોતાને બીજાઓ ઉપર પ્રાધાન્ય આપે છે.
Best
Nice initiative..JazakAllah