(ન્યૂઝ ડેસ્ક) દુનિયાભરમાં ભારતનો પરિચય વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે થાય છે. બ્રિટિશ સામ્રાજ્યથી તેની આઝાદીના અઢી વર્ષ પછી, ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ તેના બંધારણની જાહેરાત સાથે ભારત એક સાર્વભૌમ લોકશાહી દેશ બન્યો, અને તેણે હવે પીપલ્સ રિપબ્લિક તરીકે ૭૪ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ૭૪ વર્ષોમાં જ્યારે દેશે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, ત્યારે તે વિવિધ સામાજિક-આર્થિક સમસ્યાઓનો પણ ભોગ બન્યો છે. દેશની સત્તા સમાજવાદી વલણ ધરાવતા નેતાઓ પાસેથી હિન્દુત્વના ફાસીવાદી વિચારધારાઓના હાથમાં ગઈ છે. આ સફર દરમિયાન અનેક ઉથલપાથલમાંથી પસાર થયા બાદ દેશ જ્યાં ઊભો છે તે ભારતની બહુમતી વસ્તીની આકાંક્ષાઓ અનુસાર નથી અને ન તો આજનું ભારત ભારતીય બંધારણના ઘડવૈયાઓના સપનાઓનું પ્રતિબિંબ પાડે છે. પ્રજાસત્તાક દિવસ એ માત્ર રાષ્ટ્રીય ઉજવણીનો પ્રસંગ નથી પણ દેશના શાસકો અને નાગરિકો માટે જવાબદારીની ક્ષણ પણ છે. દેશના લોકતાંત્રિક ઇતિહાસના આ મહત્ત્વના દિવસના અવસરે આપણે ક્યાંથી શરૂઆત કરી અને આજે આપણે ક્યાં ઊભા છીએ તેનો હિસાબ લેવો જરૂરી છે. બંધારણના સ્થાપકોનું સપનું હતું કે તેમનો દેશ કલ્યાણકારી રાજ્ય બને, અહીંના લોકો સંપૂર્ણ સંવાદિતા અને પ્રેમથી સાથે રહે અને બાહ્ય અને આંતરિક શાસકો દ્વારા દબાયેલા લોકોને સામાજિક અને આર્થિક લાભો આપવામાં આવે. સ્વતંત્રતા, સમાનતા અને સમૃદ્ધિ જે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આકાંક્ષા હતી. બંધારણના ઘડવૈયાઓએ ભારતને ‘બહુલતામાં એકતા’નો દેશ જાહેર કર્યો અને બંધારણ લોકશાહી અને કાયદાના શાસન પર આધારિત હતું. બંધારણના ઘડવૈયા ઇચ્છતા હતા કે અહીંના લોકોને મુક્ત અને લોકતાંત્રિક વાતાવરણ મળે, જેમાં પ્રત્યેક નાગરિકને અસહમતિ વ્યક્ત કરવાનો અને સહિષ્ણુતાના આધારે ભારતીય સમાજનું નિર્માણ કરવાનો અધિકાર હોય. જો કે, સમાજમાં ન્યાય, સમાનતા અને ભાઈચારાનું વાતાવરણ વિકસાવવાને બંધારણમાં પ્રથમ અગ્રતા આપવામાં આવી છે. બંધારણની પ્રસ્તાવનામાં જાહેર કરવામાં આવ્યું હતું કે દરેક વ્યક્તિને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવામાં આવશે. ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશ કે લિંગના આધારે કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં, દરેકની સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે અને દરેકને વિકાસની સમાન તકો મળશે. દરેક વ્યક્તિને વિચાર અને અકીદાની સ્વતંત્રતા હશે તેની ખાતરી પણ આપવામાં આવી હતી. તેમજ અભિવ્યક્તિ અને ઇબાદતના અધિકારને માન્યતા આપવામાં આવી હતી. બંધારણના ઘડવૈયાઓએ ભારતની વિશિષ્ટ પરંપરાઓને ધ્યાનમાં રાખીને બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો જેથી તે ભારત જેવા બહુ-ધામિર્ક, બહુ-સાંસ્કૃતિક અને બહુભાષી દેશના તમામ નાગરિકોની જરૂરિયાતો પૂરી કરી શકે. પરંતુ બંધારણના આ શબ્દો આજના વાતાવરણમાં સંપૂર્ણપણે નિરાશાજનક લાગે છે. છેલ્લા સાત દાયકાથી વધુ સમય દરમિયાન, બંધારણના આ સિદ્ધાંતોનું ભારે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ જ કારણ છે કે આજે દેશની વસ્તીનો મોટો હિસ્સો, ખાસ કરીને લઘુમતીઓ, ચિંતાની સ્થિતિમાં છે, જેઓ સરકારોના વલણ અને વર્ગો વચ્ચે ભેદની રેખા દોરતી નીતિઓને કારણે તેમના બંધારણીય અધિકારો માટે ચિંતિત છે.
દુર્ભાગ્યવશ, ભારતીય પ્રજાસત્તાકની ૭૪મી વર્ષગાંઠ નિમિત્તે એ કહેવું જરૂરી છે કે ધામિર્ક દ્વેષ, પરસ્પર દુશ્મનાવટ અને અણબનાવ દેશના હિતમાં નથી. આ વસ્તુઓનું નુકસાન માત્ર એક ધામિર્ક જૂથને પહોંચતું નથી, બલ્કે સમગ્ર દેશને તેનો ભોગ બનવું પડે છે. ધામિર્ક દ્વેષ અને અસમાનતા અને અન્યાયથી દેશને ન તો આર્થિક રીતે મજબૂત બનાવી શકાય છે અને ન તો તે લોકશાહી દેશ તરીકે રહી શકે છે. જો દેશનો શાસક વર્ગ ભારતના બંધારણને તેની સંપૂર્ણ ભાવના સાથે અમલમાં મૂકે તો દેશ આજે જે સંકટમાંથી પસાર થઈ રહ્યો છે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મોકળો થઈ શકે છે.
આપણા દેશમાં ધનવાનોમાં ખાનગી સંપત્તિમાં વધારો અને સંપત્તિના કેન્દ્રીયકરણનો દર પણ ખૂબ જ ચિંતાજનક છે. દેશની નીચેની અડધી વસ્તી દેશની સંપત્તિના માત્ર ૬ ટકાની માલિકી ધરાવે છે, જ્યારે ટોચના ૧ ટકા લોકો દેશની ૩૩ ટકા સંપત્તિ ધરાવે છે અને ટોચના ૧૦ ટકા લોકો દેશની ૬૬ ટકા સંપત્તિ ધરાવે છે. બીજું એક ચિંતાજનક પાસું એ છે કે એક તરફ ખાનગી સંપત્તિમાં ભારે વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ જાહેર અને સરકારી સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આર્થિક અસમાનતાની આ સ્થિતિ વ્યાપક છે. આ અસમાનતા માત્ર સંપત્તિ અને આવકમાં જ નથી પરંતુ તેની અસર તેમની જીવનશૈલી અને સામાજિક વ્યવહારમાં પણ જોવા મળે છે. નિમ્ન વર્ગની રાજકીય ભારણહીનતાએ આ પરિસ્થિતિને વધુ ચિંતાજનક બનાવી છે, તેઓ ન તો નીતિ ઘડતર પર કંઈ કહી શકે છે કે ન તો પ્રભાવિત કરી શકે છે. ત્યારે આપણો દેશ થોડાક અમીર લોકોનો અને કરોડો ગરીબોનો દેશ બની ગયો છે. શાસકો પ્રજાની વાસ્તવિક સમસ્યાઓ પર ધ્યાન આપવાને બદલે બહુમતીની ધામિર્ક લાગણીઓને તુષ્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે દેશની સામાજિક નેતાગીરી અને સભાન જનતાએ જવાબ આપવો પડશે કે આ પ્રકારના શાસનથી તેમનું શાંતિપૂર્ણ, આરામદાયક અને સમૃદ્ધ જાહેર જીવનનું સ્વપ્ન ક્યારેય સાકાર થઈ શકશે કે કેમ. •••