કુર્આન અને યુવાનોઃ એક વિશેષ ચર્ચા

0
103

જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડો. મુહમ્મદ સલીમ પટીવાલાએ હાલમાં કુર્આન અને યુવાનો શીર્ષક હેઠળ એક પોડકાસ્ડ આપ્યો હતા. તેમાં તેઓએ યુવાનો અને કુર્આન વચ્ચેના સંબંધ વિશે ચર્ચા કરી હતી. યુવાનો કુર્આનનું અધ્યયન કરે અને તેના માર્ગદર્શન મુજબ જીવન જીવવા પ્રોત્સાહન મેળવે. વાચકો માટે લાભદાયી હોઈ તેનો ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત છે. (તંત્રી)

પ્રશ્નઃ કુર્આન શું છે. તેની મુખ્ય લાક્ષાણિકતા શું છે ?

જવાબઃ માણસ અલ્લાહ દ્વારા પેદા કરવામાં આવેલ એક સભાન અને વિચારવાન પ્રાણી છે અને માણસ આ ચેતના અને ઉદ્દેશ્ય હેઠળ પોતાનું જીવન જીવવા માંગે છે. તે કોઈ સામાન્ય પ્રાણી નથી કે જે ફક્ત પ્રાણીજન્ય વૃત્તિ પર કાર્ય કરે છે, તે એક હેતુ સાથે પેદા કરવામાં આવ્યો છે, ચેતના સાથે બનાવવામાં આવ્યો છે, તે વિચાર કરનાર અને સમજનાર વ્યક્તિ છે, તે વિચારે છે, જાણવા માંગે છે કે હું કોણ છું ? આ મારૂં જીવન કેવું છે? હું આ દુનિયામાં કેવી રીતે આવ્યો? શા માટે આવ્યો? મને કોણે મોકલ્યો ? દરેક વિચારનાર વ્યક્તિના મનમાં ઉદ્‌ભવતા આ સ્વાભાવિક પ્રશ્નો છે. પણ વાસ્તવિકતા એ છે કે  જ્યારે તે આ દુનિયામાં આવ્યો ત્યારે તેને જીવન વિષે કોઈ જાણકારી ન’હોતી.

મિલી કિતાબે હસ્તી તો
દરમિયાં સે મિલી,
ન ઇબ્તિદા કી ખબર હૈ
ન ઇન્તિહા માલૂમ

આપણને ખબર નથી કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવું છે ? તો માનવીના મનમાં ઉદ્‌ભવતા  આ સ્વાભાવિક પ્રશ્નો છે… આ સ્વાભાવિક પ્રશ્નોના જવાબ આપવા માટે, અલ્લાહે કુર્આન મોકલ્યું અને તેમાં આ કુદરતી પ્રશ્નોના જવાબ મોકલ્યા છે. કુર્આન જીવન જીવવાની એક રીત છે, એક માર્ગદર્શન છે. તો પહેલી વાત એ છે કે માણસના સ્વાભાવિક પ્રશ્નોના જવાબ અને તેને જીવન જીવવાની રીત શીખવાડવા આ પુસ્તક મોકલવામાં આવ્યું છે.

બીજી વાત એ  કે આ બ્રહ્માંડમાં એક જ સર્જક છે, બાકીની રચના તે અલ્લાહ સર્વશક્તિમાનનું સર્જન છે. સર્જનમાં સર્વોચ્ચ સર્જન જે તેનું શિખર છે, તે મનુષ્ય છે, તેથી સર્જનહાર અને સર્જન એટલે કે માનવી વચ્ચેનો સંબંધ કુઆર્ન દ્વારા જોડાયેલો છે. એટલે કે કુર્આન એક દોરડું છે, જેનો એક છેડો અલ્લાહ પાસે છે અને બીજો છેડો હઝરતે ઇન્સાન પાસે છે, અને આને હબ્લુલ્લાહ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે અલ્લાહની રસ્સી.

અન્ય રીતે જોવામાં આવે તો, દરેક પયગમ્બર કે જેઓ અલ્લાહ સર્વશક્તિમાન તરફથી માર્ગદર્શનનો સંદેશ લઈને આવ્યા હતા અને આ વ્યવહારિક સંદેશની સાબિતી માટે કોઈ ચમત્કાર (મોઅજિઝો) લઈને આવ્યા હતા, જેથી લોકોને તેની ખાતરી થાય કે તેઓ અલ્લાહના પયગંબર છે. અલ્લાહના છેલ્લા પયગંબર હોવાથી અને તેમના પછી કોઈ પયગમ્બર આવવાના નહીં હોવાથી તેમને જે ચમત્કાર આપવામાં આવ્યો તે આ કુર્આન છે. કેમકે  હવે તેમના પછી જ્ઞાનનો યુગ શરૂ થવાનો હતો, કાગળ અને કલમનું આવિષ્કાર થઈ ચૂક્યું હતું. કોમ્પ્યુટરના આવિષ્કારની તૈયારી હતી, એટલે  જે ચમત્કાર વ્હાલા નબી સ.અ.વ.ને આપવામાં આવ્યો હતો તે એક વૈજ્ઞાનિક ચમત્કાર હતો જે આ પવિત્ર કુર્આનના રૂપમાં આપણી પાસે છે.

પ્રશ્નઃ આજના યુવાનોનો કુર્આન સાથે શું સંબંધ છે ?

જવાબઃ વાસ્તવમાં, આજના યુવાનો, જેમ મેં કહ્યું,  ફક્ત પોતાને એક પ્રાણી માને છે અને તે જ રીતે જીવવા માંગે છે. તેમની સામે ફક્ત બે જ વસ્તુઓ છે, એક ભૂખ અને બીજી સેક્સ. આ બંનેને પૂરી કરવામાં તેનું આખું જીવન પસાર થાય છે. અને તેને પેટની ભૂખ સંતોષવા અને જાતીય ઇચ્છાને સંતોષવા માટે કોઈ વધારાના નિર્દેશક માર્ગદર્શનની જરૂર હોતી નથી. તે પોતાની પશુગત સહજ વૃત્તિના આધારે જીવન વિતાવે છે. એટલે તેને કુઆર્નમાં કોઈ રસ રહેતો નથી. કારણ કે કુર્આન તેને માણસ બનાવવાનું સૂત્ર આપી રહ્યું છે અને તેનું માનવ બનવા તરફ કોઈ ધ્યાન છે જ નહીં.

કુર્આન તો ઇન્સાન બનાવવાનો ફાર્મુલો આપે છે અને આજના યુવાને ઇન્સાન બનવાની કોઈ ઇચ્છા જ નથી ન તેને પોતાના ઇન્સાન હોવાનું કોઈ ભાન છે , ન તો મુસ્લિમ તરીકે પોતાના શ્રેષ્ઠ ઉમ્મત હોવાનું ભાન છે.

આજના મુસ્લિમ યુવાનોને આ વાતનો અહેસાસ નથી એટલે તેને કુર્આન પાસે જવાની ઇચ્છા નથી, કારણ કે મુદ્દો એ છે કે જો માંગ હશે તો પુરવઠો હશે, માંગ જ નહીં હોય તો સપ્લાય નથી થઈ શકતી. મારે શું પ્રાપ્ત કરવું છે ?  મારી માનવતા કેવી હોવી જોઈએ ? શું હું સારી વ્યક્તિ છું ? મારે કેવી રીતે જીવવું જોઈએ ? આ પ્રશ્નો તેને પજવતા જ નથી. આ જ કારણ છે કે તેઓ કુર્આન સાથે જે સંબંધ સ્થાપિત કરે છે તે માત્ર એક ઔપચારિક સંબંધ છે.

તેનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હોવાથી તે વિચારે છે કે આ અલ્લાહની કિતાબ છે, પવિત્ર પુસ્તક છે, તેથી તે તેને ચુંબન કરે છે, પોતાના માથા પર મૂકે છે, શપથ લેવા માટે તેનો ઉપયોગ કરે છે અથવા સવાબ માટે તેને વાંચે છે, અથવા ઘર અને દુકાનની બરકતના  ઇરાદાથી તેનો ઉપયોગ કરે છે.  આજના મુસ્લિમ યુવાનોને કુર્આન સાથે વધુ કોઈ લેવાદેવા નથી. આ એક મોટી કમનસીબી છે.

પ્રશ્નઃ સહાબા રદિ.નો કુર્આન સાથે શું સંબંધ હતો ?

જવાબઃ આપ સ.અ.વ.ના સમયના સહાબીઓ રદિ.નો ઉછેર ખૂબ જ કુદરતી વાતાવરણમાં થયો હતો. આ કુદરતી વાતાવરણને કારણે તેમની પાસે માત્ર બે જ મૂલ્યવાન વસ્તુઓ હતી . એક વ્હાલા નબી  સ.અ.વ.નો પ્રેમ અને બીજો કુર્આનનો ચમત્કાર. કુર્આનનો જાદુ જે તેમના ઉપર છવાયેલ હતો.

તેથી, તમે જોઈ શકો છો કે સહાબાઓ રદિ.ના સમગ્ર ઇતિહાસમાં બે બાબતોના ઘણા ઉદાહરણો મળે  છે. એક તો  પયગંબર સ.અ.વ. સાથે  અદ્‌ભૂત પ્રેમ અને બીજો પવિત્ર કુર્આન સાથે સંબંધ. અને પવિત્ર કુર્આનની વાત એ છે કે અરબોની મહાન વિશેષતાઓમાંની એક આ હતી કે તેઓ પોતાને ભાષાશાસ્ત્રી કહતા હતા. તેઓ કહેતા હતા કે બોલતાં તેમને જ આવડે છે, બધા તો મૂંગા છે. બીજાઓને તેઓ અજમી એટલે કે મૂંગા કહેતા હતા. આ કારણે જ્યારે કુર્આન નાઝિલ થયું ત્યારે તેની ભાષા અને શૈલીના કારણે તેઓ સંપૂર્ણ રીતે તેને શરણે થઈ ગયા.

સહાબા રદિ.ના જીવનમાં કુર્આનનું સ્થાન એવું હતું  કે આપણે તેની કલ્પના પણ કરી શકતા નથી. એટલે કે, આપણે જોઈએ છીએ કે સહાબા આખી આખી રાત એક આયતના પઠનમાં વ્યતિત કરી દેતા હતા. રાત વીતી જાય છે અને તેઓને પોતાનું ભાન રહેતું નથી. અને પછી તેમની પઠનની શૈલી એવી હતી  કે અલ્લાહના રસૂલ સ.અ.વ. પણ તે સાંભળવા આતુર હોય છે.  હઝરત અબૂ મુસા અશઅરી રદિ.ની વાત આવે છે કે અલ્લાહના રસૂલ સ.અ.વ. તેમને આગ્રહ કરતા હતા કે મને કુર્આન સંભળાઓ. તે  કહેતા હતા કે તેમને હઝરત દાઉદની ગાયકીનો એક ભાગ પ્રાપ્ત થયો છે, જ્યારે તે કુર્આનનું પઠન કરતા તો મૌન છવાઈ જતું. બીજા પણ ઘણા લોકો છૂપી રીતે તેમનું પઠન સાંભળતા હતા.

પછી કુર્આન પર વિશ્વાસની વાત એવી હતી કે હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ. જ્યારે સૂરઃ રૂમની આયતો નાઝિલ થઈ અને કહેવામાં આવ્યું કે ટૂંક સમયમાં રોમ ફરી વિજયી થઈ જશે, જો કે તે સમયે કોઈ દૂરની શક્યતા પણ  નહોતી કે રોમનું વિજય થાય, પરંતુ જ્યારે કુર્આનની આ સૂરઃ  પ્રગટ થઈ, ત્યારે હઝરત અબૂ બક્રે પોતાના એક મિત્ર સાથે આ બાબતે કેટલાક ઊંટોની શરત લગાડી દીધી. આ હતું કુર્આન પર તેમના વિશ્વાસનો દાખલો.

વાસ્તવમાં, તેઓ પોતાના માટે કુર્આનને વાંચતા હતા. ત્યારે કુર્આન પર ચિંતન અને મનનની આપણા જેવી રીત નહોતી આજે આપણે માત્ર કેટલાક જ્ઞાનના મુદ્દાઓ મેળવવા માટે કુઆર્ન પર ચિંતન કરીએ છીએ. સહાબા પવિત્ર કુર્આનમાં પોતાની છબી શોધવા માંગતા હતા. અને પોતાના વ્યવહારિક જીવન માટે માર્ગદર્શન મેળવવાનું પ્રયત્ન કરતા હતા.  હઝરત ઉમર રદિ.એ  કહ્યું કે અમે આઠ વર્ષમાં સૂરઃ બકરહનો પાઠ પૂર્ણ કર્યો. આઠ વર્ષમાં આ સૂરઃ વાંચવાનો શું અર્થ છે ? એટલે કે દરેક આયત વાંચ્યા પછી, તે પોતાના જીવનમાં તેનું મૂલ્યાંકન કરતા હતા, તે વિચારતા હતા કે મારા જીવનમાં આ આયતની શું અસર છે, ક્યાં કંઈક ખૂટે છે ? હું ક્યાં ઉભો છું ? એ આયતના અરીસામાં તે પોતાની જાતને જોતા હતા. તેઓ પોતાને કુર્આનની પરીધીમાં લાવી કુર્આનનું અધ્યયન કરતા હતા.

પ્રશ્નઃ આજના યુગમાં કુર્આનનું અધ્યયન કેવી રીતે કરવામાં આવે ?

જવાબઃ આજના ડિજિટલ યુગમાં, આ કાર્ય ખૂબ જ સરળ બની ગયું છે, તે સમજવામાં ખૂબ જ સરળ બની ગયું છે, એટલે કે હવે ઘણા બધા વર્ગો છે અને ઘણા લોકો એવા છે જે ઇન્ટરનેટ પર કુર્આનનું  શિક્ષણ આપી રહ્યા છે. ઘણી બધી એપ્સ આપણી સામે આવી છે કે જો આપણે માત્ર એક જ શબ્દ જાણતા હોઈએ તો તે શબ્દ કુર્આનમાં ક્યાં અને કેટલી જગ્યાએ આવ્યો છે તે જાણી શકાય. આવી અધિકૃત જગ્યાઓથી બહુ ઓછા સમયમાં આપણે કુર્આનથી જોઈતી માહિતી મેળવી શકીએ છીએ. તેથી, આજના યુગમાં, ડિજિટલાઇઝેશને કુર્આનને સમજવાનો માર્ગ ખૂબ જ સરળ બનાવી દીધો છે.

યુવાઓને સંદેશ

અલ્લાહ માટે તમારા માનવ હોવાને સમજો અને સારા માનવી અને સારી કોમ બનવાની જરૂરિયાતને સમજો. માનવતાનો હક અદા કરો, ઉમ્મતનો હક અદા કરો અને તમારા જીવનના ઉદ્દેશ્યને સમજવાનો પ્રયાસ કરો અને આ હેતુને સમજવા માટે પવિત્ર કુર્આનથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી, જે તમને તમારા પોતાના માનવ હોવાનું સન્માન આપી શકે. જ્યારે આપણે કુર્આન છોડી દીધું, ત્યારે આપણે માનવતામાંથી નીચે આવી ગયા, આપણે આપણા સ્થાનેથી નીચે ઉતરી ગયા. જો આપણે કુર્આનને પકડી રાખીશું, તો આપણે આપણી માનવતાના હેતુને પણ પૂર્ણ કરી શકીશું અને એક શ્રેષ્ઠ ઉમ્મત બનવા તરફ આગળ વધી શકીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here