સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસઃ રાષ્ટ્રીય સ્તરનો પક્ષ હાંસિયામાં

0
3

ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતના પરિણામ ગત 29મી એપ્રિલે જાહેર થયા. આ પરિણામો સૂચવે છે કે કોંગ્રેસનો ગ્રામ્ય આધાર સતત ઘટતો જાય છે. શહેરી આધાર તો કોંગ્રેસ દાયકા પહેલાં ગુમાવી ચૂકી હતી, છતાં ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનો પરંપરાગત વોટર જળવાઈ રહેતો હતો, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે ભાજપે પોતાનો પગપેસારો કર્યો છે તે જોતાં કોંગ્રેસને કમબેક કરતાં વર્ષો લાગી જશે તેવું પ્રતીત થાય છે.

2021ની સરખામણીએ મહાનગરપાલિકાઓમાં મતોની ટકાવારીમાં વધારો જોવા મળ્યો હતો. 2021માં 46 ટકા મતદાન થયું હતું જ્યારે 2026માં 49.2% મતદાન થયું હતું. 2021માં 7 મહાનગરપાલિકા હતી જેમાં ભાજપને 485 અને કોંગ્રેસને 57 તથા આપને 28 બેઠકો મળી હતી. 2026માં 8 નવી મહાનગરપાલિકાનો ઉમેરો થતાં કુલ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપાએ 1044, કોંગ્રેસે 95 અને અન્યને કુલ 12 બેઠકો પ્રાપ્ત થઈ છે. ગત વર્ષની સરખામણી કરીએ તો કોંગ્રેસને મહાનગરપાલિકામાં કુલ 10% જેટલી સીટો મળી હતી જ્યારે 2026માં તેને ફાળે માત્ર 9 ટકા બેઠકો ગઈ છે. તમામ 15 મનપા પર ભગવાધારી પાર્ટીએ વિજય હાંસલ કર્યો છે. આવી જ રીતે 84 નગરપાલિકામાં ભાજપની 78 જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર 6 નગરપાલિકા ગઈ છે. 34 જિલ્લા પંચાયતો પૈકી માત્ર એક જિલ્લા પંચાયત આપને ફાળે ગઈ છે, બાકીની 33 પંચાયતો ભાજપાએ સર કરી છે. 2021માં પણ કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી…

પ્રશ્ન આ છે કે શા માટે ભાજપા લોકોમાં આટલી સ્વીકૃત બની જાય છે? શું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર બિલકુલ ખતમ થઈ ગયો છે?

• શું ભાજપા પાસે સ્વચ્છ છબીના ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે?

• શું ભાજપના રાજમાં રોડ, રસ્તા, ગટર, પાણી, લાયબ્રેરી, સ્ટ્રીટ લાઈટ, બગીચા વગેરે આદર્શ સ્થિતિમાં પહોંચી ગયા છે?

• કે પછી મ્યુનિસિપલ વેરામાં ધરખમ ઘટાડો કરી દેવામાં આવ્યો છે?

ના, આમાંનું એક પણ પરિબળ નથી! સત્તા કોઈની પણ હોય ભ્રષ્ટાચાર તો થાય જ છે અને થતો રહેશે. ભ્રષ્ટાચાર આપણા દેશનો ‘વ્યવહાર’ છે, જે વ્યવહારમાંથી કઈ રીતે જાય! બીજું, ભાજપાના ઉમેદવારો બધી જ રીતે સારી છબીના જ હોય અને લોકો પાસે બીજો કોઈ વિકલ્પ જ બચ્યો ન હોય એવું પણ નથી; કે નથી કોંગ્રેસના તમામ ઉમેદવારો લુખ્ખા અને તડીપાર. એવું પણ નથી કે ભાજપે મ્યુનિસિપલ હસ્તક આવતાં તમામ કામો કરી દીધાં છે અને લોકો પાસે ભાજપા સિવાય કોઈ વિકલ્પ જ નથી.

ભાજપાએ વેરા ઉઘરાવવામાં સખત નીતિ અનુસરી છે. જંત્રીમાં ધરખમ વધારો, વેરામાં બેફામ વધારો, લોકોને મૂળભૂત કાર્યો કરાવવા વેઠવી પડતી હાલાકી વગેરે મુદ્દાઓ સત્તા પરિવર્તનનું કારણ ન બની શક્યા.

હકીકતમાં ભાજપ ‘હિન્દુઓની પાર્ટી છે’ તે પ્રસ્થાપિત કરવાની ઝુંબેશ સમગ્ર મીડિયાએ ૨૦૧૨થી ઉપાડી લીધી હતી. કોર્પોરેટના તમામ હિતો ભાજપાની કાર્યક્ષમ નેતાગીરીમાં જ છુપાયેલા છે તેમ પારખી ગયેલા મૂડીવાદીઓએ મીડિયાના હવનમાં ઘી હોમવાનું કામ કર્યું. દેશ સ્પષ્ટ રીતે બે વિચારધારામાં વહેંચાઈ ગયો છેઃ એક હિન્દુઓની રાષ્ટ્રવાદી વિચારધારા અને બીજી ધર્મનિરપેક્ષતાના ઝંડાધારીઓની વિચારધારા.

રાષ્ટ્રવાદી વિચારધારાનું માનવું છે કે દેશમાં હિન્દુઓનો દબદબો હોવો જોઈએ, સમાનતા માત્ર હિન્દુઓની વચ્ચે હોવી જોઈએ, નિર્ણયો બહુમતીની અપેક્ષા, શ્રદ્ધા અને માન્યતાના આધારે હોવા જોઈએ. હિન્દુઓની ધાર્મિક લાગણી ન દુભાઈ જાય તેની કાળજી બીજી માન્યતા ધરાવનારા લોકોએ લેવી જોઈએ. બહુમતીનો દરજ્જો તમામ લઘુમતી કરતાં વિશેષ હોવો જોઈએ. બહુમતીની આસ્થાનું સન્માન લઘુમતીએ કરવું જ જોઈએ – આવી માનસિકતા બહુમતીને આકર્ષિત કરે છે અને તેમના અસ્તિત્વ પર જોખમ હોવાનો આભાસી અરીસો બતાવી સતત ડર અને લઘુતાગ્રંથિને નફરત તથા બદલાની ભાવનામાં તબદીલ કરે છે.

બીજી તરફ ધર્મનિરપેક્ષ વિચારધારા છે, જે ધર્મ, જ્ઞાતિ, રંગ અને સ્થાનની અગ્રિમતાથી ઉપર ઉઠી સમાનતા, બંધુતા અને એકતામાં વિશ્વાસ ધરાવે છે. જેમાં પોતાના અંગત ફાયદાઓ અને સ્વાર્થની જગ્યાએ ન્યાયને પ્રાથમિકતા આપવાની શુદ્ધ ભાવના રહેલી છે. બંને વિચારધારામાં પહેલી વિચારધારા ટૂંકા ગાળા માટે લાભદાયક દેખાય છે અને લાભદાયક નીવડે પણ છે, પરંતુ તેના પરિણામો રાજ્યમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે; જ્યારે બીજી વિચારધારા રાજ્યમાં હકો, અધિકારો અને જવાબદારીઓની સુંદર વહેંચણી છે, જે ન્યાય અને શાંતિની પ્રતીક છે. તે સંસાધનોની ન્યાયિક વહેંચણી અને લોકશાહી દ્વારા આપવામાં આવેલી સ્વતંત્રતાના રક્ષણની જામીનગીરી છે. બીજી જ વિચારધારા લાંબા ગાળે ટકી શકશે એ લોકોને થોડા સમય પછી સમજાશે. ત્યાં સુધી હિન્દુઓના તુષ્ટિકરણ દ્વારા રાષ્ટ્રવાદના નામે સત્તા ભોગવાતી રહેશે.

– મુહમ્મદ કલીમ અન્સારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here